યજ્ઞેશ દવેનાં કાવ્યો/અવરોહે આરોહણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અવરોહે આરોહણ

મેં જ સ્વયં માગ્યું અંધ ગાંધારી પાસે
મારું જ મૃત્યુ
એકાકી સંગહીન એક વિજન વગડામાં.

મારા મૃત્યુનો મહાસમારોહ નથી
હાહાકાર નથી, કોલાહલ નથી
એ નથી અભિમન્યુ જેવું વીરોચિત
કે નથી એ નગરચોકમાં થયેલી હત્યા જેવું ચર્ચિત :
પણ એક અજાણ્યું ફૂલ હળવેકથી
વગડામાં ખીલીને ખરી જાય
તેમ ઝરી જઈશ હું આ ખોળામાંથી
આખી ય રાત ચન્દ્રને નીરખી હળવેકથી;
જેમ બિડાઈ જાય એક પોયણું
તેમ જ બિડાઈ જશે આ આંખો.
સમુદ્રનું જળ મેઘમાં વરસી
અનેક ધારાએ ધારાએ
નિર્ઝર-નદમાં વહી
ફરી ભળી જાય જેમ સમુદ્રમાં
તેમ ભળી જઈશ.
પક્વ-મૃત્યુમિષ્ટ થયા પછી
વળગી રહેવું આ દીંટાને
તે દ્રોહ છે વૃક્ષનો.
યુધિષ્ઠિર દ્યુતમાં હારી હારીને પણ
અજેય રહ્યા અંત સુધી
હું ક્યારેય ન રમ્યો દ્યુત
તો ય હારતો રહ્યો
હારતો રહ્યો છું એ ગોકુળની ગલીઓને
ગોરજટાણી ધૂળને
પ્રતીક્ષારત તરવરતી તગતગતી
બે માછલીઓને.
જમુનાના ઘુનામાં વમળાતા જળમાં
ખોવાઈ ગયેલ મારા દડાને,
તડકો ભરીને બેઠેલી સીમને,
મધ્યાહ્નના અલસ સુખકારી પ્રહરોને.
ચાલ્યું ગયું બધું
વમળાતું, વમળાતું, વમળાતું
દૂર... દૂર... દૂર.

એક વાર અહંકારલિપ્ત થઈ
ઘોષણા કરેલી કે
કાલોડસ્મિ;
પણ કોણ પાછું આપી શકે
આ એ કે તે
ગયું કાળના વમળમાં?

માનવી બની જાણવું છે મારે
ગર્ભકાળનું ઊંધે માથે લટકવાનું દુઃખ.
એક ધક્કા સાથે બહાર ફેંકાઈ જઈ જન્મવાનું,
અનંત અપરિચિતતામાં ફંગોળાઈ જવાનું.
જાણવી છે મારે શૈશવની અસહાયતા.
યૌવનની વિફળતા.
વાર્ધક્યને ઓવારે જાણવો છે મારે
મારા ગાત્રોનો વિરોધ
મારા વિરુદ્ધ ચાલતો મારી ઇન્દ્રિયોનો જ પ્રપંચ.

દેહ ધારણ કરી બનવા મથ્યો એક મર્ત્ય માનવી
ક્ષયીષ્ણુ, મરણશીલ, સ્ખલનવશ.
દેવોથી ભલે દશાંગુલ નીચો
પણ માનવી-નિજમાં સ્ફુટ
પણ
હું જાણું છું,
હું જાણું છું કે આ માણસો
મને માનવી નહીં બનવા દે
અને ખરેખર ખૂબખૂબ
દુઃસાધ્ય લાગ્યું છે માનવ બનવાનું.

ફરી આવીશ
ફરી આવીશ
આ તૃણવતી
આ જલવતી

આ માયાવિની પૃથ્વી પર
પણ ખભે ભાર નહીં હોય
આ અવતારનો,
આ અભિજ્ઞાનો.

