યાત્રા/રાધવનું હૃદય

Revision as of 16:28, 8 May 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ રીડિંગ સંપન્ન)
રાઘવનું હૃદય

મને આપો આપો હૃદય પ્રભુ તે રાઘવ તણું,
તજી જેણે સીતા વિપળ મહીં ધર્માર્થ સ્ફુરતાં.

અહા જેને કાજે શિવધનુષ ભંજી, પરશુના
પ્રહર્તાનો વ્હોર્યો પ્રલય સમ ક્રોધાગ્નિ વિષમ,
વળી જેને કાજે વનવન મહીં મંગળ રચ્યાં,
અને જેને કાજે કપટમૃગની કીધી મૃગયા;
હરાતાં જે, આંખો ભરી ભરી કશાં આંસુ બહવ્યાં,
અને નાથ્યો અબ્ધિ, દશશિર શું સંગ્રામ રચિયો,
અને જેને પાછી નિજ હૃદય સોડે ગ્રહી સુખે
વિમાને આરોહી, પુનિત અભિષેકે નિજ કરી
સુભાગી સામ્રાજ્ઞી, વિપુલ વિભવોની સહચરી.
અને જેના જેના મૃદુ મૃદુલ હા દોહદ કશા
પુછ્યા પ્રીછ્યા મીઠા અમૃત વચને, ને અવનવા
જગાવ્યા ઉત્સાહો સહચરણ ઉલ્લાસ રસના.

ક્ષણુમાં તેને રે નિજ અનુજની સંગ વનમાં
વિદા કીધી, રે રે મુખ નિરખવા એ નવ ચહ્યું,
હતી જે પોતાનું અવર ઉર, જે અમૃત સમી
હતી અંગે અંગે, નયનદ્વયની કૌમુદી હતી –
અરે તેને જોવા ચિરવિરહ-આરંભસમયે
– જરા જોઈ લેવા મન નવ કર્યું, માત્ર ઉરને
કર્યું એવું, જેવો કઠિન પણ ગ્રાવા નવ બને.

અને જે જેતાએ દશશિરની સામે કપિદલો
લિધાં સંગે, તેણે અવ ન નિજ સંગે જન ગ્રહ્યું,
અને એકાકીએ પ્રિયવિરહનો અગ્નિ જિરવ્યો,
પચાવ્યો ને ભાર્યો હૃદયપુટ જે માંહિ, અહ તે
કશું કૂણું ને હા, કશું કઠિન તે વજ્જર સમું!

મને કોઈ આપો હૃદય પ્રભુ તે રાઘવ તણું,
તજી જેણે સીતા વિપળ મહીં દિવ્યાર્થ સ્ફુરતાં.
ઓગસ્ટ, ૧૯૪૦