યાત્રા/તને જોવી

From Ekatra Wiki
Revision as of 09:47, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
તને જોવી

તને જોવી જોવી : નયન ભરતી ભવ્ય ઘન શી,
દિશાઓને નીલે ફલક, પરમા કો સ્ફુરણ શી,
અદીઠા અબ્ધિનાં જલ નિવહતી, શી અમ પરે
ઝુકે શીળી છાયા, જલ જલ કશાં નિર્મલ ઝરે!

તને જોવી જોવીઃ અચલ ચલ આંખેની પલકે,
ઉઠંતા અદ્રિ શા હદયજલની મત્ત છલકે,
ધસી જાવું તારા પ્રતિ, શિશુ- ઝરાના કલરવે,
મહા અંભોધિ શા બૃહદ તવ ઔદાર્ય વિભવે.

તને જોવી જોવીઃ સ્ફુટિત કરવી કોમલ કુંળી
અમારી ઈપ્સાની જવલિત કરવી તેજસ-કળી,
સ્ખલંતા પાયામાં નવલ બલ આધાન કરવું,
ડઘાયા હૈયાને અમૃત જલ કો પાવું નરવું.

તને જોવીઃ જાણે શિશુલ ચરણે છોડી કમવું,
ચડી જ્યોતિષ્ - પાંખે પરમતમને વ્યોમ ભમવું.

એપ્રિલ, ૧૯૪૩