મનીષા જોષીની કવિતા/પાલર પાણી

પાલર પાણી

હું કહેતી, ચા પીધી.
તમે કહેતા, ચા પીધો.
અને એમ, આપણે પ્રેમ કર્યો
આપણી પોતાની માલિકીની
આ ગુજરાતી ભાષાને

ને એમ, આપણે લખી થોડીક કવિતાઓ, ગુજરાતીમાં
ક્યારેક કોઈ જાહેર રસ્તા પર
હારબંધ ગોઠવાયેલી સ્ટ્રીટલાઇટોની રોશનીમાં
તો ક્યારેક કોઈ ઘરની પછીતે રેલાતા
દીવાના ઝાંખા ઝાંખા પ્રકાશમાં.
ક્યારેક હાઇવે પર, સામેથી પૂરપાટ દોડી આવતી
અને આપણને અથડાઈને નાસી જતી
લખપતથી કોલસા ભરીને આવતી
ટ્રકની હેડલાઇટના પચરંગી અજવાળામાં
તો ક્યારેક વળી
કાગળ પર દોરેલા સૂરજના
આંધળા કરી દેતા ઉજાસમાં.

ક્યારેક ગુજરાતી ભાષા ધસી આવી આપણી કવિતામાં
ભુજના હમીરસર તળાવની પાળી તોડીને
ગઢની રાંગ સુધી ઊછળતા પાણીની જેમ
તો ક્યારેક, આપણે વાગોળતાં રહ્યાં શબ્દો
મનમાં ને મનમાં
કચ્છના વગડામાં
ગાંડા બાવળની ફળીઓ ચાવ્યા કરતી
કોઈ એકલદોકલ બકરીની જેમ.
અને ક્યારેક વળી, કેલિફોર્નિયા જતા-આવતા
વિમાનની અંદર
અંગ્રેજીમાં સંભળાયા કરતી જીવન-મરણની સૂચનાઓનો
રીડિંગ લૅમ્પની, માંદી, ડીમ લાઇટમાં
આપણે કરતા રહ્યા તરજુમો
ગુજરાતી કવિતામાં,

એક સમય હતો, જ્યારે
ગુજરાતમાં બોલાતી ગુજરાતી ભાષા સાંભળવા માટે
આમ વાદળોને ચીરી નાંખતો પ્રવાસ નહોતો કરવો પડતો
પણ મૃત્યુ, હંમેશ આપણી નજીક રહ્યું
વડોદરાનાં વૃક્ષોની જેમ.

‘મૃત્યુ દુષ્ટ હોવું જોઈએ, નહીં તો દેવો શા માટે અમરત્વને પસંદ કરે?’
પ્રાચીન ગ્રીક કવયિત્રી સાફોએ કરેલો આવો એક સવાલ
મેં ફરી પૂછ્યો હતો તમને, વર્ષો પહેલાં
વડોદરાની કોઈ વૈશાખી બપોરે
પણ તમે કોઈ જવાબ નહોતા આપી શક્યા
અને એમ, મેં મેળવી લીધો હતો એક જવાબ.

પછી તો આપણી કવિતાઓમાં જીવતાં થયાં
કંઈ કેટલાંય જનાવરો
પાલતું પ્રાણીઓ અને રાની પશુઓ.
ઈજા પામ્યાં તેઓ ક્યારેક
પણ જીવતાં રહ્યાં
આપણે પણ
એ જનાવરો ભેગાં
મૃત્યુ પામ્યા વિના
હાથીઓ માટે બનાવાયેલા ખાડામાં.

હાથીઓની લંબાતી સૂંઢો, લાંબા દાંત, પાગલ ચિત્કાર
અને આપણને કચડી નાખવા ઉગામેલા વજનદાર પગ તળે
જમીન સરસાં પડેલાં આપણે
જીવતાં રહ્યાં, મૃત્યુની સાવ લગોલગ જઈને.

હવે ન કોઈ સવાલ જીવન વિશે
ન મૃત્યુ વિશે
કે ન તો અમરત્વ વિશે.
હવે તો બસ, વિમાનના સ્થગિત વાતાવરણમાં
અડધી-પડધી ઊંઘમાં, અધખુલ્લી આંખોએ
વિચારે ચડી જઈએ
શુદ્ધ ગુજરાતીમાં.
ત્યારે વિમાનમાં બાજુની સીટ ૫૨ બેઠેલી
કોઈ અમેરિકન વ્યક્તિ પૂછે, અંગ્રેજીમાં
‘તમે કંઈ કહ્યું?’
અને આપણે જવાબ આપીએ, ધરા૨, ગુજરાતીમાં જ,
‘ના, કંઈ નહીં.’

હાથી હવે પગ ઉગામશે
સિંહ હવે મોઢું ખોલશે
મૃત્યુ આવી રહ્યું છે
નજીક, વધુ નજીક
ને હું,
દિલ્હીના લોધી ગાર્ડનમાં ચાલતાં ચાલતાં
એક વૃક્ષ પર લાગેલી તકતીમાં, ‘પ્રોઝોપીસ જૂલીફલોરા’ નામ વાંચીને
તમને કહી રહી છું, ‘આ એ જ છે, કચ્છનો ગાંડો બાવળ, આ તેનું વૈજ્ઞાનિક નામ.’
પછી જરા ત્યાં અટકીને, આપણે આગળ વધી જઈએ છીએ.

કચ્છના કોઈ ગામમાં, આંગણામાં મૂકેલા પ્યાલામાં
નળિયા પરથી નીતરતું, વરસાદનું ચોખ્ખું, પાલર પાણી ભેગું થતું રહેશે.

મને બહુ ગમતો, આ ગુજરાતી શબ્દ
આજે, કેટલાયે વખત પછી, અચાનક યાદ આવ્યો
અમરત્વની આ ઘડીએ.

મૃત્યુ, તું દુષ્ટ નથી.

(આ કવિતા – મૃત્યુ માટે, ગુજરાતી ભાષા માટે, સિતાંશુ માટે)