મુકામ/ઉત્સવ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(+1)
 
(No difference)

Latest revision as of 01:23, 3 May 2024


ઉત્સવ

આખા ઘરમાં ખુશીનો માહોલ હતો. બંને દીકરા, બંને વહુઓ અને એ બંનેનાં બાળકો, કામવાળાં સિખ્ખે; ઘરની પ્રત્યેક વ્યક્તિ સર્વદમનભાઈ ઉર્ફે કાકુભાઈની નિવૃત્તિને આવકારવા થનગની રહી હતી. છેલ્લા બે-ચાર દિવસથી સહુ ખાનગીમાં મિટિંગ કરી રહ્યાં હતાં. મોટો દીકરો કાર્તિક કહે કે - ‘૩૧મી તારીખે કાકુભાઈને લેવાં આંપણે બધ્ધાં શણગારેલી બગી લઈને ઑફિસે જાસું! ઢોલનગારાં અને બેન્ડ સાથે વાજતેંગાજતેં સાહેબને ઘેરે લઈ આવસું. એય ને પછી જ્ય હાટકેશ! આજે જ હું સરગમ બેન્ડ એન્ડ મ્યૂઝિકલ પાર્ટીને કહેતો આવ્યો છું. મેં ઈ જમાલિયાને ચોખ્ખું જ કીધું છે કે અમે નાચવા-કૂદવામાં કોઈ કસર રાખવાનાં નથી ને તમે ય તે જૂનાં ગીતોની સરગમ છેડજો…….અને બીજું ખાંસ ભાર દઈને કીધું છે કે મહેરબાની કરીને ‘કાલાં કૌવા કાટ ખાયેગાં... જેવાં મોં-માંથા વિનાનાં ગીતોનો ભંડાર તો ખોલશો જ નહીં! કાકુભાઈને ને નવાં ગીતોને આડવેર છે એટલે બને તેટલાં જૂનાં જ વગાડવાનાં સમજ્યાં ને? શું છે કે એમની નિવૃત્તિનો દિવસ બરાબર યાદગાર બનવો જોઈંયેં. મને નથી લાગતું કે આખાં ગુજરાતમાં કોઈનું રિટાયરમેન્ટ ઉત્સવની જેમ ઉજવાયું હોય. બોલ! સાચી વાતને મલય?’ નાના ભાઈ મલયને આમે ય ઈતિહાસ સાથે કંઈ લેવાદેવા નહીં અને બાબત કોઈ પણ હોય, પરંતુ જો ન્યાતનું ઊંચું દેખાતું હોય તો એ ફક્ત વર્તમાનને જ જોવે, એટલે છાપામાંથી મોઢું બહાર કાઢીને કહે કે- ‘હાઆઆં...’ ઘરનાં બધાં સંમત થઈ ગયાં. થોડી વાર પછી છાપું બાજુમાં મૂકતો મલય ઉત્સાહમાં આવી ગયો. ભાર દઈ દઈને બોલ્યો: ‘હોટલ જમુનામાં પાર્ટીનું હું ગોઠવી નાંખું છું. કેકેમામાંને અને રાજુફિયાંને પણ બોલાવી લઈશું. ઈ બેયને અત્યારથી ખાસ કહેવાનું કે આપડે આં જગન કરવાનાં છીં એની કાકુભાઈને બિલકુલ ખબર ન પડવી જોઈંયેં! આપણે બધું સરપ્રાઈઝ રાખવાનું છે!’ ઈ બેય જરાં હરખપદુડાં ખરાંને એટલે કહું છું!’ કાર્તિકની વહુ સુવર્ણાની આંખમાં આંસુ આવી ગયાં. એને થયું કે – આજે જો દમયંતીમાં હયાંત હોત નેં તો કેટલાં બધાં રાજી થાંત! એમને તો કાકુભાઈ અટલે હાહનાં પ્રાણ વહાલાં! પણ માં તો બે વરસ પહેલાં સાવ નાની અમથી બિમારીમાં જ હાટકેશની સેવાં કરવાં ઊપડી ગ્યાં. ત્યારથી એમ સંમજોને કે ઘરમાંથી બધું ડહાપણ ચાલ્યું ગયું. કાકુભાઈ સાંવ એકલાં જ પડી ગયાં.’ સુવર્ણાને રડતી જોઈ કે તરત કશું જોયા-જાણ્યા વિના જ નાની વહુ માનસીની આંખોમાંથી શ્રાવણભાદરવો વહેવા લાગ્યા. કાર્તિક આ દૃશ્ય જોઈ ગયો. મોટા મોટા ડોળા ડબકાવીને કહે કે : ‘કારુંની બેય જણીઓ સું ઢુંગલું વળીને રોવા બેઠી છો? કાકુભાઈ રિટાયર્ડ થવાના છે, કાંઈ ગુજરી નથી જવાના. સમજ્યાં ને! અમથી અમથી શું પલપલિયાં પાડો છો?’ છેવટે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. આખા પ્રસંગનું આયોજન થઈ ગયું. મલય અને કાર્તિક બંનેએ જાણે પ્રસંગ પતી ગયો હોય એવી હળવાશ અનુભવી. કાકુભાઈને રોજ ઑફિસે જવા અને પાછા આવવા માટે લાલ બત્તીવાળી સરકારી મોટર આવતી. જો કે એમનો ડ્રાઈવર પ્રવીણ સમજદાર ઘણો. એટલે સોસાયટીમાં આવતી વખતે સાયરન અને ગોળ ફરતી લાઈટ બંધ કરી દેતો. સર્વદમનભાઈને ને એ ન ગમે, પરંતુ લાચાર હતા. હમણાં જ આવેલા નવા નિયમ પ્રમાણે સાયરન અને લાલ બત્તી બંધ કરવાં જ પડે. અગાઉ એમણે જ પ્રવીણને કડક સૂચના આપેલી કે - ‘લાઈટ અને સાયરન બંધ નહીં કરવાનાં, અને સોસાયટીમાં તો નહીં જ!’ એમનો ખ્યાલ એવો કે આખી સોસાયટીમાં વટ પડી જાવો જોવેં. ગમે એમ તોય આપણને પ્રમોશન મળી ગયું છે એની આ આપણાં અબૂધ પાડોશીઓને જાણ તો રહેવી જ જોઈએ ને? હજી તો ચાર દિવસ બાકી હતા. સાંજે કાકુભાઈ ઘરમાં આવે એ પહેલાં વી.આઈ.પી.ની નવી બેગ લઈને ઝૂલતો ઝૂલતો પ્રવીણ આવ્યો. એ પછી કાકુભાઈએ ધીમે પગલે ગૃહપ્રવેશ કર્યો. આટલી ગરમીમાં ય એ કોટ પહેર્યાં વિના ઑફિસે ન જતા. આવીને તરત કોટ કાઢીને હેંગરમાં વળગાડ્યો. પછી ધીમે રહીને બૂટ કાઢ્યા. મોજાં કાઢે એ પહેલાં જ મલયનો કુંવર ‘પમુભાઈ’ એટલે કે પ્રમથ ખી ખી કરતોકને હસી પડ્યો. કેમકે કાકુભાઈનાં મોજાં ફાટેલાં અને બંને અલગ અલગ ડિઝાઈનનાં હતાં ને વધારામાં જમણા પગનો અંગૂઠો ક્રાંતિ કરીને બહાર આવી ગયો હતો! પાણી આપવા આવેલાં માનસી આ દૃશ્ય જોઈને પમુભાઈને લડ્યાં કે એમાં વળી હસવાનું શું? ‘થાય! માણસ છે તો કારેક ભૂલ બી થાય!’ ઑફિસેથી વહેલો આવી ગયેલો કાર્તિક પણ આ સાંભળીને હસી પડ્યો. હળવે રહીને કહે કે ‘કાકુભાઈ એટલાં સાદાં છે કે આવું ઝીણું ઝીણું તો જોવે જ નહીં! પાછું એમને ક્યાંય બૂટ તો કાઢવાનાં હોય જ નહીં અટલે કોને ખબર પડે? પાછાં સાદાં તો કેવાં કે સરકારી બંગલો મળે જ પણ ક્યે કે – ‘મારે તો સોસાયટીમાં જ રે’વું છે. લોકો સાથેનો નાતો કાયમ રે’વો જોંઈયેં! પણ, એક વાત છે! આ પમુભાઈની હોશિયારીને દાદ દેવી જોંઈયેં! હજી તો ચાર વરસ પણ પૂરાં થયાં નથી ને અટલી નાંની ઉંમરમાં ય એમને એવો ખ્યાલ ખરો કે મોજાં તો એક સરખાં જ જોવેં ને ફાટલાં હોય તો ન પે’રાય!’ આટલું બોલતાંમાં કાર્તિકની નજર પેલી નવીનકોર બેગ ઉપર પડી. એણે પૂછ્યું : ‘કાકુભાઈ! આ બેગ ખરીદીને લાવ્યાં કે સું?’ ‘આ તો અમને દર ત્રણ વર્ષે મળે ને ઈ છે!’ ‘પણ, તમે તો હવે પૂરા તંઇણ દી ય નોકરી કરવાનાં નથી ને!’ ‘સરકારમાં તો એવું કે એક દી બાકી હોય ને તોય, મળે અટલે મળે જ. નિયમ અટલે નિયમ!’ કાર્તિકને આવું બધું ન ગમે. કાકુભાઈ ઘણી વાર સર્કિટહાઉસમાં જાય તો ત્યાંથી ય નેપકિન-ટુવાલ, છરી-કાંટા વગેરે દર વખતે ભૂલમાં લેતા આવે! કાર્તિક ગુસ્સે થાય પણ બોલી ન શકે. બેગની વાતે કાકુભાઈ ડિસ્ટર્બ થઈ ગયા. વિચારે ચડી ગયા: ‘આ કાર્તિકિયાને શું ખબર કે એકેક વસ્તુ માટે કેવું તડપવું પડતું હતું. પાઈ પાઈ માટે અમારે બચપણમાં રગવું પડતું હતું! અમે કેવી કેવી ને કારમી ગરીબી વેઠી છે એ આ એન્જિનિયરસાહેબને ક્યાંથી ખબર હોય? માંડ માંડ ટપાલખાતામાં નાની એવી નોકરી મળેલી. થપ્પા મારતાં મારતાં પરીક્ષાઓ આપી. કુદરતને કરવું તે છેલ્લી પરીક્ષામાં વળી પાસ થયા ને મામલતદાર થયાં. અને પછી તો કેવાં કેવાં માણસોનાં તળિયાં ચાટ્યાં ને ભૂંડાંભૂંખ જેવા અધિકારીઓને અને રાજકારણીઓને વંદન કરતાં કરતાં આંહી સુધી પહોંચ્યાં ઈ બધી આ લોકોને ક્યાંથી જાણ હોય?’ કાકુભાઈ રવિવારે સવારે સોસાયટીમાં ચાલવા નીકળ્યા. સફેદ બગલા જેવો ટેરીકોટનનો ચકચકતો ઝભ્ભો અને એ જ કાપડમાંથી બનાવરાવેલો લેંઘો. પગમાં કાળા કલરની બ્રાન્ડેડ પોચી ચંપલ, ડોકમાં સોનાનો દોરો. જમણા હાથની પહેલી આંગળીમાં ગુરુનું પીળું અને ત્રીજી આંગળીમાં સૂર્યનું ગુલાબી નંગ. વધારામાં ટચલી આંગળીમાં ચંદ્રનું મોતી! માથે વીઘાએકની ટાલ ચમકે. દાઢી તો એમને પહેલેથી જ પૂરી ઊગી નહોતી. મૂછનો ભાગ બરાબર ચેપ્લિન જેવો પણ દાઢીના આગળના ભાગમાં થોડાક તરણા જેવા વાળ ઊગે, વળી ગોળમટોળ એવા બંને ગાલ સાવ ખાલી. જો