માય ડિયર જયુની વાર્તાઓ/૫. સંજીવની

૫. સંજીવની

ઝૂંપડીમાંથી બહાર પગ દઈને ગંગા વળી પાછી વળી, ને હમણાંની રકઝકનો નીવેડો લાવતી હોય એમ બોલી ગઈ : ‘તમારે બા’ર નો નીકળવું હોય તો કાંઈ નંઈ, આને તો બે ઘડી તડકે રમાડતા હો.’ એણે ઝૂંપડીના અંધારામાં ભાંખોડિયાં ભરતાં રતના તરફ ઇશારો કર્યો. ‘હવાર-હાંજ પડ્યા જ રો’ છો. આયાં નૉ ગમતું હોય તો પાછાં દખણાદી પા વયાં જાઈં. કાંઈ કરો નંઈ તો કાંઈ નંઈ, પણ મૂંગા મૂંગા પડ્યા રો’ ઈમાં અમારે શું હમજવું. તમને જોઈને અમારા ટાંટિયા ભાંગી જાય.’ તો ય રૂખડ કાંઈ બોલ્યો નહિ. ગંગા બબડતી બબડતી ચાલવા લાગી, ‘પાછા શું થાય સે ઈ કે’તા ય નથી. કાંક મોંઢામાંથી ફાટે તો ખબર પડે ને...’ રૂખડ ઊભો થયો. રતનાને તેડીને ઝૂંપડી બહાર આવ્યો. એને થયું, અત્યારે જ કહી દઉં કે હમણાં હમણાં મને વાલી બહુ યાદ આવે છે. પણ એટલી વારમાં ગંગા તો આઘી નીકળી ગઈ હતી. રૂખડે વિચાર્યું, સારું થયું વહી ગઈ. એ વખતે–તે રાતે—જ વાત કરી દીધી હોત તો વાંધો નહોતો. હવે કહું તો તો ગંગા મને પેટમેલો માની લે. અને, ગંગા કરાજી થાય એવું કોઈ પગલું રૂખડ ન જ લે. એટલે તો દખણાદી પાથી ઝૂંપડી ઉઠાવીને આણી પા આવ્યાં હતાં. નહીંતર એણી પા ઝૂંપડપટ્ટી મોટી હતી. પણ મિશનરીઓ આવ્યા, એક પછી એક મોટાં મોટાં મકાન ચણાવાં માંડ્યાં, ઝૂંપડપટ્ટી ખસવાં માંડી. છેલ્લે છેલ્લે રૂખડનું ને એવાં બેપાંચ ઝૂંપડાં રહ્યાં ત્યારે ગંગાએ કીધેલું, ‘હવે આયાં એકલું બવ લાગ સ. તમીં બા’રા જાવ તંયે મને એકલા ગમતું નથ્ય.’ તે રૂખડે આ દંગો ઉઠાવીને આંહીં ફેરવેલો. આણી પા શહેરના કારખાનાનો વિસ્તાર હતો. એની ઉંચી ઉંચી દીવાલોથી છેટે, ઝૂંપડપટ્ટીથી થોડે છેટે, પોતાની ઝૂંપડી ખોડેલી. શરૂઆતમાં જરા અજાણ્યું લાગેલું. પણ ધીમે ધીમે બધું થાળે પડી ગયું. રતનાના જન્મ પછી તો ઠરીઠામ થઈ ગયાં. રૂખડને આખો દિવસ કારખાનામાં પુરાઈ રહેવું ગમતું નહિ, તે વહેલો ઊઠીને શહેરના રોડ પર રાઉન્ડ મારી આવે, ને પ્લાસ્ટિકની કોથળીઓ ને ટૂકડા એકઠાં કરી આવે. દિવસ ઊગ્યે પડખેના કારખાનામાં વેચી આવે. રોજેરોજ રોકડો હિસાબ. રતનો એકાદ વરસનો થવા આવ્યો, ને ગંગા ય છૂટી થઈ. ઉપરવાસની કોલોનીમાં ઘરકામ કરવા જવા માંડી. એ સવાર-સાંજ કામે જાય, એટલે રતનાને સાચવવાની જવાબદારી રૂખડની. રૂખડ રતનાને તેડીને આમતેમ ટહેલ્યા કરે. ઝૂંપડપટ્ટીના છેડાના ઝૂંપડા સુધી જાય. ત્યાં રહેતો મોનજી પણ એના ગગાને રમાડતો બેઠો હોય. ક્યારેક બીજી કોર થોડેક છેટે બાંડિયા હનુમાનની દેરી સુધી જાય. દેરીમાં પડ્યો રહેતો બાવાજી એને ‘આવ આવ’ કરે, ને ક્યારેક ચલમનો દમ પણ આપે. એ વખતે રૂખડની નજર આસપાસ ફરતી, પણ કાંઈ નોંધતી નહિ. અત્યારે તો, ઝૂંપડી બહાર નીકળીને નજર કરે ને એનો અણગમો ને અજંપો ઊભરાઈ ઊઠે : બારે મહિના સુક્કીભઠ્ઠ પડી રહેતી ઝાંખરી—ખબર ન હોય તો ખબર જ ન પડે આંહીં નદી જેવું છે. ઉબડખાબડ ભોંય, એની માથે માંડ માંડ ટકી રહ્યાં હોય એવાં ઝાડીઝાંખરાં; કારખાનાઓની દીવાલોનાં ફાંકાઓમાંથી ઠલવાતો કાળોમેશ કીચડ, એના જ્યાં ત્યાં ઢેરાઢૈયા થઈ ગયા હોય; ઉપરથી ખટારા આવી આવી કચરાના ઢગલા કરી જાય—એને વીંખતાં ભૂંડનાં ટોળાં રીડિયારમણ કરતાં હોય, કાદવનાં પાટોડામાં આળોટતાં હોય; એને લીધે કીચડની ઠરેલી ભૂંડી વાસ વળી ફેલાઈ ઊઠતી હોય. એક બાજુ દુર્ગંધ, ને ઉપર નજર કરો તો કારખાનાનાં ભૂંગળાં રાતદિ’ ધુમાડાના ગોટા ઓકતાં હોય, તે ઝાડવાં ય કાળામશ ને આકાશે ય કાળુંમશ દેખાય; એમાં બપોર નમે કે તોતિંગ કારખાનાઓના કાળામશ પડછાયા આખી ભોંય પર લાંબા લાંબા થતા જાય. સાંજના પવન ફૂંકાય તો મરેલાં કૂતરાં—બિલાડાની કે ચૂંથેલા ભૂંડની દુર્ગંધ માથું ફાડી નાખે. શહેરનો પડતર વિસ્તાર, તે માણસની અવરજવર નહિ; અને અંધારિયો ગોબરો વિસ્તાર, તે કોઈ ઝાડવે કોઈ પંખી ય ફરકે નહિ. રૂખડ વિચારે : એકાદ વરસમાં કેવા કેવા દિનમાન ફરી ગયા! અને, વાલીની યાદ આવે. અજંપો ઊભરાઈ ઊઠે. તે રાતે કેવો ગોકીરો થઈ ઊઠ્યો હતો. એ અને ગંગા સફાળા જાગી ગયાં, રતનાને તેડતાંક બહાર દોડ્યાં. આઘે જઈને જોયું તો આખી ઝૂંપડપટ્ટી પર આગના ભડકા! રાક્ષસ જેવા બુલડોઝર ફરતા દેખાયા. માણસોની કિકિયારી ને ભાગમભાગ. કોણ ભાગ્યું, કોણ દબાયું કચડાયું, કોણ ભડથું થઈ ગયું—કાંઈ ખબર પડી નહિ. એ તો હજી આઘે આઘે ભાગતાં રહેલાં. ફાટી આંખે જોતાં રહેલાં. એકાદ કલાક આ રમખાણ ચાલ્યું. આગમાંથી કો’ક કો’ક ભાગતું દેખાયું. પછી બુલડોઝરોએ બધું ઢસડીને આગ સોતું સંધું આ ઝાંખરીના ઊંડા ખાડામાં નાંખી દીધું. એ એટલા બધા આઘે હતાં કે તોતિંગ બુલડોઝરો સિવાય અને આગના લબકારા સિવાય એને કાંઈ દેખાતું નહોતું. થરથરતી રાત કાળજાને સૂનમૂન કરતી ચાલી હતી. એમ જ બેઠાં બેઠાં, મૂંગા મૂંગા બંનેએ સવાર પાડી હતી. મોંસૂઝણે જોયું કે એની ઝૂંપડી જેમની તેમ ઊભી હતી. બીતાં બીતાં એ ઝૂંપડીએ આવ્યાં. દિવસ ચડ્યે