ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/નારદ, પર્વતક અને વસુનો વૃત્તાન્ત


નારદ, પર્વતક અને વસુનો વૃત્તાન્ત

આ બાજુ, ચેદિ વિષયમાં શુક્તિમતી નગરીમાં ક્ષીરકદંબ નામે ઉપાધ્યાય હતો. તેનો પર્વતક નામે પુત્ર હતો. ત્યાં નારદ નામે બ્રાહ્મણ હતો અને વસુ નામે રાજપુત્ર હતો. તે બધા શિષ્યો એકત્ર થઈને (ઉપાધ્યાયને ત્યાં) આર્યવેદનું પઠન કરતા હતા. કાળે કરીને તે પ્રદેશમાં સુખી અને અનુકૂળગતિથી વિચરતા બે સાધુઓ ક્ષીરકદંબ ઉપાધ્યાયને ઘેર ભિક્ષાને માટે આવ્યા. તેમાંના એક અતિશયજ્ઞાની હતા. તેમણે બીજા સાધુને કહ્યું, ‘આ જે ત્રણ જણા છે, તેમાંથી એક રાજા થશે, એક નરકગામી થશે, એક દેવલોકમાં જશે.’ પ્રચ્છન્ન સ્થળે ઊભેલા ક્ષીરકદંબ ઉપાધ્યાયે આ સાંભળ્યું. તેને વિચાર થયો, ‘વસુ તો રાજા થશે, પરંતુ પર્વત અને નારદ એ બે જણામાંથી નરકમાં કોણ જશે?’ પછી તે બે જણની પરીક્ષા કરવા માટે તેણે એક કૃત્રિમ બકરો કરાવ્યો, તથા તેની અંદર લાખનો રસ ભર્યો. પછી નારદને તેણે કહ્યું, ‘પુત્ર! આ બકરાને મેં મંત્રથી થંભાવી દીધો છે, આજે કૃષ્ણપક્ષની આઠમના દિવસે સંધ્યાકાળે તું જજે, અને જ્યાં કોઈ ન જુએ એવા સ્થળે તેનો વધ કરીને જલદી પાછો આવજે.’ પછી નારદ બકરાને લઈને ‘જ્યાં કોઈનો સંચાર નહીં હોય એવી શેરીમાં અંધારામાં છાની રીતે શસ્ત્રથી તેનો વધ કરીશ’ એમ વિચારીને નીકળ્યો, પરંતુ ‘અહીં તો ઉપરથી તારાગણો પણ જુએ છે’ એમ થતાં તે ગહન વનમાં ગયો. ત્યાં તેણે વિચાર્યું, ‘અહીં સચેતન વનસ્પતિઓ જુએ છે.’ પછી તે દેવકુલમાં આવ્યો, પણ ત્યાં તો દેવ જોતા હતા. ત્યાંથી નીકળીને તે વિચાર કરવા લાગ્યો, ‘જ્યાં કોઈ ન જુએ ત્યાં બકરાનો વધ કરવાનો છે; પણ આને તો હું પોતે જ જોઉં છું, માટે ખરેખર આ અવધ્ય છે.’ એમ નિશ્ચય કરીને તે પાછો વળ્યો અને પોતાનું બધું ચિંતન ઉપાધ્યાયને કહ્યું. તેણે કહ્યું, ‘શાબાશ! પુત્ર નારદ! તેં સાચો વિચાર કર્યો. તું જા, આ રહસ્ય કોઈને કહીશ નહીં.’

પછી બીજી રાત્રે ઉપાધ્યાયે પર્વતકને એ જ પ્રમાણે આજ્ઞા આપી. તેણે શેરીનું નાકું નિર્જન હોવાનું જાણીને બકરાનો ત્યાં જ શસ્ત્રથી વધ કર્યો, તથા અંદરનો લાખનો રસ છંટાવાને લીધે તેને રુધિર માનીને તેણે સચૈલ સ્નાન કર્યું અને ઘેર આવીને પિતાને કહેવા લાગ્યો. પિતાએ કહ્યું, ‘પાપી! જ્યોતિષ્ક દેવો, વનસ્પતિઓ અને પ્રચ્છન્નચારી ગુહ્યકો મનુષ્યનું આચરણ જુએ છે; તું પોતે જ જોતો હતો, છતાં ‘હું જોતો નથી’ એમ માનીને બકરાનો તેં વધ કર્યો, માટે તું નરકમાં જવાનો છું. ચાલ્યો જા.’

