મરણોત્તર/3


3

સુરેશ જોષી

નીચે ઘણાં માણસોનો અવાજ સંભળાય છે. કોઈ અવાજ વ્હીસ્કીથી તરબોળ છે, કોઈ સિગારેટના ધુમાડામાં લપેટાયેલો છે. મને કશોક જાદુ કરવાનું મન થાય છે: એ અવાજોને પંખી બનાવીને ઉડાવી મૂકું તો? મારા આ તુક્કો જાણીને મારામાં બેઠેલું મરણ મોઢું બગાડે છે. હું એક થાંભલીની ઓથે ઊભો રહીને રાહ જોઉં છું. ના, રાહ તો કોઈની જોતો નથી. થોડી જ વારમાં ઉપરના મોટા ખણ્ડનાં હાંડીઝુમ્મરના પ્રકાશથી બધું ઝાકઝમાળ થઈ ઊઠે છે. બહારનાં વૃક્ષો પર એના પ્રકાશની રેખાઓ હાલે છે. ત્યાં કોઈકના હસવાનો અવાજ સંભળાય છે. એ હાસ્ય જાણે મેં આ પહેલાં સાંભળ્યું હોય એવું લાગે છે. ઘણાં વર્ષો પહેલાં એ સાંભળ્યું હશે, પણ હવે તો મરણ એનાં ગલોફાંમાં સમયને ચગળતું બેઠું છે. એને વીંટળાઈને બેઠું છે સ્મરણ. અજગરની જેમ એની મન્દ નિષ્પલક આંખે સ્થિર થઈને એ ભૂતકાળના ભારને ઉદરસ્થ કરીને બેઠું છે. એની સ્થિર આંખો હું બંધ કરવા મથ્યો છું, પણ મારી નિદ્રાને તળિયે પણ એ આંખો જાગ્યા કરે છે. પગલાં નજીક આવતાં સંભળાય છે. ઉપરનો ખણ્ડ જીવતો થાય છે. એમાંના અસબાબમાં જીવ આવે છે. બહારના ઝરૂખામાં બેઠેલાં કબૂતર પ્રકાશને કારણે અસ્વસ્થ બને છે. એની ઊંઘરાટાયેલી આંખો ઘડીભર ગોળગોળ ફરે છે. પણ થોડાક પડછાયાઓ હજી ભાગી ગયા નથી, તેમાંનો એક હું છું. મને થાય છે કે હું મારી જાતને સંકેલીને ઘરની વળીઓમાં લપાઈ જાઉં. પણ આ મરણની બરડતાને શી રીતે સંકેલવી? પગનાં ઝાંઝર રણકે છે. વાર્તાલાપ સાંભળું છું. અવાજો એકબીજાને પકડવા મથે છે. કોઈનું હાસ્ય ઊંડા ઘામાંથી રેલાતા લોહીની જેમ રેલાઈ જાય છે. એનો રેલો મારા સુધી આવી પહોંચે છે. હું શરીરને વધુ સંકોચીને ઊભો રહું છું, પણ એથી અંદર બેઠેલું મરણ કચવાય છે. સુખ એ વાતનું છે એ હજી અપાણિપાદ છે. એ કાપી નાખેલા વૃક્ષના ઠૂંઠાના જેવું છે. પણ એને આંખો ફૂટી છે. મુખની જગ્યાએ છેદ છે. અવાજોમાંના કોઈક ભારે છે. એનો નીચે પડવાનો થડકારો મારા શરીરમાં સ્પન્દનો જગાડી જાય છે. કેટલાક અવાજો રંગબેરંગી કાગળની પતાકા જેવા ફરફરે છે. કોઈ અવાજ આંધળાના ફંફોસતા હાથ જેવો છે. એનો આકસ્મિક સ્પર્શ થતાં જ હું પૂછી ઊઠું છું: ‘કોણ, મૃણાલ?’