મુકામ/તૈમૂરનો માળો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 01:09, 3 May 2024


તૈમૂરનો માળો

ત્રણ વર્ષ પહેલાં દીકરો ને વહુ અમેરિકા ગયાં ત્યારનું તો એમ જ લાગે છે જાણે ઘરમાં કોઈ નથી. મૂકેલી ચીજવસ્તુ ન થાય આડીઅવળી કે ન થાય કોઈ અવાજ. અમે બંને જણ સવારે વહેલાં ઊઠી જઈએ. પૂજાપાઠ અને ઘરકામ તથા રસોઈ વગેરે કામથી નિરાંતે પરવારીએ તોય સાડા નવદસે તો જાણે સાવ નવરાં! બપોરે બારેક વાગ્યે જમીએ, થોડુંઘણું આમ તેમ કંઈક કામકાજ કરીએ તોય એમ લાગે કે સમય જતો નથી. બધું થંભી ગયું હોય એવું જ લાગે છે. ચાલ્યા કરે છે એક માત્ર ઘડિયાળ! આજે સવારે જ લતા કહેતી હતી કે, ‘જરા લેપટોપ ખોલીને જુઓ તો ખરા, લાલાનો મેઈલ આવ્યો હશે. જો એમની રજાઓનો મેળ પડશે તો બે ય જણાં જરૂર આવશે એવું ફોનમાં કહેતો હતો. આ વખતે તો એ બે ય પણ અધીરાં થયાં છે આવવા માટે…’ વાત તો એની ય સાચી. દિવાળીને હવે કંઈ વાર નથી. આજકાલમાં જ નક્કી થઈ જવું જોઈએ. લાલાનું ખરું નામ તો વિનીત. એનું નામ મેં પાડેલું. એની મા તો વિભાકર કે વિનાયક આગળ અટકી ગયેલી, પણ મને થયું કે દીકરાનો વિનીતવેશ બરાબર ગણાય. વૈશાલીને જોવા ગયાં ત્યારે સાવ દૂબળી લાગે, પણ એનો વાન ગોરો. લતાનો અભિપ્રાય એવો કે અત્યારે ભલે દૂબળી લાગે પણ સુખ ભરાતાં આપોઆપ વળોટમાં આવી જશે. લાલાને તો એની માનું કહેવું એટલે ધ્રુવવાક્ય! તરત માની ગયો. અમારે છોકરીની પસંદગી બાબતે પ્રશ્નો બહુ હતા. છોકરા-છોકરી એકબીજાંને ગમાડે એ તો જાણે પહેલી વાત, પણ બંનેના જન્માક્ષર બરોબર મળવા જ જોઈએ એવો લતાનો આગ્રહ, જે એને પિતાજી કરુણાશંકર તરફથી વારસામાં મળેલો. પાછું આગ્રહમાં ય એવું કે અમારા જ્યોતિષી પંડિતરત્ન ભગવતીપ્રસાદ પંડ્યા. એમના પિતાજી કાશીમાં ભણેલા. પંડિતરત્નની પદવી તો એમના પિતાજીને મળેલી, પણ એમના અવસાન પછી શ્રીમાન્ ભગવતીપ્રસાદજીએ સીધી લીટીના વારસ તરીકે પદવી વાપરવાનું ચાલુ કરેલું! એ ભગવતીપ્રસાદ હા કહે તો જ બરોબર. એનાથી જરાય વધારે કે ઓછું જાણનાર જ્યોતિષી ન ચાલે. બીજું એ કે કન્યા અમેરિકા જવા માટે રાજી હોવી જોઈએ. એમાંય પાછો પેટા મુદ્દો એ કે જો ભવિષ્ય વિનીતને ભારતમાં સારો ચાન્સ મળે તો પાછાં આવવાની તૈયારી હોવી જોઈએ. પેટામાં