યાત્રા/મંગલ સમ

મંગલ સમ

જ્યારે જ્યારે નિરખું તુજને વસ્ત્ર લીલાં સજેલી,
ત્યારે થાતું સ્મરણ હરિયાળી ધરાનું ખિલેલી,
પત્રે પત્રે કુસુમ કુસુમે મહેકતી જ્યાં વનશ્રી,
અંગે અંગે તવ વિલસતી રમ્ય સૌન્દર્યની શ્રી.

થાતું : તારો શિશુ થઈ ચડું ગોદ, પાલવ લપાઉં,
હૈયે તારે શિર ધરી દઈ હૂંફનો સિંધુ પાઉં;
થાતું કિંવાઃ રવિ સમ થઈ દીર્ઘ રશ્મિસમૂહે
અંગે અંગે તવ મુજ સુધા પૂષણા સીંચું સ્નેહે;
કિંવા થાતું : અગુણ અમિત વ્યોમ જેવો થઈને
ધારું ક્રોડે મુજ શિશુ સમી લાલિતા લાડિલીને.

ના ના, કિન્તુ નહિ તવ શિશુ હું નહીં સૂર્ય વ્યોમ,
હું યે તારા સમ વિચરતો કો ગ્રહ વ્યોમ-ભોમ;
આ પૃથ્વીને પથ વિચરતાં તું પડી દૃષ્ટિપંથ,
તો હાવાં મંગલ સમ થઈ ચાહું શ્રેયો અનંત.

માર્ચ, ૧૯૪૩