યાત્રા/અહો ગાંધી!

From Ekatra Wiki
Revision as of 06:27, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અહો ગાંધી!|}} <poem> અહો ગાંધી! સાધી સફર સહસા આમ અકળી, રચી આંધી, શાંતિપ્રિય જન, ન છાજે જ તમને! ગયા-ના રોકાયા વચન ‘જઉં છું’ એ ય વદવા, ઘડી તો પૃથ્વીનું પણ સ્થગિત હૈયું કરી ગયા! તમારે ના વૈ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અહો ગાંધી!

અહો ગાંધી! સાધી સફર સહસા આમ અકળી,
રચી આંધી, શાંતિપ્રિય જન, ન છાજે જ તમને!
ગયા-ના રોકાયા વચન ‘જઉં છું’ એ ય વદવા,
ઘડી તો પૃથ્વીનું પણ સ્થગિત હૈયું કરી ગયા!

તમારે ના વૈરી, પણ જગતનાં વૈર સહ હા
તમે બાંધી શત્રુવટ, પ્રણયની વેદી રચવા
ચહ્યું, વિ અદ્રિ સમ વિરચવા શાંતિસદન :
મચ્યા એ સંગ્રામે કવચ ધરીને માત્ર પ્રભુનું.

ઢળ્યા એ સંગ્રામે! પ્રભુ થકી જ આ ત્રાણ ઉતર્યું?
તમોને વીંધી ગૈ સનન, કરુણા એ શું પ્રભુની?
મનુષ્યે ઝંખેલાં પ્રણય-સતનો સિદ્ધિ-પથ આ
અસત્-હસ્તે થાવું સતત હત, એ અંતિમ પથ?

હજી રોતી પૃથ્વી : પ્રગટ ધરતીનાં રુદન શા
હતા ગાંધી. એને ગત કરી, પ્રભો! તેં રુદનને
વધાર્યાં. ક્યારે યે રુદન સ્મિતમાં ના પલટશે?
કહે, પૃથ્વી અથે પ્રગટ તવ આનંદ ન થશે?

પૂર્ણથી પૂર્ણ એ તારા સત્ય-આનંદનો ઘટ
અક્ષુણ્ણ, ધરતી-તીરે પ્રગટાવ, મહા નટ!

૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૮