મોટીબા/બે

બે

ગઈ દિવાળી નહિ ને એની આગલી દિવાળીની વાત. અમે બધાં વિસનગર ગયેલાં. ધનતેરસની પૂજા માટે મોટીબાએ જૂના વિક્ટૉરિયા-છાપ ચાંદીના બે-ત્રણ સિક્કા કાઢી આપ્યા. પૂજા પતી કે એમણે, મારાં તથા નાના ભાઈનાં બાળકોને કહ્યું, ‘છોકરાં, જૉવ, અવ ફટાકડા ફોડો.’ જોકે, ફટાકડા ખરીદ્યા એ અગાઉ એમણે ત્રણેક કલાકનું ભાષણ કરેલું – કેવા ફટાકડા ખરીદવાના, કેવા નહિ. કયા ફટાકડાથી છોકરાંઓ દાઝે. કેવી રીતે દાઝે. ફટાકડા કેવી રીતે ફોડાય… ‘હવાઈ ક રૉકેટ બરાબર ઊભી દિશામોં સ ક નંઈ એ જોઈ લેવાનું. પસ હાથમોં તારામંડળ લઈ રૉકેટની દિવેટનં ચોંપી તરત પાછા દોડી આવવાનું. રેવાના બાબુનં તો તું નોં ઓળખ. ભારે અળવીતરો. એક નંબરનો ખચૂતર. વડનોં વાંદરોં નેંચ ઉતાર. ટેટાની લૂમ ગધેડાની પૂંછડીએ બોંધીનં ફોડઅ્. રૅલ્લાની પૂંછડી લગીર ઊંચી કરીનં પસ નખ ભોંકઅ્ એક (એટલે) રૅલ્લો ભડકીનં ઊભી પૂંછડીએ દોટ મૂકઅ્. કોક બાપડું સીધું સીધું રસ્તે જતું હોય તોય, ‘હૂ…શ્…હૂ…શ…' કરીનં ઈંની પાછળ ડાઘિયો દોડાવ… ‘તો, આવો ખચૂતર બાબુડો નં ઈંના બાપે ઈંનં રૉકેટ અપાયોં. તારઅ્ રૉકેટ નવોં નવોં નેંકળેલો. બાબુડાએ વિચાર્યું, રૉકેટ છેલ્લે ફોડીશું. પૅલાં લખમી છાપ. ઓંગણામોં રેતીની ઢગલી કરી ઈમોં લખમીછામ ટેટો ઊભો ખોસઅ્, પસઅ્ ઈંનં દીવાહળી ચોંપીનં તરત ઈંના પર ડબલું ઢોંકી દે. તે ધુડમ્ અવાજ હારે ડબલુંય ઊડ અધ્ધર નં જો પાતળા પતરાનું ડબલું હોય તો ફુરચાય થઈ જાય. બીજા દા’ડે હવારે મૅલ્લામોં બધોંનં ખબર પડ ક જાજરૂમોં પતરાનું ડબલું નથી!' છોકરાંઓ ખડખડાટ હસી પડે. વાતનો રંગ બરાબર જામે. ‘તો, ઓંમ ફટાકડા ફોડત ફોડત બાબુડો તો બરાબરનો ફાળે ચડ્યો. ઈંનં રોકવા-ટોકવા’વાળુંય કોઈ નંઈ. ઈંનો બાપ ઘરમોં બેહીનં, ચહમાં ચઢાઈનં, જૂના ચોપડામોં મૂંઢું નોંખીનં કશો હિસાબ કર નં બીજા કોઈનં તો એ ગોંઠ નંઈ. છોકરું ક કોઈ મોટું, ફાળે ચઢઅ્ એટલ ઈનામોં વિવેક નોં રૅ. પોતે જે કર સ ઈંનું પરિણોંમ હું આવશે ઈંનું ભોંન નોં રૅ. ‘અવળચંડો બાબુડો બરાબરનો ફાળે ચઢેલો ત્યોં ઈંના મગજનોં તુક્કો હૂઝ્યો. નં તરત બીજી ઘડીએ અમલમોં — ‘ધૂળની ખાસ્સી મોટી ઢગલી કરી નં પસ ઈંમોં રૉકેટ ઊભું ખોસવાન બદલઅ્ લગીર ત્રોંસું ખોંસ્યું. ઓટલા પર માટીના કોડિયામોં દીવો હળગતો'તો ઈંમોંથી એક કાગળિયું હળગાયું નં રૉકેટની દિવેટનં ચોંપ્યું. દિવેટમાંથી સર્ સર્ ઝટ્ ઝટ્ કરતા થોડા તણખા ઝર્યા નં ત્યોં તો ઝૂઉંઉંઉં...સટ્... કરતું રૉકેટ ત્રોંસું છૂટ્યું તે સીધું મણિબેનના ઘરમોં ઘૂસ્યું નં ઈંમના ડોમચિયા પર મૂકેલોં ગોદડોં પર અથડાયું… રૂ ભરેલોં ગોદડોં નં હળગતું રૉકેટ. પસઅ્ કોંય બાકી રૅ? તમોં કું સું, એક અગનિ નં બીજું પોંણી. ઈંની હારે રમત નોં થાય…’ દસ વર્ષનો મૌલિક અને સાત વર્ષની કૃતિ તથા એથીયે નાની મારા ભાઈની બેબીઓ એકચિત્તે મોટીબાની વાત સાંભળે. શ્રોતાઓ નાનાં ટાબરિયાં હોય કે મોટેરાં કે ઘરડાં, એ પ્રમાણે મોટીબાની વાતો ચાલે, ને સૌ રસતરબોળ થઈ જાય. મોટીબાને વાત માંડતાં સરસ આવડે. વાતની માંડણી, રસ, તાદૃશ રજૂઆત, સરસ કથનશૈલી અને ભાવવાહી અવાજ. એમનું કથન આમ તો ઉત્તર ગુજરાતની બોલીમાં ચાલે, પણ જો વાતમાં કોઈ શહેરી પાત્ર હોય તો મોટીબા એ પાત્રના ચાળા પાડીને, અવાજ જરી પાતળો કે જાડો કરી, ચીપી ચીપીને શુદ્ધ ગુજરાતી બોલે. મોટીબાની સૌથી નાની બહેન ભૂજમાં તે ત્યાંની કોઈ વાત હોય તો ત્યાંના લોકોના મુખે બોલાયેલા સંવાદ, ત્યાંની લોકબોલીમાં હૂબહૂ બોલી બતાવે– ‘છાશ ખપે?’ ‘બસ ઊંવાં ઊભશે.’ ‘અવાજ કર મા, નકર બુશટ હણીશ.’ ‘બપોરે થોડાં ભૂતડાં ખાધેલાં.’ (જે ભૂતનેય ખાય એ તો કેવો મોટો જીન હશે?) ‘ભૂતડાં?!’ કચ્છમોં મગફળીનં ભૂતડોં કૅ!’ મોટીબા ઘણાંબધાં સગાંઓની આબાદ મિમિક્રી કરે, કોઈને વાત કરતાં કરતાં, વારે વારે, માથે સાલ્લાનો છેડો સરખો કરવાની ટેવ હોય તો એની વાત કરતી વખતે મોટીબાય માથે વધારે ઓઢે ને વારે વારે છેડો ખેંચીને સરખો કરે. એમનું ઝીણું ઝીણું અવલોકન પણ દાદ માગે એવું — ‘કચ્છી લોકો બઉ જબરા. છૂટા પડતી વખતે કોઈ આપડી જેમ ‘આવજો’ નોં કૅ! છૂટા પડતી વખતે કહેશે – ‘ભલે.’ ફટાકડાની વાત કરતાં કરતાં હુંય બીજી વાતે ચડી ગયો. હં, તો ધનતેરશે પૂજા પત્યા પછી મોટીબાએ છોકરાંઓને કહ્યું, ‘અવ બા’ર ફટાકડા ફોડો.’ ફટાકડાનો આનંદ નીરખવા-લૂંટવા, પોતાની લીલી વાડીને લહેરાતી જોવા, ને છોકરાંઓનું ધ્યાન રાખવા આટલી ઉંમરેય મોટીબા બા’ર ગયાં ને ઓટલે બેઠાં. કોડિયું પેટાવીને ઓટલે મૂકેલું. એની જ્યોતને ટેટાની દિવેટ અડકાડીને પછી ટેટો દૂર ફેંકવાનો. કૃતિ બીકણ તે ટેટાની દિવેટ જ્યોતને અડી ન અડી ત્યાં તો ટેટો ફેંકી દે તે ઘણીયે વાર દિવેટ સળગી જ ન હોય! તે મૌલિક દો..ડતો જઈને આવો ટેટો વીણી લાવે ને ફરી ફોડે. એક ટેટોય નકામો જાય એ કેમ ચાલે? ઘણી વાર મોટીબા જ કહે, ‘પેલો ટેટો ફૂટ્યો નથી, જા લિયાય!’ ટેટાની દિવેટ કોડિયામાં પેટાવેલી જ્યોતને અડકાડવાના બદલે ઘણી વાર મૌલિક છેક વાટને અડકાડી રાખે તે ટેટામાંથી ઝર્ ઝર્ એકબે તણખા ઝરે કે તરત ટેટો દૂર ઉછાળે તે હવામાં જ ટેટો ફૂટે પણ કોડિયું બુઝાઈ જાય. મોગરો ખંખેરી, વાટ સંકોરીને મોટીબા ફરી કોડિયું પેટાવી આપે. છોકરાંઓની સાથે સાથે મોટીબાય એટલાં જ રાજી રાજી થાય. ત્યાં જ કૃતિએ એક ટેટો જ્યોતને અડકાડીને દૂર ફેંક્યો, એકબે ક્ષણ થઈ છતાં ટેટો ફૂટ્યો નહિ તે મૌલિક એ ટેટો પાછો લઈ આવવા દોડવા ગયો ત્યાં તો મોટીબા જોરથી બોલી ઊઠ્યાં, ‘જએ નૈ, મૌલિક, ઊભો રૅ… ઊભો રૅ... દિવેટ હજી હળગ સ.’ ને ત્યાં ધડાક દઈને એ ટેટો ફૂટ્યો. ‘ટેટાની દિવેટ જ્યોં હુદી હળગતી હોય ત્યાં હુદી ઈંની નજીક નોં જઈએ. રેતી અડવાથી દિવેટ હોલવઈ જાય એ પસઅ્ જવાય ટેટો પાછો લઈ આવવા.’

આ જોનારાં અમે બધાં તો છક્ થઈ ગયાં! ‘અવ બરાબર નથી દેખાતું’ – એવી બૂમો પાડનારાં મોટીબાને આ ઉંમરેય હજી આટલું સરસ દેખાય છે! ફટાકડો ફૂટવાનો અવાજ કાને તો જરીકેય સંભળાય નહીં તે છતાં એમને ખબર પડે કે કયો ફટાકડો ફૂટ્યો ને કયો નહીં ને કોનું સુરસુરિયું થઈ ગયું! કાને જરીકેય સંભળાય નહીં છતાં આટલી ઉંમરેય ફટાકડામાં આટલો રસ! આટલો ઉમંગ! ફટાકડા ફૂટતાં તેઓ જાણે આંખેથી સાંભળે! ધનતેરસની અંધારી રાત્રે, સ્ટ્રીટલાઇટના ૪૦ વૉલ્ટના બલ્બના અજવાળામાંય એમને દેખાતું હશે — કયા ટેટાની સળગતી દિવેટ રેતીમાં પડતાં હોલવાઈ ગઈ ને કયા ટેટાના ઝબકાર સાથે ફુરચા થયા!