કે તોય રોજ છોલવું તો પડે જ. નહીંતર સાવ બકરાદાઢી જ લાગે! કાકુભાઈ આ વાત બરાબર જાણે એટલે વારંવાર ‘ક્લીનશેવ્ડ’નું મહિમ્ન ગાયા કરે. એ ચાલતા હતા ત્યારે સામેથી બાજુવાળો ચિરાગ પટેલ આવ્યો. ક્યારનો ય ગાંડા હાથીની જેમ લફડફફડ ચાલતો હશે, એટલે પરસેવો પરસેવો થઈ ગયો હતો. કાકુભાઈને જોયા એટલે ‘ગુડ મોર્નિંગ સાહેબ!’ કહ્યું. કાકુભાઈએ ચિરાગ સામે જોયું ન જોયું કર્યું ને માંડ આટલું બોલ્યા: ‘મોર્નિંગ!’ પણ ચિરાગ એમને છોડે એવો ક્યાં હતો? હળવેથી પૂછ્યું: ‘આજે તમારી ફાયરબ્રિગેડ નહીં આબ્બાની ચ્યમ સાહેબ?’ કાકુભાઈએ પ્રશ્નસૂચક નજરે જોયું એટલે કહે કે – ‘આજે રઈવાર ખરો કે નંઈ? એટલે પૂછ્યું.’ કાકુભાઈનો ગુસ્સો આસમાને અડી ગયો પણ ટ્રેનિંગમાં શિખવાડેલું કે ગમે તેવા સંજોગમાં ય આપણો ટોન બદલાવો ન જોઈએ. કાકુભાઈને વહીવટનું બીજું બધું ઓછું યાદ રહેલું પણ, આ વાત બરાબર બેસી ગયેલી એટલે મોઢું કડક કરીને બોલ્યા- ‘અરે ભાઈ! એને ‘ઇનોવાં’ કહેવાય ફાયરબ્રિગેડ નહીં!’ ચિરાગ તો ગયો પણ મનમાં કશુંક સળગાવીને ગયો. રોજ કરતાં આજે બે આંટા વધારે લીધા. ડૉક્ટરે કહ્યું હતું કે, ‘પંડ્યાસાહેબ! જો ચાલવાનું નહીં રાખો તો સુગર કંટ્રોલ કરવાનું મુશ્કેલ બની જશે. અને આ ડાયાબિટીશને તો તમે જાણો જ છો… કાબૂમાં ન રહે તો મલ્ટિપલ ફેલ્યોર!’ પંડ્યાસાહેબ ચાલતા હતા, ત્યાં મંગુભાઈ પાછળથી જરા ઝડપથી ચાલીને એમના ભેગા થઈ ગયા. એ પડખોપડખ ચાલવા માંડ્યા એ કાકુભાઈને ન ગમ્યું, પણ એવડી મોટી ઉંમરના માણસને શું કહેવું? એટલી વારમાં તો મંગુભાઈએ વાત શરૂ કરી: ‘શ્યાહેબ! ચ્યેટ્લી શુગર આવે સે? બોર્ડર ઉપર! ખાસ નહીં, પણ આ તો કેવું છે કે રોજ આટલું ચાલીએ તો જરા ફિટ રહેવાય!’ ‘પાસા તમે કાયમના મીઠાબોલા ખરાં કે નઈ? ઈ ક વધારે ધ્યોંન રાખવું જોવે! મીં જોંણ્યું કે આપ તો હવે રીટાયર થાવાના...’ ‘હા.. સરકારના નિયમ પ્રમાણે જે થતું હોય એ તો થાય જ ને મંગુભાઈ?’ ‘મૈને ચ્યેટ્લું પેણસન બંધાશ્યે?’ ‘આવશે જેટલું આવવાનું હશે એટલું!’ ‘આમેય તમારે ચ્યોં જરૂર હતી? પેલ્લથી જ નોકરી એવી ક કાય્યમના બખમબખ્ખા... આ પેણસન તો હમુરદું વધારાનું ક નંઈ?’ કાકુભાઈને એટલો બધો ગુસ્સો આવ્યો કે ન પૂછો વાત. પણ આવાઓને કહેવું ય શું? નરસિંહ મહેતાએ ગાયું છે ને કે ‘અધવધરાને શું ઉત્તર દઉં?’ એમ વિચારીને ચૂપ રહ્યા ત્યાં તો મંગુભાઈએ ધડાકો કર્યોઃ ‘દર મહિને ઉપરની આવક ચ્યેટ્લી?’ કાકુભાઈની તીરછી નજરને મંગુભાઈ સહન ન કરી શક્યા એટલે હેંહેંહેં એવું હસતાં હસતાં કહે કે - ‘આ તો મેં એવું શોંભળ્યું છ કે એક વાર નોમિનેસન થઈ જાય અટલ્યે બધું ઈની મેળે ધોડતું આવે... અટલ્યે ઈમ જ પૂશુ સું!’ કાકુભાઈએ જવાબ ન આપ્યો. હળવેથી કહ્યું કે- ‘મંગુભાઈ! તમે આગળ જાઓ! હું તો હળવે હળવે ચાલનારો છું!’ આટલું કહીને એમણે ખિસ્સામાંથી સેલફોન કાઢ્યો અને ચાલતાં ચાલતાં જ એક પછી એક મેસેજ જોવાનું શરૂ કર્યું. એક વખત તો ઝાડ સાથે અથડાતાં અથડાતાં રહી ગયા. અચાનક જ એક મેસેજ ઉપર જઈને આંગળી અટકી ગઈ. ‘ગુડ મોર્નિંગ’ સિવાય તો કશું જ નહોતું લખ્યું, તો ય સર્વદમનભાઈને પરસેવો છૂટી ગયો. એ મેસેજ હતો ધારાસભ્ય હનુભાઈનો. આમ તો એમનું નામ હનુમાનપ્રસાદ પાંડે. પણ બધાં એમને હનુભાઈ જ કહે. હજી પરસેવો સુકાયો નહોતો એટલે ચાલતાં ચાલતાં જ એમણે very good morning લખી દીધું. એક ક્ષણ થોભ્યા અને મેસેજ સેન્ડ કરવો કે નહીં એનો વિચાર કર્યો. પણ, પછી થયું કે ગુડમોર્નિંગનો જવાબ આપવામાં વાંધો નહીં; એટલે સેન્ડ કરી દીધો. સર્વદમનભાઈની નજર સામે હનુભાઈનો વરવો ચહેરો તરવરી રહ્યો. આજથી ત્રીસ વર્ષ પહેલાં હનુભાઈ બનારસથી આવેલા ને નગારાબજારના નાકે પાનનો ગલ્લો કરેલો. પછી રહેતાં રહેતાં પોતે મોટા બિલ્ડર થઈ ગયા ને ગલ્લો નાના ભાઈ લલ્લન એટલે કે રામપ્રસાદને આપી દીધેલો. રંગ કરેલા કાળાભમ્મર વાળ, ઘરમાં હોય એટલું તેલ એકસામટું જ નાંખી દેતા હશે, એટલે ક્યારેક તો કાન પાછળ તેલના રેગાડા ય ઊતરે! દેડકા જેવી ઊપસી આવેલી મોટી આંખો. કપાળમાં લાંબો લાલ ચાંદલો. ગંગામાં નાહી નાહીને વાન એકદમ કાળો કરી નાંખેલો. કાયમ ટેરીકોટનનું સફેદ સફારી અને સફેદ બૂટ જ પહેરે. ડાબા હાથમાં જાડી મોટી સોનાની લકી ઉપરાંત જમણા હાથે લાલ નાડાછડી અને કાળા દોરાનો પાર જ નહીં. ડોકમાં પણ એવી જ જાડી સોનાની ચેઈન, બારે માસ માથું ફાડી નાંખે એવું તીવ્ર અત્તર લગાવે. સફારીશર્ટની નીચે પેન્ટના બેલ્ટમાં રિવોલ્વર હોય જ. પાન ખાઈ ખાઈને દાંતનો રંગ લાલમાંથી કાળો થઈ ગયેલો. સૌથી પહેલો હાથ વાંધાવાળી જમીનમાં નાંખે. પછી પાણીની જેમ રૂપિયા વેરીને પોતાની કરી લે. આ સર્વદમનભાઈ પંડ્યાને ડેપ્યૂટી કલેક્ટર બનાવવામાં હનુભાઈનો ફાળો મોટો. એટલે સુધી કે છેક સવાણીસાહેબ પાસે પોતે ગયેલા અને કહેલું કે- ‘આવા પ્રમાણિક અને સાહસિક માણસને અમારા જિલ્લામાં મૂકો તો જ સારો વિકાસ થાય!’ એન્ટીચેમ્બરમાં બેઠાં બેઠાં એમણે કોનો અને કયા પ્રકારનો વિકાસ થાય એ સવાણીસાહેબને વિગતે સમજાવેલું. અને એમ આ પંડ્યાસાહેબ ચાર વર્ષ પહેલાં ડેપ્યૂટી કલેક્ટર બનેલા. ચાર વર્ષમાં બીજા કેટલાય અધિકારીઓની બદલી આમથી તેમ થયા કરે, પણ કાકુભાઈનું નામ લેવાની હિંમત કોઈ ન કરે! હનુભાઈએ આખા જિલ્લાની જમીનોનો એમની પાસે સરવે કરાવ્યો. જરૂર પ્રમાણે ક્યાંક ‘જૂનો કરાર’ અને ક્યાંક ‘નવો કરાર’ લાગુ કરી કરીને પંડ્યાસાહેબે જમીનો છુટ્ટી કરવા માંડી. હનુભાઈ એ જમીન ઉપરનાં વૃક્ષો કાપી કાપીને સિમેન્ટનાં જંગલો ઊભાં કરતાં જાય. હનુભાઈનું ‘ગૂડ મોર્નિંગ’ સાવ મફતમાં નહોતું. છેલ્લા છ મહિનાથી પાછળ પડ્યા હતા. શહેરની વચ્ચોવચ કોઈ નિત્યાનંદ સ્વામીનો આશ્રમ હતો. સ્વામીજીના નિર્વાણને તો પચાસેક વરસ થઈ ગયાં હશે. બે પાંચ ભક્તો ક્યારેક આવે ને દીવોબત્તી કે ભજન-આરતી કરી જાય એટલું જ. બાકી બધું ઉજજડ. નાંખી દેતાં ય પંદરેક એકર જમીન હશે. હનુભાઈએ પહેલાં થોડું ડોનેશન આપ્યું ને પછી ધીરે રહીને વિકાસ કરવાના નામે મેનેજિંગ ટ્રસ્ટી બની ગયા. હવે એમનો ઈરાદો એવો હતો કે શહેર વચ્ચે ઘોંઘાટમાં ભક્તોને આધ્યાત્મિક શાંતિ ન મળે. એટલે આશ્રમ માટે દૂર ક્યાંક પ્રાકૃતિક વાતારણમાં નવી જમીન લઈએ. અને આ આશ્રમને કોમર્શિયલ લેન્ડમાં પરિવર્તિત કરી દઈએ. કાકુભાઈમાં પરંપરાગત સંસ્કાર જાગી ઊઠ્યા અને કહ્યું કે આ તો ન જ થવા દેવાય! પણ એકલા પડે ત્યારે રોકડા પાંચ કરોડ અને હનુભાઈની રિવોલ્વર દેખાયા કરે. નોકરીના છેલ્લા દિવસોમાં આ કામ કરી આપે તો આમ તો કંઈ વાંધો ન આવે. પણ કાયમ માટે કોન્સિયસ બાઈટ કર્યા કરે! એટલે મૂંઝવણમાં હતા. એમનામાં બહાદૂરી કરતાં બીકની માત્રા ઝાઝી એટલે મનમાં ને મનમાં વમળાયા કરે. એમને ખાતરી હતી જ કે આજે ઑફિસમાં હનુમાનપ્રસાદ આવશે, આવશે અને આવશે જ. એક ક્ષણ તો થયું કે પોતે ત્રણ દિવસની માંદગીની રજા લઈ લે. છેલ્લે દિવસે હાજર થઈને સાંજે તો નિવૃત્તિ! પછી દુનિયા જખ મારે! પણ, કાકુભાઈ હનુભાઈને સારી રીતે જાણતા હતા. એ કોઈ રીતે ય છોડે એવા નહોતા. એમ સમજો ને કે એ દિવસે બીતાં બીતાં જ ઑફિસે ગયા. ઇનોવામાં બેઠેલા પંડ્યાસાહેબના પગ સતત હલતા હતા. પ્રવીણને ય અંદાજ આવી ગયો કે સાહેબ આજે કંઈક ડિસ્ટર્બ જણાય છે. બપોરે બાર વાગ્યે હનુભાઈનું આગમન થયું એ પહેલાં જ સવાણીસાહેબના પી.