પ્રત્યેક ક્ષણ હશે આવિષ્કાર.
પ્રત્યેક ક્ષણ હશે છલાંગ.
પ્રત્યેક દૃશ્ય હશે નૂતન.
એમ જ એક એક ક્ષણ ક્ષણ ભરી
બનતો જઈશ હું.
ઓળખવા મથીશ શ્રીમુખની એક એક રેખા
પછી સમયને માપીશ નહીં યુગોથી...
– પામીશ ઋતુઋતુની ગંધમાં,
ઉત્સવોના ઉન્માદમાં,
રાતને શોધીશ અંધકારના નરમ ગર્ભમાં.
ઐશ્વર્યખચિત પૃથ્વીને બારણે
ઊભો રહીશ એક અતિથિ બનીને
– ઇન્દ્રિયોના તાંદુલ લઈને.
શૂન્યપટ પર કોઈ ચાપ દોરે
તેમ વિસ્તારીશ નહીં જગતને મારી માયાથી.
આ માયાની જ માયા લાગશે મને
આયુના ઉત્તરાર્ધમાં મેં ગીતા ગાઈ
હવે થાય છે કે ગીત ગાઉં.
તડકામાં આળોટતા મેદાનનું,
જળનું કે કેવળ એમ જ.
અર્જુનને બતાવેલ વિશ્વરૂપના
દર્પણની કરચેકરચમાં હું જ ન પામ્યો ક્યારેય
મારું જ રૂપ.
રચ્યાં મેં પ્રપંચો વ્યૂહો–ચક્રવ્યૂહો, દુર્ગો;
મેં કર્યું કપટ,
કરી મેં છલનાઓ.
યશોદાને મુખગ્રાસમાં દેખાડ્યું બ્રહ્માંડ.
સજીવન કર્યો મેં ઉત્તરાનો ગર્ભ.
રોપ્યું મેં પારિજાતનું સ્વર્ગીય વૃક્ષ આ પૃથ્વી પર.
આપ્યું ઉગ્રસેનને મથુરા.
ને પાંડવોને ફરી આપ્યું હસ્તિનાપુર.
વસાવી મેં દ્વારકા.
ચડાવ્યો મારી ખ્યાતિનો ધ્વજ બધે જ.
અણુએ અણુમાં વિભુ બનીને વિસ્તર્યો
હવે પ્રહર પ્રહર એક પુત્કાર
ક્ષણ ક્ષણ એક ચિત્કાર
હજાર હજાર મુખે
પવન બોલ્યા કરે શિશુપાલ-વાણી
શું માત્ર આ એક સાંજમાં જ પામ્યો
બધી જ સાંજોનું ૨હસ્ય?
આયુના અવસાન-કાળે ભજવાય છે
આખુંય મહાભારત
પર્વ પછી પર્વ
પણ હવે તો મહાપર્વ
પાત્ર પછી પાત્ર
ગળતાં જાય છે મારાં ગાત્ર.
નર્મસખા અર્જુનનો હળવો હાથ
નથી મારા ખભા પર
ના... ના
હવે અર્જુન નહીં
હવે તો મૃત્યુ જ પરમસખા.
લઈ લો આખોય કલ્પ
તે તો અલ્પ;
આપો મને એક સાંજ સુદામા સાથે
ઓહ!
ઝાંખું ઝાંખું ઝાંખું એક ચિત્ર – આ જગત
એ ઝાંખપમાંથી ચળકી ઊઠે ચળક ચળક
એક જાજ્વવલ્યમાન ચિત્ર –

ઓટના દરિયામાં ખોવાયેલી વસ્તુ પાછી મળે તેમ
એ આ મળી ઝાંઝરની ઘૂઘરી.
એ આ મળ્યા પ્રભાતના જોગિયાના કરુણ સ્વર
આ મળી પગ પાસેથી જ ફૂટતી કેડી
કોનાં આ પગલાં નજીક ને નજીક
કોમળ પાંખડી જેવી કોની આ આંગળીઓ
ને ઝાકળ જેવા કોના આ નખ?
હવે
હવે સાવ પાસે
કોણ ઊતરે છે અંદર?
ધીમે ધીમે જળ ભરવા કોઈ વાવમાં ઊતરે તેમ?
પ્રભાસના દરિયાકિનારે આ કોનો આભાસ?
ફરી એક વાર કિલકિલાટ કરતાં પક્ષીઓ
પાછાં ફર્યાં છે સામેના આંબા પર
પાંખો સંકોરી સૂર્ય પણ ઊડતો ઊડતો બેઠો છે
પશ્ચિમસમુદ્રની ડાળે
પૂરો થયો છે કાર્યકલાપ
વર્ષાકાળ પછી કલાપી ખેરવી નાખે પિચ્છ
એક પછી એક
તેમ ખેરવી નાખ્યું છે બધું
પૂરો થયો છે ભાસ્વતીનો ઉત્સવ,
પ્રકાશનું શિશુ ફરી ઢબુરાય છે
અંધકારના ખોળામાં.
અંધકારના તળિયે શમે બધો કોલાહલ
ઓગળે બધી રેખા
ઠરે આખું જગત
અંધકારના ગર્ભમાં અંધકાર થઈ રહેવા દો મને.
હું નિષાદ
હવે કોઈ નથી વિષાદ
વિશ્વ કર મને
જીવનથી હું વિદ્વ
હવે કર મને બાણવિદ્ધ
જલદી કર તું. જોજે મૃત્યુના
રાજ્યાભિષેકનું મંગળ મુહૂર્ત ચાલ્યું ન જાય
નિશાન લેવાનીય ન ક૨ વાર.
હવે કોઈ નથી મર્મસ્થાન
શરીર આખુંય મર્મ.
પગની પાનીમાંથીય સર્પની જેમ
સરકી જશે જીવ
બસ તારું એક જ બાણ
મારા માટે રામબાણ.
આ સાયંસંધ્યાની રક્તિમ લાલિમા
જેમ ભળે છે અંધકારમાં,
ગોમતીનાં જળ જેમ શાંત રીતે
ભળી જાય છે સમુદ્રમાં,
તેમ જ ભળી જઈશ લવણનું એક કણ બનીને
આ મહાસિંધુમાં.
પછી
રંગમંચ પરથી
નટ જશે નટી જશે.
નેપથ્યમાં ગયા પછી યૌવન પણ જશે.
તેમના ચહેરાનું
વાતો કરતું કરતું વિખેરાઈ જશે વૃંદ.
તાલ મૃદંગ લઈ ગવૈયા પણ જશે.
વિદૂષક જશે.
જશે સૂત્રધાર.
નાટ્યશાળા હશે ખાલી.
રંગશાળા હશે સૂની,
પણ જવનિકા નહીં પડે

નાટ્ય ચાલુ રહેશે
રાહ જોજો
મારે હજી માનવ બનવાનું છે.