વિદ્યાગ્રહણ કરીને તથા ક્ષીરકદંબનો સત્કાર કરીને નારદ સ્વસ્થાને ગયો. દક્ષિણા આપવાની ઇચ્છાવાળા વસુને ઉપાધ્યાયે કહ્યું, ‘વસુ! તું જ્યારે રાજા થાય ત્યારે માતા સહિત પર્વતક પ્રત્યે સ્નેહભાવવાળો થજે. એ જ મારી દક્ષિણા છે. હું તો હવે ઘરડો થયો છું.’ પછી વસુ ચેદિદેશની (શુક્તિમતી) નગરીમાં રાજા થયો.

એક વ્યાધે એક વાર અટવીમાં મૃગનો વધ કરવાની ઇચ્છાથી બાણ છોડ્યું, પરન્તુ તેની અને મૃગની વચ્ચે આકાશસ્ફટિક પથ્થર(નજરે દેખાય નહીં, પણ માત્ર સ્પર્શથી જ જાણી શકાય એવો ચમત્કારિક પથ્થર) આવેલો હોવાને કારણે મૃગ વીંધાયો નહીં અને બાણ પાછું વળ્યું. આથી શંકા પડતાં વ્યાધ પોતે બાણ છોડ્યું હતું તે માર્ગે ગયો, તો પથ્થર હોવાનું જાણ્યું. ‘આ વસ્તુ રાજાને યોગ્ય છે’ એમ વિચારીને ત્યાં તેણે ઝાડ કાપીને નિશાની કરી અને વસુરાજાના મંત્રીને ખબર આપી. તેણે વ્યાધનો સત્કાર કર્યો અને સ્ફટિકપથ્થર મંગાવ્યો. તેના ઉપર રાજાનું સિંહાસન સ્થાપિત કર્યું. આ ગુપ્ત વાત ફૂટી ન જાય તે ભયથી, જેઓ પથ્થરો લાવ્યા હતા તેમને સ્ત્રી સહિત મંત્રીએ મરાવી નાખ્યા. સિંહાસન ઉપર બેઠેલો રાજા (નીચેનો આકાશસ્ફટિક નજરે નહીં પડવાને કારણે) જાણે આકાશમાં રહેલો હોય તેવો લોકોને જણાવા લાગ્યો. આથી ‘વસુ રાજા જમીનથી અધ્ધર રહે છે’ એવી તેની ખ્યાતિ થઈ.

ક્ષીરકદંબ ઉપાધ્યાય કાલધર્મ પામ્યા. પર્વતક ઉપાધ્યાયપણું કરવા લાગ્યો. કોઈ એક વાર પર્વતકના શિષ્યો નારદની પાસે ગયા. તેમને નારદે વેદના પદોનો અર્થ પૂછતાં તેઓ અર્થ વર્ણવવા લાગ્યા, જેમ કે ‘અજ વડે યજ્ઞ કરવો.’ હવે, ‘અજ’ શબ્દ ‘બકરો’ તથા ‘ત્રણ વર્ષ જૂનાં ડાંગર અને જવનાં બીજ’ એમ બે અર્થમાં પ્રયોજાય છે, પરન્તુ પર્વતકના શિષ્યો તેનો ‘બકરો’ એવો જ અર્થ કરતા હતા. ત્યારે નારદે વિચાર કર્યો, ‘હું પર્વતકની પાસે જાઉં. એ મિથ્યાભાષીને આ માટે પૂછવું જોઈએ તેમ જ ઉપાધ્યાયના મરણથી દુઃખી થયેલા તેને મળવું જોઈએ.’ એ પ્રમાણે વિચાર કરીને તે ઉપાધ્યાયને ઘેર ગયો. ઉપાધ્યાય-પત્નીને વંદન કર્યું અને પર્વતકને કહ્યું, ‘તું શોક ન કરીશ.’

