મરણોત્તર/૪૩


૪૩

સુરેશ જોષી

આ ઘરનો પડછાયો જ ઘરને ગળી ગયો છે. આ ક્ષણ જ અનિશ્ચિતતાની છે. દૃષ્ટિ એક ડગલું આગળ વધતાંની સાથે જ અનિશ્ચિતતા જોડે અથડાઈને ઊભી રહી જાય છે. વૃક્ષોનો આભાસ થીજી ગયેલા ફુવારા જેવો લાગે છે. કેશરાશિને પવનમાં વિખરાયેલા રાખીને ઊભેલી નમિતા કોઈ વૃક્ષ જેવી લાગે છે. એના કેશનાં શાખાપલ્લવ વિસ્તરે છે. એ વૃક્ષનું ફળ ક્યાંક ઢંકાયેલું છે. એ વૃક્ષ પરનાં કાળાં ફૂલના ગુચ્છા મારી ચારે બાજુ મહેકી ઊઠે છે. દૂરનો સમુદ્રનો આભાસ કોઈ માયાવી જવનિકા જેવો લાગે છે. એ ખૂલશે ત્યારે કોણ જાણે કેવુંય વિશ્વ એની પાછળથી પ્રકટ થશે! ચન્દ્ર કોઈ દન્તહીન વૃદ્ધ દેવના મુખમાંથી ગબડી ગયેલા ખણ્ડિત વ્યંજનના જેવો લાગે છે. સમયની આ ક્ષણે આખી સૃષ્ટિ ‘હા’ અને ‘ના’ની નિશ્ચિતતાના સીમાડાથી દૂર સરી ગયેલી લાગે છે. જળમાં પૃથ્વીની અપારદર્શક ઘનતા છે, પૃથ્વીમાં આકાશની અવાસ્તવિકતા છે. પવનમાં કોઈના આલુલાયિત કેશની સાન્દ્ર સઘનતા છે. તારાઓ અર્ધા ભુંસાઈ ગયેલાં વિરામચિહ્નો જેવા અહીંતહીં વેરાયેલા છે. અર્ધપ્રકટ ઈશ્વર પણ ક્યાંક, જૂઈની કળીની આડશે, ખોળિયું બદલતો હશે એવો ભાસ થાય છે.

આ અનિશ્ચિતતામાં જ કદાચ, મૃણાલ, તારાં આંસુનો કણ્ઠ ખૂલી જાય અને તને પણ અજાણ્યા એવા ઉલ્લાસનું ગીત રણકી ઊઠે. આવી જ અનિશ્ચિતતામાં કદાચ તારો તિરસ્કાર પ્રેમને રૂપે ખીલી ઊઠે. આવી અનિશ્ચિતતામાં આપણા અર્ધા ભુંસાઈ ગયેલા ચહેરાઓ પાછળ ઢંકાઈ ગયેલાં આપણાં નામને કોઈક અન્ધ શોધતો ફરે. આવી અનિશ્ચિતતામાં જ મરણ પાસે દિશાભૂલ કરાવીને એને અવળે મોઢે હાંકી કાઢી શકાય. આવી જ અનિશ્ચિતતામાં જ કદાચ – પણ આ ‘કદાચ’ના તૂટેલા કટકાઓ મારી જીભમાં ખૂંપી જાય છે.

આ ક્ષણે મૌનને વૃદ્ધ વડનાં મૂળિયાંઓમાં સીંચી દઈએ, સમુદ્રકાંઠેની છીપલીઓમાં થોડા બોલાઈ ગયેલા શબ્દોને ફરીથી પૂરી દેઈએ, હજી પવન ફાંસીએ ચઢેલાના શબ જેવો અધ્ધર લટકી રહ્યો છે. ત્યાં સુધીમાં આ અનિશ્ચિતતાનું જે કરવું હોય તે કરી લઈએ.