ભારતીયકથાવિશ્વ-૫/બુંદેલખંડની લોકકથાઓ/કોબીમાંથી મોતી

From Ekatra Wiki
Revision as of 04:59, 22 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કોબીમાંથી મોતી

એક રાજા અને તેને ત્રણ રાણીઓ. રાજા નિ:સંતાન હતો એટલે રાજ્યના ભવિષ્યનો વિચાર કરતાં તે બહુ ચિંતાતુર રહેતો હતો. એક દિવસ રાજદરબારમાં કોઈએ આવીને રાજાને કહ્યું, ‘નગરની બહાર એક સાધુ આવ્યા છે. તે બહુ પ્રભાવશાળી છે. તે જે બોલે તે થાય જ.’ આ સાંભળીને રાજાના મનમાં વિચાર આવ્યો, ‘સંતાનપ્રાપ્તિ માટે મારે સાધુને પૂછવું જોઈએ.’

બીજે દિવસે રાજા જંગલની દિશામાં નીકળી પડ્યો. ત્યાં સાધુની ઝૂંપડી નજરે પડી. સાધુ ઝૂંપડીની બહાર સમાધિઅવસ્થામાં બેઠા હતા. રાજા સાધુની નજીક ગયા એટલે સાધુએ રાજાને કહ્યું, ‘રાજન્, તમે શા માટે આવ્યા છો તે હું જાણું છું.’

આ સાંભળી રાજાને બહુ આશ્ચર્ય થયું, પણ તે કશું બોલ્યો નહીં.

‘રાજન્, તમે ચિંતા ન કરતા. તમને ત્રણ સંતાનોનો યોગ છે. તમે તમારા મહેલના બાગમાં જાઓ અને ત્યાં સૌથી ઊંચા આંબા પરથી કેરી તોડો અને ઢાલ વડે ઝીલી લેજો. પછી તે ફળ તમારી રાણીઓને ખાવા આપજો.’

રાજા સાધુને વંદન કરી પાછો ફર્યો. રાજમહેલના બાગમાં પહોંચીને સૌથી ઊંચા આંબા પરથી કેરીઓ પાડીને પોતાની ઢાલ વડે ઝીલવાનો પ્રયત્ન કર્યો, ઢાલ ઊંધી હતી, કેરી નીચે પડી ગઈ, માત્ર એક જ કેરી ઢાલમાં ઝીલાઈ. રાજા એ કેરી લઈને મહેલમાં ગયો. સૌથી પહેલાં મોટી રાણી નજરે પડી. રાજાએ તે રાણીને સાધુએ કહેલી વાત કહીને કેરી આપી અને કહ્યું, ‘તમે ત્રણે આ કેરી વહેંચીને ખાજો.’

મોટી રાણી કેરી લઈને વચલી રાણી પાસે ગઈ. બંને રાણીઓ નાની રાણીની ઈર્ષ્યા કરતી હતી, કારણ કે તે બંને કરતાં નાની વધુ સુંદર હતી. બંને રાણીઓએ વિચાર્ગયું, જો નાની રાણીને કેરી નહીં આપીએ તો તે મા નહીં બની શકે, પછી રાજાની નજરમાં તે નીચે ઊતરી જશે. બંનેએે મસલત કરી, કેરીના બે ટુકડા કર્યા અને અંદરઅંદર વહેંચીને ખાઈ ગઈ.

થોડા સમય પછી નાની રાણી અને રાજાનો ભેટો થયો. રાજાએ પૂછ્યું, ‘તેં કેરી ખાધી કે નહીં?’ આમ રાણીને કેરીની વાતની ખબર પડી. તે મોટી રાણી પાસે પહોંચી.

‘મોટી રાણી, મારા ભાગની કેરી ક્યાં છે?’