કો’ક કો’ક જીપ ને મોટરો આવી, ને થંભીને ચાલી ગઈ. આખો દિવસ બંનેએ અકળ ગભરામણમાં પસાર કર્યો. કોઈએ એને કાંઈ પૂછ્યું નહિ; એને તો કોઈને ક્યાં પૂછવાનું હતું. શહેરના મોટા માણસો શું કરે એ દિશામાં એની તો ગતિ ક્યાં હતી! પણ સળગતી ઝૂંપડપટ્ટીમાંથી નાઠેલાં માણસોમાંથી ય આખો દિવસ કોઈ કળાયું નહિ. ખાધાપીધા વગર બે ય બેસી રહ્યાં. એક બે દિવસ પછી મનોમન નક્કી કરી લીધું કે હવે અહીંના દાણોપાણી ખૂટ્યા છે. પણ, ત્રીજે દિવસે બપોરે કોઈની રોકકળ સાંભળતાં રૂખડ ઝૂંપડા બહાર નીકળ્યો. જોયું તો, ભસ્મીભૂત ઝૂંપડપટ્ટીના કાળા ભાઠા પર એક બાઈ રઘવાઈ રઘવાઈ ઘુમરિયાં લે. એનાં લૂગડાના કે વાળનાં ઠેકાણાં નહોતાં. એ ન સમજાય એવી ચીસાચીસ કરી રહી હતી. રૂખડ થોડો આગળ વધ્યો, ઝીણી નજરે જોયું તો, અરે, આ તો મોનાની વાલી! ગાંડી થઈ ગઈ છે કે શું! પછડાવા-કૂટાવાથી શરીર પર ઘા પડેલા દેખાતા હતા. કપાળ પર લોહી સૂકાઈ ગયું હતું. આંખો ફાટેલી, અને રોતી રોતી ‘ગગા...ગગા...’ બોલતી જાય. ઘુમરિયું લેતી, વળી વળીને એની ઝૂંપડી હતી ત્યાં ફસકાઈ પડતી હતી, ત્યાં માથાં પછાડતી હતી. રૂખડ નજીક આવ્યો. એને થયું, વાલીને પકડીને પોતાને ઝૂંપડે લઈ જાય. પણ એ આગળ વધ્યો કે વાલી દોડતીકને ‘ગગા ગગા’ કરતી શહેર તરફ વહી ગઈ. ધીમા પગલે રૂખડ પોતાની ઝૂંપડીએ આવ્યો. એણે મનમાં ગડ બેસાડવા પ્રયત્ન કર્યો : આગમાં એનો ગગો અને ધણી બળી મૂઆ હશે? કે શું થયું હશે? કેમ ખબર પડે? –એ મૂંગો મૂંગો બેસી રહ્યો. વાલી ફરી આવે તો કંઈક ખબર પડે. પણ આખો દિવસ કોઈ આવ્યું નહિ. સાંજકના બાંડિયા હનુમાનવાળો બાવાજી આ બાજુથી શહેરમાં જવા નીકળ્યો ત્યારે રૂખડને સૂનમૂન બેઠેલો જોઈને જરા થોભ્યો. રૂખડે કહ્યું, ‘હવે આંયા ગમે એવું નથી રિયું.’ બાવો બોલ્યો, ‘મનુષ્યની સંજીવની મનુષ્ય, ભાઈ! એ વગર માણસજાત જીવી ન શકે.’ એ પછી રૂખડ રોજ નજર દોડાવતો. રાતે સૂતા સૂતા પણ બહાર કાંઈ અવાજ થાય છે?–ની સૂરતા રાખતો; પણ વાલી દેખાઈ નહિ. વહેલી સવારે પ્લાસ્ટિકનો કચરો વીણવા નીકળે ત્યારે ય ચારે બાજુ જોતો જાય; પણ ક્યાંય વાલી દેખાય નહિ. નવરાત્રિના દિવસો હતા. એવા વારતહેવારે રૂખડ ગંગાને અને રતનાને લઈને શહેરમાં અચૂક આંટો લગાવે. મેળા-મેળાવડામાં ઘુમાવે. તે રાતે એ મોડા મોડા ઝૂંપડી તરફ આવતાં હતાં ત્યારે થોડે છેટે એક ઝાડ નીચે કોઈ કણસતું પડ્યું હોય એમ લાગ્યું. ‘અટાણે કોણ હશે?’ ગંગાથી બોલાઈ ગયું. ‘હાલો, જોઈ જોઈં.’ રૂખડે કહ્યું પણ રતનો રડતો હતો, એને ઊંધ ભરાઈ હતી, એટલે ગંગાએ કહ્યું, ‘જે હોય તે. અટાણે નથી જાવું.’ એ વખતે રૂખડને વિચાર ઝબક્યો, ‘વાલી તો ન હોય?’ એને ઇચ્છા થઈ કે ગંગાને વાત કરું. પણ વિચાર્યું, અત્યારે એ ય થાકીપાકી છે. અને આવી વાતથી બી જશે તો મને ય બા’રો નીકળવા નહિ દે. એટલે ચૂપચાપ ઝૂંપડીએ પહોંચ્યાં. ગંગા ને રતનો તો તરત ઊંઘી ગયાં, પણ રૂખડની આંખ મળી નહિ. એને મનોમન થતું હતું કે નક્કી, એ વાલી જ હોવી જોઈએ. કેમે કરીને ઊંઘ આવી નહિ. એક વાર તો બહાર જઈને જોઈ આવવાની ઇચ્છા થઈ. વળી થયું, ગંગા જાગી જાય તો, વળી પડપૂછ, ને પછી બીક, ને પછી અહીંથી ઉચાળા ભરવાની વાત. કલાક પર કલાક પસાર થયા; આંખ મળી નહિ. કારખાનાના ખડખડાટ ને બોયલરના સિસકારા સંભળાતા રહ્યા. એકાદ કારખાનામાંથી કલાકે કલાકે ડંકા સંભળાતા હતા, પણ એ ગણતો ન હતો. હવે ટાઇમ થયો હશે કે નહિ એનો વિચાર કર્યા વિના એ ઊભો થયો. ગંગા અને રતનો તો ઘસઘસાટ ઊંઘતા હતાં. કોથળો લઈને બહાર નીકળ્યો. હજી અંધારું હતું. કારખાનાઓની ફ્લડ લાઈટોનો થોડો થોડો પ્રકાશ અહીં સુધી પથરાતો હતો. બહાર નીકળીને, ઉતાવળે પગલે એ એ તરફ ચાલ્યો, જ્યાં એને વાલી પડી હોવાની શંકા થયેલી. આમતેમ નજર કરતાં એક ઝાડ નીચે પડેલી દીઠી. દબાતે પગલે ત્યાં પહોંચ્યો. જોયું તો, સ્ત્રી જ પડી હતી. સાવ પાસે આવીને, વાંકા વળીને એનો ચહેરો ઓળખવા નજર નોંધી, પણ અંધારામાં બરોબર ઓળખાઈ નહિ. સ્ત્રી ઊંઘમાં કણસી રહી હતી. રૂખડ એમ જ ઊભો ઊભો એ કણસાટ સાંભળી રહ્યો. પછી એને ખાતરી થઈ કે, નક્કી જ વાલી છે. પણ ઊંઘે છે તો કાંઈ કરવું નથી. ભલે બિચારી સૂતી. શહેરમાં આંટો મારી આવું ત્યાં મોંસૂઝણું થઈ જશે; ત્યારે જગાડીને મારી ઝૂંપડીએ લઈ જઈશ. એમ વિચારીને શહેર તરફની કેડીએ ચાલ્યો. કલાક-દોઢ કલાક પછી પાછો આવ્યો. આવીને જોયું તો વાલી ન મળે. એ આમતેમ જઈ આવ્યો. દૂર દૂર નજર દોડાવી. ક્યાંય વાલી દેખાઈ નહિ. આંખો ખુલી હશે ને ભાગતી થઈ હશે! – એણે વિચાર્યું. એને વાલી પ્રત્યે વધુ ને વધુ દયા ઉભરાવા લાગી. પછી તો દિવસે કે રાતે, એના કાન અને આંખ સરવાં જ રહેતાં. એક પછી એક દિવસ ને રાત પસાર થવા માંડ્યા; પણ વાલી ન દેખાઈ. એના અંતરના એક ખૂણામાં વાલી પ્રત્યેનો દયાભાવ જમા થતો રહ્યો. બાંડિયા હનુમાનવાળો બાવાજી સવાર-સાંજ શહેરમાં આંટા લગાવવા જાય, તે રૂખડને થયું, લાવને, એને વાત કરી જોઉં. વાત સાંભળીને બાવાજી કહે, ‘અસ્ત્રીજાત ધણી વગર જીવી જાય, સંતાન વગર નહિ. સંતાનના વિજોગે તો ગાંડી ગાંડી જ થઈ જાય.’ દિવાળીના દિવસો આવ્યા. રૂખડ રાત પડે ને ગંગાને અને રતનાને શહેરમાં રોશની જોવા લઈ જાય; જુદા જુદા એરિયામાં લઈ જઈ આતશબાજી દેખાડે; ખાય-પીએ ને આનંદકિલ્લોલ કરે. એમાં ક્યારેક એના અંતરના ઊંડા ખૂણામાં વાલીનો વલવલાટ પણ સળવળી જાય. ક્યારેક ઘણી વાર સુધી ઊંઘ આવે નહિ. ક્યારેક બહુ વહેલી ઊંધ ઊડી જાય. એક રાતે રૂખડ વહેલો ઊઠી ગયો. કોથળો લઈને બહાર નીકળ્યો. પાછલી રાતનો ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો હતો. દિવાળીના દિવસોને લીધે રજા હોય કે ગમે તેમ, કારખાનાઓની ફ્લડ લાઈટો બંધ હતી. આ વિસ્તારમાં સન્નાટો અને અંધકાર પથરાયેલા હતા. રૂખડના પગ તો રોજ અંધારે જ કેડી પકડી લેતા. એ જરાક આગળ ચાલ્યો હશે ત્યાં કણસાટ સંભળાયો. એ થંભી ગયો. કાન સરવા કર્યા. અવાજની દિશામાં ગયો. નીરખીને જોયું તો, વાલી પડી હતી! ઊંઘતી હતી. કણસતી હતી, બબડતી હતી. ઠંડીને લીધે, પીડાને લીધે, ગાંડપણને લીધે ધ્રૂજતી હતી. એની ફાટલીતૂટલી ગોદડી એનાથી આઘી પડી હતી. રૂખડે એ ગોદડીનો ગાભો ઊઠાવ્યો. વાલીને ઓઢાડ્યો. વાલીની ધ્રૂજારી બંધ ન થઈ. રૂખડે પાસે બેસીને પોતાના બેય હાથે એના દેહને દબાવી રાખ્યો. તો ય વાલીની ધ્રૂજારી બંધ ન થઈ. એ વાલી સરસો થયો. પોતાના શરીરનો ગરમાટો એને મળે એવા વિચારે એ ઘણીવાર સુધી એમ જ રહ્યો. વાલીનો દેહ શાંત થયો ત્યારે જ એ ઊઠીને ચાલતો થયો. એમ વિચારીને કે, વળતાં એને મારી ઝૂંપડીએ લઈ જઈશ. કલાક – દોઢ કલાક પછી પાછો આવ્યો. જોયું તો, વાલી ન મળે! એ આમતેમ જઈ આવ્યો. દૂર દૂર નજર દોડાવી. ક્યાંય વાલી દેખાઈ નહિ. એને થયું, અરે, આટલી વારમાં ક્યાં ગઈ હશે? ક્યાં ક્યાં અથડાતી–કૂટાતી હશે? અરે, ફરી પાછી ક્યારે દેખાશે? દેખાશે કે નહિ? પહેલાં તો રૂખડને થયું. આજ નહિ તો કાલ, વાલી આવશે. ચાર-આઠ દિવસે એ આ બાજુ આવી જ ચડે છે. દિવસ પર દિવસ પસાર થયા, પણ વાલી આવી નહિ. રૂખડ ગંગા સાથે ને રતના સાથે મોજથી દિવસો વીતાવે. પણ એના અંતરના ઊંડાણમાં તે રાત અને વાલી સાથેની ઘડીપળ કૂંપળ જેમ ફરફર્યા કરે. સવારે રોજ અને ક્યારેક સાંજેરાતે શહેર તરફ જવાનું થાય તો જુદા જુદા રસ્તા પકડે, જુદા જુદા વિસ્તાર ફેંદી વળે; પણ ક્યાંય વાલી જોવા ન મળે. મહિનાઓ પર મહિના પસાર થવા માંડ્યાં. રૂખડને