રચનાવલી/૧૦૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૦૩. અભંગગાથા (તુકારામ) |}} {{Poem2Open}} મરાઠી પ્રજામાં તુકારામ અને શિવાજી ઘરગથ્થુ નામો છે. કોઈપણ મરાઠીને પૂછશો તો કહેશે કે જો શિવાજીએ અમને રાજકીય શિસ્ત શીખવાડી છે, તો તુકારામે અમને...")
 
No edit summary
Line 15: Line 15:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૧૦૨
|next =  
|next = ૧૦૪
}}
}}

Revision as of 11:24, 8 May 2023


૧૦૩. અભંગગાથા (તુકારામ)


મરાઠી પ્રજામાં તુકારામ અને શિવાજી ઘરગથ્થુ નામો છે. કોઈપણ મરાઠીને પૂછશો તો કહેશે કે જો શિવાજીએ અમને રાજકીય શિસ્ત શીખવાડી છે, તો તુકારામે અમને ધાર્મિક શિસ્ત શીખવાડી છે. મુકુન્દરાજ, જ્ઞાનદેવ, નામદેવ, એકનાથની જેમ તુકારામ પણ મરાઠી સાહિત્યના મહાન સંત કવિ છે. એમણે મરાઠી લોકગીતમાંથી ઊતરી આવેલું અભંગનું કાવ્યસ્વરૂપ એવું તો પ્રચલિત કર્યું કે મરાઠીમાં ‘અભંગવાણી પ્રસિદ્ધ તમાચી' એવી કહેણી થઈ ગઈ છે. તુકારામની આ અભંગવાણીની ઘણી પંક્તિઓ મરાઠી ભાષામાં કહેવતરૂપ બની ગઈ છે. મરાઠી પ્રજા તુકારામની અભંગની પંક્તિઓ હાલતા ને ચાલતા ટાંડે છે એમ કહેવાય કે તુકારામ હર મરાઠીની જીભ પર રમે છે. તુકારામે જ કહ્યું છે કે હીરો નથી મળતો ત્યાં સુધી કાચની શોભા; અને સૂર્યોદય નથી થતો ત્યાં સુધી દીપકની શોભા. બસ એ જ રીતે તુકારામનો ભેટો નથી થતો ત્યાં સુધી જ અન્ય સંતોની વાત ચાલે છે. તુકારામના સમય અંગે ચોક્કસ માહિતી મળતી નથી. પણ એવું મનાય છે કે તુકારામે એમની પાછલી વયે અભંગ લખ્યા છે, અને જો એમ હોય તો ૧૬૩૨થી ૧૯૫૦ સુધીમાં આ અભંગ રચાયા હોવા જોઈએ. તુકારામની ‘અભંગગાથા'માં ૪૫૦૦ જેટલા અભંગ મળે છે. ‘અભંગગાથા વિશે એવી દંત-કથા પ્રસિદ્ધ છે કે દેહૂ નજીકની ઈન્દ્રયાની નદીમાં બ્રાહ્મણસમાજ દ્વારા શુદ્ર તુકારામની ‘અભંગ ગાથા'ને ડૂબાડી દેવામાં આવી હતી. તેમ છતાં પંદર દિવસ પછી નદીએ ‘અભંગ ગાથા'ને જેવી હતી તેવી અકબંધ પાછી ધરી હતી. આ દંતકથા એટલું તો બતાવે છે કે ચમત્કાર થયો હોય કે ન થયો હોય પણ તુકારામની ‘અભંગ ગાથા' મરાઠીભાખા જીવશે ત્યાં સુધી અકબંધ રહેવાની છે. એને કાળ અડકી શકવાનો નથી. મહારાષ્ટ્રમાં ‘અભંગ ગાથા ને ‘અધ્યાત્મમન્દિરનો કળશ’ ગણવામાં આવે છે. ‘અભંગ ગાથા’ને સામાન્ય રીતે બે વર્ગમાં વહેંચવામાં આવે છે. એમાં કેટલાક વસ્તુલક્ષી અભંગો છે, તો કેટલાક આત્મલક્ષી અભંગો છે. પરંતુ એ બધા ક્રમમાં નથી. તુકારામે આત્મલક્ષી અભંગોમાં પોતાના વિવિધ અનુભવોને વર્ણવ્યા છે. તુકારામ કહે છે કે સત્ય વિના કાવ્યમાં રસ નથી આવતો. અનુભવરહિત કવિતા લખવાનું પાપ કોણ કરે? તુકારામે એમનાં માતાપિતા વિશે, એમની શુદ્ર જાતિ વિશે, એમની કસોટીઓ વિશે, એમના બાળપણ વિશે લખ્યું છે. ‘ભામગિરિ' ટેકરી પર કરેલા તપ વિશે, સ્વપ્નમાં ગુરુ બાવાજી ચૈતન્યના સમાગમ વિશે, તપમાંથી ઘરે પાછા ફર્યા વિશે અને ‘અભંગ ગાથા’ને નદીની કસોટીએ ચઢાવેલી એને વિશે પણ એમણે લખ્યું છે. ઘણા વિદ્વાનોએ તુકારામના અભંગોમાં મળતી વિગતોને આધારે એમનું જીવનચરિત્ર તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો છે. વસ્તુલક્ષી અભંગોમાં ભગવાનના નામનો મહિમા, ભક્ત