યાત્રા/કવિ ન્હાનાલાલને

કવિ ન્હાનાલાલને

સ્વસ્તિ તને ગુર્જર-કુંજમોરલા,
લોકાન્તરોના તવ પંથ ઉત્તરે
તુષ્ટિ અમારી તવ સંગિની હજો.

કૂજ્યું કવ્યું તેં રસવંત હે કવિ!
લડાવી તેં ગુર્જરી લાડકોડથી,
અચ્છોદનાં ઉજ્જવલ શબ્દપદ્મથી
વાગીશ્વરી તેં અરચી શું હંસ થૈ.

કહે કવિ, કાવ્યરસજ્ઞ કોણ જે
રીઝ્યું ન તારા બહુરંગ કાવ્યથી?
કો મિષ્ટ સંમોહનથી હરેકનું
આમંત્ર્યું તેં અંતર તારી કુંજમાં.

ગંભીર રત્નાકર કેરી છોળ શા
તેં ભૂમિનો આ તટ મૌક્તિકે સજ્યો,
અનંતના એ રસસાગરેથી
તું આચમાવી અહીં અંજલિ ગયો.

સ્વસ્તિ તને, ઉન્નતકંઠ હે કવિ!
પ્રસન્ન એ શારદ તારી પૂર્ણિમા
અ-ક્ષીણ ર્‌હેજો અહિંયાં પ્રકાશી;
ને પામી તારાં સહુ ઇષ્ટ ધામ,
દેવો તણું અમ્રત રહો તું પ્રાશી.


ફેબ્રુઆરી, ૧૯૪૬