‘નાની રાણી, ખરાબ ન લગાડતી. કેરી બહુ સ્વાદિષ્ટ હતી, એટલે અમે લાલચ રોકી ન શક્યાં, અમે બંને તે કેરી ખાઈ ગયાં.’ મોટી રાણી હસતાં હસતાં બોલી.

‘વચલી રાણી, તમે પણ મારા માટે એકે ચીરી ન રાખી?’

‘હા, નાની રાણી, આ ભૂલ તો મારાથી પણ થઈ ગઈ!’ વચલી રાણી અંદરથી તો ખૂબ રાજી હતી પણ બહારથી તેણે દુ:ખ વ્યક્ત કર્યું.

‘કંઈ વાંધો નહીં.’ નાની રાણી દુ:ખી થઈને બોલી. નાની રાણી દુ:ખી થઈ તે જોઈને બંને રાણીઓ રાજી રાજી થઈને ત્યાંથી જતી રહી. તેમના ગયા પછી નાની રાણીએ કેરીનાં ત્રણ છોડાં પડેલાં જોયાં. નાની રાણી તે ત્રણે છોડાં ઉઠાવીને ખાઈ ગઈ.

થોડા સમય પછી એક આશ્ચર્યજનક ઘટના બની. કેરી ખાનારી મોટી અને વચલી રાણીને દિવસો ના રહ્યા. પણ કેરીનાં છોડાં ખાનારી નાની રાણીને દિવસો રહ્યા. રાજા એ સમાચાર જાણીને ખુશ થયો. તેણે મોટી અને વચલી રાણીને પાસે બોલાવી, તે બંનેને સમજાવી, ‘જુઓ, હું રાજકારભારમાં રોકાયેલો રહું છું. તમારા બંનેની ફરજ છે કે નાની રાણીને સાચવજો.’

મનમાં ને મનમાં તો ચિઢાયેલી તે રાણીઓએ આશ્વાસન આપ્યું કે અમે નાની રાણીનું ખૂબ ધ્યાન રાખીશું. ત્યાર પછી તો બંને રાણીઓ નાની રાણી પર વધુ ખાર રાખવા લાગી.

છેવટે નાની રાણીને વૅણ ઊપડી અને એક સુંદર બાળકને જન્મ આપ્યો. થોડા સમય પછી ફરી વૅણ ઊપડી અને બીજા બાળકને જન્મ આપ્યો. થોડા કલાક પછી રાણીએ એક સુંદર કન્યાને પણ જન્મ આપ્યો. ત્રણ ત્રણ બાળકોને જોઈને બંને રાણીઓ તો ઊભી ને ઊભી સળગી ગઈ. બંનેના હૃદયમાં કપટી વિચાર આવ્યો. તેમણે ત્રણે બાળકોને એક ટોપલામાં મૂકીને મહેલના બાગની બહારથી વહેતા વહેળામાં વહેવડાવી દીધાં. ત્રણે બાળકોને બદલે ઈંટ, પથ્થર અને અને ઝાડુ ગોઠવ્યાં.

અને પછી રાજાને સંદેશો મોકલ્યો કે નાની રાણીએ ત્રણ સંતાનોને જનમ આપ્યો છે, રાજા સંદેશો મળતાંવેંત દોડતો દોડતો આવ્યો.

રાજાએ આનંદથી ઊછળીને પૂછ્યું, ‘ક્યાં છે મારાં ત્રણ સંતાન?’

‘મહારાજ, ધીમે બોલો, આ રહ્યાં તમારાં ત્રણે સંતાનો. અમે હજુ બધાં હસીમજાક ન ઉડાવે એટલે કોઈને કહ્યું નથી.’ એમ કહી મખમલમાં વીંટેલાં ઈંટ, પથ્થર અને ઝાડુ રાજા સામે મૂકી દીધાં.

‘અરે, આ શું? શું નાની રાણીએ આ બધાંને જનમ આપ્યો છે?’ રાજા ઈંટ, પથ્થર અને ઝાડુ જોઈને ચકિત રહી ગયો.

