યાત્રા/દીઠી તને

From Ekatra Wiki
Jump to navigation Jump to search
દીઠી તને

મેં દૂરથી,
નજદીકથી,
દીઠી તને.

કો દૂરથી રળિયામણું,
કો સેાડમાં સોહામણું,
પણ દૂરમાં કે અન્તિકે
તું મોહના,
એવી જ ને એવી સદા,
સર્વત્ર સુન્દર, નિત્યમોહન, સોહના !

હું શોચતો’તોઃ
શી વિધે આ આમ ટુકડો
સ્વર્ગના રસનો અહીં
ભૂતલે આવી ચડ્યો?

મેં નેત્ર મીંચ્યાંઃ
પૂંઠળે પાંપણ તણા પરદા તણી
ચક્ર એક રહ્યું ઘુમી
તેજના દંતે, કિનારો ઇન્દ્રધનુ શી ચમકતી.

ને તેહના નાભિ વિષે,
એક પદ્મે આસનસ્થા
મૂર્તિ કો મીઠી હતીઃ

હસતી સિતારાઓ તણી કૂંળી લઈ કિરણાવલિ,
રક્ત અળતા શી હથેળી આશિમુદ્રાથી ધરી,
જોતી હતી :

જાણે યુગોથી જાણતી મુજને હતી,
જાણે પ્રતીક્ષા માહરી વિશ્રમ્ભથી કરતી હતી.

મેં પ્રાર્થ્યું કે :
આ દીન પૃથ્વી કાજ કો તું રૂપ દે,
જે સર્વદા સર્વત્રથી
સર્વ રૂપે સર્વને લાધ્યા કરે,
એકી રસે, એકી ટસે વરસ્યા કરે,
જેના ઝરણથી અંજલિ પામ્યા વિના
કોઈ ના પાછું ફરે!

એના દ્યુતિમય દીપ્ત અધરો
અધિક દીપ્યા સ્મિત તણા શુ ઉત્તરે.
ને તેજના એ ચક્રમાંથી
એક લેઈ દંત જાણે રૂપ કેરી કટાર શો,
મારા ભણી ઝીંકી હસી એવું જ એ મીઠું રહી!

ને આંખ મુજ મીંચાઈ ગઈ,
એ કટાર તણી અણી
ક્યાં વાગી તે જાણ્યું નહીં.

ને આંખ જાગી,
તો ધરા ઉપર તને દીઠી તહીં–
એ મોહના, એ સોહના,
પૃથ્વી પરે મુજ પ્રાર્થનાની પૂર્તિ શી!

હું જોઉં છું જ વળી વળી,
તું દૂરથી નજદીકથી,
ખુલ્લે નયન, મીંચ્ચે નયન,
પ્રત્યક્ષ રહેતી રૂપસી,
સર્વદા સર્વત્ર, તું શી
કોઈ ના બીજી અહીં.

એ ગુપ્ત વાર્તા
કેમ મેં આજે અરે દીધી કહી?

જુલાઈ, ૧૯૪૫