ભારતીયકથાવિશ્વ-૫/સૌરાષ્ટ્રની લોકવાર્તાઓ/ગાંગો બારોટ

From Ekatra Wiki
Revision as of 13:31, 22 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ગાંગો બારોટ

નાનું એવું ગામ. ગામધણી દરબાર ડાયરામલ્લ. સવારે ડેલીએ ડાયરા ભરાય. કાવા કહુંબા નીકળે. અને વાતુંના ગલાબા ઊડે. દરબાર એક દિ’ ડાયરો ભરીને બેઠા છે, અને રીડ્ય થઈ : ધોડો, ધોડો, બારવટિયા, બારવટિયા! ડાયરો એકદમ ઊભો થૈ ગ્યો. રજપૂતોનાં રૂવાંડાં ઝમ ઝમ ઝમ બેઠાં થૈ ગયાં. ઘોડાં ઘોડાં થાવાં માંડ્યું. સૌ હથિયાર પડિયાર સંભાળવા માંડ્યા, ત્યાં તો દરબાર મોખરે થૈ ગયા, પૂછે છે, ‘એલા કોણ લૂંટાણું?’

જવાબ મળ્યો, ‘બાપુ, એક પરદેશી!’

‘ક્યાં છે ઇ પરદેશી!’

‘આ આવે’ આવતાં વેંત પરદેશીએ માથાં કૂટવા માંડ્યાં. જાત્રાળુ માણસ. અડધું હંદીિમાં બોલે, અડધું ગુજરાતીમાં. શરીરે ઠેકઠેકાણે લોહી હાલ્યાં જાય છે. ‘અરે મેરી ઓરતકો લે ગયા.’

ભાઈ આંઈ હવે ખોટી નથી થાવું. ચારે દિશામાં ઘોડા દોડાવો. આપણા ગામને પાદર લૂંટ? અને બિચારા જાત્રાળુનીયે દયા નો આવી? અને બાઈને ઉપાડી જાય, તો તો ખલાસ ને? આમ રજપૂતો ધૂંઆફૂંઆ થાય છે. પણ દરબાર તો ઊભા ઊભા ખડખડ ખડખડ દાંત કાઢે છે અને કે’ છે:

‘એલા કોઈ ઉતાવળા નો થાતા.’

‘કાં બાપુ? અટાણે ઉતાવળા નો થાઈ, તઇં કયેં ઉતાવળા થાઈ?’

ત્યારે દરબાર કે’ છે, ‘અરે શૂરવીરો, તમે ભૂલો છો. આ પરદેશી નથી પણ આ તો છે નાથિયો ભાંડ! (બહુરૂપી) વાહ નાથિયા વાહ, વેશ ખરો ભજવી દેખાડ્યો. કોઈએ તને ઓળખ્યો જ નહીં!’

નાથિયા ભાંડે તો કેડ્યનો ઉલાળો કરી, બાપુને પગે હાથ મૂક્યો. સલામ ભરીને ઊભો રહ્યો.

હવે તો લોકોને આનંદનો પાર ન રહ્યો. બધાય નાથિયાની કરામત ઉપર ફીદા થૈ ગયા.

દરબારેય ખોંખારો ખાઈ મૂછે હાથ નાખીને બોલ્યા, ‘એલા બધાય છેતરાઈ ગ્યા ને! પણ હું છેતરાઉં કોઈ દિ’? મને જો કોઈ છેતરી જાય, તો રૂપિયા બે હજાર ઇનામમાં આપું.’ આમ પોરહ કરતાં બાપુએ તો એકાવન રૂપિયા રોકડા ઇનામમાં આપી દીધા, ભાંડે પણ બાપુને ખમ્મકારા દઈને ઇનામ ઉપાડી લીધું. કાવા કહુંબા કરીને ડાયરો વીંખાણો.

હવે દરબારને એક એવી ટેવ કે રાત પડે એટલે ડેલીએ બેઠક જામે. આ બેઠકમાં એક તો બાપુ પોતે, બીજા ફૂલી ફઈબા, અને ત્રીજા ગાંગા બારોટ. રોજ રાત્રે આ ત્રણની જ બેઠક. ત્રણેય વાળુપાણી કરીને ડેલીએ આવી જાય. રાતે ક્યાં સુધી બેઠક હાલે, એનો કોઈ નેઠો જ નહીં. એમાં ફૂલી ફઈબા તો પાછાં હોય જ. ફૂલી ફઈબા એક બ્રાહ્મણનાં ડોશી. પોતે પંડ્યો પંડ્ય. રાંડી રાંડ બાઈ, ગામમાં ડાયું માણસ ગણાય. ગામ આખામાં ફૂલી ફઈબાની બોલબાલા. સારા કામમાં એમની પાસે માણસ સલાહ લેવા આવે. પાંચમાં પુછાય એવાં ફૂલી ફઈબા! આખા દિવસના બનાવોની ચર્ચા રાતે થાય. અલકમલકની વાતું થાય. અને મોડી રાતે સૌ છૂટા પડે.

