મનીષા જોષીની કવિતા/સર્જક-પરિચય

કવિયત્રી-પરિચય

મનીષા જોષીનો જન્મ ૬ એપ્રિલ, ૧૯૭૧ ગુજરાતમાં કચ્છ જિલ્લાના માંડવી ખાતે થયો. કચ્છમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ કૉલેજ અભ્યાસ વડોદરામાં. ૧૯૯૫માં વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી. કારકિર્દી માટે મુંબઈ તથા લંડનમાં વર્ષો સુધી પ્રિન્ટ તેમજ ટેલિવિઝન મીડિયામાં પત્રકાર રૂપે કાર્યરત. હાલ અમેરિકામાં કેલિફોર્નિયા ખાતે સ્થાયી. મનીષા જોષીએ ગુજરાતી સાહિત્યને ચાર કાવ્યસંગ્રહોનું યોગદાન આપ્યું છે. પ્રથમ સંગ્રહ ‘કંદરા’ (૧૯૯૬), ‘કંસારા બજાર’ (૨૦૦૧), ‘કંદમૂળ’ (૨૦૧૩) તથા ‘થાક’ (૨૦૨૦). તે ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ચૂંટેલી કવિતાનું સંપાદન વર્ષ ૨૦૨૦માં પ્રકાશિત થયેલ છે. તેમના ‘કંદમૂળ’ કાવ્યસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું વર્ષ ૨૦૧૩નું પ્રથમ પારિતોષિક એનાયત થયેલ છે. ગુજરાતી લિટરરી એકેડમી ઓફ નોર્થ અમેરિકાએ વર્ષ ૨૦૧૮માં રમેશ પારેખ ઍવૉર્ડથી સન્માનિત કર્યાં છે. તેમનાં કાવ્યોની પસંદગી અનેક અંગ્રેજી પોએટ્રી એન્થોલોજી માટે થયેલ છે જેમાં ‘બીયોન્ડ ધી બીટન ટ્રેક : ઓફબીટ પોએમ્સ ફ્રોમ ગુજરાત’, ‘બ્રેથ બીકમિંગ અ વર્ડ’, ‘જસ્ટ બિટવીન અસ’, ‘ઇન્ટીરીઅર ડેકોરેશન’, ‘ધી ગાર્ડેડ ટંગ : વિમેન્સ રાઇટીંગ ઍન્ડ સેન્સરશીપ ઇન ઇન્ડિયા’, ‘વીમેન, વીટ ઍન્ડ વિઝડમઃ ઇન્ટરનેશનલ મલ્ટીલિન્ગ્યુઅલ પોએટ્રી એન્થોલોજી ઑફ વિમેન પોએટ્‌સ’, ‘અમરાવતી પોએટીક પ્રિઝમ’ વગેરે સમાવિષ્ટ છે. આ ઉપરાંત તેમની કવિતાઓના અંગ્રેજી તથા હિન્દી અનુવાદ ‘ઇન્ડિયન લિટરેચર’, ‘ધ વુલ્ફ’, ‘ન્યૂ ક્વેસ્ટ’, ‘પોએટ્રી ઇન્ડિયા’, ‘ધ મ્યૂઝ ઇન્ડિયા’, ‘સદાનીરા’ વગેરે પ્રતિષ્ઠિત સામયિકો તથા વેબજગતમાં ઉપલબ્ધ છે.