માય ડિયર જયુની વાર્તાઓ/૬. મેરે સપનોં કી રાની, કબ આયેગી તુંઉં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૬. મેરે સપનોં કી રાની, કબ આયેગી તુંઉં

ઉત્તરક્રિયા સંપન્ન થઈ. હાર્ટ એટેકના ખબર મળતાં દોડી આવેલાં કઝીન અને એના મિસિસ પંદર પંદર દિવસથી બધો કારભાર સંભાળતાં હતાં, તેઓ પણ અત્યારે ગયાં. જિજ્ઞા રસોડામાં ગઈ. વિપુલ સ્કૂટરને કિક મારીને બહાર ગયો. કેસી—કંચનલાલ ચંપકલાલ દેસાઈ–ફાટક પકડીને થોડીવાર ઊભા રહ્યા; પછી ભારે પગલે અંદર આવ્યા. પોતાના બેડરૂમમાં આવીને, કંઈક યાદ આવ્યું હોય તેમ એક બાજુની બારી ખોલી. લલિતા એની પૌત્રીને રમાડતી એના કમ્પાઉન્ડમાં જ હતી. કેસી શાંતપણે એ દૃશ્ય જોઈ રહ્યા. લલિતાનું ધ્યાન આ તરફ ન હતું. કેસીને વિચાર ઝબક્યો કે બારી ખૂલવાનો અવાજ થયો તો ય લલિતાએ આ તરફ જોયું કેમ નહિ! રસીલાએ જતાં જતાં એની સાથે કાંઈ ચર્ચા કરી હશે? આમ તો, ખુલ્લી વાત કરવાનો રસીલાનો સ્વભાવ જ નહોતો ને. બધું મનમાં જ સંઘરી રાખતી. એમાં જ બી.પી. અને અંતે હાર્ટ એટેક... છેલ્લે છેલ્લે કેસી ઘણી વાર કહેતા : એનું હવે શું છે? પણ, રસીલાની મૂંગી આંખોમાંથી નારાજગીનું કાળું વાદળું હટતું નહિ. કેસીએ મોં ફેરવ્યું. સામેની દીવાલે સ્વ. અ.સૌ. રસીલા કે. દેસાઈ લખેલો ફોટોગ્રાફ ફૂલસાઇઝ–કલાત્મક ફ્રેમમાં—સુખડનો હાર લટકાવેલો—કાચ પર કંકુનો મોટો ચાંલ્લો કરવાથી ખરડાયેલો—તાજેતરમાં જ લટકાવેલો એટલે હજી દીવાલ સાથે મેચ ન થયો હોય એવો લાગતો હતો. ઉત્તરક્રિયા પછી એના કઝીને જ આ રૂમમાં લગાવ્યો. ‘ભાભી તને બહુ ચાહતા. – ભાભીએ આખી જિંદગી તારું ખૂબ ધ્યાન રાખ્યું છે.—એમનો ફોટોગ્રાફ ડ્રોઇંગરૂમને બદલે તારા બેડરૂમમાં જ બરાબર. ભાભી કાંઈ તને છોડીને ગયાં નથી.’ એવું એવું બોલતાં કઝીને કેસીના બેડની સામે જ રસીલાનો ફોટોગ્રાફ ખોડી દીધો હતો. કેસી શાંત નજરે એ તરફ જોઈ રહ્યા. પછી બારીમાંથી બાજુના કમ્પાઉન્ડમાં નજર કરી; લલિતા શિયાળાની સવારનો તડકો પીઠ પર પર ઝીલતી, એમ જ પૌત્રીને રમાડતી, બેઠી હતી. કેસી ધીમેથી બેડ પર આડા પડ્યા. રસીલાનો ફોટોગ્રાફ બારીમાંથી બહાર નજર ફેંકતો હોય એમ લાગ્યું. કેસીથી મનોમન બોલી જવાયું : એનું હવે શું છે? તારા એટેકનું કારણ અમે તો ન હતાં ને? ‘અમે’ એટલે કેસી પોતે અને લલિતા—એવું અર્થઘટન ઝબકતાં કેસીની આંખોમાં વિષાદનું ધોળું વાદળું ચડી આવ્યું. મને, મારા સ્વભાવને ઓળખી શકી નહિ. એમાં જ બી.