હવે નાથિયાને ઇનામ લઈ ગ્યે પંદરેક જમણ થ્યા હશે, ત્યાં તો ડાયરામાં કો’કે આવીને ખબર દીધા છે, ‘કોઈ પરદેશી હકીમ આવ્યો છે. ગમે એવા દરદ મટાડે છે. નાડ્ય જોઈને પંદર દિ’ પેલા તમે શું ખાધું તું ઈ કૈ દ્યે છે.’

બાપુ કે’ ‘બોલાવો બોલાવો ઈ હકીમને, આપણે આ ગાંગા બારોટની દવા કરાવવી છે.’

બધા દાંત કાઢવા માંડ્યા. ત્યાં તો હકીમ આવી ગ્યા. સફેદ કડકડતો અંગરખો, માથે પરદેશી ઘાટની પાઘડી, ધોળી ડાઢી, સાથે એક નોકર. એના હાથમાં દવાની પેટી છે, અને હકીમ તો વિશિષ્ટ ભાષામાં બોલ્યે જાય છે, ‘કોઈને ઝામર, કોઈને મોતિયા, ખોટી ગરમી, રતવા-બામલાઈ, ટાઢિયો તાવ, ચોથિયો તાવ, એકાંતરિયો, ખૂની હરસ, દરેક દરદની દવા, પૈસે કી બાત મત કરો. દુ:ખ કી બાત કરો.’

હકીમની બોલવાની છટા સાંભળીને બધા ફાટ્યે ડોળ્યે જોઈ રહ્યા. કામદારે તો નાડ્ય બતાવવા હાથ લાંબોય કર્યો અને આ હકીમે નાડ્ય હાથમાં લઈને બોલવાનું ચાલુ કર્યું, ‘પાચનમાં ગરબડી, ખાધા બાદ ભૂખ લગતી નહીં હૈ પગમેં કમજોરી.’

કામદાર કે’, ‘માળું આવું જ થાય છે.’

ત્યાં તો દરબાર કે’, ‘અરે કામદાર! નો ઓળખ્યો! આ તો નાથિયો ભાંડ છે!’

બધાયને હવે લાગ્યું, હા…ભઈ…આ તો નાથિયો! મારો બેટો ઓળખાતો જ નથી. વળી દરબારે ડાયરા સામે ખોંખારો ખાધો અને બોલ્યા, ‘મને છેતરનારને તો હજી એની માએ જણ્યો જ નથી. હજી કહું છું નાથિયા, ‘જો તું મને છેતરી જા, તો તને બે હજારનું ઇનામ મળે!’

‘અને બાપુ ઈ નાથિયો નો છેતરે અને કો’ક બીજો છેતરી જાય તો?’ ગાંગા બારોટે વચ્ચેથી પડકારો ઝીલી લીધો.

‘અરે ગમે ઈ છેતરે. રૂપિયા બે હજાર રોકડા. આ ડાયરા વચ્ચે ગણી દેવા.’ દરબારે ચોખવટ કરી.

ત્યારે ગાંગો બારોટ કે’ છે, ‘ના બાપુ, એમ નહીં.’

‘તયેં કેમ? ગાંગા બારોટ!’

ગાંગા બારોટ કે’ છે, ‘બાપુ, તમે લખી દ્યો કે મને કોઈ છેતરે, અને હું છેતરાઉં, તો ખોટું નહીં લગાડું, અને રૂપિયા બે હજાર રોકડા ચૂકવી દઈશ.’

ત્યારે દરબાર કે’ છે, ‘લખો કામદાર લખો, જેમ ગાંગા બારોટ કે’ એમ હું સહી કરી દઉં છું. હું બોલ્યો ઈ બોલ્યો. મારા બોલવામાં તો ફેર જ નો હોય. આપણને ખોટું નહીં લાગે. મોજ આવશે.’

આ તો વાત પાક્કી થઈ ગઈ. દસ્તાવેજ લખાણા. ગાંગા બારોટે કાગળ ખિસ્સામાં નાખ્યો. ડાયરો વીંખાણો, સહુ સહુને ઘેર ગ્યા.

વળી રોજ રાત્રે ફૂલી ફઇબા, દરબાર અને બારોટ મળે છે. ગામગપાટા હાલે છે, અને આ વાત બન્યાને ઠીક ઠીક સમય વીતી ગયો. એમ કરતાં કરતાં ગાંગા બારોટ એક દિ’ ડાયરામાં દેખાતા નથી. ડાયરો ભરાણો ને વાત નીકળી, ‘એલા આજે બારોટ કેમ નથી આવ્યા?’

