યુગવંદના/આગેવાન આંધળા જેના

આગેવાન આંધળા જેના

શે’ર દિલ્લીમાં એક દી ઊઠી કારમી હાલકલોલ;
દસ દિશાએ ધૂળના ડમ્મર, વાગતા આવે ઢોલ;
આગેવાન ત્રણસો આવે,
ટેલીગ્રાફ તાર ધ્રુજાવે.
આગેવાન આંધળા જેના,
કટક એનું જાય કૂવામાં.
ત્રણસોએ જ્યારે તાળિયું પાડીને જીભનો દીધો દમ,
‘વોય મા!’ કહીને આંખ મીંચી ગૈ હાકેમ કેરી મઢમ,
ચર્ચિલને તાવ આવી ગ્યો,
માંદો રૂઝવેલ્ટ પડી ગ્યો. – આગેવાન
ત્રણસો નેતા ટાંપીને બેટા, મોકલી દૈ ઠરાવ,
છાપેલ એક પતાકડું આવ્યું: ‘ઘર ભેળા થૈ જાવ!’
આગેવાને આમળી મૂછ્યું:
“અમે તો ધારી મૂક્યું’તું.” – આગેવાન
બાદ આગેવાને ભાખિયાં ભાવિ, બાપુ તો જીવશે નઈં!
જીવશે તો ચમત્કાર ગણાશે, શાંત રે’જો સૌ ભઈ!
ખબરદાર રોયા ય છો તો!
નવો કાંઈક કાઢશું રસ્તો. – આગેવાન
ત્યાગનો મારગ મૂરખાઓનો: શું કરે તેજબ્હાદુર!
‘સર’નો છે નૈ મોહ કૈં બાકી, તોય કરે નવ દૂર.
કાં કે એને બીક લાગે છે
લોકો તકસાધક કે’શે! – આગેવાન
મારું બેટું, આ તો જીવી ગ્યા બાપુ!
તેજ થ્યાં એનાં બજાર;
હિન્દની પોલિટિક્સનો હવે કેમ કરશું ઉદ્ધાર!
એ-ના એ જ લોહીઉકાળા,
અનશન પ્રાર્થનાવાળા!
આગેવાન ત્રણસો ઊઠ્યા,
પોતાને ઘેર પાછા ગ્યા.
આગેવાન આંધળા જેના
કટક એનું જાય કૂવામાં.
૧૯૪૩