યજ્ઞેશ દવેનાં કાવ્યો/ગંધમંજૂષા

ગંધમંજૂષા

ગંધ વિના મારો પરિચય અંધ
બધું બંધ બંધ અકબંધ
ત્યાં તો અકળ આ ગંધકળથી ખૂલે કેટકેટલાં તાળાં
બાઝ્યાં હતાં જ્યાં વરસોનાં જાળાં.

ગંધઝરૂખે આ પહેલવહેલું ઝૂક્યું કોણ?
તો લજવાઈને કહે એ તો હું – ધોવાના સાબુની ગંધ.

ધોવાના સાબુની ગંધ :

દૂર દૂર નક્ષત્ર થયાં તે દિવસો.
કાળા ડિલ પર સફેદ ફીણનો લેપ.
ક્ષીણ છીછરો ઉતાવળીનો જલપ્રવાહ.
તળિયે સરકતી વેકુર.
ભીનાં-ભીનાં કાળાં-ધોળાં મોતી જેવા પથ્થરો.
કૂવાના થાળે સીંચણિયાનું નમણા હાથથી સરકવું
સરકતી ખણકતી ચૂડીઓ એક પછી એક.
જળના ઠંડા અંધકારને તળિયે બે ગાગરની વાતો.
સૂની સીમ પહેરીને નહાતી સ્ત્રીઓ.
ઉપર બળબળતો તડકો.
ભેખડ પરથી ભફાંગ કૂદકો.
થોરની વાડમાં બોલતાં લેલાં
ક્યાં ગયાં એ બધાં
સાથે-સાથે નાગાનાગા ના’તા જે પેલાં?

પરસેવાની ગંધ :

પામું તેને તેની આશ્વસ્ત ગંધથી જ પૂર્ણ
સ્પર્શ પણ અધૂરો લક્ષ્મણરેખાની બહાર
ગંધ બની ઊખળે વિસ્તરે તે મારામાં
બહાર બધું બહાર
બહાર જરા વ્યાધિ-ઉપાધિનું જગત આખુંય બહાર
ગંધના ગર્ભમંડપમાં એક એ એક હું
ગંધ પરસેવાની અંગત આશ્વસ્ત કામુક
માનવ કાયાના શ્લોકનું ઉદ્ગાન
પામું તેની બાહુમૂલ મંજૂષામાં ઝળહળતું ગંધરત્ન.

ચૈત્રી લીમડાની મંજરીની ગંધ :

સાવ હોઉં સ્થિર સ્થવીર
ને વ્યાકુળ વિહ્વળ કરે મંજરીની કડવી મીઠી ગંધ
સરિયામ રસ્તાઓ પર માથું ધુણાવતા લીમડાઓ,
રોમષ શિરીષો.
ગ્રીષ્મની દીર્ઘરાત્રિઓએ મારી સાથે ટહેલવા નીકળતી મંજરીની ગંધ.
સ્વર્ગમાં બધું હશે
હશે, બધું હશે
પણ શિરીષ લીમડાની ગંધ શું હશે ત્યાં?

અવાવરુ હવડ ગંધ :

વાવ ખંડેરમાં
ગંધ અંધકારની, ભેજની, ચામાચીડિયાંની હગારની, કોહવાયેલી કથાઓની,
એ અવાવરું ગંધ શ્વસી લઉં પછી
બધું જ સ્થિર.
જગતની બધી જ ઘડિયાળોની ગતિ એક આંધળી દોડ
બીગબેંગ સુપરનોવા મૂર્ખ ઉચ્છ્વાસ
હવડ ગંધ નીચે દટાય બધાં સ્થવીરો, શ્રેષ્ઠીઓ, વીરો, વારાંગનાઓ,
કામ્યરૂપવનિતાઓ, નૃસિંહો, સિંહદ્વારો, વિજયકમાનો, કીર્તિસ્થંભો
રહે કેવળ અવાવરું હવડ ગંધ.