પી. અને અંતે હાર્ટ એટેક... આમ તો, સ્વભાવ ન કહેવાય; આદત કહેવાય–ટેવ ટેવ. મુખ્ય વિષય ઇંગ્લીશ, એટલે એટમોસ્ફિયર જ એવું મળ્યું કે કેસી જરા રંગીલા મિજાજના બની ગયેલા. સંસ્કૃત રાખ્યું હોત તો આમ ન થાત. સંસ્કૃતવાળી છોકરીઓ તો એક ચોટી લઈને આવે, ગુજરાતી સાડી પહેરીને આવે, તાપસકન્યા સરિખી તે સંયમિત વ્યવહાર કરે; જ્યારે આ ઈંગ્લીશવાળીઓ—ચપોચપ ટિશર્ટ, ચપોચપ જિન્સ – ઝુલ્ફા–ને બોલ્ડ... કેસીને ગમે, બહુ ગમે. થોડા વહેલા કૉલેજ પહોંચી ગયા હોય તો રોડ પર નજરેં બિછાવીને ગણગણી ઊઠેઃ મેરે સપનોં કી રાની, કબ આયેગી તૂ? અને, રાણીને આવતાં વાર લાગે તો આ લાઈન સિસોટીમાં ફેરવાઈ જાયઃ મેરે સપનોં કી રાની, કબ આયેગી તૂંઊં? ઇન્તજાર તીવ્ર થતો જાય તેમ તેમ છેલ્લો ઉચ્ચાર તીવ્ર થતો જાય—‘તૂ’ નું ‘તૂંઊં’ થાય—ને પછી ‘તૂઊંઊંઊં... શ્વાસ તૂટી જાય ત્યાં સુધી લંબાવે. એમાં ય કેસીને મજા આવતી. મજા આવતી એટલું જ. ગ્રુપમાં તો ગ્રુપમાં કે એકલા તો એકલાં, લોબીમાં કે રેસ્ટોરંટમાં કે ટૂરમાં કેસીને વાતો કરવી, જોક્સ કહેવા, મસ્તી કરવી ગમતી એટલું જ. લાસ્ટ સ્ટેજે જવાનું નહિ. કેસી ય યંગ હતા. એને ય ક્યારેક, ક્યારેક શું, ઘણી વાર થતું કે આ લાસ્ટ સ્ટેજ કેવું હશે! પણ, કોણ જાણે કેમ, આ એક બાબતે કોઈ છોકરીએ કેસી પ્રત્યે ઈતરાજી બતાવી હોય એવું બન્યું ન હતું. આપણને થાય, કેસીને શ્રીકૃષ્ણ જ માનવા જોઈએ. આમ જુઓ તો લીલારમણ, ને આમ અખંડ બ્રહ્મચારી. પણ રસીલા જીવનના અંત સુધી કેસીના આ સ્વભાવને—ટેવને—ટેવ ટેવ સ્તો–ઓળખી શકી નહિ. ને અંતે જતાં બી.પી. અને છેલ્લે હાર્ટ એટેક... નહીંતર, કેસી એમ.એ.માં ફર્સ્ટ ક્લાસ લાવ્યા ને આ જ કૉલેજમાં લેક્ચરર બન્યા, ને છ માસમાં મિસ રસીલા સાયકોલોજીની લેક્ચરર તરીકે એપોઈન્ટ થઈ, ને બંને પરિચયમાં આવ્યાં ત્યારે ય કેસીનો સ્વભાવ તો આ જ હતો ને! કેસીની કેબિન પાસેથી પસાર થાવ ને અંદર બીજું કોઈ ન હોય તો કેસીની સિસોટી, ભલે આછી આછી પણ વાગતી તો હોયઃ મેરે સપનોં કી રાની, કબ... તો શું, મિસ રસીલાને પોતાના યૌવનના ઉન્માદમાં આવું કાંઈ દેખાયેલું નહિ? તો શું, મિસ રસીલાને તેઓ વધુ નજીક આવતાં ગયાં ત્યારે ઓવર કોન્ફીડન્સ હતો કે તે કેસીને ‘ઓન્લી માઈન’ બનાવી શકશે–મેરા પતિ સિર્ફ મેરા હય—ને એવું બધું?... સંસ્કૃતના વ્યાખ્યાતા થયા હોય તો સ્વયંભૂપણે પરિપક્વતાનો ભાર એમના વ્યક્તિત્વમાં આવી જાત, ને વિદ્યાર્થી સાથે અમુક અંતર રાખીને વર્તતા હોત. પણ ઇંગ્લીશ કલ્ચરમાં એવું ન હોય ને? એમાં તો મેચ્યોરિટી, ને ઈન્ટીમસી ને એવું બધું હોય. એટલે લેક્ચરર બન્યા પછી તો કેસી નદીની માછલી તળાવમાં આવી ગઈ હોય એવું ફીલ કરવા માંડ્યા. રંગીન પર્સનાલિટી ને ટોકેટિવ નેચર, એટલે ફ્રી પિરિયડમાં છોકરા–છોકરીઓ કેસીની કેબિનમાં જ હોય. બધાને બધો વખત ગાઇડન્સની જરૂર ન હોય; આ તો જસ્ટ...એમાં એકાદ છોકરી બધા જાય પછી પણ વાતનો દોર લંબાવતી ઊભી જ રહે તો કેસી એના ખભે હાથ મૂકીને ય સમજાવે. શું કરે! કેસીને આવું ગમે ય. પેલી છોકરીને ગમતું હશે કે કેમ, કેમ ખબર પડે! ગમે તેમ પણ પાંચ પિરિયડ પછી કૉલેજ પૂરી થાય તો ય કેસીની કેબિન ખુલ્લી હોય, અને ખાલી ન હોય. સાયકોલોજીની લેબ મોડે સુધી ચાલે. મિસ રસીલાને લેબ એટેન્ડ કરવાની હોય. કેસી સાથે પરિચય વધવા માંડેલો. મિસ રસીલા કેસીની પર્સનાલિટી અને ટોકેટિવ નેચરથી ખેંચાય જતી’તી. ક્યારેક ક્યારેક તો બે ય લોબીમાં ચાલતાં ચાલતાં ઊભાં રહી જાય ને વાતો કરે. શી વાતો હતી એ કેમની યાદ રહે? વાતો એટલે વાતો, બીજું શું! લેબવર્ક પૂરું કરીને મિસ રસીલા નીકળે, કેસીની કેબીન વચમાં જ આવે, રસીલા સ્ટીમ એન્જિન જેમ અટકી જાય. બેઠેલી છોકરીઓ ય આમ તો સમજુ હોય; મેડમ કેબિનમાં આવે કે ‘સર, અમે જઈએ’ કહેતી ઊભી થઈ જાય. એ વખતે મિસ રસીલા કેસીની આ ટેવ બાબતે સભાન નહોતી? કે, આ ટેવ છે તો કેસી મોડે સુધી કેબિનમાં બેસી રહે છે એવી અભાન ગણતરી હતી? વિચારીને ડગલું ભરવું અને ડગલું ભરીને વિચારવું એમાં આમ જુઓ તો કાંઈ નહિ ને આમ જુઓ તો ઘણો ફેર છે. કેસીને તો આવા નીતિનિયમો સાથે કાંઈ લેવાદેવા ન હતી; રસીલાની સાયકોલોજીને હતી, પણ આવા પિરિયડમાં એ ય વિચારશૂન્ય થઈ જતી હશે ને? અલબત્ત, રોજ રોજ મળવા આવે જ આવે. ક્યારેક ક્યારેક મોડે સુધી વાતો કરે. આ અવસ્થામાં પ્રેમીઓ (!) શી વાતો કરતાં હશે એનાં પુરાણો કેમ નહિ લખાયાં હોય! એક વાર મિસ રસીલા કેસીના સ્કૂટર પાછળ બેસી ગઈ તે પહેલાં તો ઘણી વાર બંને સ્કૂટર પાસે આવીને વાતો કરતાં ઊભાં રહેતાં. એમ જ થાય ને! નીચે પાન કી દુકાન હોય ને ઉપર ગોરી કા મકાન હોય એવું પાંસરું તો વાર્તામાં જ પડે ને! વાસ્તવિક જીવનમાં તો ઘણી આંટીઘૂંટીઓ આવે, પણ જે ટાણે મિસ રસીલા કેસીના સ્કૂટર પાછળ બેસી ગઈ તે ક્ષણે બધી આંટીઘૂંટી ઉકલી ગઈ. વાત પાક્કી થઈ ગઈ. પછી કોઈ કાજી કી ક્યા મજાલ! સામાજિકતા, કૌટુંબિકતા, નોકરી, દરજ્જો, આવક, સ્નેહસમજણસંસ્કાર