યાત્રા/તું આવજે

તું આવજે

તું આવજેઃ
અધરાત હો, મધરાત હો.

હો કંટકો કે પુષ્પ કેરી બિછાત હો,
આંખે અમારી રુદન હો કે હાસ્ય હો,
પરવા કર્યા વિણ આ અમારી મહેફિલે
મિસ્કીનની તું આવજે,
તારી મુહબ્બતની સુરાઈ છલકતી લઈ આવજે.

આ અમારાં ચશ્મમાં છે આબ તો અંધારનાં,
આ અમારા હૃદયમાં છે વન વસ્યાં કંથારનાં :
ત્યાં પુષ્પ તારાં રોપતી,
અંધારને આટોપતી,
કિરણાવલીની કનકસેના સજ્જ કરતી આવજે,
તું આવજે.

તુજ મીટમીટે દોરતી,
આ બુઝાતી જિન્દગી સંકોરતી,
આ ક્રન્દને નન્દન બની તું આવજે.
તું આવજેઃ

મધરાત હો કે ભોર હો,
હો આભ ખુલ્લો કે પછી ઘનઘોર હો,
તું આવજે,

વિદ્યુત્ સમી ઉદ્યોતની કિરપાણ લઈ તું આવજે,
પાછા જવાની વાત મૂકી
આ અમારા નેસની ચિરવાસિની થઈ આવજે,

તું આવજે,
...આવજે!

સપ્ટેમ્બર, ૧૯૪૫