યાત્રા/પૂનમરાણીને

પૂનમરાણીને

ઊગ ઊગ અમારે આકાશ, પૂનમરાણી,
          આજનાં અંધારાં અતિ દોહ્યલાં રે,
આવાં આવાં આભલાં અઘોર, પૂનમરાણી,
          નયણે નહીં કો દી જોયલાં રે.

ઊંડાં ઊંડાં આભનાં ગભાણ, પૂનમરાણી,
          તેજના ગોળા ત્યાં કોટિ ઘૂમતા રે,
તેની તો યે ટીલડી શી ભાત, પૂનમરાણી,
          અંધારાં અમને રહે ડૂમતાં રે.

અમારા સૂરજ આભે એકલા, પૂનમરાણી,
          એ તો બાળે ઝાળે ને વળી ડામતા રે,
ઊઠે ઊઠે આંધીનાં ઘમસાણ, પૂનમરાણી,
          મેઘના ડંબર તો યે જામતા રે.

અમને દાઝેલાંને ઠારતી, પૂનમરાણી,
          એકલી તારી તે શીતળ આંખડી રે,
બળેલાં જળેલાં જિવાડતી, પૂનમરાણી,
          વરસે અમરતભરી પાંખડી રે.

મુખડે ઘૂંઘટ કદી ઢાળતાં, પૂનમરાણી,
          આંખને ઓઝલ લેતાં પાંપણે રે.
મનડું માંડે તો યે રટણા, પૂનમરાણી,
          નિત રે ઝૂલો ઉરને પારણે રે.


સપ્ટેમ્બર, ૧૯૪૩