મુકામ/મુકામ

Revision as of 01:13, 3 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મુકામ

આખી ઑફિસમાં એક જ વાત ચર્ચાતી રહી. હજુ શુક્રવાર સુધી તો આ મંજુબહેનનું માથું ભીંડી જેવું ધોળું હતું ને આજ અચાનક બધા વાળ કાળાભમ્મર! કાયમ સાદાં ને સફેદ પડતાં કપડાંને બદલે આ શું? હળદરપીળી બાંધણી ને મરૂન ટિબકિયાળું મેચિંગ બ્લાઉઝ? સોનાનો દોરો ને બંગડીઓ તો મંજુબહેન હમેશાં પહેરતાં પણ જાણે આજે જ એકદમ બધું દેખાઈ આવ્યું. સૌથી પહેલો ચોંક્યો લિફ્ટમેન ને પછી ઑફિસનો એકેએક ખૂણો! બધાં ગુસપુસ કરતાં રહ્યાં પણ કોઈની હિંમત નહીં કે જઈને મોઢામોઢ પૂછે. પંડ્યા, પાઠક, ચૌધરી ને તિરમિઝી બધા ય અંદરબહાર સળવળવા લાગ્યા. બોલવાની તો હિમ્મત નહીં, પણ એકબીજાને આંખ મીંચકારી મીંચકારીને પૂછ્યા કરેઃ ‘આ માજીને રાતોરાત જુવાની ફૂટી કે શું?’ એ લોકોની ચર્ચામાં સરોજબહેન જોડાયાં નહીં એટલું જ. પણ, એમને ય આશ્ચર્ય તો હતું જ કે મંજુને અણધારી વસંત ક્યાંથી ને કેવી રીતે બેઠી? શુક્રવારે તો કંઈ નહોતું. શનિ-રવિ ને ધૂળેટીની રજાનો મેળ હતો. આજે થયો મંગળવાર, માત્ર ચાર જ દિવસમાં આખું માણસ બદલાઈ જાય? આમ તો મંજુબહેનની ઉંમર પાંત્રીસ કે છત્રીસ, પણ વાળ પચીસીમાં જ ધોળા થઈ ગયેલા. શરીર તો હજીયે ઘાટીલું ને નાજુક. ચામડીનો રંગ પણ ગોરો ને ચમકીલો. આખા શરીરે ભાગ્યે જ એકાદી કરચલી કે ડાઘ જોવા મળે. પણ વાળનો એની સાથે મેળ નહીં. જથ્થો ય ઘણો ને પાછા વાંકડિયા એટલે સફેદ વાળની વિગ પહેરી હોય એવું લાગે. બપોરની ચા વખતે સરોજબહેને મંજુબહેનને આંતર્યાં. સીધેસીધું જ પૂછી વળ્યાં, ‘અલા મંજુબહેન તમારો તો વટ પડે છે ને કંઈ… નવાજૂની છે કે શું? કાળા વાળ કેટલા ફાઈન લાગે છે તમને! ભલાં માણસ અત્યાર સુધી નકામા ધોળા રાખ્યા! માંડ પચ્ચીસ-છવ્વીસનાં લાગો છો…’ એટલું કહીને એમણે આંખનો ઉલાળો કર્યો. સરોજબહેનના અવાજ અને લહેકામાં જાણે પોતાનું રાણીપદ ઑફિસમાંથી ખસી જતું હોય એવું લાગ્યું. મંજુબહેન જાણે આ ક્ષણની જ રાહ જોતાં હોય એમ થોડું હસ્યાં ને બોલ્યાં, ‘નવા... જૂની તો છે પણ હમણાં નહીં કહું. તમે પાછાં ગામ આખામાં ફૂંકી મારશો...!’ ‘નહીં કહું કોઈને ય....ન કહું!’ ‘તમે રહો જ નહીં ને! મતલબ કે રહી જ ન શકો...’ એટલું કહીને એમણે પોતાના નાક ઉપર આંગળી મૂકી. તિરમિઝી અને પંડ્યાને આગળ જવા દીધા પછી સરોજબહેનનો હાથ દબાવી સહેજ ધીમા પડવા સૂચવ્યું. પેલા બંનેની પાછળ પાઠક અને ચૌધરી પણ ગયા. પછી ધીરે રહીને સરોજબહેનને કહે, ‘પાંચ વાગ્યે જોજો..… નવાજૂની જાણવા મળશે...’ પણ સરોજબહેનને ધીરજ નહોતી. એમને તો અત્યારે જ જાણવું હતું. ‘મારા ગળાના સમ કહો ને કહો… કોઈને ય નહીં કહું બસ! કસમથી!’ એમ કહી એમણે પોતાના ગળાના ભાગ ઉપર ચપટી ભરી. મંજુબહેન સાડી સરખી કરતાં શરમાયાં ને કંઈક બોલવા ગયાં પણ એમના ચહેરા ઉપર સંકોચ ફરી વળ્યો. ‘પછી વાત…’ કહીને આગળ નીકળવા જતાં હતાં ત્યાં સરોજબહેને એમને હાથ ખેંચીને પાછાં વાળ્યાં.