પેટા એ કે ભારતમાં પણ દિલ્હી, કોલકાતા, મુંબઈ, પૂના, ચેન્નાઈ કોઈ પણ સ્થળ હોઈ શકે. અમદાવાદ જ મળશે એની ગેરન્ટી નહીં! એ બધાંને આ બધી વાત કબૂલ હોવી જોઈએ! વિશેષે કરીને કન્યા ભર્યા ઘરની ને ભર્યા મનની હોવી જોઈએ. આ લઈ લઉં ને તે લઈ લઉં એવી વૃત્તિ હોય તો ન ચાલે. આજે આપણી પાસે બધું છે પણ કોઈ વાર કંઈ અગવડ-સગવડ હોય તો ચલાવી લેતાં ય આવડવું જોઈએ! હું વૈશાલીને લાલી જ કહું. મને લાલો ને લાલી બોલવું વધારે અનુકૂળ લતાએ પ્રતિજ્ઞા લીધી છે કે આ વખતે લાલોલાલી આવે એટલે રાંદલ તેડવાં છે. કેમકે ઘણા સમયથી ધારેલું એ કામ બાકી રહી જાય છે. લાલીનો ખોળો ભરાતો નથી એના કારણમાં એક આ માન્યતા પણ ખરી! આ વખતે ગમે તે થાય પણ લતાની ઈચ્છા તો પૂરી કરવી જ છે. મેં હા કહી કે તરત લતાનું મન ઘોડો ખૂંદવા લાગ્યું. આ લોકોની ડેઈટ નક્કી થાય તો કંઈક સમજ પડે. લેપટોપ ખોલું છું. લાલાનો મેઈલ છે. કોણ જાણે કેમ પણ મેઈલ ખોલતાં પહેલાં ધ્રાસકો પડે છે. આવી તો શકશે ને? કે પછી ગયાં વરસની જેમ છેલ્લી ઘડીએ… મેં મન મનાવ્યું. મેઈલ તો જોઉં, પછીની વાત પછી. ભીની આંખે મેઈલ વાંચી લઉં છું. એની માને આ સમાચાર કેમ કરીને આપવા? બંનેનું આગમન થઈ રહ્યું છે એના રાજીપાનો રૂપિયો આપવાનો તો છે પણ એમાંથી આઠ આના તો કુદરતે કાપી લીધા છે! શું કહું લતાને? ઝળઝળિયાંને કારણે લેપટોપના સ્ક્રિન પર જોવામાં મુશ્કેલી પડે છે. હું ચશ્માં કાઢીને આંખ લૂછું છું એ દૃશ્ય લતા જોઈ જાય છે. તરત દોડતી આવી: ‘શું વાત છે, તમે કેમ ઢીલા પડી ગયા? નથી આવતાંને એ લોકો? મને બીક હતી જ. સાજાંનરવાં તો છે ને? એનો અવાજ તરડાઈ ગયો. ક્ષણેક વાર તો હું કશું ન બોલી શક્યો. લતાનો હાથ પકડીને એને સોફા પર બેસાડી. શાંતિથી કહ્યું, ‘એ લોકો આવે તો છે જ, પણ પહેલાં ત્રણ આવવાનાં હતાં હવે બે જ.… લાલીને ચાર મહિના હતા. કસુવાવડ થઈ ગઈ. જો કે એની તબિયત સારી છે. જેવી પ્રભુની મરજી.’ મારાથી નિસાસો નંખાઈ ગયો. લતા લગભગ અવાચક થઈ ગઈ. મેં એના વાંસે હાથ ફેરવ્યો ને કહ્યું, ‘તું તારા કે એમનાં મનમાં કોઈ વહેમ ઘાલીશ નહીં, આપણે જે કરવું છે તે કરીશું. રાંદલ તેડીશું જ. અને હજી એમને આવવાની તો વાર છે. ત્યાં સુધીમાં બધું ઠેકાણે પડી જશે. એ લોકો આ વખતે બે મહિનાનો સમય લઈને આવે છે. આપણે હળવાં રહેવાનું. કારણ વિનાનો છોકરાંઓ ઉપર ભાર ન આવે એ ય જોવાનું ને? નસીબમાં હશે તો બીજી વાર…!’ લતા આખી ઘટનાને એક ઘૂંટડામાં જાણે ગળી ગઈ! રોજ સવારે ઊઠીને પહેલું કામ બગીચામાં હીંચકે બેસીને છાપું વાંચવાનું. ધીમે ધીમે હીંચકો ચાલતો હોય. એક દિવસ મારું ધ્યાન છાપામાં હતું ને હું કંઈક વિચારે પણ ચડી ગયેલો. ત્યાં અચાનક ‘પરભુ તું… પરભુ તું’ એવો લયાત્મક અવાજ સંભળાયો ને મેં છાપામાંથી નજર બહાર કાઢી. હવામાં આકૃતિઓ પાડતો એક હોલો લીમડા પરથી નીચે જમીન પર ઊતર્યો. એનો એક પગ ખોડંગાતો હતો. જોયું તો જમણા પગના પંજાની જાણે કે મુઠ્ઠી જ વળી ગયેલી. ઢચક ઢચક એની ચાલ. થોડી વારમાં તો આખું ફળિયું એણે માથે લઈ લીધું. આમ ઘૂમે ને તેમ ઘૂમે. જમીન પર એને ખાવા જોગ કંઈક દેખાયું ને એણે ચણવાનું શરૂ કર્યું. મારા હીંચકાનો કે છાપાનાં પાનાં ફેરવવાનો અવાજ એની મસ્તીમાં કશો વિક્ષેપ કરી શકતો નહોતો. થોડી થોડી વારે ઊંચે જુએ અને પરભુને યાદ કરતો જાય. પછી તો એ પાંખો ફફડાવતો ઊડી ગયો ને હું ફરી છાપામાં ખોવાયો. બીજે દિવસે મેં યાદ કરીને લીમડાના ઓટલે થોડા દાણા નાંખ્યા અને પછી હીંચકે બેઠો. એ આજે ઘરના છજા પરથી સીધો જ નીચે ઊતર્યો. ફરી એ જ ખોડંગાતી ચાલ ને ‘પરભુ તું.. પરભુ તું…’ નું રટણ તો ચાલુ જ. હોલો ચણતો હતો ત્યાં એક કાગડો ઠીબનું પાણી પીવા આવ્યો. સહેજ વાંકી ચાંચે એણે પાણી પીધું ના પીધું ત્યાં તો આ હોલાનો જાણે કે ગરાસ જતો રહ્યો હોય એમ તીર વેગે ઊડીને આવ્યો અને કાગડાને જોરદાર ચાંચ મારી દીધી. કાગડો પાણી પીવાનું પડતું મૂકીને ઊડી ગયો. મેં એની ચાલને આધારે નહીં, પણ બહાદુરીને આધારે એનું નામ તૈમૂર પાડ્યું. પક્ષીવિદોની દૃષ્ટિએ હોલાની ઉડાન આકર્ષક ગણાતી હશે કે કેમ એની મને ખબર નથી, પણ આ તૈમૂર તો જાતભાતના કરતબ કરતો. રોજ હું એને ઊડતો જોઉં ને મન હરખાય કે આજે એ કોઈ બિલાડી કે કૂતરાનો કોળિયો નથી થયો! એક દિવસ હું હીંચકે અમસ્થો જ બેઠો હતો ને ઘરના છજા પર નજર ગઈ તો તૈમૂર કોઈ હોલી સાથે ક્રીડા કરતો હતો. ખરેખર આમાં કોણ હોલી ને કોણ હોલો એ તો પરભુ જાણે, પણ આપણે તો પગને આધારે તૈમૂર ને તૈમૂરને આધારે પુલ્લિંગ! એકબીજાની ચાંચમાં ચાંચ પરોવે, પાંખોનાં પીંછાં ગણે, કૂણાકૂણા અવાજે હોલીના કાનમાં કંઈ કહે, ગીત ગાય ને તોફાન કરે. હોલી ઊડીને આઘી બેસે તો તરત મસ્તાની ચાલે નૃત્ય કરતો કરતો જઈને એની પાંખમાં ભરાય. મેં એની વહુનું નામ તૈમૂરી રાખ્યું! આખો દિવસ ધાબાની દીવાલ, છજું અને લીમડો એમનાં ઠામઠેકાણાં! અહીંથી ત્યાં ને ત્યાંથી અહીં એ બંનેનાં ઉડાન અને તોફાન ચાલ્યા કરે. આબોદાનાનો પ્રશ્ન એમને પીડતો નહોતો. લીમડા ઉપર માળો ને નીચે દાણાપાણીની વ્યવસ્થા અમે કરેલી એટલે કે આ તૈમૂરાદંપતી માલેતુજાર હતું! નહીં ક્યાંય કોઈ મજૂરીએ જવાનું, નહીં કોઈ ઓવરટાઈમ કરવાના, ન પગાર ન ખર્ચ, ન કોઈ શેઠ ન કોઈ બોસ! મનફાવે એમ ઊડવું, રખડવું ને તૈમૂરી સાથે જલસા કરવાના! આમ તો અહીં પક્ષીઓનો પાર નથી. મોર, કાગડા, કબૂતર, પોપટ, લેલાં, કાબર, શક્કરખોરો, ખેરખટ્ટો, પીદ્દો, દૈયડ કોણ નહીં? ક્યાંક એક નર ને ચાર-પાંચ માદા, ક્યાંક એક માદા ને ઝાઝા બધા નર. બધાં એકબીજાંને હંફાવવાની અને હરાવવાની કોશિશમાં. શુદ્ધ અર્થમાં જંગલનો કાયદો. બળિયાના બે ભાગ! તૈમૂરમાં હિંમત, ચપળતા અને લડાયકવૃત્તિ ગજબ! પાણી પીવા કે નહાવાધોવા કોઈ પંખી આવે એટલે એને વાંધો પડ્યો જ સમજો! ગમે તેમ કરીને એને ભગાડયે જ છૂટકો કરે! એમાં પાછો એને તૈમૂરીનો સાથ ઘણો. એ પણ જરાય ઓછી માયા નહીં! બંને જણ રીતસરની પેરવી કરે. એક વાર તો એવું બન્યું કે પ્રમાણમાં મોટા કદની કહેવાય એવી એક સમળી પાણી પીવા આવેલી. એના આવવાથી ચારેબાજુ સોંપો પડી ગયેલો. એમ લાગે કે જાણે પવન પણ થંભી ગયો છે! કોઈની મજાલ છે કે ચૂંચાં કરે? સમળીએ પાણી પીવા ડોક નમાવી, બરાબર એ જ વખતે તૈમૂરીએ તારસ્વરે કંઈક વિચિત્ર કહેવાય એવો અવાજ કાઢ્યો. સમળી એની સામે જુએ ત્યાર પહેલાં તૈમૂરે પાછળથી બાજ ઝડપે આવીને એના માથામાં ચાંચ મારી ને પલકારામાં તો એ સામે છજે જઈને ‘પરભુ તું…’ કરતો બેસી ગયો! કદાચ એ ખી.ખી…ખી કે એવું કંઈ હસ્યો હશે! પણ આપણને શું ખબર પડે? તૈમૂર અને તૈમૂરી આટલા વખતથી ઊડાઊડ કરે છે. લીમડામાં નહીં પણ બોરસલીની ઘટામાં માળો કરે છે પણ ક્યારે ય માળામાં એનાં ઈંડાં કે બચ્ચાં જોયાં નથી. આજે થયું કે લાલોલાલી ગયાં ત્યારનાં આ બંનેની લીલા અમે જોઈએ છીએ પણ આવો વિચાર તો આજે જ આવ્યો. શું એ ઈંડાં નહીં મૂકતી હોય? કે પછી બીજાં પક્ષીઓ એનાં ઈંડાં-બચ્ચાં ખાઈ જતાં હશે? માળામાંથી તો એકેય ઈંડું ક્યારે ય ફૂટેલું કે પડેલું જોયું નથી! જે હોય તે... પણ મન ઊંચું થઈ ગયું છે એ નક્કી. મેં લતાને પૂછ્યું: ‘આ તૈમૂરી ઈંડાં મૂકે છે કે નહીં એનો ખ્યાલ આવતો નથી. તને કંઈ ખબર છે ખરી?’ એ પણ મારા પ્રશ્નથી વિચારમાં પડી ગઈ. ‘ના. ક્યારેય જોયાં નથી. હું તો આ બેને જ ઉડાઉડ કરતાં જ દેખું છું.’ થોડા દિવસ પછી લાલાનો ફરી મેઈલ આવ્યો. લાલીની તબિયત સારી છે. ડૉક્ટરનું કન્સલ્ટેશન ચાલુ છે. કદાચ ભવિષ્યમાં સારું પરિણામ આવે એવું એમનું માનવું છે. લાલાની રજાઓ તો નક્કી થઈ ગઈ છે, પણ ડોકટરી સારવારને કારણે આવવામાં કદાચ મોડું પણ થાય. લતા હવે અધીરી બની ગઈ છે. કહે છે કે બેયનાં મોઢાં જોઉં તો નિરાંત વળે. એક દિવસ તો કહે કદાચ એમનો મેળ ન પડે તો આપણે ત્યાં જઈ આવીએ! થોડો વખત સાથે રહીએ તો ય એમની માનસિકતામાં ફેર પડે. આપણને સારું લાગે. બાકીની આપણી ઈચ્છાઓ તો હરિને હાથ. મને ચિંતા એ છે કે આ બંને જણ ક્યાંક ડિપ્રેશનમાં ન આવી જાય! ટૂંકમાં એનો એક જ સૂર હતો કે કાં તો એ લોકો જલદી આવે અથવા આપણે જઈએ! છેવટે એ લોકો ફ્લાઈટમાં બેસી ગયાના સમાચાર આવ્યા. લતાએ સુખડી બનાવી રાખી. બાજુવાળાની ગાય તાજી જ વિયાઈ છે તે વિચારી રાખ્યું કે આવશે ત્યારે ખીરુંની બળી બનાવી દઈશ. લાલીને બળી બહુ ભાવે. એમની દૃષ્ટિએ આ રેયર ચીજ ગણાય કેમકે એ અહીં હોય ત્યારે ખીરું મળશે જ એની કોઈ ખાતરી નહીં. પણ આ વખતે મેળેમેળ બેસી જશે એમ લાગે છે. અમે એરપોર્ટ ઉપર એમને લેવા ગયાં. ફ્લાઈટ ખાસ્સી મોડી હતી. એરાયવલ પછી ય છોકરાંઓનાં દર્શન તો સવા કલાકે થયાં. લતા કાબૂ ન રાખી શકી. બેયને વળગીને ખૂબ રડી. એ બાબતમાં લાલો સમજદાર. તરત વાતને વાળી લીધી. પાપા તમારાં તૈમૂરો ને તૈમૂરી શું કરે છે? મેં કહ્યું મારાં તૈમૂરાં તો આજે જ ઊડીને આવ્યાં! પૂર ઝડપે ગાડી ચલાવી ને અમે સીધાં જ ઘેર. લતાને તો જાણે ઘીકેળાં. આજે આ બનાવે ને કાલે તે. દીકરાવહુને ભાવતી વાનગીઓ યાદ કરી કરી કરીને બનાવવા માંડી. આજે મામા તો કાલે ફોઈ, આજે પિક્ચર તો કાલે હોટલ, ઘર ધમધમતું થઈ ગયું. વેવાઈવેવાણ અમથા તો એક બે મહિને આવતાં પણ અત્યારે તો એકાંતરે એમનાં પગલાં હોય જ. ‘કેટલું સારું લાગે છે નહીં?’ હું લતાને પૂછી વળું છું. એ દીકરાવહુને સાથે ઊભાં રાખીને નજર ઉતારે છે. હું મારી આંખમાં એની વિડિયો ફિલ્મ ઉતારું છું. આવતા રવિવારે રાંદલની પધરામણી કરવાની છે. લગભગ બધી તૈયારી થઈ ચૂકી છે. ભગવતીપ્રસાદને કહેવાઈ ગયું છે. એમણે બેયના જન્માક્ષર ફરી જોઈ લીધા છે. ‘દસેક દિવસ પછી ગ્રહો બદલાય છે ને બધું આપોઆપ સારું થવાનું છે. ખાસ કરીને વૈશાલીના ગ્રહો વધારે સારા થાય છે. આવનારા સમયમાં એની બધી ચિંતાઓ જશે અને મનોકામનાઓ પૂરી થવાની છે’ : પંડિતરત્ન ભગવતીપ્રસાદ ઉવાચ! હું એમ કહું છું લાલાને કે ‘આપણે આ બધું તો કરીએ છીએ પણ ભેગાભેગું ડૉ.ખારોડસાહેબને બતાવી જોઈએ. તમે અમેરિકામાં બધું બરાબર ચેકઅપ કરાવ્યું જ હોય ને અહીંનાં કરતાં ત્યાંના ડૉક્ટરો વધારે હોંશિયાર, વળી સગવડે ય વધુ, એ બધું કબૂલ; પણ એક વાર ખારોડસાહેબ...ગમે તેમ તો ય અનુભવી માણસ!’ લાલો તરત સંમત થયો. કદાચ મારા સંતોષ માટે! આવતી કાલે, એટલે કે રાંદલ પહેલાં જ ખારોડસાહેબને મળવાનું નક્કી થયું છે. લાલો કહે છે કે ‘પાપા, તમારે સાથે આવવાની જરૂર નથી. અમે જઈ આવશું. તમે એમને એક ફોન કરી દો એટલે ચાલશે.’ રસોડામાંથી લતાનો ટહુકો. બાપદીકરો વાતોમાંથી નવરા થયા હો તો નાસ્તો તૈયાર છે. નાસ્તો કરતાં કરતાં લાગ્યું કે લાલી કંઇક ઉદાસ છે. સ્વાભાવિક પણ છે. છતાં એની ઉદાસી હું સહન નથી કરી શકતો. ટેબલ પરથી ઊઠીને મેં એને એકલી બોલાવી. પાસે બેસાડી માથે હાથ મૂકીને કહ્યું; ‘બેટા સહુ સારાં વાનાં થશે. તું આનંદમાં રહે એટલે ઘણું. તારી તબિયત સારી રહે એ અગત્યનું છે. તમે ડૉક્ટર ખારોડને મળી તો આવો. જોઈએ શું કહે છે તે. એ મારા મિત્ર છે એટલે ખોટી સલાહ તો ન જ આપે. બાકી દા દેવો તો હરિને હાથ...’ વૈશાલીને થોડી રાહત થઈ હોય એવું લાગ્યું. બંને જણ જઈ આવ્યાં. પ્રસન્ન હતાં. ડૉક્ટર ખારોડનું કહેવું હતું કે લાલીના બ્લડમાં અમૂક તત્ત્વો ખૂટે છે. તે બહારથી ઇન્જેક્ટ થઈ શકે છે. આમાં કશું મુશ્કેલ નથી. વિનીતને આનંદ એ વાતનો હતો કે અમેરિકાના ડૉક્ટરોએ જે કહ્યું હતું તે તો ખારોડસાહેબે કહ્યું જ, પણ આ કોર્સ કરવાથી ફેર પડી શકે એ નવી વાત હતી. સારવાર શરૂ થઈ ગઈ. રાંદલનો પ્રસંગ પણ સરસ રીતે વીત્યો. સાસુવહુએ બધાંની સાથે બરાબરનો ઘોડો ખૂંઘો હતો. સહુ સગાંવહાલાં પણ રાજી થઈને ગયાં. ‘પરભુ..