‘હું રાજાથી સત્કાર પામેલો છું’ એ પ્રમાણે ગર્વિત થયેલો પર્વતક એક વાર મહાજનોની મધ્યમાં એમ નિરૂપણ કરતો હતો કે, ‘અજ એટલે બકરો; તે વડે યજન કરવું જોઈએ.’ નારદે તેને રોક્યો કે, ‘એમ ન બોલ; ‘(અજ’ શબ્દમાં) વ્યંજનનો અભિલાપ એકસરખો છે, પણ દયાધર્મની અનુમતિથી એમાં અર્થ ધાન્યનો લેવાનો છે.’ પણ પર્વતકે એ વાત સ્વીકારી નહીં. તે બે જણાની વચ્ચે મત્સરયુક્ત વિવાદ થતાં પર્વતકે કહ્યું, ‘જો હું વિતથવાદી — મિથ્યાભાષી હોઉં તો વિદ્વાનોની સમક્ષ મારી જીભ કાપવામાં આવે, નહીં તો તારી કાપવામાં આવે.’ નારદે કહ્યું, ‘એમાં પ્રતિજ્ઞા કરવાની શી જરૂર છે? તું અધર્મ ન કર. ઉપાધ્યાયના ઉપદેશને હું વર્ણવું છું.’ પર્વતક બોલ્યો, ‘તો હું શું સ્વચ્છંદથી કહું છું? હું પણ ઉપાધ્યાયનો પુત્ર છું. પિતાએ મને એમ જ કહેલું છે.’ પછી નારદે કહ્યું, ‘આપણા આચાર્યનો ત્રીજો શિષ્ય, જમીનથી અધ્ધર બેસતો, ક્ષત્રિય હરિવંશમાં જન્મેલો વસુરાજા છે. તેને આપણે પૂછીએ. તે જે કહેશે તે પ્રમાણ ગણાશે.’ પર્વતકે કહ્યું, ‘એમ થાઓ.’

પછી પર્વતકે આ વિવાદની વાત પોતાની માતાને કહી. માતાએ કહ્યું, ‘પુત્ર! તેં ખોટું કર્યું. ગ્રહણ અને ધારણામાં સમર્થ નારદ હંમેશાં તારા પિતાનો માનીતો હતો.’ પણ પર્વતક બોલ્યો, ‘તું એમ ન બોલ. જેણે સૂત્ર અને અર્થનું ગ્રહણ કર્યું છે એવો હું વસુના વચનથી નારદને પરાજિત કરીને તથા તેની જીભ કપાવીને દેશપાર કરીશ; તે તું જોજે.’ પણ પુત્રની પતીજ નહીં કરતી તે માતા વસુ પાસે ગઈ. તેણે સંદેહની બાબત વસુને પૂછી કે, ‘ઉપાધ્યાયના મુખેથી તમે શું સાંભળ્યું હતું?’ વસુએ કહ્યું, ‘નારદ કહે છે તે પ્રમાણે જ છે. હું પણ એ જ પ્રમાણે કહું છું.’ એટલે તે બોલી, ‘જો એમ છે તો તમે જ મારા પુત્રનો વિનાશ કરનાર છો, માટે તમારી આગળ જ પ્રાણત્યાગ કરું છું.’ એમ કહીને તેણે પોતાની જીભ ખેંચવા માંડી. એટલે રાજાની પાસે રહેનારાઓએ વસુ રાજાને કહ્યું, ‘દેવ! ઉપાધ્યાય, પત્નીનું વચન પ્રમાણ કરવું જોઈએ. એમ કરવામાં જે પાપ થશે તે આપણે સરખું વહેંચી લઈશું.’ એ પ્રમાણે ઉપાધ્યાય-પત્નીના મરણ-ભયનું નિવારણ કરવા માટે રાજાની પાસે રહેલા પર્વતકના પક્ષના બ્રાહ્મણોએ વસુરાજા પાસે એ વસ્તુ ગ્રહણ કરાવી. વસુરાજાએ આનાકાનીપૂર્વક સ્વીકાર્યું કે, ‘હું પર્વતકના પક્ષનું બોલીશ.’ પછી જેણે પોતાનું કાર્ય સિદ્ધ કર્યું છે એવી બ્રાહ્મણી ઘેર આવી.

