યાત્રા/તારો સખી, સ્નેહ –

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તારો સખી, સ્નેહ –

તારો સખી, સ્નેહ સ્ફુરે વસંતે
વસંતના સૌરભ શો સુખાર્દ્ર!

ચમેલી આ કોમળ મીઠડીમાં,
ને મોગરાનાં મૃદુ શ્વેત અંગમાં,
કે કેતકીની ઘનમત્ત લ્હેરમાં,
આ કુંજની પાંદડી પાંદડીએ
સુરૂપ તારાં સ્ફુરતાં શતાવધિ.

આ નીમની કૂંપળની મહેકમાં,
કે આમ્રની મંજુલ મંજરીમાં,
કે કંઠમાં કોકિલને ચડીને
વસંતે જો ઠેક ભરે વને વને.

તુંયે, શુભે! અંતર આમ્રરાજિમાં
છૂપી વસી કૈં શિશિરોની રાત્રિઓ.
પ્રસન્ન કો એક પ્રભાત તારો
ટહુકો સ્ફુર્યો, સ્વસ્થ વિરાગી હૈયું
છળી ઊઠ્યું બે ક્ષણ, કિંતુ તારી
અખંડ ધારા સ્વરની રહી સ્રવી,
ને કુંજને બાકી ન કામના રહી.

અનન્ય હે માનવપુષ્પ! ક્‌હે કે
વસંતમાં તું વિકસ્યું, વસંત વા
તારા થકી આ વિકસ્યો? કહે, કહે!

એપ્રિલ, ૧૯૩૯