થયું, વાલી મરી ગઈ હશે? ક્યાંક અવાવરું રોડ પર પડી હશે ને ટ્રક ફરી વળ્યો હશે? જેમ જેમ મહિનાઓ જવા માંડ્યા, તેમ તેમ રૂખડની શંકા દૃઢ થતી ચાલી. અને તેમ તેમ એ ટાઢો પડવા માંડ્યો. એનામાં કરુણભાવ ઘર કરી ગયો. ગંગા આ ફેરફાર નોંધતી : ક્યારેક સવારમાં વહેલો જાગે નહિ, ક્યારેક સૂનમૂન બેસી રહે, ક્યારેક પૂરું ખાય નહિ; રાતમાં જાગી જાય તો વ્હાલ કર્યા વગર સૂઈ જાય; મોં સૂકાઈ ગયેલું લાગે, ચાલ ધીમી પડી ગયેલી લાગે. ગંગા કાંઈ પૂછે તો ‘કાંઈ નથી થિયું’ કહીને ઠણકલું કરે ખોટું ખોટું ખોખલું. એમ ને એમ બીજી દિવાળી આવી ને ગઈ. રૂખડના અંતરનો શૂન્યકાર હવે એની આંખોમાં ડોકાવા માંડ્યો હતો. એટલે તો ગંગા કહેતી : આયાં નો ગમતું હોય તો ક્યાંક બીજે વયાં જાઈં. પણ રૂખડ હવે એ માટે ય તૈયાર હતો નહિ. એને ઊંડે ઊંડે આશા હતી કે કદાચ વાલી જીવતી હોય તો ક્યારેક તો આ તરફ આવશે જ. અને એ અહીંથી ચાલ્યા જાય તો... અત્યારે રતનો હાથમાં રમકડું લઈને આમતેમ કૂદાકૂદ કરતો હતો અને રૂખડ સાથે કાલી કાલી બોલીમાં વાતો કરતો હતો. રૂખડ ઝૂંપડી બહાર પડેલા મોટા પત્થર પર બેઠો બેઠો એને ગમે તેવા જવાબ આપતો હતો. એનું ધ્યાન જેટલું રતના પર હતું તે કરતાં વધુ આસપાસ અને આગળપાછળ હતું. એવામાં બાંડિયા હનુમાનવાળો બાવાજી દેખાયો. રૂખડ એ તરફ જોઈ રહ્યો. બાવાજીએ પણ આ તરફ નજર માંડી. અને પછી આ તરફ જ ચાલ્યો. નજીક આવતાં બાવાજી બોલ્યો, ‘કેમ ભગત, હમણાંકા બા’રા નીકળતા નથી? તબિયત તો સારી છે ને?’ રૂખડ કહે, ‘તબિયતને તો કાંઈ નથી, બાપુ! મનનું અસુખ જાતું નથી.’ બાવાજીને તો સંસારીની વાતોમાં શું રસ હોય. એની પાસે તો આ ત્રિવિધ તાપનો એક જ ઇલાજ હોય. બાવાજી કહે, ‘મનને રામચરણમાં રમતું મેલી દ્યો. એ તમને ખબર નહિ પડે એમ સ્વર્ગના દ્વારે લઈ જાશે... પેલી ગાંડીની જ વાત કરો ને.’ રૂખડ ચમક્યો. વચ્ચે જ બોલી ઊઠ્યો, ‘કોની? વાલીની?’ ‘હા. તમે જ કહેતા’તા ને, કે ગાંડી ગાંડી ભટકે છે. પણ હમણાં મેં એને મિશનરીઓના દવાખાનામાં જોઈ, સાવ સાજીસારી, હાથમાં બાળક તેડીને દવાખાનાની લોબીમાં આંટા મારતી...’ રૂખડ મોં પહોળું કરીને સાંભળી રહ્યો. બાવાજી એની ધૂનમાં બોલ્યે જતો હતો, ‘આ પહેલાં —ચારપાંચ મહિના પહેલાં ય મેં એને ત્યાં જ જોઈ હતી. ત્યારે એ બેજીવસોતી હતી. એ વખતે મારે તમને એની વાત કરવી હતી. પણ તમને બા’રા બેઠેલા જોઉં નહિ, તે મારા મગજમાંથી વાત નીકળી ગયેલી... આમ છે મારા નાથની લીલા... રાખના નહિ, રામનાં રમકડાં છીએ. ક્યારે મારો નાથ જીવ લઈ લે ને ક્યારે સંજીવની છાંટી દે, કહેવાય નહિ.’ બાવાજી બોલતો બોલતો ચાલતો થયો. પણ રૂખડ તો એ બોલ્યો તે કાંઈ સાંભળતો નહોતો. એ તો દિગ્મૂઢ થઈ ગયો. એના અંતરમાં અંજવાસ થઈ ઊઠ્યો, ને દેહ પર રોમાંચ. એના ચિત્તમાં વાલી અને મિશનરીઓનો વિસ્તાર ઝળહળી રહ્યાં : ગયા વરસે આવા દિવસોમાં જ એ એ તરફ નીકળ્યો હતો. એ વિસ્તારની સિકલ ફરી ગઈ હતી. પહોળા પહોળા ચોખ્ખાચણાક રસ્તા—ને કાંઠે ઝાડછોડની લાઈનો, મોટાં મોટાં મેદાનો—ને વચ્ચે વચ્ચે મોટાં મોટાં મકાનો દવાખાના, નિશાળો, મોટાં મોટાં રહેણાંકનાં મકાનોની હાર–વચ્ચે વચ્ચે નાના નાના બગીચાનાં સર્કલો–મહીં ભગવાનનાં પૂતળાં આરસનાં—એમાં ઊંચા ઊંચા દરવાજામાં દાખલ થતાં જ બરોબર વચમાં એ લોકોના બાળપ્રભુને તેડીને ઊભેલી એની માતાનું આદમકદ પૂતળું—વ્હાલ વ્હાલ વરસાવતું લાગે—જાણે એની ગોદમાં જ જીવતાં હોય એમ લોકો ખુશહાલ ચહેરા લઈને હરતાંફરતાં દેખાય. તે વખતે સાંજ પડી ગઈ હતી. રૂખડ થંભીને જોઈ રહ્યો હતો. જતાં-આવતાં લોકોની વાતચીત પરથી જાણ્યું કે એના ભગવાનના જન્મદિવસનો તહેવાર આવી રહ્યો છે—તે અંધારા ઉતરે તે પહેલાં તો ટપોટપ લાઈટો થવાં માંડી–મકાનો, બગીચા, પૂતળાં, રસ્તા બધું રોશનીમાં ઝળહળવા માંડ્યું, ઝાડવે ઝાડવે પાંદડે પાંદડે ઝીણા ઝીણા તારલિયા જેવા લાલલીલાપીળા બલ્બ ઝગમગી ઊઠ્યા. રૂખડ ઘડીપળ તો દિગ્મૂઢ થઈને જોઈ રહેલો—એને રોમેરોમ આનંદની લહેરખી ફરી વળેલી. અત્યારે ય એને એવો જ રોમાંચ થઈ ઊઠ્યો. એણે વિચાર્યું, હવે હમણાં ને હમણાં દખણાદી પા વયાં જાઈં. હું રતનાને તેડીને એ રોશની જોવા લઈ જઈશ. દરવાજા બહાર ઊભા ઊભા રતનો રોશની જોશે ને હું વાલીની વાટ જોતો આંખો ખોડીશ. વાલી એના છૈયાને લઈને આવશે. એ ય એને રોશની દેખાડતી હશે; જેમ માતાએ બાળપ્રભુને તેડ્યા છે એવું પૂતળું છે એમ વાલીએ ય... વાલીનો હાથ છૈયાની પીઠ પર... અને રૂખડને ને રાતે પોતાની પીઠ પર ફરતો વાલીનો હાથ... અત્યારે ય એની પીઠ થરથરી ગઈ! એણે ઊભા થઈને રતનાને તેડી લીધો; હવામાં ઉછાળ્યો. રતનો ખિલખિલ હસી રહ્યો. ગાંડપણ ચડ્યું હોય એમ તે રતનાને પૂછી બેઠો : આપડે દખણાદી પા વયાં જાવું છ ને? રતનાને શું ખબર? એણે હા પાડી. રૂખડે રતનાને બચી ભરી. અને ગંગા આવવાની કેડીએ નજર નોંધીને ઊભોઃ હમણાં ગંગા આવે, ને હમણાં કહું, હાલો દખણાદી પા...