ત્યારે કો’ક બોલ્યું, ‘બારોટને રાતે તાવ આવી ગ્યો’તો બહુ કપાણ્ય હતી. અમારી પડોશમાં જ છે. આખી રાત કોઈ સૂતું નથી.’

ત્યારે બીજો એક આદમી બોલ્યો, ‘મને બારોટ કેદુ’ના કે’ છે, કે ઝીણો ઝીણો તાવ પંડ્યમાંથી ખહતો જ નથી. ઉધરહ રાતે સૂવા દેતી નથી.’

દરબાર કે’ ભારે થઈ, ‘બારોટ વગર ડાયરાનો રંગ નો જામે.’

આમ બારોટનો મંદવાડ જાહેર થૈ ગ્યો. બારોટ કો’ક દિ’ આવે, કો’ક દિ’ નો આવે. રાતની બેઠકમાંય હાજરી ઓછી થાવા માંડી. ઘરમાં બૈરાં-છોકરાંય લાચાર બની ગયાં. છોકરાવને માથે દુ:ખના દરિયા ઠલવાઈ ગ્યા હોય, એમ નિમાણા થૈ ગ્યા છે. બારોટ હવે તો ડાયરામાં આવતાં જ બંધ થૈ ગ્યા. ગામમાં વાતું થાવા માંડી કે ‘મંદવાડ વધી ગ્યો છે. બારોટના પંડ્ય સામેય જોવાય એવું નથી.’ ત્યારે દરબારને એમ થ્યું કે બારોટની ખબર તો કાઢી આવું.

બારોટે તો તાબડતોબ પાપડ શેકાવી નાખ્યા. શેકેલા પાપડ પથારીમાં પાથરી દીધા. એની ઉપર પછેડી ઢાંકી દીધી, અને પોતે સૂતા. શરીરે ગોળનું પાણી ચોપડી દીધું. બાપુ ખબર કાઢવા આવ્યા. બારોટ તો ઊંધમૂંધ પડ્યા છે. બાપુ આવ્યા એનુંય ભાન નથી.

દરબાર ઢંઢોળીને પૂછે છે, ‘અરે બારોટ, કેમ છે?’

‘કોણ? અરે દરબાર તમે પોતે પધાર્યા?’ બારોટ ઝબકીને બોલ્યા. આખ્યું તો માંડ ઊંચી થઈ. ‘હવે બાપુ, નથી રે’વાતું,’ એમ કરીને જ્યાં પડખું ફર્યા ત્યાં તો પાપડની કડેડાટી બોલી.

ફૂલી ફઈબા કે’, ‘હાડકે હાડકું ખખડે છે.’ વળી ગોળનું પાણી ચોડેલું તે માખિયું શરીર માથે બણેણાટી બોલાવે. ગાંગા બારોટમાં ઉડાડવાની તેવડ્ય રહી નથી.

‘બાપુ, છેલ્લા છેલ્લા જવાર છે!’ એમ બોલતા બારોટની આંખમાં ઝળઝળિયાં આવી ગ્યાં. ફૂલી ફઈબાની આંખ પણ ભીની થઈ.

ત્યારે દરબાર કે’, ‘બારોટ, તમે મરદ જેવા મરદ થૈને આમ હરેરી જાવ છો? દરદ તો આવે ને જાય. કાલે સારું થઈ જાશે. તમે ઊઠીને ચંતાિ કરો છો?’

‘બાપુ, તમારા જેવી ઓથ હોય, ને મારે ચંતાિ શેની?’ બારોટ થોથવાતા અવાજે બોલ્યા, વળી ઉમેર્યું, ‘પણ આ તો માયાનો જીવ છે, એટલે ઓછું આવી જાય છે. પણ હવે દુ:ખ ખમાતું નથી બાપુ, હવે ટંક બપોર છું.’ એમ કહીને ગાંગા બારોટ આંખ મીંચી ગયા.

બાપુ અને ફૂલી ફઈબાય ધીમે રહીને ઊભા થયા. છોકરાઓને કે’ છે, ‘મૂંઝાતા નહીં, કાંઈ જો’તું કરતું હોય, કે ગમે ઈ કામ હોય, તો કે’વડાવજો.’

રાત પડી. બાપુ અને ફૂલી ફઈબા બેઠાં બેઠાં વાતું કરે છે, ત્યાં તો ગાંગા બારોટના ઘરમાંથી પ્રાણપોક સંભળાણી, અને માણસો સ્મશાને જાતા હોય એમ લાગ્યું. મોડી રાત્રે ગામલોકોને આશ્ચર્ય થયું, કેમ કોઈને બોલાવ્યા નહીં હોય? ગાંગા બારોટ તો ઘરમાં મોટી કોઠિયું હશે, એની પાછળ બેહી ગ્યા છે. ચારેય છોકરા ભેગા થઈને નનામીમાં ખડના પાંચ પૂળા બાંધીને ગયા મહાણે. બાળીને સવાર થાતાં ઘેર આવ્યા.

ગામના માણસો, અને દરબાર સવારમાં બેહવા આવ્યા, ખરખરો કરવા માંડ્યા, ‘બારોટજીને સુવાણ્ય નો થઈ.’

‘અરે! એના જેવું ડાયું માણસ ગામમાંથી જાય, ઈ તો આપણને બધાંયને વહમું લાગે.’

કો’ક કે’, ‘મંદવાડ તો નિમિત્ત કે’વાય. બાકી જ્યાં દોરી તૂટે ક્યાં ઉપાય હાલે છે?’

હવે દરબારે છોકરાવને પૂછ્યું, ‘બારોટજીએ દેહ ક્યેં મૂક્યો’તો?’

મોટો દીકરો બોલ્યો, ‘સમીસાંજમાં જ!’

‘પણ તમે કોઈને બોલાવ્યા નહીં? માણસ મર્યું ’તું કાંઈ ઢોર નો’તું મૂઉં!’

ત્યારે નાનો દીકરો બોલ્યો, ‘ઈ કહી ગ્યા’તા કે મારા મરણામાં ગામમાંથી કોઈ આભડવા આવશે તો મારો જીવ ગત્યે નહીં જાય. તમે ચારેય છોકરા પાણી મૂકો કે, ‘અમારી સિવાય કોઈને દેન દેવા નહીં દઈએ, તો જ હું સ્વર્ગ પામીશ એવું મને સ્વપ્નું આવ્યું છે. અમારી વાહેં પાણી મુકાવ્યું ને એમણે દેહ છોડ્યો. બાપુ એમ કેતા’તા કે મારે કોઈને હેરાન કરવા નથી. એટલે અમે તો બાપુ, લાચાર થૈ ગ્યા.’

દરબાર કે’, ‘આવું તો ક્યાંય સાંભળ્યું નો’તું.’

છોકરાવ કે’ ‘બાપુ, બધી વાત સાચી, જાનાર તો જાતા રીયા, હવે અમને ઠપકો આપો તો માથે ચડાવીએ. અમારા હાથમાં જળ લેવડાવ્યું, એટલે મરતા બાપનો બોલ પણ કેમ ઉથાપાય? અમારા બાપુને એવું સૂઝ્યું ગમે એમ પણ, એમને એવું દેખાઈ આવ્યું’તું.’

બધા કે’- ‘ભલે જે થ્યું ઈ થ્યું. તમારે દા’ડો કારજ, શું રીત, શું રિવાજ?’

મોટો કે’છે, ‘બાપુએ ગામ જમાડવાનું કીધું છે, પણ સગવડ નથી.’

દરબાર કે’, ‘જરૂર જમાડો. બરાબર કારજ કરો, ખરચ અમારે માથે.’

ગામવાળા કે’, ‘ઘીનું અમે પૂરું કરશું. ગામ આખાનું ત્રણ દિ’નું ઘી ગાંગા બારોટને ઘેર જાય અને ઘટે તોય અમારે પૂરું કરવું.’

ગામ આખાનું ઘી ઠલવાણું. દરબારની તિજોરી ખૂલી ગઈ, ગાંગા બારોટ વાંહે કારજ જમણવાર થઈ ગ્યા. ધુમાડાબંધ ગામ જમી ઊઠ્યું. બાવા, સાધુ, ફકીર જમ્યા. બ્રાહ્મણની ચોરાશી થઈ તોય ઘી વધ્યું.

ગાંગા બારોટ ઘરમાં બેઠાં બેઠાં માલપાણી ઉડાવીને લાલ બુંદી જેવા થૈ ગયા છે. એક વખત ફૂલી ફઈને રાતે ઊંઘ નથી આવતી તે બેઠાં બેઠાં રેંટિયો કાંતે છે. આ ફૂલી ફઈની વંડીમાં એક ગોખલો ભીંત સોંસરવો હતો. આ ગોખલામાંથી કો’કે અવાજ દીધો.

‘ફૂલી ફઈ! એ ફૂલી ફઈ!’

‘અરે! આ તો ગાંગો બારોટ! ક્યાંથી અટાણે? ભૂત થ્યો કે શું?’ આમ ફૂલી ફઈ મનોમન વિચાર કરે છે ત્યાં તો ગોખલામાંથી પાછો અવાજ આવ્યો, ‘એ ફૂલી ફઈ, હું ભૂત નથી હો, હું તો ગાંગા બારોટ.’

ફૂલી ફઈને પરસેવો છૂટી ગ્યો. માતા આવી હોય એમ ધ્રૂજ વછૂટી.

‘એ ફૂલી ફઈ બીવો મા, ડેલી ઉઘાડો, હું સ્વર્ગમાંથી ભગવાનના ધામમાંથી તમારી પાસે આવ્યો છું. સદેહે સ્વર્ગમાંથી મૃત્યુલોકમાં આવ્યો છું, પાછો જતો રહેવાનો છું.’