એ. મામતોરાનો ફોન આવી ગયો હતો. હેડકલાર્ક જે ક્યારેય સમયસર કામ ન કરે એણે ફાઈલ તૈયાર જ રાખી હતી. હવે પંડ્યાનો છૂટકો નહોતો. ક્યાં જાય? પોતાના ભૂતકાળને ભૂલી શકતા નહોતા એટલે થયું કે લક્ષ્મી ચાંદલો કરવા આવી જ છે તો શીદને મોંઢું ધોવા જવું? બાકીની જિંદગી તો સારી જાય! અને અત્યાર સુધી દબાયેલા એમના વ્યક્તિત્વ માંથું ઊંચક્યું! હનુભાઈની આંખમાં આંખ મિલાવીને પંડ્યા બોલ્યા: ‘કરી તો દંઈયેં પણ ઈ પહેલાં થોડું સમજી લઇંયેં... ‘અરે પંડ્યાસાહબ! આપને હમ કો ક્યા સમજ રખ્ખા હૈ? આપ કે ઘર આમ કી પેટી રખવા દેંગે! લેકિન જાને સે પહેલે સાઈન હો જાની ચાહિયે…’ પોતાને પડી એવી અગવડ છોકરાંઓને ન પડે. બસ, એમની સામે આ એક જ વિચાર રહેતો ને નાના નાના લાભ લઈ લેતા. પણ, કદીયે મોટા ભ્રષ્ટાચારમાં હાથ નાંખવાની હિંમત કરી નહોતી. અચાનક કાકુભાઈની આંખ સામે દમયંતીનો ચહેરો તરવરી રહ્યો. દમયંતી કહેતાં કે ‘જમાંનો ભલેં બદલાંય પણ આપણે ન બદલાંવું. પગાર મળે છે ઈ જ પૂરતું છે.’ કાકુભાઈ જવાબ દેવાને બદલે મૌન રહેતા. બીજો દિવસ પણ રંગેચંગે પસાર થઈ ગયો. પટાવાળાથી માંડીને આખી ઑફિસ એક જ વાત કરે કે પંડ્યાસાહેબ જેવા બીજા સાહેબ નો મળે હોં! સહુ જાણે હાલતાં ને ચાલતાં, વિદાયસમારંભમાં બોલવાનું બધું આગોતરું બોલતાં હતાં. સાહેબે પણ આજે સવારથી જ ચેમ્બર બધાંને માટે ખુલ્લી મૂકી દીધી હતી. ન કોઈ ચિઠ્ઠી, ન કોઈ એપોઇન્ટમેન્ટ્સ! ચાલુ વિદાય સમારંભે હેડકલાર્ક ઊઠીને બહાર ગયા અને હનુભાઈવાળી ફાઈલ લઈને આવ્યા. પંડ્યાસાહેબ સામે ધરી. એને એમ હતું કે તરત જ પતી જશે. પણ કાકુભાઈના કપાળની રેખાઓ જરા તંગ થઈ. શરીરની બધી શક્તિઓ જાણે કે એકઠી થઈ અને કાકુભાઈએ સહી નહીં કરવાના નિર્ણય સાથે ‘પછી રાખો!’ એમ કહીને ફાઈલ પાછી મોકલી આપી! ઑફિસના મેદાનમાં એક પછી એક આવતા લોકો જમા થવા લાગ્યા. એમ સમજોને કે આખી ન્યાત જ આવી ચડેલી. કાર્તિક અને મલયનું જબરું આયોજન! દીક્ષા લેતી વખતે વરઘોડામાં હોય એવી શણગારેલી ચાર ઘોડાની બગી અને બેન્ડવાજાં ય તૈયાર! ભત્રીજાને મોકલવાને બદલે ખુદ જમાલ પોતે જ આવ્યો હતો! ક્યારે છ વાગે ને ક્યારે કાકુભાઈ બહાર નીકળે! કોણ કોણ એમને ખભા ઉપર ઊંચકી લેશે એ બધું નક્કી થઈ ગયેલું! ફૂલોના હાર, અબીલગુલાલનાં પડીકાં અને બાકીનું બધું જ તૈયાર! સામાન્ય રીતે નિવૃત્ત થનારા અધિકારીને ઘેર મોકલવા, સિઓફ્ફ કરવા સરકારી ગાડી જ જાય. પણ આ બધો ઝમેલો જોઇને પંડ્યાસાહેબે કહ્યું કે - ‘સરકારનું અપમાન ન થાય એટલે, ગાડીમાં થોડી વાર બેસીને હું ઊતરી જઈશ. એ પછી, બગીમાં બેસી જઈશ. હવે કાયમને માટે જે લોકો વચ્ચે જીવવાનું છે એમનું યે માન તો રાખવું જોંઇયેં ને?’ સાંજના સાડા પાંચ થયા વિદાયસમારંભ ચાલતો હતો ને પટાવાળો આવીને કહી ગયો કે ‘સાહેબ! નીચે ગ્રાઉન્ડમાં તો જોવો! માણસ માતું નથી… બધાં આપને લેવા માટે આવ્યા છે. કાકુભાઈએ ઊભાં થઈને બારી બહાર નજર કરી તો આખો પરિવાર ને મોટો તામઝામ દેખાયો. મનોમન પોરસાયા. એમને જીવવું એકદમ સાર્થક લાગ્યું! મોબાઈલ ઉપર હનુભાઈના નામ સાથે વારંવાર લાઈટ ઝબકતી હતી. જવાબ આપવાને બદલે એમણે ઇશારાથી હેડક્લાર્કને પોતાની પાસે બોલાવ્યો અને પેલી ફાઈલ લઈ આવવા કહ્યું. હેડકલાર્ક તો રાહ જોઈને જ બેઠો હતો. દોડતો ગયો એવો જ પાછો આવ્યો. કાકુભાઈના હાથમાં ફાઈલ હતી. ને હિસાબી અધિકારી પટેલ પંડ્યાસાહેબની પ્રામાણિકતા અને રમૂજી સ્વભાવ વિશે ઉમળકાથી બોલી રહ્યા હતા. કાકુભાઈએ ફાઈલ ખોલી અને નોંધ લખવી શરૂ કરી. છેલ્લા વાક્ય સુધીનો સાર એવો હતો કે આ પ્રકારના સાર્વજનિક ટ્રસ્ટની જમીન કે મિલકતના હેતુ બદલવા અંગે કાયદા વિભાગનું માર્ગદર્શન મેળવીએ તે યોગ્ય રહેશે. સહી કરીને ફાઈલ હેડકલાર્કના હાથમાં થમાવી અને મોબાઈલ ઉપર હનુભાઈને મેસેજ મોકલ્યો: ‘આમ તો બધું બરાબર છે, પણ એક બે કાનૂની ગૂંચ છે. પછીથી તમને તકલીફ ન પડે એટલે રોકી રાખ્યું છે. મારી જગ્યાએ આવનાર અધિકારી સાથે વાત કરી લઈશ. હમણાં હાફુસની પેટી ન મોકલશો. આટલું કરતાંમાં તો જાણે થાકી ગયા. પણ એ થાકનો એમના ચહેરા પર આનંદ હતો. હિસાબી અધિકારીએ બોલવું પૂરું કર્યું ત્યારે પોતાને પણ લાગ્યું કે આ માણસ સાવ જૂઠું નથી બોલ્યો! નીચે ગ્રાઉન્ડમાં રેલાતા ક્લેરોનેટના સૂર ઉપર સુધી પહોંચ્યા ને કાકુભાઈને થયું: ‘જો આજે દમયંતી હોત તો બગીમાં એકલા બેસવાનો વારો ન આવત!’