બીજે દિવસે બે પ્રકારના લોકો એકત્ર થયા — કેટલાક નારદની પ્રશંસા કરવા લાગ્યા, અને કેટલાક પર્વતકની. વસુને પૂછવામાં આવ્યું, ‘કહે, સત્ય શું છે?’ તેણે કહ્યું, ‘અજ એટલે બકરો; તેનાથી યજન કરવું જોઈએ.’ તે વખતે સત્યના પક્ષમાં રહેલી દેવતાએ તેના સિંહાસન ઉપર પ્રહાર કર્યો અને તે ભૂમિ ઉપર સ્થાપિત કરી દીધું. ઉપરિચરભૂમિથી અધ્ધર રહેનાર — વસુ ભૂમિચર થયો. પોતાને આવું બોલવા માટે ઉત્તેજન આપનાર બ્રાહ્મણોની સામે તેણે જોયું. તેઓએ કહ્યું, ‘તે જ વાદને વળગી રહેવું જોઈએ.’ એટલે મૂઢતાથી વસુ રાજા કહેવા લાગ્યો, ‘જે અર્થ પર્વતક કહે છે તે બરાબર છે.’ નારદે કહ્યું, ‘રાજા! પર્વતકનો પક્ષ તેં કર્યો; હજી પણ સત્યનું અવલંબન કર, કારણ કે હજી તું ભૂમિતલ ઉપર છે.’ છતાં ‘તારો ઉદ્ધાર અમે કરીશું’ એમ બોલતા બ્રાહ્મણોની પ્રેરણાથી વસુ બોલતો હતો ત્યાં જ રસાતલમાં પહોંચી ગયો. ‘આ પર્વતે રાજાનો વિનાશ કર્યો’ એ રીતે લોકોએ પર્વતકને ધિક્કાર્યો. પછી નારદ ચાલ્યો ગયો.

આ પછી વસુ રાજાના આઠ પુત્રોનો અનુક્રમે રાજ્યાભિષેક કરવામાં આવ્યો, પણ તે સર્વેનો દેવતાએ વિનાશ કર્યો. તે સમયે ‘હવે મને સહાયક પ્રાપ્ત થયો છે’ એમ વિચારતો મહાકાલ દેવ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને પર્વતકની પાસે આવ્યો. રડતા એવા તેને પર્વતકે પૂછ્યું, ‘કેમ રડે છે?’ એટલે તે બોલ્યો, ‘સાંભળ, પુત્ર! વિષ્ણુ, ઉદક, પર્વતમ ક્ષીરકદંબ અને શાંડિલ્ય એ પ્રમાણે ગૌતમના પાંચ શિષ્યો હતા. તેમાંનો શાંડિલ્ય હું છું. ક્ષીરકદંબની સાથે મને અત્યંત પ્રીતિ હતી. તેને મરણ પામેલો સાંભળીને હું તારી પાસે આવ્યો છું. તેણે જે વિદ્યા શીખેલી હતી તે બધી હું તને શીખવીશ.’ પર્વતકે ‘ભલે’ કહીને એ વાત સ્વીકારી.

પછી દેવે શુક્તિમતી નગરીમાં મહામારી ફેલાવી, અને પશુવધના મંત્રો રચીને પર્વતકને કહેવા લાગ્યો, ‘પર્વતક! પુત્ર! લોકોને શાન્ત કર, આ મંત્રો ભણ.’ (પર્વતકે પશુવધ સહિત યજ્ઞો કર્યા.) મહાકાલના સાઠ હજાર આભિયોગ્ય દેવતાઓ પર્વતકને ખાતરી કરાવવા તે વખતે કહેવા લાગ્યા, ‘અમે યજ્ઞનાં પશુઓ મરીને દેવતા થયેલ છીએ.’ વિમાનમાં બેઠેલા તે દેવોએ પોતાની જાતને બતાવી. લોકો વિસ્મય પામ્યા કે, ‘અહો! આશ્ચર્ય છે!’ ઘેર ઘેર મહામારીનું પણ શમન થઈ ગયું. સદેહે વસુ પણ લોકોને બતાવવામાં આવ્યો. શાંડિલ્ય દેવ અને પર્વતકના મંત્રપ્રભાવની લોકો ઉપર છાપ પડી ગઈ.