ત્યારે ફૂલી ફઈ ગોખલા સામી નજર કરે છે. તો ગાંગા બારોટ મીઠું મીઠું હસે છે.

‘અરે માડી, આ તો ગાંગોજી પોતે. એને ભૂત કેમ ગણાય?’

‘અરે ગાંગલા, મારા રોયા, તું આંઈ ક્યાંથી? મને ક્યાં હેરાન કરવા આવ્યો?’

‘માડી, હેરાન કરવા આવતો હોઉં તો મને શંકર ભગવાનની આણ્ય. હું અવગત્યે નથી ગ્યો. અવગત્યે ન જાઉં એટલે છોકરાવને મેં શીખવાડ્યું’તું હું તો વિષ્ણુ ભગવાન પાંહેથી આવ્યો.’

ફૂલી ફઈબા કે’, ‘મારા રોયા, તું આવ્યો કેવી રીતે?’

‘અરે વિમાનમાં! ફૂલી ફઈબા, મારો તો સ્વભાવ જ એવો ને, તે મારે તો ભગવાન હાર્યે સારાસારી થૈ ગઈ. ભગવાનના ચરણમાં શું દુ:ખ?’

‘તે ગાંગલા! યાં શું હોય?’

ગાંગોજી કે’, ‘અરે ફૂલી ફઈબા, સ્વર્ગની શું વાત કરવી? સારું સારું ખાવાનું, અમૃત પીવાનું, અપ્સરાઉ નાચે, મીઠાઈ ભોગ થાય. નહીં કોઈને મંદવાડ, નહીં ગંદવાડ, જુઓ હું કેવો છું?’

ફૂલી ફઈબા કે’ છે, ‘અરે તું તો લાલ ગલોલા જેવો થૈ ગ્યો છો પણ તારી જેમ કોઈ પાછું આવ્યું નથી જાણ્યું.’

ગાંગો કે’, ‘ઈ તો તમ જેવા ઘૈડાનાં પુણ્ય. મારું વચન વિષ્ણુ ભગવાન લોપે જ નહીં. આ મને એમણે છૂટ આપી. કેમ કે એને ખબર હોય કે હું ધરમ નિ’મમાં ફેર પડવા નો દઉં. ક્યાંય માયા મો’બત રાખું નહીં. આ તો મને એમ થ્યું કે ફઈને મળી લઉં. બાકી હવે કાંઈ મારે ઘરની માયા નો રખાય. ઘેર જાવાનું જ નો હોય.’

ફૂલી ફઈબા કે’, ‘ભારે ભઈ તું તો, પણ બેસ તો ખરો!’

ગાંગોજી, ‘અરે! બેહવાની વાત હોય? હવે મારે જાવું પડે! સ્વર્ગનો પલ્લો કેટલો લાંબો છે? અને વિમાનને ટેમસર પોગાડવું પડે! લ્યો ફૂઈ, સુખી થાવ. ભગવાન તમારા જીવને સુખ આપે. દરબારને મારા ઝાઝા કરીને રામરામ કે’જો કે જેવી ટેક રાખો છો, એવી રાખતા રે’જો. હું પરમ દિ’ રાતવરત વે’લો-મોડો આવી જઈશ.’ એમ કે’તા કે’તા બારોટ તો ઊપડ્યા. અંધારામાં અલોપ રાત્રે ઘર ભેગા.

સવારે તો ફૂલી ફઈ ઊપડ્યા. બાપુને બધી વાત કરી પણ બાપુ માને નહીં.

ફૂલી ફઈ કે’, ‘તયેં દરબાર હું ગાંડી થૈ ગઈ છું? સ્વર્ગમાંથી કોઈ આવ્યું જાણ્યું નથી, પણ આને બધું સૂજી ગ્યું’તું. એણે કેટલો ટેક જાળવ્યો’તો? પોતાના મડાને કોઈનું કાંધ અડવા દીધું’તું? બાપુ, ઈ તો બધાય હિસાબ જ નોખા છે. તેમ છતાંય માનવું ન માનવું ઈ તમારી મરજીની વાત.’

ત્યારે દરબાર વિચાર કરીને બોલ્યા, ‘હેં ફૂલી ફઈ, એણે પરમ દિ’ આવવાનું કીધું છે?’

ફૂલી ફઈ કે’, ‘હા પરમ દિ’નું કેતો’તો ખરો; પણ દરબાર આ વાત એના ઘરનાય જાણતા નથી. તમે કોઈને કે’તા નહીં.’

‘અરે રામ રામ કરો! હું કોઈ દિ’ કે’તો હઈશ? પરમ દિ’ વાળુ-પાણી કરીને હું ઘેર આવી જઈશ. પણ કોઈને ખબરેય પડવા નહીં દઉં, ઉપર વાડેથી આવીશ.’