તું, પરભુ તું...’ નું ગાન સંભળાયું ને સહુની નજર પડી. તૈમૂર ઊડીને લીમડા પર બેઠો. ત્યાંથી ઊડીને સીધો જ બોરસલીની ઘટામાં ગૂમ થઈ ગયો. વારંવારની એની અવરજવર ચાલુ હતી. વૈશાલી આજથી એને પિયર જવાની હતી. ગામમાં પિયર ને ગામમાં સાસરું એટલે ગમે ત્યારે જવાય ને ગમે ત્યારે આવી જવાય. વિનીત આજે એના જૂના મિત્રોને મળવા જશે ને રાત્રે બારોબાર સાસરે……. વૈશાલીને પિયર જવું ઓછું ગમે. માબાપ કે ભાઈ માટે પ્રેમ નહીં એવું નહીં, પણ એની ભાભી સંતાન બાબતે માથું ખાઈ જાય. એક હજાર પ્રશ્ન પૂછે તોય એને સંતોષ ન થાય. વૈશાલીને આવી બધી માથાકૂટ ન ગમે એટલે ડિસ્ટર્બ થઈ જાય. આપણે ત્યાં શું છે કે બિનજરૂરી લપ્પનછપ્પન કોઈ કરે જ નહીં, એટલે મુક્તિનો અનુભવ કરે. અત્યારે તો એવું કહીને જાય છે કે બંને ચાર દિવસ પછી પાછાં આવશે. પણ તમે જોજો બે દિવસે ય ટકે તો! કંઈ ને કંઈ બહાનું કાઢીને આવતાં રહેવાનાં! બેગો ભરાય છે. દરેક બેગનું વજન કરાય છે. કેમકે છેલ્લી ઘડીએ એરપોર્ટથી સામાન પાછો લાવવો પડે એ બરાબર નહીં. લતાએ ઝીણી ઝીણી વસ્તુઓ યાદ કરીને ભેગી કરી દીધી છે. બારે મહિના ચાલે એટલા મસાલા, સિકંદરની શિંગ, ઘરે બનાવેલાં અથાણાં, ઇન્દુબહેનના ખાખરા અને લતાબહેને બનાવેલાં લાડુ-સુખડી બધું પેક થઈ રહ્યું છે. કાલે તો આ પંખીડાં ઊડી જશે! મારું મન ભરાઈ આવે છે, બરાબર છે કે છોકરાઓનો વિકાસ ત્યાં છે, અને આપણે મોકલીએ છીએ ને જાય છે. બધું જ સાચું પણ મને ક્યાંય ગમતું નથી. આ રૂમમાંથી પેલા રૂમમાં આવનજાવન કરું છું. કારણ વિના બાથરૂમ જવાની ઈચ્છા થયા કરે છે. ‘બધું સારું જ થશે. તમતમારે જાવ સુખેથી.... એમ ઈચ્છવા છતાં બોલી શકતો નથી! એની માની પરિસ્થિતિ તો ઓર વિકટ જતાં જતાં અપશુકન ન થાય એટલા માટે એકેય ભાંગ્યું વેણ ન બોલે અને પાંપણ ફરતી વાડ બાંધી રાખે. રાતનો એક વાગ્યો છે ને ગાડીઓમાં બધો સામાન ભરાઈ ગયો છે. હવે બધાં બેસે એટલી વાર. એરપોર્ટ જતાં પહેલાં લતાએ બે ય છોકરાંઓને બાથમાં લીધાં ને માંડ માંડ આટલું બોલી: ‘જો બેટા, આપણું કામ તો પુરુષાર્થ કરવાનું. પરિણામ ઉપરવાળાના હાથમાં. આપણી