પછી મહાકાલ દેવે સગરના દેશમાં મહામારી ઉત્પન્ન કરી. સગરે સાંભળ્યું કે, ‘ચેદિ વિષયમાં શાન્તિકર્મ કરનારા બ્રાહ્મણો છે.’ પર્વતક અને શાંડિલ્યને અભ્યર્થના કરવામાં આવતાં તેઓ ત્યાં (સગરના દેશમાં) ગયા. ત્યાં પશુઓનાં બલિદાનથી શાન્તિકર્મ કર્યું. આભિયોગ્ય દેવોએ પોતાની જાત બતાવીને કહ્યું, ‘અમે પશુઓ હતા, પણ પર્વતક સ્વામીએ મંત્રોથી અમારો વધ કરતાં દેવો થયા છીએ.’ આ પ્રત્યક્ષ દેવતા-સાન્નિધ્ય જોઈને સગર કહેવા લાગ્યો, ‘સ્વામી! મારા ઉપર કૃપા કરો. જેથી હું સુગતિગામી થાઉં.’ શાંડિલ્યે કહ્યું, ‘રાજ્ય જીતતાં તને ઘણું પાપ થયું છે, માટે મનુષ્યો વિધિ વડે સ્વર્ગગામી કેવી રીતે થાય છે તે તું સાંભળ.’ પછી તેણે અશ્વમેધ, રાજસૂય વગેરે યજ્ઞવિધાનોની રચના કરી અને તેમનું સ્વર્ગગમનરૂપ ફળ થાય છે તેમ સંભળાવ્યું. સગરને, બીજા રાજાઓને તથા વિશ્વભૂમિ પુરોહિતને પણ તે ઉપર શ્રદ્ધા થઈ. સગરને તથા તેની પત્ની સુલસાને અશ્વમેધ યજ્ઞની દીક્ષા આપવામાં આવી. વિશ્વભૂતિ ઉપાધ્યાય પાસે ઘણાં પ્રાણીઓનો વધ કરાવવામાં આવ્યો. અશ્વમેધને અંતે સુલસાને કહેવામાં આવ્યું, ‘યોનિ વડે અશ્વનો સ્પર્શ કર, એટલે તારાં પાપ દૂર થઈ જશે અને તું સ્વર્ગમાં જઈશ.’ એ સમયે મહાકાલ દેવે તેને પ્રયત્નપૂર્વક પકડી રાખી અને સ્વયંવરમાં તેણે કરેલા મધુપિંગલના ત્યાગનું તેને સ્મરણ કરાવ્યું. તીવ્ર વેદના થતાં મૃદુ પ્રકૃતિને કારણે મરણ પામીને સુલસા ધરણની અગ્રમહિષી થઈ.

પછી સગરને રાજસૂય યજ્ઞની દીક્ષા આપવામાં આવી. તે વખતે ગંગા-યમુનાના સંગમ આગળ રાજપુત્ર દિવાકર દેવ, નારદના કહેવાથી, યજ્ઞની સામગ્રી લઈને ગંગામાં ફેંકી દેવા લાગ્યો. શાંડિલ્યને સગરે પૂછ્યું, ‘યજ્ઞની સામગ્રી કોણ હરી જાય છે?’ શાંડિલ્યે કહ્યું, ‘દેવને પ્રસન્ન કરવા માટેની સામગ્રી અસહિષ્ણુ રાક્ષસો હરી જાય છે, માટે અહીં શ્રીઋષભસ્વામીની પ્રતિમા સ્થાપિત કરો.’ યજ્ઞના રક્ષણ નિમિત્તે ત્યાં પ્રતિમા સ્થાપવામાં આવી. એટલે દિવાકરદેવે નારદને કહ્યું, ‘આર્ય! હવે આ પાપાચારીઓને હું વિઘ્ન કરી શકું તેમ નથી. વિદ્યાધરો જિનપ્રતિમાનો અપરાધ કરે તો તેમની વિદ્યાનો પ્રતિઘાત થાય છે. માટે હવે આપણે તટસ્થ રહીએ. આપણે આ દુષ્કૃત્યમાં શા સારુ સંબદ્ધ થઈએ?’ એમ કહીને તે નારદની સાથે ઊભો રહ્યો.

