યોગેશ જોષીની કવિતા/સપ્તપદી સૂર

સપ્તપદી સૂર

અમારી લાડકડી–
જેના જન્મવેળાના રુદનના સૂરમાં
સંભળાયા હતા
શરણાઈના સૂર!

હજી ગઈ કાલે તો એ જાણે
અમારી આંગળી પકડીને
ઠૂમક ઠૂમક ચાલતી
પાડતી હતી.
નાજુકનમણી
પા પા પગલીઓ...

હવે એ માંડશે
પ્રભુતામાં કુમકુમ પગલાં
રૂમઝૂમ રૂમઝૂમ!
હજી ગઈ કાલે તો એ જાણે
ગોરમાનું ગીત ગાતાં ગાતાં
ફરતી હતી.
સખીઓ સાથે ફુદરડી.
હવે એ ફરશે
અગ્નિની સાક્ષીએ ફેરા!

હજી ગઈ કાલે તો એ જાણે
રમતી હતી
પગથિયાં, કોડીઓ ને કૂકા.

હવે એ ઓળંગશે
ઉંબર, ડુંગર-દરિયા!
હજી ગઈ કાલે તો એ
એની નાની નાની તર્જની ચીંધીને
બતાવતી હતી.
બારીમાંથી મેઘધનુષ.

હવે
એની આંખોમાંથી
હૈયામાંથી
ફૂટશે મેઘધનુષ!

એનાં લગ્નની શરણાઈના સૂરમાં
તમારી શુભેચ્છાના સૂર મેળવવા
હૃદયપૂર્વકનું નિમંત્રણ...

–અને હૈયે જાગ્યા
કન્યાવિદાયવેળાના રુદનના
સપ્તરંગી, સપ્તપદી સૂર...!!