મરણોત્તર/૪૨
સુરેશ જોષી
મારા જ મેરુદણ્ડના યૂપ સાથે મને બાંધી દીધો છે. કોઈ ધૂણતા ભૂવાની જેમ પવન મારી ચારે બાજુ ઘૂમે છે. સમય રાતી કીડીની હાર જેવો એના એક એક લાલ ચટકા સાથે મારું થોડું થોડું માંસ વધેરતો જાય છે. સમયે પાડેલા છેદમાં મધમાખીઓ એનું થોડું થોડું મધ ભરતી જાય છે. મારે અંગે એના દંશનો નિર્ધૂમ અગ્નિ પ્રગટી ઊઠે છે. પૂર્વમાં કોઈ વિરાટકાય કૂકડાની ચાંચમાંથી ટપકતાં રુધિરનાં ટીપાંની જેમ પ્રભાત ટપકે છે. સૂર્યચન્દ્રને ભેગા કરીને કોઈ કાંસા વગાડે છે. નદીનાં જળ એકસૂરીલો મંત્ર જપ્યા કરે છે. પાસેના પીપળાના વૃક્ષમાં સંતાઈને કોઈ ડાકલી બજાવે છે. થોડી જ વારમાં કોણ જાણે ક્યાંથી કેટલી બધી અશરીરી છાયાઓનું ટોળું બહાર આવીને ચક્રાકારે ફરવા માંડે છે. મારી અંદર બેઠેલું મરણ એના ઠૂંઠા હાથથી તાળી પાડવા મથે છે. જેને મારો ભોગ ધરવાનો છે તે દેવની કે અસુરની પ્રતીક્ષામાં સૌ કોઈ છે. હું મારી ચેતનાને સંજ્ઞાહીનતાના સીમાડા સુધી ખેંચીને લઈ જાઉં છું. ત્યાં કોઈકનો વિરાટકાય પડછાયો બધું ઢાંકી દે છે. એનાં ચાલતાં ચરણના પડછંદા પર્વતે પર્વતે પડઘા પાડે છે. એકીશ્વાસે મન્ત્ર રટીને જળ હવે હાંફી ગયું છે. મારી આંખોની બખોલમાંથી ભયનાં ધણ બહાર નીકળીને ભાગવા માંડ્યાં છે. ટીપેટીપે ટપકતું પ્રભાત બધે રેલાઈ ગયું નથી. આથી પેલો વિરાટકાય પડછાયો હજી બધે પ્રસરેલો છે. થોડી વાર રહીને પવન એની હજાર જીભે મારા છેદમાંનું મધ ચાટવા માંડે છે. એની સાથે જ મારી કાયા અસ્થિપિંજરથી અળગી થઈને ઊડી જશે એવી મને આશા બંધાય છે. પણ એકાએક પેલો વિરાટકાય પડછાયો કોઈ પ્રચણ્ડ જટાયુનું રૂપ ધારણ કરીને વધુ નજીક સરી આવે છે. એની પાંખની ઝાપટથી મારા શ્વાસ ઊડું ઊડું થાય છે, પણ તરત જ પાછા પટકાઈને પડે છે. એ જટાયુની સ્થિર આંખોમાં મને મારા વિષાદનું પ્રતિબિમ્બ દેખાય છે. મારો ભય ઓસરી જાય છે. ઘડીભર એની ચાંચ દ્વિધામાં પડે છે, પણ પછી તરત જ એના નહોર વડે એ મને સમેટીને ઊંચકી લે છે અને એ ઊડે છે, ઊડે છે, ઊડે છે…