ફૂલી ફઈ કે’, ‘ભલે જરૂરથી આવજો.’

આ તો ત્રીજે દિ’ સંધ્યાટાણું થ્યું. દીવે વાટ ચડી. દરબાર પણ છાનામાના ફૂલી ફઈની ડેલીમાં આવી ગ્યા. મધરાત થઈ, જળ જંપી ગ્યાં, ત્યાં તો અવાજ આવ્યો, ‘ફૂલી ફઈ, એ ફૂલી ફઈ.’

‘એ ઉઘાડું’ કરતાં ડોશીમા દોડ્યાં, બારણું ઉઘાડ્યું. ગાંગો બારોટ અને બાપુ બેય બથ ભરીને ભેટ્યા.

‘અરે બારોટ, તમારા શરીરમાંથી તો સુગંધ જ આવ્યા કરે છે.’

‘બાપુ, ઈ તો સ્વર્ગની સુગંધ. પ્રભુનો પ્રતાપ છે, બાકી આપણા જેવા માણસથી શું થાય?’

‘ધન્ય છે બારોટ તમને,’

‘ના દરબાર, ધન્ય છે તમને. કેમ કે તમારા પરીયા બધાંય યાં છે. વખતસંગ બાપુ, મહીજી બાપુ અને અખેરાજ બાપુ, કોઈ કે’તા કોઈ નરકમાં જ નથી. બધાંય ભગવાનના ચરણમાં.’

ગાંગો બારોટ કે’, ‘તમે કયો ઈ નિશાની આપું. જુઓ, અખેરાજ બાપુ ધીંગાણામાં કામ આવ્યા’તા. તઈં મહીજી બાપુએ ચાર ધામની જાત્રા કરી’તી અને વખતસંગ બાપુએ હવન કર્યો’તો આ એના પુણ્યે સ્વર્ગ મળ્યા. મારી મરજી એટલી હતી કે તમને આ સમાચાર મારે આપવા એટલે આ ધક્કો ખાધો.’

ત્યારે બાપુ કે’ છે, ‘હું બારોટ, મારા વડવા મને સંભારે છે? તમે ઓળખાણ કાઢી’તી?’

બારોટ કે’, ઓળખાણ કાઢવાની વાત ક્યાં કરો છો? રોજ બેઠક જ મારે એમની હાર્યે. પણ સ્વર્ગમાં તમને નો સંભારે. જીવ માયામાં હોય ઈ જ છોકરાને સંભારે. પણ એટલું બોલે કે અમારા કુળમાં દાનધરમ થાય તો સારું. અમારા જેવી ટેક અમારા વંશમાં રખાય તો સારું.’

બાપુ કે’, ‘ભલે બારોટ ભલે, તમે અમારા વડવાના સમાચાર લઈ આવ્યા, ઈ ઓછી વાત છે? પણ બારોટ અમને સ્વર્ગ નો બતાવો?’

‘બાપુ, તમે તો રાજા માણહ છો, કાંઈ મર્યા વગર સ્વર્ગે જવાય?’

બાપુ કે’ છે, ‘બારોટ મર્યા પછી કોને ખબર છે? પણ તમારી હાર્યે આટલો નાતો ને આટલું કામેય નો કરો?’

‘બાપુ, આ વાત કરશો તો હું હવે આવીશ જ નહીં.’

ત્યારે ફૂલી ફઈ બોલ્યાં, ‘ગાંગા, તેં બાપુનું વેણ જીવતા ઉથામ્યું નથી, અને હવે ના પાડ્ય તો એમને કાંઈ નો થાય? નાતો સંબંધ રાખ્યો તો રાખી જાણવો.’

‘પણ ફૂલી ફઈ, સ્વર્ગમાં તો મારે ક્યાં ખભે બેહાડીને લઈ જાવા છે? વિમાનમાં જ બેહાડી દેવાના છે, અને જરાક આંટો લેવડાવીને પાછા ઉતારી દઉં. ભગવાનનીય આઘેથી ઝાંખી કરાવી દઉં, અને તરત હેઠા, પણ તમારાથી હું કઉં, એમ થાય નહીં.’

દરબાર તો ખુશ થૈ ગયા, ‘અરે ભૂંડા, બોલતો શું નથી? કરવાનું શું છે, એમ કહી દે ને.’

ગાંગોજી કે’, ‘બાપુ, સ્વર્ગમાં વિમાન જાય, ઈ તો આકાશી મારગે જાય, ઈ મારગે તો જેને માથે ભગવાનના હાથ ફર્યા હોય એને જ ચક્કર નો આવે, તેમ છતાં જો આવવું હોય તો આંખે પાટા બાંધીને વિમાનમાં બેહાય. યાં જઈને પાટા છોડી નાખશું.’