પછી શાંડિલ્યે સગરને કહ્યું, ‘હવે તમે ઈંટો બનાવો. વિવિધ જંગમ પ્રાણીઓને કાદવથી ભરેલી વાવોમાં નાખો. તેમનાં હાડકાં કોહી જાય ત્યારે બહાર કાઢો. જ્યારે એ હાડકાંઓ કૃમિપુંજ જેવાં બની જાય ત્યારે તે માટીથી ગાડાંનાં ચક્ર જેટલી મોટી ઈંટો બનાવો. એ ઈંટો જ્યારે પકવવામાં આવશે ત્યારે એક આંગળ ઓછી થશે.’ આ પ્રમાણે સગરને શીખવ્યું. ત્યાર પછી નિભાડો રચતાં થરેથરમાં ઘી, મધ, અને ચરબી નાખવામાં આવ્યાં. તેની ચીકાશ અને વાસથી સર્પો, કૃમિઓ અને કીડી જેવાં જંતુઓ ત્યાં આવ્યાં. પછી આંગળીના ટેરવા ઉપર ઊભેલા માણસ જેટલી ઊંચાઈવાળી વેદિકા તે ઈંટો વડે બનાવવામાં આવી. ઓગણપચાસ દિવસ સુધી પ્રયાગ અને પ્રતિષ્ઠાનના મધ્યમાં બકરાઓ, પાડાઓ અને પુરુષોનો વધ કરવામાં આવ્યો. આમાં દરરોજ પાંચ પાંચ પ્રાણીનો ઉમેરો કરવામાં આવતો. બીજો આદેશ એવો છે કે, ચાર સંધ્યાએ પાંચ પાંચ પ્રાણીઓ વધારવામાં આવતાં. દક્ષિણાના લોભથી ઘણા દ્વિજો એકત્ર થયેલા હતા, તેઓ પર્વતક અને શાંડિલ્યની પ્રશંસા કરવા લાગ્યા.

નારદે સગરને કહ્યું, ‘પર્વતકે વસુ રાજાનો સર્વનાશ કર્યો છે, માટે તેનો ઉપદેશ સાંભળીને પાપકર્મ કરીશ નહીં.’ સગર બોલ્યો, ‘શાંડિલ્યસ્વામી અને પર્વતક મારું અત્યંત હિત કરનારા છે. તેઓ જે ઉપદેશ કરે તે મારે માટે પ્રમાણભૂત છે. તારું વચન હું નહીં કરું. તારે જે વસ્તુની જરૂર હોય તે લઈને જા, ચાલ્યો જા.’ આ પ્રમાણે જેની સાથેનો સ્નેહભાવ તોડી નાખવામાં આવ્યો છે એવો તે નારદ મનમાં દયા આણીને રાજપુત્ર દિવાકર દેવની સાથે ચાલ્યો ગયો. સગરને તથા બીજા રાજાઓને (પશુવધમાં) દૃઢ કરવા માટે મહાકાલ દેવે વસુને વિમાનમાં રહેલો બતાવ્યો. ‘આમ કરવાનો વિધિ છે’ એમ કહીને વિશ્વભૂતિ પુરોહિતને તો તેણે મારી નાખ્યો. સગરે નરકનું ભાથું બાંધ્યું છે એમ જાણીને તથા ‘મારા શરીરને હવે સ્વર્ગમાં લઈ જાઉં’ એમ ભાવીને તથા પોતાના વૈરનું કારણ સંભારીને મહાકાલ દેવે અંકસુખી, સેનમુખી, મહાચુલ્લી અને કિરાતરૂપિણી વિદ્યાઓ (સગર ઉપર) નાખી. ત્યાં સોમવલ્લી હતી, તે છેદીને સોમપાન કર્યું આથી ત્યાં ફરતા ઘણા માણસો એ તીર્થને દિતિપ્રયાગ કહેવા લાગ્યા. પણ તેનો ખરો અર્થ નહીં જાણનારાઓએ એ સ્થાનને ‘પ્રયાગ’ તરીકે પ્રકાશિત કયું.