‘મારા ઉપરેય વિશ્વાસ નથી? આજકાલ કરતાં દસ વરસથી જોડે છીએ ને મારાથી ય ખાનગી?’
‘મને તમારા ઉપર નહીં, મારા પોતાના ઉપર કે મારાં નસીબ ઉપર વિશ્વાસ નથી બેસતો. પાંચ વાગ્યે વાત… એક વ્યક્તિ આવશે. આમ તો તમે એમને જોયા જ છે. ઑફિસમાં ય ઘણી વાર આવી ગયા છે. આજે જોઈને કહેજો કેવાક લાગે છે એ....’

મંજુબહેન ઝડપથી ચાલવા લાગ્યાં ને સરોજબહેન કંઈક અંદાજ બાંધતાં હોય એમ એમની પાછળ પાછળ ઘસડાયાં. પેલા ચારેય ભાઈઓ ટેબલ પર ગોઠવાઈ ગયેલા. પણ એકેયને ચેન નહીં. તિરમિઝી ક્યારનો ય પેપરવેટ ગોળ ગોળ ફેરવ્યા કરે છે. પાઠક ટાંકણી લઈ દાંત ખોતર્યા કરે છે. ચૌધરી વારે વારે બે પગ વચ્ચે હાથ લઈ જઈને ચપટી ભર્યા કરે છે ને પંડ્યા બે હાથ જોડીને બેઠો છે પણ એનું માથું અને પગ હલ્યા કરે છે. જેવાં એમણે મંજુબહેનને જોયાં બસ બધા સ્થિર થઈ ગયા. મંજુબહેને ચશ્માં ચઢાવ્યાં ને ફાઈલોમાં મોંઢું નાંખી કંઈક ફંફોસવા લાગ્યાં. સામેના ટેબલેથી ઊઠીને સરોજબહેન આવ્યાં. મંજુબહેનનો ખભો દબાવ્યો. પછી પૂછે, ‘શું કરો છો? અલા કંઈક તો બોલો… મુનિવ્રત લીધું હોય એમ ક્યારનાં ય કંઈ બોલતાં જ નથી..… અલા! મારું મન તો ક્યારનું ય એકીબેકી રમે છે...’ મંજુબહેને ચશ્માં ઉતાર્યાં ને સામું પૂછ્યું, ‘શું બોલું?’ એ ‘શું બોલું?’ એવી રીતે બોલ્યાં કે સરોજબહેન આવ્યાં હતાં એવાં જ જઈને પોતાની જગ્યાએ બેસી ગયાં. વારાફરતી બંનેની નજર ઘડિયાળ તરફ જતી ને પછી બંને જાણે ખૂબ કામમાં હોય એમ બેસી રહ્યાં. અચાનક મંજુબહેન ઊઠ્યાં ને સરોજબહેનની આંખમાં તેજનો એક ચમકારો થયો. નજર બારણાને ફંફોસી વળી પણ ત્યાં તો કોઈ હતું જ નહીં. મંજુબહેન કાચનો ગ્લાસ લઈને લચકતી ચાલે વોટરકુલર તરફ ગયાં ને જાણે ઊછળતું આવેલું મોજું, કાંઠા ઉપર વિખરાઈ ગયું. પાઠક ઊભા થઈને સરોજબહેન પાસે આવ્યા. ધીરે રહીને પૂછ્યું, ‘તમે કંઈ જાણ્યું? આ માતાજી એકદમ પીળાં પીળાં કેમ લાગે છે?’ ‘તમને કમળો થયો છે ને એટલે! જાવ છાનામાના જગ્યાએ…બેઠા બેઠા દાંત ખોતરો.. બહેનોની વાતમાં કોઈ કંઈ કહે નહીં ત્યાં સુધી પડાય જ નહીં સમજ્યા ને?’ સરોજબહેને પાઠકનું મોઢું તોડી લીધું ને પછી લૂચ્ચું હસ્યાં. પાઠક કહે, ‘હું ક્યાં પડવાની વાત કરું છું? પડવું જ હોત તો અત્યાર સુધીમાં... આ જરાક પૂછ્યું એમાં તો…’ એ ઠાવકા થઈને પોતાની જગ્યાએ બેસી ગયા. રૂમાલથી મોં લૂછતાં લૂછતાં મંજુબહેન આવ્યાં. વાળ સરખા કરીને આવ્યાં હોય એવું લાગ્યું. પણ, આ એક લટ બહાર કેમ રહી ગઈ છે? કોઈને જાણે બીજું કામ જ નહોતું. સામેની ઘડિયાળમાં પાંચ થવા આવ્યા ને ચારેય ભાઈઓ રોજના ક્રમ મુજબ ઊઠ્યા. ખાનાંમાંથી થેલીઓ લીધી. સરોજબહેનને કહે, ‘અમે જરા શાકભાજી લઈ આવીએ…’ સરોજબહેનને મજાક સૂઝી. કહે કે ‘ચાલુ નોકરીએ શાક લેવા ન જવાય... એ તો અંગત કામ કહેવાય!’ તિરમિઝી બોલ્યો, ‘ચાલુ નોકરીનો પગાર તો ચાલુ નોકરીએ જ વપરાય ને? આ તો પેટની વેઠ! બાકી સોળ સો ચાલીસ બતરીસ્સો મુજબ તો થાતું હોય એટલું જ થાય!’ પંડ્યાએ એને હળવેથી ધક્કો દઈને ચાલવા કહ્યું. એ ચારેય ગયા ને સરોજબહેન ખુરશીમાંથી અધૂકડાં ઊઠ્યા ને પાછાં કંઈક વિચાર આવતાં બેસી ગયાં. બેસી રહ્યાં એમ જ. મંજુબહેન ઘડીમાં ઘડિયાળ સામે જુએ ને ઘડીમાં ફાઈલોના કાગળો આમતેમ કર્યા કરે. આખી બ્રાન્ચમાં આ બે સિવાય કોઈ હતું નહીં, એટલે પંખાના અવાજ સિવાય શાંતિ હતી. અચાનક મંજુબહેને ટેબલનું ખાનું ખોલ્યું ને ઘચરક એવો અવાજ આવ્યો. સરોજબહેને મોઢું ફાઈલમાં જ રાખીને નજર ઊંચી કરી. મંજુબહેને ખાનામાંથી ટચૂકડો આયનો કાઢ્યો. બે આંખો અને નેણને કાચ વચ્ચે ગોઠવ્યાં. આંગળીથી ચાંદલો સરખો કર્યો ને તરત બારણે કોઈ દેખાયું. મંજુબહેન ઝપ્પ કરતાં ઊભાં થઈ ગયાં. ઊભાં ઊભાં જ આયનો મૂકી ખાનું બંધ કર્યું. વળી એક વાર ઘચરક અવાજ… પણ, એ તો રોજમદાર પટાવાળો રતિલાલ હતો. ચૌધરીના ખાનામાંથી તમાકુની ડબ્બી લઈને તરત ચાલ્યો ગયો. મંજુબહેન થોડાં ઢીલાં થઈને પાછાં ખુરશીમાં બેસી પડ્યાં. થોડીક જ ક્ષણો વીતી કે તરત જ... ‘એ આવો……આવો…’ કહેતાં મંજુબહેને લોબી તરફ પગ ઉપાડ્યા. ફરી બોલ્યાં, ‘આવો....વાંધો નહીં!’ કહીને પેલી વ્યક્તિને અંદર લઈ આવ્યાં. જિન્સનું વ્હાઈટ પેન્ટ, મોરપીંછ ટીશર્ટ અને પગમાં- ‘ક્યા જૂતે ભી કભી સાંસ લેતે હૈ?’