સૌ ઘૂંટણિયે પડી ગયાં. કેસી-રસીલા પરણી ગયાં. કેસીનાં સપનાં અને સપનાની રાણીઓ રસીલા રૂપી સાગરમાં ડૂબી ગયાં! અને, ડૂબકી વિશે તો તમે જાણો છો ને? કે એમાં ગુંગળામણ થાય, પણ ડૂબકી લગાવવાની ઇચ્છાને કોણ રોકી શક્યું છે? અને, બહાર નીકળો ત્યારે કેવો આનંદ થાય! કેસી રસીલા વિશે પણ આમ જ થયું : લહરાતા સંસારસાગર ચોવીસ કલાક સાથેનાં સાથે—પતંગિયા જેમ ઊડતાં ઊડતાં પ્રેમ કરે—વિપુલનો જન્મ–સોસાયટીમાં ફાઈન ટેનામેન્ટ–સંસારસાગરમાં ભરતી જ ભરતી, ને ચાંદની રાત—વિપુલની બ્રિલિયન્ટ કરિયર–વરસો જાય, યૌવન તો એવું ને એવું લીલાંછમ વૃક્ષ જેવું, સાગરકાંઠે ચાંદની રાતે ભરતીવેળા ઝૂમતી નાળિયેરી જેવું. એમાં કૉલેજની નોકરીનો ય ઘણો ફાળો. બહુ પરિશ્રમ નહિ. ઊલટાનું રંગીન એટમોસ્ફિયર. એમાં પાછો કેસીનો સ્વભાવ. સ્વભાવ નહિ, આદત—ટેવ ટેવ. જો કે મેરેજ પછી એમાં ધીમે ધીમે ફેરફાર થયેલો. એમાં એક જ કૉલેજમાં સાથે નોકરીએ ઘણો ભાગ ભજવેલો. રસીલામેડમનું લેબવર્ક થોડું લાંબું ચાલે, વચગાળામાં કેસી ફ્રી હોય ત્યારે મળવા આવવાવાળીઓ ગપ્પા મારી જાય; પણ લિમિટેડ. જેવાં રસીલામેડમ લેબ બહાર પગ મૂકે કે કેસીના કેબિનમાંથી માખીઓ ઊડે તેમ સૌ વિખરાઈ જાય. ક્યારેક કોઈ ચિપકૂ બેસી રહે તો કેબિનમાં પગ મૂકતાં રસીલાની આંખોનો રંગ ફરી જાય. કાંઈ બોલે નહિ. એક વાર રસીલાની રંગબદલી આંખો સાથે કેસીની આંખો ટકરાઈ. ને રસીલાની આંખો બોલી ઊઠી : ‘આ પુરુષજાત તો...’ પણ વરસો પર વરસો વીતતાં ગયાં, ને એવા જ એક અવસરે કેસીથી મનોમન બોલી જવાયું : ‘એનું હવે શું છે?!’ રસીલાને આ બાબતે બીજી સ્ત્રીઓની જેમ ઉકળી ઊઠવાની ટેવ પડી જ નહિ. બધું મનમાં જ સંઘરી રાખે. સાયકોલોજીની પ્રોફેસર ને! મનમાં મનમાં સરવાળા બાદબાકી ચાલ્યા કરે. ઉંમરલાયક થતાં ય કેસીના સ્વભાવમાં ફેર પડ્યો નહિ. સ્વભાવ નહિ, આદત—ટેવ ટેવ. કાંઈ ગુણાકાર ભાગાકાર નહિ, પણ ટેવ. તે રોઝી ફર્નાન્ડોની એન્ટ્રી થઈ ત્યાં સુધી કેસી તો એવા ને એવા જ હતા. વાંક ગણો તો વાંક, ને કલ્ચર ગણો તો કલ્ચર, રોઝી ફર્નાન્ડો ઇંગ્લીશની લેક્ચરર તરીકે એન્ટર થઈ, ને કેસી એને ભાવી ગયા. મિન્સ, કેસીનો નેચર એને ગમી ગયો, ટોકેટિવ પર્સનાલિટી. રોઝી તો એથી ય એડવાન્સ નીકળી. ટોક કરવાની, કોઈ પણ વિષય પર સતત-લગાતાર ટૉક કરવાની—પણ સામેની વ્યક્તિ પર હાવી થઈને. બોલતાં બોલતાં રોઝી કેસી ઉપર પૂરી ઝૂકી જાય. એવો મુદ્દો હોય તો