યોગેશ જોષીની કવિતા/ટોરન્ટોમાં વિન્ટર

ટોરન્ટોમાં વિન્ટર

થીજી
જઈને
બરફ થઈ ગયેલી
હંબર નદી;
ઢાળ-ઢોળાવ-મેદાનો;
બાગ-બગીચા-આંગણ-બૅકયાર્ડ...
બધે બધે બધે જ
બરફના ઢગલેઢગલા...

બરફનાં
થીજેલાં મોજાંઓ વચ્ચે
તરે
બધાં ઘર....!

ઘર ઘરને
તાવ ચડ્યો કે શું?!
ઘર ઘરના
માથે
બરફનાં પોતાં!

મીઠું નાખીને
બરફ ખસેડેલા
નગર નગરના રસ્તા બધા
જાણે
લાંબા લાં...બા....
સળવળતા નાગ!
શિયાળો
કરે છે શું
બરફ-મંથન?!