ઈચ્છાઓ તો અનંત હોય, પણ દરેકનાં ઋણાનુંબંધ હોય છે. જેટલું લેવાનું હોય એટલું જ લેવાય. મને તો કંઈ નથી પણ એમ થાય કે તારા પપ્પાને દાદા બનવાનું સુખ મળે તો એમનો બેડો પાર થઈ જાય! હું તો ખાનગીખૂણે રડીએ લઉં, પણ પુરુષ માણસ ક્યાં જાય? પણ જો બેટા આ વખતે મને યાદ કરજે. આપણો સંકલ્પ પૂરો થયો છે તો બધું ય પૂરું થશે… અમે સંતાનોને ભાવભીની વિદાય આપી. વેવાઈને થયું કે આ બે જણ એકલાં ઘરે જશે તો ડિસ્ટર્બ રહેશે એટલે એમણે દાવ નાંખ્યો : ‘લતાબહેન અમને ચા પણ નહીં પીવડાવો? હજી તો અઢી જ વાગ્યા છે.’ બધી ગાડીઓ આપણા ઘર ભણી વળી. લતાના હાથની ચા વખણાય. આદુ અને ફુદીનો એને વધારે ગમે. આદુ તો સામટું બે ચાર કિલો લઈ રાખે. બગડી ન જાય એટલે પાછળ વાડાની ભોંમાં ભંડારી રાખે. જોઈએ એમ કાઢતી જાય ને ફુદીનો તો એણે રસોડાની બહાર જ વાવી રાખ્યો છે. બધાં ચાપાણી પીને ગયાં. અમે એકલાં પડ્યાં. લતા મને વળગીને હિબકે ચડી ગઈ. કહે કે ‘ભગવાન આપણી સામું જોવે તો સારું. આમને આમ તો છોકરી કંતાઈ જાશે! આપણે એના શરીર સામે પણ જોવાનું ને!’ હું એની પીઠ પસવારતો રહ્યો. મેં કહ્યું હજી સૂર્યોદય થવાને વાર છે. ચાલ કલાકેક સૂઈ જઈએ. તને થોડો આરામ પણ મળી જશે. સવારે ઊઠીને હું છાપું વાંચતો હતો. ધીમે ધીમે હીંચકો ચાલતો હતો. અચાનક પાંખોની તડાફડી અને તૈમૂરયુગલનું આગમન. થોડી વાર આમતેમ રમત કરી, બેપાંચ દાણા ચણ્યાં ન ચણ્યાં ને બે ય પાછાં બોરસલીમાં જઈને ભરાયાં. મને કંઈક શુભસંકેત જેવું લાગ્યું. મેં લતાને બૂમ મારી. ‘અહીં આવ તો જરા...’ એ ચાના બે કપ લઈને આવી. ચા પીતાં પીતાં મેં કહ્યું; ‘આ લોકોએ આ વખતે બોરસલીમાં માળો બાંધ્યો લાગે છે. આવનજાવન વધી પડી છે. મને લાગે છે કે… ચાલ આપણે એના માળા ઉપર નજર કરીએ.’ ‘એમ તો નહીં દેખાય, દીવાલે ચડીને જુઓ તો કદાચ દેખાય.’ લતા ટેકો કરે છે ને હું નાનકડું ટેબલ લઈને દીવાલે ચડું છું. જોઉં છું તો માળામાં બે ઈંડાં! આખું આભ એના ઉપર અમીછાંટણાં કરે.. ડાળી સહેજ પણ હલે નહીં એની કાળજી રાખીને હું ઊતરી જાઉં છું. લતા પૂછે છે ; ‘છે કંઈ માળામાં?’ હું કશું જ બોલ્યા વિના જમણા હાથની બે આંગળીઓ ઊંચી કરું છું! તૈમૂરનો માળો વિસ્તરીને મારા આખા ઘરને પોતાની અંદર સમાવી લે છે!