યાત્રા/તુજ વિજય

તુજ વિજય

આજે જાણ્યુંઃ ચરણ તવ તો આમ જોતો રહું છું
નિત્યે રૂડા અરુણ અળતાથી, ઉદાસીન ભાવે–
એ તો સર્વે નિત નિત નવા ચેનચાળા જ તારા!

સાચ્ચે કિન્તુ ચરણ ખરડી કાદવે આજ આવી,
ઊભી દ્વારે, મુજ નયન માની શક્યાં તો ક્ષણે ના;
તો યે જોયું, અરુણવરણા પંકસંપર્કવંતા
રાજંતા એ તવ ચરણ હા પંકજો છે જ સાચ્ચે!

હું જીતાયો, તુજ વિજય ઉદ્‌બોધવા ને વધાવા
ઊંચું ભાળું, વદન પર કો પદ્મજા યે પ્રસન્ના
જોવા વાંછું, પણ વિલસતી ચણ્ડિકા ઉગ્ર રૂપા
ભાળી કંપ્યો, ચિતવું અધુના માગશે શા બલિ આ?

નીચે નેત્રે ગુપચુપ ખડો સજ્જ વિદ્યુત્કડાકા
ઝીલી લેવા, ત્યહીં મૃદુલ કા મર્મરી મુગ્ધ બાની,
ને મેં ન્યાળી વદન વિકસી પૂર્ણજ્યોત્સ્નાળી રાકા.

જુલાઈ, ૧૯૩૮