- વાળા સફેદ શૂઝ... સરોજબહેન અવાક્! લગભગ બાઘાં થઈને પેલા ભાઈને જોઈ રહ્યાં ને એ ભાઈ મંજુબહેનની સામેની ખુરશીમાં ગોઠવાયા. ‘પાણી પીવું છે?’ કહીને મંજુબહેન ઊઠ્યાં. વળી કાચનો ગ્લાસ અને જેમાં અત્યારે થોડો દમામ પણ ઉમેરાયો હતો એ લચકાતી ચાલ ને વોટરકુલર! સરોજબહેન અમસ્થાં જ ઊભાં થયાં હોય એમ ઊઠ્યાં. બારણા પાસે આવ્યાં ને પંખાને ચાર ઉપર મૂક્યો. બારીમાંથી બહાર જોયું ને પાછાં બેસી ગયાં. પણ, આ દરમિયાન એમની નજર પેલા ભાઈ તરફ જ મંડાયેલી રહી. ગ્લાસ છલકાય નહીં એની કાળજી લેતાં મંજુબહેન ધીરે ધીરે આવ્યાં. પાણી પીતાં પીતાં પેલાભાઈ મંજુબહેનને ધારી ધારીને જોઈ રહ્યા છે એ સરોજબહેને જોયું. ગ્લાસ બાજુ પર મૂકીને પેલા ભાઈએ આંખમાં અચંબો દેખાડ્યો. કહે કે, ‘તમારું તો જાણે રિનોવેશન જ થઈ ગયું!’ હસતાં હસતાં મંજુબહેન કહે કે, ‘એને રિનોવેશન ના કહેવાય… કાયાકલ્પ કહેવાય!’ એમને આ એક ક્ષણમાં જ દુનિયા બદલાઈ ગઈ હોય એવું લાગ્યું. પોતે હલબલી ગયાં હોય એવું અનુભવ્યું પણ પછી તરત જ જાતને સંભાળી લેતાં બોલ્યાં, ‘તમે સરસ મજાનું મારું ઘર ઊભું કરી દીધું તો એ પ્રમાણે મારે ય બદલાવું તો જોઈએ જ ને?’ જરાક શ્વાસ લઈને પૂછી પણ બેઠાં- ‘કહો કેવું લાગે છે?’ ‘હાઈ ક્લાસ! બધાંમાં આપણો વટ પડે એવું… ને તમે કહેતાં’તાં એ ગુલાબી રંગ ન લીધો એ જ સારું કર્યું… ગુલાબી તો એક-બે બીજાં ય છે.… કાલે જઈને જોજો… દૂરથી તો આ ઇંગ્લિશ કલર ટનાટન લાગે છે! લ્યો આ ચાવી..!’ ચાવી શબ્દ કાને પડતાં જ આ ભાઈ કોણ છે એની સરોજબહેનને ખબર પડી ગઈ. મંજુબહેનના ગળામાં ખારાશ આવી ગઈ. પછી સ્વસ્થ થતાં કહે- હું મકાનનું નહીં, મારું પૂછું છું! મકાન તો તમારી પસંદગીનો રંગ છે તે ટનાટન જ હોય ને!’ પેલાભાઈ જરાક છોભીલા પડી ગયા. હવે એમણે મંજુબહેનની સામે એકદમ ધ્યાનથી જોયું. સહેજ ધીમા અવાજે બોલ્યા, આલાગ્રાંડ મકાનનાં માલિક કેવાં હોય? એવાં...!’ ‘તમે તો પાછું એ ય મને પૂછો છો?’ ‘તો કોને મકાનને પૂછું?’ ‘એટલે એમ કે હું સુંદર છું એવું ય મારે જ કહેવાનું? તમે તો ભઈ ભારે હોંશિયાર!’ ‘લાગો છો ક્યાં? છો જ. પણ આમ એકદમ આટલો બધો ચેઈન્જ...?’ ‘તમે નહોતું કહ્યું કે મંગળવારે કોઈ કામ બાકી નહીં હોય! પાંચ વાગ્યે ચાવી મળી જશે. સીધાં રહેવા જ જવાનું! તે મકાનની જોડે મારે ય તે નવાં થવું પડે કે નહીં?’ પેલા ભાઈએ ટેબલ ઉપર મૂકેલી ચાવીને મંજુબહેન તરફ સહેજ હડસેલી એ ઊભા થવાની તૈયારી કરે છે એવું લાગતાં મંજુબહેન કહે, ‘કાલે જોવા જવું છે ને?’ ‘ના. કાલે તમે એકલાં જઈ આવજો. મારે આજે સાંજે જ ભાવનગર જવું પડશે. બાપુજીનો સવારે જ ફોન આવ્યો. કલરનું કામ તો ગઈ કાલે બાર વાગ્યે જ પૂરું થઈ ગયેલું પણ લાદી સાફ કરાવવામાં બહુ ટાઈમ ગયો...’ ‘ના હોં..ઓ! તમે નહીં આવો ત્યાં સુધી હું ઘર જોવા નહીં જઉં… તમારા વિના હું એમાં પગ કેવી રીતે મૂકું? છેક પાયાથી માંડીને આટલી બધી મહેનત તમે કરી. છેલ્લા આઠ મહિનાથી જાણે પોતાનું જ ઘર બનતું હોય એમ ખડે પગે ઊભા રહ્યા છો ને તમને મૂકીને હું એકલી જાઉં?’ મંજુબહેનનો અવાજ સહેજ બદલાઈ ગયો. એકાદ સેકંડ પછી માંડ માંડ બોલ્યાં - ‘પાછા ક્યારે આવવાના?’ ‘શુક્રવારે તો આવી જઈશ. હવે બારી-બારણાં ને કાચ લૂછવાના જ બાકી છે. એ બને તો આ બે દિવસમાં તમે કરાવી લેજો…માણસો એની મેળે આવી જશે!’ ‘થશે એ બધું તો... સારું તમે જઈ આવો. પણ આપણે જોડે જ જઈશું એટલું નક્કી છે!’ ‘ઓહ્હો આટલાં બધાં ધીરજવાળાં કેવી રીતે થઈ ગયાં? અત્યાર સુધી તો ‘ક્યારે પૂરું થશે? ક્યારે પૂરું થશે?’ એમ ઉતાવળનો પાર નહોતો ને હવે મકાન તૈયાર થઈ ગયું ત્યારે… શુક્રવાર સુધી રાહ જોશો? જઈ આવજો ને... એક વાર જોઈને એ તો કહો કે આપણું કામ કેવું લાગ્યું?’ ‘સારું જઈશ...’ કહેતાં કશોક નિશ્ચય કરતાં હોય એમ મંજુબહેને ચાવી લઈને પર્સમાં મૂકી. પેલા ભાઈ ઊઠ્યા એમની સાથે મંજુબહેન પણ બારણા સુધી ગયાં. મંજુબહેને ‘આવજો’ કહેતાં કહ્યું- ‘શુક્રવારનો શનિવાર ન થાય તે જોજો. બને તો ગુરુવારે જ આવતા રહેજો...’ એવું કંઈક કહેવા ગયાં પણ એમના હોઠ ખૂલ્યા જ નહીં. ‘આવજો... આવજો..’ થયું ને મંજુબહેન ખુરશીમાં બેસી પડ્યાં. ‘હેં મંજુબહેન ઘર પૂરું થઈ ગયું? અલા તમે તો વાતે ય નથી કરતાં!’ કહેતાં સરોજબહેન આવ્યાં ને પેલા ભાઈ બેઠા હતા તે ખુરશીમાં બેસી ગયાં. ‘ઘર પૂરું નહીં, હવે શરૂ થશે!’ એવું બોલવા જતાં મંજુબહેન જાણે ગોઠવી ગોઠવીને બોલ્યાં, ‘સરોજબહેન! ઘર પૂરું નહીં, તૈયાર થઈ ગયું એમ કહેવાય!’ ‘બસ હવે વાસ્તુપૂજન જલદી કરો…પણ એ પહેલાં તો પાર્ટી…!’ ‘બધું જલદી જ કરવું છે… પણ આ જુઓને… ભાવનગર જતા રહ્યા! તમે જ કહો, રવજીભાઈએ કોન્ટ્રાક્ટમાં મને ઓછું વિતાડ્યું હતું? જો એમને ચાલુ રાખ્યા હોત તો હજી ઠેકાણું પડ્યું હોત? બોલો! મને તો ધક્કા જ ખવડાવતા. આજે સિમેન્ટ નથી ને આજે કડિયા નથી… આ નથી ને તે નથી... કોણ જાણે ક્યારે થાત? એ તો ભલું થજો ગોરસાહેબનું કે આમની જોડે ઓળખાણ કરાવી આપી. મને કહે, ‘મંજુબહેન... આ આપણો ખાસ માણસ છે. એને સોંપ્યું એટલે વાત ખલાસ! તમારું ઘર તૈયાર જ સમજો!’ ‘કોણ ગોરસાહેબ?’ સરોજબહેને પૂછ્યું. ‘મારા ભાઈના સાહેબ... બહુ સારા માણસ છે. અને આ તો વળી એમનાથી ય ચડિયાતા. મને કહે કે – ‘હવે તમે જઈને શાંતિથી ઊંઘી જાવ.... બધું મારે માથે! બોલો, આ જમાનામાં પોતાનું માનીને કોણ આવી બધી માથાઝીંક કરે? મને કંઈ ખબર જ પડવા દીધી નથી કે ક્યાંથી ને શું લાવ્યા! અને કામે ય કેવી રીતે કામ કરાવ્યું... બોલો, મેં પૈસા આપવા સિવાય કંઈ કર્યું છે? ને બોલો, હિસાબમાં ય કેવા? એક પૈસો ય આઘોપાછો નહીં ને બધે ય ફાયદો જ કરાવે...’ મંજુબહેને મોરપીંછ ટીશર્ટ જોયું ને બોલતાં અટકી ગયાં. પેલા ભાઈ પાછા આવ્યા હતા. ઊભાઊભ જ ઝડપથી કહે, ‘અરે હા, શુક્રવારે બેન્કમાંથી પૈસા ઉપાડવાનું ભૂલતાં નહીં. રવજીભાઈને આપવાના છે એટલું કહેવા જ પાછો આવ્યો...!’ ‘કેટલા ઉપાડું?’ કંઈક વિચારતાં કહે, ‘હજી હિસાબ કરવાનો તો બાકી છે. એમ કરો ને સહી કરીને મને જ ચેક આપી દો. આવીને હું સીધો જ બેન્કમાં જઈશ. જરૂર પ્રમાણે લઈ લઈશ!’ મંજુબહેને એમને બેસવા કહ્યું ને પર્સમાંથી ચેકબુક કાઢી. ચેકમાં સહી કરતાં કરતાં મંજુબહેને પૂછ્યું. ‘એવી શી ધાડ પડી છે ભાવનગરમાં? શનિ-રવિ જજો ને!’ ‘મને ય ક્યાં ખબર હતી? આજ અચાનક જ ફોન આવ્યો. બાપુજી કારણ વગર બોલાવે નહીં. જવું તો પડશે જ..…’ મંજુબહેન કશું બોલ્યાં નહીં. રકમ ભર્યા વિનાનો ચેક આપી દીધો. પેલા ભાઈ ગયા એટલે સરોજબહેન કહે - ‘આમ સાવ કોરો ચેક આપી દેવાય? અલા ખરાં છો તમે તો!’ હવે મંજુલાબહેનને જાણે તક મળી ગઈ. સરોજબહેનનો ઉધડો લેતાં હોય એમ બોલવા લાગ્યાં: ‘તમને કંઈ ભાનબાન છે કે નહીં? આ માણસ ઉપર અવિશ્વાસ કરાય કેવી રીતે? મારા મકાનમાં એમની કેટલી મહેનત છે? અને હવે તો એ બધું જ જાણે છે કંઈ જ ખાનગી નથી એમનાથી..!’ સરોજબહેન ઝંખવાણાં પડી ગયાં. ધીરે રહીને કહે, ‘આ તો પૈસાની વાત હતી એટલે… બાકી વાંધો તો કંઈ નહીં....’ ‘મારા ઘરમાં એમનો શું સ્વાર્થ? બિચારાએ ટાઈમ બેટાઈમ જોયા વિના કેટલા દોડા કર્યા છે… મને કોઈ વાતની ખબર પડવા દીધી નથી.’ આટલું બોલતાંમાં તો એ ઊંડાં ઊતરી ગયાં ને સરોજબહેન એમની જગ્યાએ જઈને બેસી ગયાં. મંજુબહેન વિચારે ચડ્યાં. શરૂઆતમાં તો એ બધું મને પૂછીને કરતા. ‘પ્લેટફોર્મ જરા પહોળું હોય તો ઠીક પડે… સિંકના નળ જેટલા આગળ એટલું કામ કરતાં ફાવે… નહિતર ઝાઝાં વાસણ હોય તો કેડ દુખી જાય’ આવો બધો વિચાર એ કરે. મને શું ખબર પડે? પણ, પછી તો ટાઈલ્સની પસંદગીથી માંડીને બધું જ એમણે નક્કી કર્યું. પહેલાં તો એમ કહેતા કે- ‘તમારા ઘરમાં આમ કરીએ ને તેમ કરીએ પણ, પછી તો આપણે આમ કરીએ તો જ સારું રહેશે ને છેલ્લે છેલ્લે તો આપણા ઘરમાં આવું સારું નહીં લાગે... આવી ડિઝાઈન જ શોભે… આપણા ભવિષ્યનો વિચાર કરીને હું આમ કહું છું...’ મંજુબહેનને થયું કે એકલાં પોતે જ આવું વિચારતાં નથી. એ ય તો પોતાનું જ ઘર માને છે એટલે તો ભવિષ્યની વાત કરે છે… વળી એ તો ડાયવોર્સી છે એટલે આવું વિચારતા હોય તો. ખોટું યે કંઈ નથી….એટલા સમજદાર છે કે મારા મનના ભાવને સાવ વાંચ્યા વિના તો નહીં જ કહેતા હોય ને? એકલી એકલી બહુ દોડી. આ તો એમનો પરિચય થયો ને એમણે જે રીતે જવાબદારી ઉપાડી લીધી ત્યારે જ મને ખબર પડી ગઈ કે પોતાનો માણસ હોવો એટલે શું? લાગ્યું કે જાણે મુકામ આવી ગયો છે. એ ભાવનગરથી આવે એટલે... શુક્રવાર સવારથી જ મંજુબહેનના મનમાં ચટપટી હતી. માંડ માંડ ચાર વગાડ્યા. ઑફિસમાં ય મન લાગતું નહોતું. સાડા ચાર વાગ્યે એ સાહેબની ચેમ્બરમાંથી બહાર આવ્યાં ને પોતાની જગ્યાએ ગયાં ત્યારે ખ્યાલ આવ્યો કે એ ભાવનગરથી આવી ગયા છે. મંજુબહેન ખુરશીમાં બેઠાં. તરત તો કોઈ કંઈ બોલ્યું નહીં. પછી મંજુબહેન સહેજ હસતાં હસતાં કહે, ‘હજી હું ઘર જોવા ગઈ જ નથી, તમારી રાહ જોતી હતી. સાથે જ મંગલપ્રવેશ કરવો એવું મેં નક્કી કરી રાખ્યું હતું. આજે સાંજે જ જઈએ તો?’ ‘આજે તો મેળ નહીં પડે… તમે જ જઈ આવો. લ્યો આ ચારસો સાઈઠ રૂપિયા. દસ હજાર ઉપાડયા હતા એમાંથી વધ્યા એ...’ ‘રાખો તમારી પાસે! બોલ્યા મોટા... આજ મેળ નહીં પડે! એક તો પોતે ભાવનગર ભાગી ગયા ને સાંજે ફ્રી નથી. કોઈનો કશો વિચારે ય નહીં કરવાનો? સીધી ના જ પાડી દેવાની?’ મંજુબહેને ગુસ્સો ઠાલવ્યો ને પેલા ભાઈએ રૂમાલથી પોતાનું કપાળ લૂછતાં કહ્યું, ‘એ લોકો, મતલબ કે છોકરીવાળાં ત્યાં આવ્યાં હતાં એટલે જ બાપુજીએ બોલાવેલો. પછી બધાંનું મળવું ગોઠવાય એમ નહોતું ને મને ક્યાં એવી કંઈ ખબર હતી?’ ‘તે શું કરી આવ્યા?’ મંજુબહેન ઝડપથી બોલી વળ્યાં. ‘વાત તો બધી એ લોકોએ. જ પાકી કરી રાખી હતી. આ તો ખાલી ફોર્માલિટી... આજે સાંજે અમદાવાદ એના મામાને ઘેર મળવા જવાનું છે…’ મંજુબહેનને તમ્મર ચડ્યાં જેવું લાગ્યું. એમણે બેય હાથથી માથું પકડી રાખ્યું. પછી થોડી વારે એમના હાથમાંથી પૈસા લેતાં કહે, ‘સારું જઈ આવો...! આવજો!’ અને પેલા ભાઈ ઉતાવળે ‘પછી આવીશું!’ કહીને નીકળી ગયા. સરોજબહેને મંજુબહેનના હાથમાં પર્સ પકડાવ્યું ને હાથ પકડીને કહે- ‘ચાલો. થોડાંક વહેલાં તો વહેલાં, પણ નીકળી જઈએ….’ બંને સાથે જ બ્રાંચમાંથી નીકળ્યાં ને પાઠક બોલ્યાઃ ‘ઓહહો આજ તો વહેલાં.... તિરમિઝી આંખો નચાવતાં બોલ્યો, ‘મંજુબહેન! સવારનો કે’વું કે’વું કરતો’તો. લ્યો અત્યારે કહી જ દઉં... તમારી સાડીનો રંગ મસ્ત છે! પેલી પીળી કરતાં ય આ સારો લાગે છે… અમથાં તો કેવાં સોગિયાં પહેરીને આવતાં’તાં! બસ આવા રંગ જ તમને તો સારા લાગે.....’ મંજુબહેન માંડ માંડ ‘થેંક યુ’ બોલ્યાં. ચાલતાં ચાલતાં જ વિચારે ચડ્યાં... કાલથી સાડીઓ તો એની એ જ છે પણ આ વાળ! કોણ જાણે ક્યારે...? રંગ ઊતરતાં વાર તો લાગે જ ને? એ એક પગથિયું ભૂલી ગયાં ને શરીર લથડ્યું... પણ – ‘ધીરે…. મંજુ ધીરે….!’ કહેતાં સરોજબહેને એમનો હાથ પકડી લીધો!