અને સજ્જનનો, ભગવાન અને ભક્તિનો, ભજન અને કીર્તનનો મહિમા કરાયો છે. ક્યારેક સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિની પણ વિચારણા કરી છે; તો અજ્ઞાની જીવ અને દુર્જન વિશે પણ એમાં વાત આવે છે. અભંગોમાં વિચારોને પણ ઠેર ઠેર વેરેલા જોઈ શકાય છે. અભંગો વિશે તુકારામ નમ્રતાથી કહે છે કે હું જે કાંઈ બોલું છું, તે સંતોનું ઉચ્છિષ્ટ છે. હું જે કાંઈ બોલું છું દેવ જ મારી પાસે બોલાવે છે. એનો ગૂઢ અર્થ અને ભાવ શો છે એ પણ હું જાણતો નથી. સાથે સાથે તુકારામ ચેતવણી આપે છે કે કવિતા કરવાથી કાંઈ સંત નથી થઈ જવાતું. ન તો કોઈ સંતના સંબંધી થવાથી સંત થાય છે. સંતનો વેશ ધરવાથી કે સન્ત ઉપનામ રાખવાથી પણ કોઈ સંત થઈ જતો નથી. હાથમાં એકતારો લઈને ગોદડી ઓઢવાથી કોઈ સંત થતો નથી. કીર્તન કરવાથી કે પુરાણોના અર્થ બતાવવાથી સંત થવાતું નથી. શત્રુના પ્રહારોને જે સહન કરે છે એ જ શૂર સંત છે. આ શત્રુ બહારનો હોય નહીં, અંદરનો હોય છે, પણ તુકારામ પ્રતીતિપૂર્વક ઈશ્વરને કહે છે કે તું જ વિશ્વમાં વ્યાપ્ત છે તો પછી હું તારાથી અલગ ક્યાં છું? અગર અંદર બહાર તું જ છે તો અંદરથી શું શું કાઢીને બહાર ફેંકું? અને બહારથી શું શું અંદર નાખું? ક્યારેક તુકારામ ઈશ્વરથી પણ ચઢિયાતી દશાને વર્ણવે છે. તુકારામ ઈશ્વરને કહે છે કુમુદિની પોતાની સુગંધી જાણતી નથી. એનો ભોગ તો કોઈ ભ્રમર જ કરે છે. એ જ પ્રકારે હે દેવ, તમારા નામની મીઠાશની તમને કોઈ જાણકારી નથી. એનું પ્રેમસુખ તો અમે જ જાણીએ છીએ. તુકારામ બહુ સાદી સરખામણીઓ અને દૃષ્ટાંતો તેમજ સાદી વિચારણાથી કામ કરે છે. કહે છે ભાત રંધાઈ જવાથી એને ફરી ચૂલા પર ચઢાવવો નકામો છે. યોગ્ય સમયે યોગ્ય કામ કરવાનું નામ જ ધર્મ છે, તો બીજી જગ્યાએ કહે છે કે પાણીમાં પાણી ભળી જાય પછી કોણ કહી શકે કે આ પહેલાનું પાણી છે અને આ પછીનું પાણી છે? ક્યારેક તુકારામ એક પછી એક પ્રશ્નોની અસર ઊભી કરે છે. કહે છેઃ દૂધમાં માખણ છે એ બધા જાણે છે પરંતુ વલોવવાનું જાણે છે એ જ એને અલગ કરીને મેળવી શકે છે. લોકો જાણે છે કે લાકડામાં અગ્નિ છે. પરંતુ એને ઘસ્યા વગર એ બાળવાનું કામ કેવી રીતે કરશે? મેલો અરીસો સાફ કર્યા વિના મોં કેવી રીતે દર્શાવે? દૂધ માખણની જેમ તુકારામ છાશને સંભારી લે છે. કહે છે : જ્યાં સુધી ઘીમાં છાશ છે ત્યાં સુધી એ કડકડ અવાજ કરે છે. શુદ્ધ થવાથી એ નિશ્ચલ શાંત થઈ જાય છે. શુદ્ધિનો આ ખ્યાલ જ એમને નમ્રતા તરફ લઈ જાય છે અને તેથી તુકારામ દેવર્ન પ્રાર્થ છે કે ‘મારા પ્રભો, મને લઘુતા આપો. કીડીને સાકરનો દાણો અને ઐરાવત રત્નને અંકુશનો માર! જેનામાં મોટાપણું છે એને કઠણ યાતનાઓ ભોગવવી પડતી હોય છે. આથી નાનાથી નાના હોવું એ જ સારું છે. હાથવગી ભાષા અને હાથવગી તુલનાઓથી લોકોને આ રીતે હાથવગી કરાતી અભંગની કવિતા તુકારામનું મહત્ત્વનું પ્રદાન છે. આમ છતાં વિદ્વાનોમાં એવો પણ મત રહ્યો છે કે તુકારામ કલાકાર નથી. તેઓ માત્ર વિચારોને પદ્યમાં ગોઠવી દે છે. પરંતુ એકંદરે જોતાં એવું લાગે છે કે લોકબોલીની નજીક આ રીતે સહજ અભિવ્યક્તિ આપવાનું કામ સહેલું નથી. કોઈપણ સંતની ભક્તિકવિતા ભાષામાં ઊતરીને કહેવત કક્ષાએ સ્થિર થાય એ મોટી સિદ્ધિ કહેવાય.