યાત્રા/અમોને તું દેખે

Revision as of 09:50, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અમોને તું દેખે|}} <poem> (સૉનેટયુગ્મ) [૧] અમોને તું દેખે સ્મિત મુકુલિતા દૃષ્ટિકિરણે – પ્રભુના ધામેથી સરભસ સરેલી શિવશિરે વહે ગંગા જેવી મધુર વહને ભૂપટ પરે– ઝરે તેવી તારી બૃહદ દ્યુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
અમોને તું દેખે

(સૉનેટયુગ્મ)

[૧]

અમોને તું દેખે સ્મિત મુકુલિતા દૃષ્ટિકિરણે –
પ્રભુના ધામેથી સરભસ સરેલી શિવશિરે
વહે ગંગા જેવી મધુર વહને ભૂપટ પરે–
ઝરે તેવી તારી બૃહદ દ્યુતિ ધીર નિવહને.

હશે કેવા તારા હૃદય જલભંડાર ગરવા?
કશો તેજો, શાં શાં બલ, પરમ શા ગૂઢ અનલ?
મહા ઊંડાં ઘેરાં જલ પર કુરે વીચિ મૃદુલ,
સ્ફુરે તેવી તારી વૃતિ અહીં દગે મંજુલરવા.

ક્યહીં તે કાલી થૈ પ્રલયજગસંહાર નટતી,
કયહીં રુદ્રે વજ્રા શિખર ગિરિનાં વીંધી વળતી,
અમારે શીર્ષે તું કુસુમિત લતા જેવી લળતી,
અમોને તો ‘માતા’ થઈ નિજ ઉરે ધારી ઘડતી.

ભલે ને તું ધારે કુસુમ મહીં વા અગ્નિશયને,
બધે તારાં, માડી, અમૃત વરસે સૌમ્ય નયને.
૨૪ મે, ૧૯૪૩


[૨]

કહે માતા, તારાં નયન નિરખે શું અમ મુખે,
અમારી આંખે જ્યાં શત તિમિર ઘેરાં નિત રમે,

જ્યહીં કૈં કાર્પણ્ય, અસિત દુરિતો કે સમસમે,
ત્યહીં શું જેવાને તવ મુખ ઝુકે નિત્ય ઝરૂખે?

નથી સૌદર્યોનાં સમિધ, તનાં ના ધૃત છતાં,
કયાં હવ્યો અર્થે તવ અનલની અર્ચિષ સ્ફુરે,
અમારા પ્રત્યંગે, અમ અણુઅણુએ ફરી વળે,
સરે ગૂઢાગારે અમ જ્યહીં કદી ના દૃગ જતાં.

લહે છે શું તું ત્યાં તિમિર-દ્યુતિનાં દંગલ થતાં?
ગજોનાં ગ્રાહોનાં લથબથડ જ્યાં દ્વંદ્વ મચતાં!
ત્યહીં તારાં વજ્ર નયનશર સંબોધિ રચતાં,
વિદારીને દુર્ગો, જલ અમ કરે મુક્ત ઝમતાં.

સ્ફુરે છે કે તારા પ્રતિ અમ ઉરે અંકુર કુણા,
ત્યહીં છત્રછાયા રચતી તવ શું નેત્રકરુણા?

૨૪ મે, ૧૯૪૩