‘મહારાજ, અમને તો નાની રાણી કોઈ જાદુગરણી લાગે છે. તમને કોઈ ઉત્તરાધિકારી મળે એવું તે ઇચ્છતી નથી. એટલે તેણે અમારા ભાગની કેરી ખાઈ લીધી હતી. એથી જ સંતાનરૂપે આ ત્રણ વસ્તુઓને જન્મ આપ્યો.’ વચલી રાણી સાવ જૂઠું બોલી, ‘હા મહારાજ, આવી રાણીને તો મૃત્યુદંડ મળવો જોઈએ.’ મોટી રાણીએ વચલી રાણીની વાતમાં સૂર પુરાવ્યો.

મોટી રાણીએ અને વચલી રાણીએ રાજાના કાન ખૂબ ભંભેર્યા. રાજાએ ક્રોધે ભરાઈને નાની રાણીને મારી નાખવાનો હુકમ કર્યો. એટલે સેનાપતિએ રાજાને સમજાવ્યો, ‘નાની રાણીને લોકો ખૂબ ચાહે છે, તમે તેની હત્યા ન કરો. તેને દેશવટો આપો.’ રાજાએ વિચાર્ગયું, જંગલમાં વાઘરીંછ નાની રાણીનો કોળિયો કરી જશે અને એ રીતે તેને દંડ મળી જશે.

નાની રાણીનાં ત્રણ સંતાનોવાળો ટોપલો જોગાનુજોગ એક કઠિયારાને મળ્યો. તે માણસ નિ:સંતાન હતો. એક સાથે ત્રણ બાળકો મળ્યાં એટલે તે બહુ રાજી થયો. ત્રણે સંતાનોને ઘેર લઈ આવ્યો અને તેણે પોતાની પત્નીને સોંપી દીધાં. તે પણ ખૂબ આનંદ પામી.

પતિ-પત્ની બંને ત્રણે બાળકોને ઉછેરવા લાગ્યાં. બાળકો જેમ જેમ મોટા થતાં ગયાં તેમ તેમ તેમના ગુણ પ્રગટવા માંડ્યા. ત્રણે બહુ રૂપાળા, સાહસિક અને બુદ્ધિશાળી હતાં. દુર્ભાગ્યે એક દિવસ કઠિયારો અને તેની પત્ની જંગલમાં ગયાં પણ ત્યાંથી પાછા ન ફર્યાં. ત્રણે બાળકો એકલાં પડી ગયાં. બંને રાજકુમાર પોતાની રાજકુમારી બહેનની સંભાળ લેવા લાગ્યા, રાજકુમારી ઘરકામ સંભાળતી અને ભાઈઓની દેખરેખ રાખતી હતી. ત્રણે હળીમળીને રહેતાં હતાં.

એક દિવસ બંને રાજકુમાર લાકડાં કાપવા જંગલમાં ગયા. રાજકુમારી ઘેર એકલી હતી. તેણે પોતાના આંગણામાં સુંદર ફૂલછોડ ઉગાડ્યા હતા. રાજકુમારી તેમને પાણી પાઈ રહી હતી. તેવામાં ત્યાંથી એક ડોશી પસાર થઈ.

‘દીકરી, તારા આંગણાનાં ફૂલછોડ તો બહુ સુંદર છે પણ તેની અંદર ગાતાં પાંદડાંવાળું એક વૃક્ષ ઉગાડે તો આની સુંદરતા વધી જાય.’ ડોશીએ રાજકુમારીને કહ્યું.

’અરે, એવું વૃક્ષ ક્યાંય થાય છે ખરું?’ રાજકુમારીએ શંકા કરી.

‘હા, છે.’ ડોશી બોલી.

‘તો તમે મને ત્યાં જવાનો રસ્તો બતાવો.’ રાજકુમારીએ કહ્યું.

