ભારતીય કથાવિશ્વ૧/જનકનો યજ્ઞ અને યાજ્ઞવલ્ક્ય

Revision as of 13:32, 26 November 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| જનકનો યજ્ઞ અને યાજ્ઞવલ્ક્ય | }} {{Poem2Open}} એક વેળા જનક વિદેહીએ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જનકનો યજ્ઞ અને યાજ્ઞવલ્ક્ય

એક વેળા જનક વિદેહીએ પુષ્કળ દક્ષિણાવાળો યજ્ઞ કર્યો. તેમાં ભાગ લેવા કુરુ તથા પંચાલ દેશોના બ્રાહ્મણો આવ્યા. જનક રાજાને પ્રશ્ન થયો કે આ બધા બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બ્રહ્મવેત્તા કોણ છે? એમ વિચારીને એક હજાર ગાયો એકઠી કરી, દરેકના શિંગડે દસ દસ સોનામહોર બાંધી. પછી જનક રાજાએ કહ્યું, ‘તમારામાંથી જે શ્રેષ્ઠ બ્રહ્મવેત્તા હોય તે આ ગાયોને પોતાને ઘેર લઈ જાય.’ પરંતુ કોઈ બ્રાહ્મણે હિંમત ન કરી, બ્રાહ્મણોને અપાત્ર જોઈ યાજ્ઞવલ્ક્યે પોતાના શિષ્યને કહ્યું, ‘હે સૌમ્ય, તું આ ગાયોને મારે ઘેર લઈ જા.’ શિષ્ય ગાયોને ગુુરુને ઘેર લઈ ગયો, બધા બ્રાહ્મણો આથી ક્રોધે ભરાયા અને તેમણે કહ્યું, ‘આ બધામાં પોતાની જાતને તે શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની કેમ માની લે છે?’ ત્યારે જનકના એક હોતા અશ્વલે પૂછયું, ‘અમારા બધામાં તમે જ શ્રેષ્ઠ છો?’ યાજ્ઞવલ્ક્યે કહ્યું, ‘બ્રહ્મજ્ઞાનીને તો અમારા નમસ્કાર. હું તો ગાયોની ઇચ્છાવાળો છું.’ આ સાંભળી અશ્વલે તેમને પ્રશ્નો પૂછવાનો વિચાર કર્યો. ‘હે યાજ્ઞવલ્ક્ય, આ બધા જ મૃત્યુથી ઘેરાયેલા છે, તો યજમાન મૃત્યુથી કેવી રીતે બચી શકે?’ ‘આ યજમાન હોતા ઋત્વિક રૂપ અગ્નિથી અને વાણી દ્વારા બચી શકે છે. વાણી જ યજ્ઞની હોતા, તે જ અગ્નિ, તે જ હોતા, તે જ મુક્તિ અને અતિમુક્તિ.’ અશ્વલે પૂછયું, ‘આ સર્વ દિવસ અને રાતથી વ્યાપ્ત છે, રાત અને દિવસના વશમાં બધું જ છે. તો યજમાન કેવી રીતે દિવસ અને રાતનું અતિક્રમણ કરી શકે?’ ‘ઋત્વિક વડે અને નેત્ર રૂપી આદિત્ય વડે. અધ્વર્યુ યજ્ઞનું નેત્ર છે, જે નેત્ર છે, તે આદિત્ય, જે અધ્વર્યુ છે તે જ મુક્તિ છે.’ ત્યાર પછી બીજા બ્રાહ્મણોએ પણ પ્રશ્નો પૂછ્યા અને એ બધાના ઉત્તર યાજ્ઞવાલ્ક્યે આપ્યા.

(બૃહદ આરણ્યક ઉપનિષદ : અધ્યાય ત્રણ)