કેસીનો ખભો પકડીને હચમચાવે. એવો મુદ્દો હોય તો કેસીની પીઠ પર ધબ્બો મારે. એવો મુદ્દો હોય તો જોરથી તાલી મારે. શું કરે? મુદ્દા જ એવા હોય પછી શું-સીઝરની ને ક્લિયોપેટ્રાની ને એન્ટનીની ને ઓથેલોની ને ડેસ્ડેમોનાની વાતો જ એવી કે એવું થઈ જ જાય! રસીલામેડમ લેબમાં હોય ત્યારે એવું થાય એનો વાંધો નહિ. અરે, રસીલા મેડમ લેબ પતાવીને આવી ઊભે ત્યારે ય એવું થાય તો વાંધો નહિ. હદમાં હદ તો રસીલામેડમની આંખોમાં ‘આ પુરુષજાત તો...’ એવું ચકળવકળ થવા માંડે. જો કે કેસી તુર્ત ઊભા થઈ જાય, પેલી યંગ લેડીને ‘ટુમોરો’નું આશ્વાસન આપીને રસીલા સાથે ટપ ટપ દાદર ઊતરવા માંડે. પણ તે દિવસે રસીલા મેડમ લેબમાંથી નીકળીને કેસીની કેબિન પાસે પહોંચ્યાં ત્યારે કેસીની પ્રિય સિસોટી સંભળાઈ : મેરે સપનોં કી રાની, કબ આયેગી તૂંઊંઊંઊં...’ જોયું તો કેબિનમાં કોઈ નહિ, કેસી એકલા. રસીલા આવીને ઊભી કે કેસીએ ઊંચું જોયું. કેસીના હાથમાં કોઈ ઑથરના કમ્પલીટ વર્કનું મોટું વૉલ્યુમ હતું. કેસીએ રસીલાને કહ્યું, ‘તું નીકળ. મારે જરા વાર થશે.’ રસીલાની આંખો ચકળવકળ થઈ ઊઠી. તો ય રસીલા ઊભી રહી. કેસી બોલ્યા, ‘મિસ રોઝી સાથે થોડી ચર્ચા કરવી છે.’ રસીલાની ચકળવકળ આંખો એક ઝાટકે સ્થિર થઈ ગઈ. કેસી સામે ખોડાઈ ગઈ. ડોકું હલાવ્યા વગર રસીલા ચાલતી થઈ. પ્રોફેસર્સ કોમનરૂમ પાસેથી પસાર થતાં રસીલાની નજરે નોંધ્યું કે રોઝી એકલી બેઠી છે. રસીલાને થયું કે રોઝી એને પગથિયાં ઊતરતી જોઈ રહી છે. અહીં આપણે ત્રણ વિગતો નોંધવી પડશે : એક, ઘણા સમયથી રસીલા કેસીથી અલગ, સ્કુટી પર આવતાં-જતાં થયાં હતાં. બે, વિપુલના લગ્ન થઈ ગયા હતા. ત્રણ, થોડા સમયથી બાજુના ટેનામેન્ટમાં લલિતા ભાડાના મકાનમાં રહેવા આવી હતી. કલાકેક પછી કેસીનું સ્કૂટર એના ફાટક પાસે આવી ઊભું ત્યારે આ લલિતા ફાટક પકડીને ઊભી હતી. કેસીને જોતાં જ એ આખી ઊંચી થઈ ને બોલી ઊઠી : ‘રસીલાબેન આવતાંક બેભાન થઈને પડી ગયા. વિપુલ-જિજ્ઞા એમને આવરદા હૉસ્પિટલ લઈ ગયા છે. તમને કૉલેજ ફોન ન કર્યો? હું તમને આ...’ લલિતા આગળ શું બોલે તે સાંભળવા કેસી થોભે ખરા? એમ જ સ્કૂટર વાળ્યું, મારતે સ્કૂટરે હૉસ્પિટલ પહોંચ્યા. જિજ્ઞા બોલી, ‘આવ્યા. મૂંગા મૂંગા બે મિનિટ બેઠાં. ને ઢળી પડ્યાં.’ વિપુલ બોલ્યો, ‘સારું કર્યું કે લલિતામાસી દોડી આવ્યાં ને મને ફોન કર્યો; નહીંતર જિજ્ઞાને તો રડારોળમાં કાંઈ સૂઝત નહિ... હાઈપર ટેન્શન છે. ડૉક્ટરે કહ્યું હમણાં ઠીક થઈ જશે.’ કેસી કાંઈ બોલ્યા નહિ. રસીલાને કપાળે હાથ રાખીને ઊભા રહ્યા. થોડી વાર પછી વિપુલ બોલ્યો, ‘હવે સર્વિસ કરવાની શી જરૂર છે. ખોટ્ટી દોડાદોડી... ખોટું ટેન્શન... બે ય નિવૃત્ત થઈ જાવ ને.’ કેસી કાંઈ બોલ્યા નહિ. રસીલા બેભાન રહી ત્યાં સુધી કંઈ ઊંડા વિચારમાં ગરકાવ રહ્યા. રસીલાએ આંખો ખોલી ત્યારે કેસીનો ચહેરો દયામણો હતો. રસીલાના ચહેરા પર આછું સ્મિત ફ૨કી ગયું. કેસી વધુ ગંભીર બની ગયા. ઘેર આવ્યા પછી પણ વિપુલનો એ આગ્રહ ચાલુ રહ્યો કે હવે નિવૃત્ત થઈ જાવ. જો કે, સ્વૈચ્છિક નિવૃત્તિ લે તો કેસીને ફુલ પેન્શન મળે એટલી એમની સર્વિસ થઈ ગઈ હતી. રસીલાને જો કે બેએક વરસની વાર હતી. એમાં વાતવાતમાં લલિતાનો અભિપ્રાય પડતો કે અગમચેતી રાખીને જીવવું સારું; નહીંતર એના જેવી દશા થાય. લલિતાના પતિને કેન્સર હતું એ બહુ મોડે મોડે નક્કી થયું; અને ડિક્લેર થયું ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. બેએક વરસમાં ખૂબ ખરચ થયો. છેલ્લે છેલ્લે તો મકાન વેચી નાંખ્યું, તો ય એના પતિ બચ્યા નહિ. આખરે એ દીકરા-વહુ સાથે અહીં ભાડે રહેવા આવી હતી. અહીં આવ્યા ત્યારે જાણ થઈ કે કેસી–લલિતાનો તો કંચન, કંચુ, કંચનિયો—બાજુમાં જ રહે છે! બાલા સુતારની પોળમાં બંને – કેસીલલિતા—સાથે મોટાં થયેલાં. મોટાં થયેલાં એટલે? રીતસર સાથે રમતાં, સાથે જમતાં, સાથે જતાં નિશાળે, રીતસર બચપન કી મહોબ્બત. કેસીને જોતાં જ લલિતાનું વૈધવ્યનું, દારિદ્ર્યનું દુઃખ અરધું હળવું થઈ ગયું હતું. જો કે હવે તો સહુસહુનો સંસાર, સહુસહુની ભાગદોડ, એટલે નિરાંતે બેસીને વાત કરવાનો પ્રસંગ પડતો નહિ. રસીલા બેત્રણ દિવસમાં ઓકે થઈ ગયા. પણ ડૉક્ટરે સલાહ આપી કે, જો કે સ્હેજે સિરિયસ નથી, તો ય દસપંદર દિવસ આરામ કરો તો સારું. નો પ્રોબ્લેમ. રસીલા કૉલેજ જતાં નહિ. કેસી જવા માંડ્યા. રસીલાને કોઈ ટેન્શન થાય એવી વાત નહિ કરવાની ડૉક્ટરની સલાહ હતી. એટલે કેસી કાંઈ બોલતા નહિ. જે વાત કરે તે ખોટું ખોટું હસતાં હસતાં કરે. કૉલેજમાં કાંઈ રમૂજી કિસ્સો બન્યો હોય તો એની વાત કરે. રસીલાને બધો માહોલ પરિચિત, એટલે એને વધુ મજા પડે. રસીલાને કેસીના ટાઇમ ટેબલની ખબર હોય જ. કેસી પોતાનો છેલ્લો પિરિયડ પૂરો થાય કે દસમી મિનિટે ઘેર આવી પહોંચે, જેથી રસીલા ખોટ્ટા તરંગોએ ચડીને ટેન્સ ન થાય; અને પોતાની અણીશુદ્ધ વફાદારી સાબિત થાય. પણ આ રોઝીનું શું કરવું એ કેસીને મન પ્રોબ્લેમ થઈ પડ્યો. એટલું જ નહિ, કેસીનું આ ટેન્શન ડે બાય ડે વધવા માંડ્યું. પંદર દિવસ પૂરા થતાં રસીલા હાજર થવાની. આ રોઝીના બિહેવિયરમાં તો કાંઈ ફેર પડતો નથી! કેસીના મનમાં એક વાત હન્ડ્રેડ પર્સન પાકી થઈ ગઈ હતી કે રસીલાના બી.