‘જંગલની વચ્ચે એક સાધુ રહે છે. ગીત ગાતાં પાંદડાંવાળા વૃક્ષની જાણ તેમને છે.’ એમ કહી ડોશી જતી રહી.

સાંજે બંને રાજકુમાર લાકડાં કાપી, નગરમાં વેચી કરીને ઘેર આવ્યા ત્યારે રાજકુમારીએ ડોશીની વાત તેમને કરી અને પછી કહ્યું, ‘કાલે સવારે હું એ વૃક્ષ શોધવા જઈશ.‘

‘ના, અમારા હોવા છતાં તારે જંગલમાં જવાની જરૂર નથી.’ બંને રાજકુમારો એક સાથે બોલી ઊઠ્યા.

પછી મોટા રાજકુમારે કહ્યું, ‘હું એ ઝાડ શોધવા નીકળીશ. આ એક આયનો છે. જે દિવસે એમાં લાલ રંગનું પ્રતિબિંબ દેખાય તો માનવું કે મારા માથે કોઈ આપત્તિ આવી ચઢી છે. પછી તમને જે ઠીક લાગે તે કરજો પણ એની પહેલાં ઘરની બહાર પગ ન મૂકતાં.’

બીજે દિવસે સવારે રાજકુમારીને આયનો આપીને મોટો રાજકુમાર જંગલની દિશામાં નીકળી પડ્યો. જંગલની અધવચ્ચે પહોંચ્યો ત્યારે અંધારું થઈ ગયું હતું. જંગલી પ્રાણીઓના અવાજ સંભળાવા લાગ્યા. એ દરમિયાન રાજકુમારે એક સાધુ જોયા. તેમની પાસે જઈને ગાતાં પાંદડાંવાળા ઝાડનો પત્તો પૂછ્યો.

‘હું તને ઠેકાણું તો બતાવું, પણ રસ્તો બહુ અઘરો છે.’ સાધુએ કહ્યું.

‘ગમે તેટલો અઘરો રસ્તો હોય, હું ઝાડ શોધીને જ જંપીશ.’ મોટા રાજકુમારે સાહસિક બનીને કહ્યું.

‘તો સાંભળ. અહીંથી ઉત્તર દિશામાં જઈશ તો એક પર્વત આવશે. ત્યાં મનુષ્યની ભાષા બોલનારી ચકલીનું પાંજરું છે. ત્યાં પહોંચીશ તો એ ચકલી તને રસ્તો બતાવશે. પરંતુ ધ્યાન રાખજે. રસ્તામાં તારી પાછળથી કોઈ બૂમ પાડે તો પાછું ફરીને જોઈશ નહીં. જો જોઈશ તો તું પથ્થર બની જઈશ.’

મોટા રાજકુમારે સાધુની વાત ધ્યાનથી સાંભળીને રાતના અંધારામાં જ તે આગળ નીકળી પડ્યો. બહુ ચાલ્યા પછી તેણે સામે પર્વત જોયો. તે પહાડ ચઢવા જતો હતો ત્યાં પાછળથી પોતાના કઠિયારા પિતાનો અવાજ સાંભળ્યો.

‘દીકરા, બહુ સારું થયું, તું આવી ચઢ્યો તે. હવે મને તારી સાથે લઈ જા.’ રાજકુમારને તે અવાજ પોતાના પિતાનો લાગ્યો. સાધુની શિખામણ ભૂલી જઈને પાછળ ફરીને તેણે જોયું તો ત્યાં કોઈ હતું નહીં. પણ જેવો તે પાછળ ફર્યો કે પથ્થર થઈ ગયો.

રાજકુમારી મોટા ભાઈના ગયા પછી દરરોજ આયનો જોતી હતી. જેવો રાજકુમાર પથ્થરનો થઈ ગયો કે આયનામાં લાલ છાયા દેખાઈ, રાજકુમારીને ખ્યાલ આવી ગયો કે મારો ભાઈ મુસીબતમાં આવી પડ્યો છે.