ગંધ મોગરાની :

ઉનાળાને ગાળ દેવાની ક્ષણે જ
હવા વહી લાવે મોગરાની ગંધ
જાણે મઘમઘતી ચાંદની,
કોઈનો મદિર ઉચ્છ્વાસ કે શિશુનાં પગલાં?
ન જાને!
પણ આ ગંધની આંગળી ઝાલીને જ પહોંચાય ક્યાંક
પરિચિત ચિરઅપરિચિત ગંધવતી ગંધમતી નગરીએ.
પૃથ્વીની જ આ ગંધપુત્રી કરે મને પૃથ્વીમુક્ત.

શિશુકાયાની ઘ્રાણ :

બહુ ગમે છે મને શિશુ કાયાની લાડકી ગંધ.
ધરતી અને કાયાનું અપૂર્વ મિલન.
શિશુકાયાની ઘ્રાણમાં પામું એક નોળવેલ આશ્વાસન.
બગાસું ખાતાં જ ગોળ મુખમાં દેખું બ્રહ્માંડ.

ડામરની ગોળીની ગંધ :

બહુ-બહુ વરસો પછી પેટી પટારામાંથી કાઢ્યાં વસ્ત્રો
જતનથી જાળવી રાખ્યું છે જેણે બધું અકબંધ.
મામાનાં લગ્ન, મેડી પર શણગાર સજતી સ્ત્રીઓની ચહલપહલ;
બેંડની ધૂનો,
મા માસી મામીઓ વચ્ચે અટવાતા મારા નાના પગો,
છંટાતા ગુલાબજળ વચ્ચે તરી આવતી મોગરાની વેણીની તીવ્ર ગંધ,
રેશમની સાડીઓનો સુંવાળો અવાજ મખમલનું મૌન.
ને સોટીનનું બોલકાપણું .

નવી ચોપડીની ગંધ :

પૂરા થયા વૅકેશનના દિવસો.
લીમડાની સહુથી ઊંચી ડાળ,
બપોરની અલસ ઊંઘ,
લેલૂંબ લટકતી લીંબોળીઓ;
જીતેલી કોડીના ભારથી ઝૂકી ગયેલું ખિસ્સું,
હારૂન-અલ-રશીદ વિક્રમ વેતાળની વાર્તાના દિવસો.
મોંમાં હજીય ગ્રીષ્મની કેરીનો સ્વાદ.
ક્લાસરૂમના બ્લૅક બૉર્ડની કાળાશ.
કણકણ બની વિખેરાય બધે જ.
એકમેકમાં ભળવાં લાગે બધાં અક્ષરોનાં અળસિયાં.
બારીના બે સળિયા વચ્ચેથી કૂદી
ચાલી જાઉં વરસાદી પવન સાથે,
વિસ્તીર્ણ મેદાનોમાં મેઘ વરસે છે મન મૂકીને.

લોબાનની ગંધ :

લોબાનના વેશમાં આવે દૂરનો દરવેશ
શું રાગ મારવા પૂરિયાએ ધર્યો આ વેશ?

પારિજાતની ગંધ :

વરસો પછી
આજે ફરી સૂંઘ્યું એક પારિજાતનું ફૂલ.
આંખો ભરાઈ આવી
બસ પડ્યો રહેવા દો મને અહીં
આ ખુરશીમાં રાતભર.

તાજાં ધોળેલાં મકાનની ગંધ :

યાદ આવે છે
રઝળપાટમાં કરેલા અનેક વસવાટો.
નવા ઘરના ચૂને ધોળ્યા રંગ વાર્નિશની ગંધભર્યા
મોટા-મોટા સફેદ ઓરડાઓ.
વાર-તહેવારે દિવાળીએ વરસે બે વરસે થાય છે નવા
પણ એ જ જૂના
જૂના જૂના ઓરડાઓ.
નવી નકોર રહી છે માત્ર આ ગંધ.