યાત્રા/ઉજ્જડ બગીચામાં

ઉજ્જડ બગીચામાં

તને હજીય બાગ હું કહીશ, આજ જો કે અહીં
સપાટ સઘળું, બચ્યું નથી નિશાન એકેય તે
લતા કુસુમકુંજનું, નિત વસન્તના બ્હારનું.

ચમેલી અહીં ઝૂલતી, હસત ત્યાં હતો મોગરો,
તહીં ઝુકત પારિજાત, અહીં રાતરાણ વળી,
અને મઘમઘંત કૂપ તણી પાસ શો કેવડો
વડો સરવમાં ઉદાર દિલ કેરી ખુશ્બૂ વતી.

સ્મરું સ્મરું હું કેટલું? ઉજડ ઠામ આ ભૂતની
સમૃદ્ધિ નવપલ્લવોની ભરચક ભરી દે દિલે :
યદા લઘુ કિશોર હું ઉર ભરી કંઈ કૌતુકો
ફરંત તવ વીથિમાં સુહ્રદ સંગ સંધ્યા કંઈ.

અને મસળતા અમે હરિત પત્તીઓ મેંદીની,
હથેળી રસ-ભીનીને ધરત નાક અન્યોન્યને,
ઉઠંત પુલકી કશા મધુર તિક્ત એ ઘ્રાણથી.

અહો પુલક એ! અહીં રણ સમાન લુખ્ખા સ્થળે,
ક્રમે રણ સમા થતા હૃદયમાં મહોરી ઉઠે
વસંત મુજ પ્હેલી એ ઉર કિશોર ઉદ્યાનની.
તને હજીય બાગ હું કહીશ, સ્થાન વેરાન ઓ!


૧૯૩૮