રાજકુમારીએ પોતાના બીજા ભાઈને કહ્યું, ‘હવે કાલે સવારે હું મોટા ભાઈને અને પેલા વૃક્ષને શોધવા નીકળી પડીશ.’

‘ના, હું હોઉં પછી તારે જંગલમાં જવાની જરૂર નથી. આ ત્રણ મોતી હું થાળીમાં મૂકું છું. જ્યારે આ મોતી હલાવવા છતાં થાળીમાં હાલેચાલે નહીં અને સ્થિર થઈ જાય તો માનવું કે હું કોઈ આફતમાં છું. પછી તને જે ઠીક લાગે તે કરજે, પણ તે પહેલાં તું ઘરની બહાર નીકળીશ નહીં.’ નાના રાજકુમારે બહેનને સમજાવી, અને સવાર થતાંમાં મોટા ભાઈને અને પેલા ઝાડને શોધવા નીકળી પડ્યો.

નાનો રાજકુમાર પણ તે સાધુ પાસે પહોંચ્યો. સાધુએ તેને પણ સમજાવ્યો કે કોઈ પાછળથી બૂમ મારે તો પણ તારે પાછું વળીને જોવાનું નહીં, નહીંતર તારા મોટાભાઈની જેમ તું પણ પથ્થર થઈ જઈશ.’

નાના રાજકુમારે સાધુની શિખામણ સાંભળી અને તે આગળ નીકળી પડ્યો. તે પહાડની નજીક પહોંચ્યો જ હતો કે મોટા રાજકુમારનો અવાજ સંભળાયો. ‘ભાઈ, મારી મદદ કર, હું અહીં ફસાઈ ગયો છું.’

મોટા રાજકુમારના કણસવાનો અવાજ સાંભળી નાનો રાજકુમાર પાછળ જોયા વિના રહી ન શક્યો, જ્યાં તેણે પાછળ જોયું કે તે પથ્થર બની ગયો.

આ બાજુ નાનો રાજકુમાર પથ્થરનો થયો એટલે થાળીનાં મોતી સ્થિર થઈ ગયાં, હલાવવા છતાં તે હાલ્યાં નહીં. રાજકુમારી સમજી ગઈ કે નાનો રાજકુમાર પણ ફસાઈ ગયો છે. હવે રાજકુમારીએ આયનો અને મોતી એક કપડામાં બાંધી લીધાં અને બંને ભાઈઓને તથા વૃક્ષને શોધવા નીકળી પડી.

રાજકુમારી ઘરેથી થોડે દૂર ગઈ કે તેને એક ઘોડેસવાર મળ્યો. તે બોલી, ‘ભાઈ, તું મને તારો ઘોડો આપ અને બદલામાં આ મોતી લઈ લે.’ ત્રણ મોતી જોઈને ઘોડેસવાર લલચાયો અને મોતીના બદલામાં તેણે ઘોડો આપી દીધો.

રાજકુમારી ઘોડા પર સવાર થઈને આગળ ચાલી. પેલા ભાઈઓ સાધુ સુધી પગપાળા પહોંચ્યા હતા અને એ કારણે સાંજ પડી ગઈ હતી. પરંતુ રાજકુમારી ઘોડા પર હતી એટલે બપોર સુધીમાં સાધુ પાસે પહોંચી ગઈ. રાજકુમારીએ પણ સાધુને ગાતાં પાંદડાંવાળા વૃક્ષનું ઠેકાણું પૂછ્યું અને પોતાના ભાઈઓ વિશે પણ પૂછ્યું.

સાધુએ કહ્યું, ‘તારા બંને ભાઈઓ પથ્થરનાં પૂતળાં બની ગયાં છે અને તને કોઈ પાછળથી બોલાવે તો પાછું વળીને જોઈશ નહીં.’

રાજકુમારીએ સાધુની બધી વાત ધ્યાનથી સાંભળી અને તે આગળ ચાલી નીકળી.

