ભારતીયકથાવિશ્વ-૫/મીઝો લોકકથાઓ/લોકકથાઓનો અદ્ભુત નાયક છુરા

From Ekatra Wiki
Revision as of 04:48, 22 January 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લોકકથાઓનો અદ્ભુત નાયક છુરા}} {{Poem2Open}} છુરા અને તેના કુટુંબીજનો સાવ ગરીબ થઈ ગયા હતા. તેમણે પોતાનાં ખેતરોની બધી ઉપજથી ગુજરાન ચલાવ્યું અને નવા વરસની ફસલને હજુ વાર હતી. હવે શું કરવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


લોકકથાઓનો અદ્ભુત નાયક છુરા

છુરા અને તેના કુટુંબીજનો સાવ ગરીબ થઈ ગયા હતા. તેમણે પોતાનાં ખેતરોની બધી ઉપજથી ગુજરાન ચલાવ્યું અને નવા વરસની ફસલને હજુ વાર હતી. હવે શું કરવું તેની વિમાસણમાં બધા પડ્યા.

તેમના ઘરમાં એક બહુ મોટું માટીનું પાત્ર હતું અને તે બદલ બધા ગર્વ અનુભવતા હતા. પણ હવે તેમની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ કે તેમણે પોતાનું એ કિંમતી વાસણ વેચીને ચોખા ખરીદવા વિચાર્યું.

આમ નક્કી કર્યું એટલે છુરાએ નજીકના ગામમાં જવાની તૈયારી કરી. એક દિવસની મુસાફરી કરવાની હતી. એટલે વાસણ વેચવાનું નક્કી કર્યું.

મુસાફરી કરતાં પહેલાં તેની પત્નીએ એ વાસણની બહુ કાળજી લેવા કહ્યું હતું, અને ભાંગી ન જાય એટલે વાસણ જમીન પર ન મૂકવા સૂચના આપી હતી, પણ એક બાજુના ખભા પર વાસણ ઊંચકીને તે ખૂબ થાકી ગયો એટલે બીજી બાજુના ખભા પર તે વાસણ મૂકવાનો વિચાર કર્યો.

છુરાએ વહેલી સવારથી મુસાફરી શરૂ કરી હતી. જમણા ખભા પર વાસણ હતું. તેનું વજન બહુ હતું અને વાસણ ભાંગી ન જાય એની કાળજી લેવાની સૂચના તેને આપી હતી એટલે પોરો ખાવાનો વિચાર સુધ્ધાં ન આવ્યો, જમીન પર તો એ મૂકવાનું ન હતું.

અને તે આમ ચાલ્યે ગયો, બહુ થાકી ગયો. અડધે રસ્તે પહોંચ્યો ત્યારે તેનો જમણો ખભો બહુ દુ:ખવા લાગ્યો એટલે તેને ખભો બદલવાનો વિચાર આવ્યો. જમીન પર તો એ વાસણ મૂકવાની તેની પત્નીએ ના પાડી હતી, પણ બીજા ખભે મૂકી શકાય. હવે તેને મૂંઝવણ થઈ કે જમીન પર એ મૂક્યા વિના બીજા ખભે મૂકવું કેવી રીતે, તેણે બહુ બહુ વિચાર કર્યો. તેણે પોતાનું મોં ફેરવી કાઢ્યું.

થોડી વાર વિચાર કરીને તે મનોમન બોલ્યો, ‘હા, હવે વાસણ બીજા ખભે છે અને તેણે ચાલવા માંડ્યું. તેને એ ખ્યાલ ન આવ્યો કે હું મારા પોતાના ગામની દિશામાં પાછો જઈ રહ્યો છું, સાંજ પડી ત્યાં સુધી તેણે ચાલ્યા જ કર્યું; જ્યારે સૂરજ આથમી રહ્યો હતો ત્યારે તે પોતાને ગામ પહોંચ્યો, તેણે એમ માની લીધું કે સવારે જ્યાં જવાની તૈયારી કરી હતી તે ગામ આવી ગયું. તેનાં બાળકો તેને જોઈને વીંટળાઈ વળ્યાં, ‘બાપુ-બાપુ, તમે ઘેર આવ્યા એ કેટલું સારું થયું.’

પણ છુરાએ વિચાર્યું, ‘આ ગામમાં મને બાપુ બાપુ કહીને બોલાવે એવાં કેટલાં સરસ બાળકો છે, મારી આખા દિવસની મુસાફરી પછી છેવટે હું પડોશના ગામમાં પહોંચ્યો તો ખરો.’

તે બાળકો તેનાં પોતાનાં છે એવો વિચાર આવ્યો જ નહીં. તે પડોશના ઘેર વાસણ મૂકવા ગયો. બાળકોએ તેમની માને કહ્યું, ‘બાપુ પડોશીને ત્યાં વાસણ વેચવા માંગે છે.’

માએ કહ્યું, ‘જાઓ અને તેમને આપણે ઘેર બોલાવી લાવો.’ બાળકોએ એવું કર્યું. પણ છુરા ન માન્યો, તેની પત્ની જ્યારે તેને બોલાવવા ગઈ ત્યારે તેણે શાંતિથી કહ્યું, ‘શું તું મને તારો વર માને છે? ના, મારા ગામમાં મારી પત્ની છે અને હું કોઈ બીજી સ્ત્રી સાથે લગ્ન ન કરી શકું.’

છુરા આવો પ્રામાણિક હતો, તે હમેશાં પોતાની પત્નીને વફાદાર રહ્યો હતો.