‘ઈ તો બરાબર છે.’ ફૂલી ફઈબાને વાત ગળે ઊતરી ગઈ.

‘અરે આંખે પાટા બાંધી દેશું, તું જો વિમાનમાં બેહાડતો હો તો…’

‘પણ બાપુ, વચ્ચે વૈતરણી નદી આવે, નરક આવે, ઈ તમારાથી જોયું જાય નહીં. તેમાંય માયાવી રાક્ષસોનો દેશ આવે. તે માયાવી તમને ગમે એમ સમજાવે. તમારા ઓળખીતા થઈને આવે. તમારે માનવું નહીં. જો આમ મજબૂત મન રાખો તો સ્વર્ગ દેખાડું.’

બાપુ કે’, ‘તેં કીધું એટલે મન મજબૂત જ રાખશું. એમાં ફેર જ નો પડે. હવે કાંઈ છે કે’વાનું?’

‘હા, હજી એક કે’વાનું છે. આ તો સ્વર્ગની વાત છે. ત્યાં વસ્તુ માત્ર સફેદ જ હોય. યાં ગંગા જેવી નદી હાલી જાય છે, પણ એનાં પાણીય ધોળા બાસ્તા જેવાં — એટલે બાપુ, તમારેય દાઢી મૂછ, માથું બધુંય મુંડાવી, ચૂનો ચોપડી વિમાનમાં બેહવું પડે.’

બાપુ કે’, ‘કાંઈ વાંધો નહીં, દુનિયા ઝખ મારે છે, બાકી સ્વર્ગ જોવું ઈ વાત નક્કી.’

ફૂલી ફઈબા કે’, ‘હુંય મારા જોગી તૈયારી કરી લઈશ. ગાંગા બારોટ, આપણે કે દિ’ જાવું છે?’

‘નીકળવું જ હોય તો કાલ રાતે જ નીકળવું પડે. પછી વિમાનનો જોગ થાય એમ નથી. મોડી રાતે નીકળાય.’ બારોટે જવાબ આપ્યો.

બાપુ કે’, ‘ભલે.’

બારોટ કે’, ‘હવે મારે મોડું થાય છે, વળી કાલ માટે વિમાનનું નક્કી કરવું પડે. હું જાઉં, લ્યો તંઈ રામેરામ.’

‘એ રામેરામ.’

હવે દિવસ ઊગ્યો, સાંજ પડી ગઈ, બાપુએ વેલાસર વાળુપાણી કરી લીધાં. રાતને વખતે વાળંદને બોલાવી વતું કરાવી નાખ્યું. પાછી સૂચનાય આપી દીધી.

‘મૂંગો મરજે, દાઢી-મૂછ પડાવ્યાની વાત નો કરતો.’

વાળંદ કે’, ‘બાપુ, ક્યાંય નો કરું. કોઈનેય વાત ન કરું.’

રાતના ત્રણ સાડાત્રણ થ્યાં હશે. અંધારી રાત. મેઘલી મળી ગઈ’તી ત્યાં તો ‘કાં ફૂલી ફઈ,’ કરતા ગાંગો બારોટ આવી ગ્યા. ફૂલી ફઈ અને દરબાર ધોળાં લૂગડાં ચડાવી, માથે ચૂનો ચોપડી, મુંડાવી, તૈયાર થઈને બેઠાં છે. આવતાંવેત બારોટે બેયની આંખે પાટા બાંધી દીધા. દોરીને ફળિયામાં લીધા. શેરીના નાકે ગાંગો બારોટ એક ધોબીના ઘરનો બાંડો પોઠિયો છોડી લાવ્યા. પોઠિયાના પગમાં ઝાંઝર, ગળે ટોકરો અને માથે બેઠક રાખી’તી. દરબારને દોરીને પોઠિયા માથે બેહાડી દીધા. હાથમાં દીધી દોરી, કે’, ‘બાપુ, આ વિમાનની દોરી! ધરી રાખો હાથમાં!’

બાપુ કે’છે, ‘લાવો લાવો, બારોટ, તમે તો કીધું એમ કરી દેખાડ્યું હો!’

બારોટ કે’, ‘બાપુ, હવે બોલતા નહીં. બોલશો તો હું જવાબ નહીં દઉં, વિમાન હમણાં ઊડશે. પેલા તો હાલતું હોય એમ જ લાગશે.’

ફૂલી ફઈબાને અવળે પોઠિયે બેહાડ્યા, હાથમાં દીધું પૂંછડું અને કીધું કે, ‘લ્યો ફૂલી ફઈ, આ છે વિમાનની દાંડી, જો જો મૂકતા નહીં!’

પોઠિયાને હાંક્યો. રૂમઝૂમ ઝાંઝર ઝણકાવતો, પોઠિયો ઊપડ્યો. આણે તો ગામના પાદરમાં પોઠિયો છોડી દીધો. પોતે ઘેર જઈને પોઢી ગ્યો.