ઘોડા પર સવાર થયેલી હોવાને કારણે તે પહાડની પાસે જલદી પહોંચી ગઈ. તે વખતે અંધારું હજુ થયું ન હતું. રાજકુમારીએ પહાડ પર ઘોડો ચઢાવવાની શરૂઆત કરી અને તેના કાને અવાજ સંભળાયો, ‘અરે બહેન, સારું થયું તું આવી ચઢી. તું જો તો ખરી, અમારી કેવી ખરાબ દશા થઈ છે.’

રાજકુમારોનો અવાજ સાંભળીને રાજકુમારીને સાધુની વાત યાદ આવી ગઈ. પાછળ વળીને જોવાને બદલે તેણે આયનો કાઢ્યો અને પાછળનું દૃશ્ય જોવા સામે ધર્યો. તેની પાછળ તેનો કોઈ ભાઈ ન હતો પણ એક માયાવી રાક્ષસ ઊભો હતો. રાક્ષસે જેવું આયનામાં પોતાનું પ્રતિબિંબ જોયું કે તરત તે બળીને ભસ્મ થઈ ગયો. પાછળથી બૂમ પાડીને લોકોને પાછળ જોવાની તે ફરજ પાડતો હતો અને બધાને પથ્થર બનાવી દેતો હતો, તે જ આ રાક્ષસ હતો. રાજકુમારીએ જોયું કે મારા ભાઈઓ સમેત કેટલા બધા લોકો પથ્થર થઈ ગયા છે, તે આ જોઈને બહુ દુ:ખી થઈ.

રાક્ષસ ભસ્મ થઈ ગયો એટલે રાજકુમારી પહાડ પર ચઢી ગઈ. ત્યાં પહોંચ્યા પછી તેણે પાંજરામાં ચકલી જોઈ. રાજકુમારીએ તેને પૂછ્યું, ‘હું મારા ભાઈઓને તથા તેની સાથે પથ્થર થયેલા લોકોને જીવતાં કેવી રીતે કરું? અને ગાતાં પાંદડાંવાળું વૃક્ષ ક્યાંથી મળશે?’

‘મારું આ પિંજરું જે ઝાડ પર લટકે છે તેનાં જ પાંદડાં ગીત ગાય છે. આ ઝાડ પરથી મારું પિંજરું ઉતારીશ કે એનાં પાંદડાં ગીત ગાવા માંડશે. અને આ નીચે દેખાતું ઝરણાનું પાણી તું મૂતિર્ઓ પર છાંટીશ તો તે બધા પહેલાંની જેમ જીવતાં થઈ જશે.’ ચકલીએ કહ્યું.

રાજકુમારીએ એવું જ કર્યું. પિંજરું નીચે ઉતારતાંવેંત તે વૃક્ષનાં પાંદડાં ગીત ગાવા લાગ્યાં. રાજકુમારીએ ઝરણાનું પાણી પથ્થરની મૂતિર્ઓ પર છાંટ્યું તો તે બધાં જીવિત થઈ ગયા.

‘હવે તું આ વૃક્ષની એક ડાળ તોડ અને મને તથા આ ડાળીને તારે ઘેર લઈ જા. આ ડાળી તારા આંગણામાં રોપી દેજે, એટલે પછી ગીત ગાતું વૃક્ષ તારે આંગણે પાંગરશે. હું પણ એ વૃક્ષ પર બેસીને ગાયા કરીશ.’ ચકલીએ કહ્યું.

રાજકુમારીએ વૃક્ષની એક ડાળ તોડી અને ચકલીને પિંજરામાંથી કાઢી પોતાના ખભે બેસાડી. પછી ત્રણે ભાઈબહેન ઘેર પાછાં ફર્યાં. ઘેર આવીને રાજકુમારીએ આંગણામાં તે ડાળી રોપી. રાતોરાત તે ડાળી મોટી થઈને વૃક્ષ બની ગઈ, તેનાં પાંદડાં ગાવાં લાગ્યાં. ચકલી પણ વૃક્ષ પર બેસીને ગાવા લાગી.

