મરણોત્તર/૨૩


૨૩

સુરેશ જોષી

આજે ઈશ્વર આવીને કાનમાં કહે છે: ‘મારે માણસ થવું છે.’ મને લાગે છે કે એને માટે કોઈ કીમિયો શોધી કાઢવો જોઈએ. ગર્ભવાસનું ઊંધે મસ્તક લટકવાનું દુ:ખ, જન્મ્યા પછીનું રુદન, શિશુકાળની અસહાયતા – આ બધું એ સહી શકશે? સૌથી અઘરું કામ તો એને માટે આંસુ શોધવાનું છે.

પણ એને માટે, માનવી જ કરે એવાં આગવાં, થોડાં પાપ શોધવા પડશે, ઈશ્વરના પાપમાં અમાનુષીપણું રહેલું હોય છે. હું આવી ચિન્તામાં પડી જાઉં છું. ઈશ્વર મારી સામે યાચનાભરી દૃષ્ટિએ તાકી રહે છે. એ માનવસ્પર્શને ઓળખે, થોડુંક મેધાના નિ:શ્વાસથી દાઝે, નમિતાનાં રૂંધેલાં આંસુના ભારને ઓળખે, સુધીરની શૂન્યમનસ્કતાને તળિયે ડૂબકી મારે, અશોકની વિફળતાના છીછરાપણાને જાણે, અને મૃણાલ –

આ ક્ષણે મ્લાન ચાંદનીથી આચ્છાદિત પૃથ્વીના મુખ પર જે ગ્લાનિ છે, ઉદ્વેલિત સમુદ્રના અન્તરમાં જે વિક્ષોભ છે, હવામાં વ્યાપી રહેલો જે હાહાકાર છે, સૂર્યની પૃથ્વીનાં દુ:ખ દૂર રહીને જાણ્યાની જે બળતરા છે – આ બધું સમાવવા જેટલું ઈશ્વરનું હૃદય વિશાળ કરવું જોઈએ. માણસ થવા ઈશ્વર મથ્યો છે, એના અવતારોની કથા જાણીએ છીએ. પણ અત્યારે કદાચ એની પાપબુદ્ધિનો ભાર વધ્યો છે, અત્યારે માનવ ભેગા માનવ થઈને સહાનુભૂતિ પામવાની એની લાચારી વધી છે.

એ અણુ છે, વિભુ છે. સૌ પ્રથમ તો નિકટનું પણ કોઈ ન સાંભળે એમ સરી જતા આછા નિ:શ્વાસરૂપે એણે આવવું પડશે. પછીથી આછી આંસુની ઝાંયરૂપે આંખમાં વસવાનું શીખવું પડશે. માનવી જે ભાર ઉપાડીને ડગલાં ભરે છે તે પ્રમાણે એને ચાલવાનું શીખવું પડશે.

હું ધીમે ધીમે સરી જતા ઈશ્વરને જોઉં છું. કદાચ આ એનો બાલિશ તરંગ જ હતો. મરણ આ બધું સાંભળીને મોઢું ફેરવી લે છે. ઈશ્વરને સરી જતો જોઈને વળી એ હસતું થાય છે. ઈશ્વર કેટલી કલુષિતતા સહી શકશે? મનોજ, અશોક, મેધા, નમિતા, ગોપી – સૌ એકબીજાંને પોતાના આગવા કલંક વડે ઓળખે છે. કલંકને ભૂષણ બનાવ્યા વગર ધારણ કરવાનું સૌથી અઘરું છે. પણ એવું જ કશુંક તો તું કરવા નહોતી ગઈ ને મૃણાલ?