થોડી વાર થઈ, ત્યાં સવાર પડવા આવી. ખેડવાયું ગામ. વહેલી પરોઢે ખેડૂતો સાંતી જોડીને સીમમાં જાય, પણ ગામના પાદરમાં આવતાં જ્યાં નજરે પડે ત્યાં બધાય થંભી જાય. પોઠિયો તો ઉકરડા ભંભોડે! માથે દરબાર અને અવળે પોઠિયે ફૂલી ફઈબા. આંખે પાટા, માથે ચૂનો.

બધાય કે’ એલા આ શું?

પણ ઝટ બોલાય કેવી રીતે? એમ કરતાં તો ગામ જાગ્યું કોઈ દિશા જંગલ જાવા, તો કોઈ ના’વા ધોવા, તો કોઈ પાણી શેરડે, એમ માણસ ગામ બહાર આવતું જાય છે. પાદરમાં તો માણસની ઠઠ. હવે ચણભણ ચણભણ વાતું થાવા માંડી, કો’ક બોલ્યું,

‘બાપુ, આ શું સૂઝ્યું?’

પણ જવાબ દે, ઈ બીજાં! બાપુ કે’ ‘આ તો માયાવી દેશ આવ્યો, ગાંગા બારોટે સાચું કીધું છે!’

ત્યારે બીજા એક પછી એક કે’વા માંડ્યા, ‘બાપુ, આ નથી સારું લાગતું. તમે ઊઠીને આ શું માંડ્યું છે? દુનિયા દાંત કાઢે છે.’

બાપુ કે’, ‘ફૂલી ફઈ બોલતા નહીં હો…’

ફૂલી ફઈ કે’ ‘હું ક્યાં નથી જાણતી? આ તો માયાવી રૂપ ધરનારાં બધાંય છે. આપણા ગામનાં હોય એમ બોલે છે.’

ગામના પટેલે તો આ જોયું, અને તરત જ બાપુની આંખના પાટા છોડી નાખ્યા, ફૂલી ફઈનાય છોડી નાખ્યા!

બાપુની ભોંઠામણનો પાર નથી. શું બોલે? ફૂલી ફઈબા કે’, ‘મારો રોયો ગાંગલો.’

બાપુ કે’, ‘અમને સ્વર્ગમાં લઈ જાતો’તો. વિમાન લઈને આવ્યો’તો. આ એનું વિમાન.(પોઠિયો બતાવ્યો)

બધાય ખડખડ ખડખડ દાંત કાઢવા માંડ્યા. બાપુ એકદમ ગઢમાં પહોંચી ગયા. ધીમે ધીમે બધાયને વાતનો ફોડ પડ્યો.

હવે પાછો ડાયરો ભરાણો. ડાયરામાં તો ગાંગો બારોટ તૈયાર થઈને દુહા લલકારતા પોગી ગ્યા છે.

સૌ સૌને મન સવા શેર અધવાલેય કોઈ ઓછું નહીં. હુંપદના હલકારા માંઈ દુનિયા તણાણી દાદવા. અરે, મનસૂબા, માનવતણા, ઈ તો બધાંય અ ઠીક. ભાંચળિયો ચારણ ભણે. ઠાકર કરે ઈ ઠીક!

ડાયરાની આંખો ગાંગો બારોટ ઉપર મંડાણી. ડાયરામાં આવતાં ગાંગો બારોટ કે’, ‘એ બાપુ! રામ રામ.’

બાપુ કાળઝાળ થૈ ગ્યા, ઝબ નોરી તલવારેય કાઢી. બધા માણસો ઊભા થૈ ગ્યા, ‘હાં હાં, હાં બાપુ! રેવા દ્યો, જે થાવું’તું તે થૈ ગ્યું!’ બધાયે તલવાર લઈ લીધી અને બારોટને ઠપકો દેવા સૌ તલપાપડ થૈ ગ્યું.

‘એ મૂરખના સરદાર, તેં કાંઈ વિચાર નો કર્યો ! ન કરવાનાં કામ કર્યાં!’

બારોટ કે’ છે, ‘જોઈ લ્યો, આ દસ્તાવેજ ! આમાં શું લખ્યું છે?’

‘મને કોઈ છેતરે, અને હું છેતરાઉં, તો ખોટું નહીં લગાડું પણ રૂ.૨૦૦૦ ઇનામ આપીશ.’

બાપુનો ક્રોધ પણ શાંત થયો, ને ઇનામ દીધું. ગાંગો બારોટે અભિમાન તોડ્યું. પાછી ભાઈબંધી એવી ને એવી ચાલુ રહી. ખાધું પીધું ને મજા કરી.

બાપુ બોલ્યા, ‘રંગ છે બારોટને. ભલે મશ્કરી કરી, પણ બારોટે કરામત કરી દેખાડી.’