એક દિવસ બંંને રાજકુમાર લાકડાં કાપવા જંગલમાં ગયા. તે જ વખતે ત્યાંનો રાજા પણ શિકાર કરવા એ સ્થળે જઈ પહોંચ્યો. અચાનક એક વાઘે રાજા પર હુમલો કર્યો, રાજા જાતને સંભાળી ન શક્યો અને ઘોડા પરથી નીચે પડી ગયો. વાઘ રાજાને ખાઈ જવાની તેયારીમાં હતો કે બંને રાજકુમારોએ તેને જોયો. પોતાની કુહાડી વડે વાઘને ભગાડી મૂક્યો. રાજકુમારોનું પરાક્રમ જોઈ રાજા ખુશ થયો. તે બંનેને પોતાની સાથે મહેલમાં લઈ ગયો અને તેમનું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું. પછી ભેટસોગાદ આપીને તેમને ઘેર મૂકવા ગયો.

રાજા જેવો તેમને ઘેર પહોંચ્યો કે તરત આંગણામાં ગીત ગાતાં પાંદડાંવાળું વૃક્ષ જોયું. તે જોઈને રાજા ચકિત થઈ ગયો.

‘આવું વૃક્ષ તો મેં ક્યારેય જોયું નથી.’ રાજા બોલી ઊઠ્યો, ત્યારે રાજકુમારોએ એ વૃક્ષની શોધ કેવી રીતે કરી તેની આખી ઘટના કહી સંભળાવી. રાજા ત્રણે ભાઈબહેનોના પરાક્રમની વારતા જાણીને ગદ્ગદ થઈ ગયો.

બીજે દિવસે ચકલીએ રાજકુમારોને સૂચવ્યું, ‘તમે રાજાને ભોજન માટે આમંત્રણ આપો,’ રાજકુમારીને કહ્યું, ‘તું કોબીમાં કાણું પાડીને એમાં મોતી ભરી દેજે. રાજા આવે ત્યારે તેમની સામે કોબી સમારજે.’ ચકલીની સલાહ માનીને રાજકુમારોએ રાજાને ભોજન માટે આમંત્રણ આપ્યું, અને રાજકુમારીએ કોબીમાં કાણું પાડી તેમાં મોતી ભરી દીધાં.

જ્યારે રાજા તેમને ઘેર પહોંચ્યો ત્યારે ગીત ગાતા વૃક્ષની નીચે તેને બેસાડ્યો. રાજકુમારી તેની સામે બેસીને કોબી સમારવા લાગી. જ્યાં કોબી કાપવા માંડી ત્યાં એમાંથી મોતી નીકળી વેરાવા લાગ્યાં.

‘અરે, આ શું? કોબીમાંથી મોતી…?’ રાજા આશ્ચર્યચકિત થઈને બોલી ઊઠ્યો.

‘રાજન્, એમાં આશ્ચર્ય પામવાની ક્યાં વાત આવી? આ તો કોબીનાં બી છે. આ મોતીઓ વાવશો એટલે એમાંથી કોબી ઊગશે.’ વૃક્ષ પર બેઠેલી ચકલી બોલી.

‘અસંભવ! શું મોતી વાવવાથી કોબી ઊગે ખરી? આમાં કોઈ ચાલ છે…’

‘રાજાજી, તમે કેવી રીતે કહી શકો કે આમાં કોઈ ચાલ છે? અરે જ્યારે તમારી નાની રાણીના પેટમાંથી ઈંટ, પથ્થર અને ઝાડુ જન્મ્યાંના સમાચાર તમને મળ્યા ત્યારે તમને એકે વાર એવું ન થયું કે આમાં કોઈ ચાલ હોવી જોઈએ. તો આજે કેમ શંકા લાવો છો?’ ચકલીએ રાજા પર કટાક્ષ કરીને કહ્યું.

