યાત્રા/ચલી આવે

Revision as of 01:52, 14 May 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ રીડિંગ સંપન્ન)
ચલી આવે

ચલી આવે, ચલી આવે,
         સપનાંની સુરખી સમી.
         ફુલડાંની સુરભિ સમી.

આવે આવે એની કુંકુમપગલી,
શ્વાસે શ્વાસે એને ફોરમઢગલી,
ગુંજી કુંજી ઊઠે કુંજગલી મોરી,

         રાધાના તલસન સમી.
         ચલી આવે, ચલી આવે.

વાટે વાટે એની પરબો હું ભાળું,
ઘાટે ઘાટે એની નૌકા નિહાળું,
શિખરે શિખરે એની ધજાઓ લહરતી,

          આશાના ઈજન સમી.
          ચલી આવે. ચલી આવે.

અંગે અંગે એની શાતા સમાધિ દે,
નાડી નાડી એના ધબકારા ધરબી દે,
રોમે રોમે એની રટણા વિચરતી,

          રંભાના નરતન સમી.
          ચલી આવે, ચલી આવે.

માર્ચ, ૧૯૪૩