પી. માટે તેઓ જવાબદાર છે. તેઓ એટલે કેસી પોતે અને રોઝી ફર્નાન્ડો. વેરી બેડ. એમ થવું ન જ જોઈએ. રસીલા તો પાંચસાત દિવસમાં કહેવા માંડી કે ‘હવે હું બરાબર છું’. ‘ઘરમાં બેઠાં બેઠાં મારો દિવસ જતો નથી’... ‘હવે કૉલેજ જવા માંડું.’ અને કેસીનું ટેન્શન વધતું જાય. એ કોઈપણ હિસાબે રસીલા–રોઝીને ફેઈસોફેઈસ થવા દેવા માંગતા નહોતા. એટલે કહેતા, ‘ડોક્ટરે કહ્યું છે એ પ્રમાણે પંદરવીસ દિવસ તો આરામ કરવો જ જોઈએ.’ રસીલા કહેતી, ‘પણ આમ ને આમ ઘરમાં બેસી રહેવાથી મારામાં કાયમી બીમારી પેસી જશે એવું મને લાગે છે.’ અને, કેસી વધુ ટેન્સ થઈ જતા. આ ટેન્શનમાં ને ટેન્શનમાં એક વાર ડૉક્ટર રસીલાનું બી.પી. તપાસવા આવ્યા, ને કેસી જરા અનઈઝી હતા તે એમણે ય... ને કેસીનું બી.પી. પણ હાઈ દેખાયું! માય ગોડ. કેસી ચિંતામાં પડી ગયા. તે સાથે રસીલા, વિપુલ, જિજ્ઞા, અને લલિતા પણ, ચિંતામાં પડી ગયાં. ડૉક્ટરે એમને પણ થોડા દિવસ આરામની સલાહ આપી. કેસી પણ રજા ઉપર ઊતરી ગયા. કેસીને આવું કંઈક થાય એવી ઇચ્છા હતી જ. રજા ઉપર ઉતરવાનો પ્રસંગ ઊભો થતાં કેસી એકદમ હળવા થઈ ગયા. હાશકારો અનુભવ્યો. રસીલા તો બિલકુલ તંદુરસ્ત હતાં જ. આ દિવસોમાં ઘરમાં ચોવીસે કલાક હળવાશનું વાતાવરણ રહ્યું, ચોખ્ખા આકાશ જેવું. એમાં લલિતા બપોર-સાંજ હવાની લહેર જેવી આવે. લલિતા બચપનની વાતો કરે, કંચનલાલના તોફાનમસ્તીની ને એવી બધી લલિતાની વાતોમાં એના પતિના કેન્સરની વાત આવે જ આવે. ઓચિંતા આ વિપદા આવી પડી. બધું શીર્ણવિશીર્ણ કરી નાખ્યું. ‘કેન્સરનું એવું છે કે વરસોથી એ ડેવલોપ થતું હોય, પણ આપણને ખબર ના પડે. અને ખબર પડે ત્યારે બાજી હાથમાં ના રહે.’ – આ એનું ધ્રુવવાક્ય રહેતું. લલિતાના દુઃખદર્દને કેસીરસીલા આશ્વસ્થ કર્યા કરે. એમાં કેસીની વાતોથી લલિતાને વધુ આશ્વાસન રહેતું હોય એમ રસીલાને લાગે. આમે ય કેસી સ્વભાવે વાતોડિયા અને રસીલા મૂંગામંતર. વાત કહેનારું વાત સાંભળનાર તરફ વધુ ઢળતું હોય છે. લલિતાના ચહેરાનું નૂર પાછું ફરી રહ્યું! આઠદસ દિવસે તો રસીલાને કીડીઓ ચડવા માંડી. કૉલેજ નહિ, તો અડોશપડોશમાં આંટા લગાવવા માંડ્યાં. ઘરમાં કાંઈ ચીજવસ્તુ લાવવાની હોય તો સ્કુટી લઈને ઉપડે. જાણે કાંઈ થયું જ નથી. અને, પંદરમે દિવસે તો કૉલેજ ઉપડ્યાં. કેસીને કંપારી થઈ આવી. ‘હું હજી થોડા દિવસ રજા ભોગવું. ઘણી રજા પડી છે. આમે ય હજી મને કૉલેજ જવાનું મન થતું નથી.’ ત્યારે તો રસીલાએ ‘ભલે’ એમ કહ્યું પણ એક અઠવાડિયું પૂરું થયું, ને કેસીએ બીજા અઠવાડિયાની રજા મૂકી, ત્યારે રસીલાને ઝાંખો ઝાંખો પ્રશ્ન થયો : ‘કેમ?’ ક્ષિતિજ પર વાદળું ડોકાય એમ. તો ય રસીલાને થયું : ‘ભલે’. પણ પછી ય રજા પૂરી થવા આવે ને કેસી કંપી ઊઠે, રોઝી ફર્નાન્ડોના વિચારે ધ્રૂજી જાય. રજા લંબાવે. હવે રસીલા મૂંઝાયઃ ‘આમને ઘરમાં ને ઘરમાં ટાઇમ કેમ પાસ થતો હશે!’ કૉલેજ બપોરની, એટલે બપોરે સૂવાની આદત નથી. વાંચેલખે, આરામ કરે, પણ કેટલું! ક્યારેક બપોરના બહાર બેઠા હોય ને લલિતા એના કમ્પાઉન્ડમાં પૌત્રીને રમાડતી બહાર આવે તો વાતે વળગતા હશે એમ રસીલા વિચારે, પણ એ ય કેટલું? દિવસ પર દિવસ વીતે, ને રસીલાને મૂંઝારો થાયઃ આ કૉલેજ કેમ નથી આવતા? દિવસો પૂરા થાય, ને કેસીને મૂંઝારો થાયઃ કૉલેજ કેમ જાવું? રસીલાને થાય : આ કૉલેજ કેમ નથી આવતા? કેસીને થાય : કૉલેજ કેમ જાવું?— આકાશમાં વાદળાં ઉમટી આવે એમ. તે દિવસે બપોરે લલિતાનું રડવું સાંભળી કેસી એને ત્યાં દોડ્યા. લલિતાના દીકરો—વહુ બંને આછીપાતળી નોકરી કરવા જતાં, તે એ ન હોય. ને પૌત્રી પડી, એને વાગ્યું, રડવા માંડી, લોહી જોઈને લલિતા રડવા માંડી. રસીલા કૉલેજ ગયા હતાં. ત્યાં હડતાલ પડી. રસીલા થોડી વારમાં જ સ્કુટી પર પાછા આવ્યાં. જિજ્ઞા પોર્ચમાં ઊભીને બાજુમાં નજર કરતી હતી. રસીલાથી એમ જ પુછાઈ ગયું. ‘પપ્પા..?’ જિજ્ઞાથી એમ જ બોલાઈ ગયું : ‘લલિતામાસીને ત્યાં...’ ને, રસીલાની ચકળવકળ થતી આંખો પહોળી થઈ, ખોડાઈ ગઈ; આભ ફાટે, ઝાડ પડે, એમ રસીલા... જિજ્ઞા ચીસ પાડી ઊઠી... કેસીલલિતા બહાર દોડી આવ્યાં... કેસી ફાટી આંખોએ જોઈ રહ્યા... ...અત્યારે ય કેસી ઉદાસ આંખોએ સ્વ. અ.સૌ. રસીલા કે. દેસાઈના ફોટોગ્રાફને જોઈ રહ્યા. પછી ઊંડો નિસાસો નાખ્યો. પછી સ્હેજ નમીને લલિતા તરફની બારી ધીમેથી બંધ કરી. પછી બેડ પર લંબાવ્યું. હાથનાં આંગળાં સામસામાં ભીડવી પોચું માથું એમાં ગોઠવ્યું. આવી એકાકી ક્ષણે એમના હોઠને ખેંચાઈને સિસોટી-આકાર કરવાની ટેવ હતી. એ પ્રમાણે થતાં જ કેસીએ રસીલાના ફોટોગ્રાફ સામું જોયું. રસીલાની આંખો જાણે બોલી રહી : એનું હવે શું છે!