તેની વાત સાંભળીને રાજા ચોંકી ઊઠ્યો. નાની રાણીએ ઈંટ, પથ્થર અને ઝાડુને જન્મ આપ્યો એ વાત મોટી રાણી, વચલી રાણી સિવાય કોઈ જાણતું ન હતું. સેનાપતિને પણ ખબર ન હતી કે રાણીને શા માટે જંગલમાં મોકલી દીધી હતી. તો આ ચકલીને કેવી રીતે ખબર પડી?

‘રાજન્, શું વિચારો છો? સારા વિચારોનું ફળ સારું મળે છે. તમારી નાની રાણીના વિચાર સારા હતા. પણ તમારી બીજી બે રાણીઓના વિચારો ખરાબ હતા, એટલે તે બંને રાણીઓને જે સારું પરિણામ મળવાનું હતું તે નાની રાણીને મળ્યું અને તે ત્રણ સંતાનોની મા બની. તમારી બંને રાણીઓ હજુ સુધી તમને સંતાન આપી શકી નથી, આ ત્રણે સંતાનો તમારાં છે, એમને સ્થાને બંને રાણીઓએ ઈંટ, પથ્થર અને ઝાડુ મૂકી દીધાં હતાં અને તમે માની પણ લીધું હતું.’

રાજાએ ચકલીની વાત સાંભળીને ત્રણે ભાઈબહેન સામે ધ્યાનપૂર્વક જોયું. તેને લાગ્યું કે ચકલી સાચી વાત કહી રહી છે. મારાં સંતાન હોત તો એ આટલાં જ મોટાં હોત. ચોક્કસ આ મારાં જ સંતાનો છે. મારી બે રાણીઓએ મને મૂરખ બનાવી મારી પાસે કેટલો બધો અનર્થ કરાવ્યો. નાની રાણીની યાદ આવતાં જ રાજા અસ્વસ્થ થઈ ગયો.

‘મારાં બાળકો! મેં બહુ મોટી મૂર્ખામી કરી છે. હું રાજા તરીકે રહેવાને લાયક નથી. એ બંને રાણીઓને દંડીશ અને તમને રાજ્ય સોંપી દઈશ. હું આત્મહત્યા કરી લઈશ.’ રાજાએ વ્યથિત થઈને કહ્યું.

‘મહારાજ, તમારે આત્મહત્યા કરવાની કશી જરૂર નથી. જો તમે આવું કરશો તો એ તમારી બીજી મૂર્ખામી હશે.’ રાજાની વાત સાંભળીને ચકલીએ કહ્યું અને તેણે પાંખો ફફડાવી અને જોતજોતાંમાં તે નાની રાણીંમાં ફેરવાઈ ગઈ.

‘હું જીવું છું, મહારાજ! તમે મને મારી નખાવવા જંગલમાં છોડી દીધી. પણ એક જાદુગરે મને ચકલી બનાવીને પિંજરામાં પૂરી દીધી હતી. તેણે કહ્યું હતું, જ્યારે રાજા પોતાની ભૂલ કબૂલ કરશે ત્યારે હું જાદુના પ્રભાવમાંથી મુક્ત થઈશ અને મારા મૂળ રૂપમાં આવી જઈશ.’ નાની રાણીએ કહ્યું.

રાજા નાની રાણી અને ત્રણે સંતાનોને મળીને ખૂબ જ પ્રસન્ન થયો. બધાંને લઈને તે મહેલમાં ગયો. મોટી રાણી અને વચલી રાણીને દેશનિકાલ કરી દીધાં, અને ત્રણે પ્રસન્નતાથી જીવન માણતા રહ્યા. એટલે જ કહેવાયું છે કે સારી વાતનું પરિણામ મોડેેમોડે પણ સારું જ આવે છે.