રચનાવલી/૧૩૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૩૪. શિવમહિમ્નસ્તોત્ર (પુષ્પદંત)


તમે કોઈને પૂછો કે ‘કાલિદાસ કવિનું નામ સાંભળ્યું છે?' તો, ઘણાબધા હકારમાં માથું હલાવશે. પણ એમને આગળ પૂછશો કે ‘કાલિદાસના કોઈ કાવ્યનું નામ યાદ છે?' તો, માથું ખંજવાળશે. આનાથી ઊલટું તમે કોઈને પૂછશો કે ‘પુષ્પદંત કવિનું નામ સાંભળ્યું છે?’ તો એ તમારી સામે તમે કોઈ બીજા ગ્રહના માનવીની વાત કરતા હો એમ બાઘાની જેમ તમારી સામે તાકી રહેશે. પણ પછી પૂછશો કે ‘શિવમહિમ્નસ્તોત્ર’નું નામ સાંભળ્યું છે?' તો એ ઊછળીને કહેશે ‘લો, કેમ નહીં? ઘણી ઘણીવાર શિવમહિમ્નસ્તોત્રનો પાઠ કર્યો છે. પાઠ કરવાનો અહીં અર્થ એટલો જ કે મોટેભાગે સમજ્યા ન સમજ્યા વગર શ્રદ્ધાથી અને પૂરી વાસનાથી મોટેથી વાંચી ગયા છીએ. વાસનાથી એટલા માટે કે જલદી પ્રસન્ન થાય એવા મહાદેવ શંભુની કૃપા આપણા પર થાય અને આપણે ન્યાલ થઈ જઈએ. સાચી વાત તો એ છે કે ‘શિવમહિમ્નસ્તોત્ર'ને બરાબર સાંભળીએ તો એ પોતે જ આપણને ન્યાલ કરી દે એવી રચના છે. કવિ પુષ્યંદંત્તે પોતે જ કહ્યું છે કે માત્ર કંઠસ્થ કરીને નહિ, માત્ર પાઠ કરીને નહિ પરંતુ ધ્યાનપૂર્વક અન્યમાં ચિત્ત પરોવ્યા વગર જો એનું સ્તવન કરવામાં આવે તો એ શિવસમીપે લઈ જાય છે. આનો અર્થ એ થયો કે શિવનું, શિવના મહિમાનું વર્ણન અહીં હૂબહૂ છે, ચિત્રાત્મક છે અને કાનને વિશિષ્ટ લયથી તૃપ્ત કરી આપણને પ્રસન્ન કરી દે તેવું છે. આશ્ચર્યની વાત એ છે કે નિર્ગુણ ઈશ્વરનો અહીં સ્તોત્રમાં સગુણ પરિચય થાય છે. આવો વિરોધ જ આનંદ પમાડે છે. કવિ કહે છે કે શિવ પાસે વૃદ્ધ બળદ, દંડ, ફરસી, ચર્મ, ભસ્મ, સર્પ અને ખોપરી – આટલો જ અસબાબ છે. પણ આવા શિવના કૃપાકટાક્ષથી દેવતાઓ વિવિધ સમૃદ્ધિને પામે છે. બીજા એક શ્લોકમાં કહે છે કે શ્મશાનમાં ક્રીડા, પિશાચોની સોબત, ચિતાનો ભસ્મલેપ, ખોપરીઓની માળા – આમ બધું જ શિવનું અમંગલ છે અને છતાં શિવનું સ્મરણ કરનારનું પરમ મંગલ થાય છે. બાણાસુરની વાત કરતાં કહે છે કે ત્રણે ભુવનનો સ્વામી બની બેઠેલો બાણ ઇન્દ્રની સમૃદ્ધિને પણ ઝાંખી પાડી નાખનારો છે ને તે શિવના ચરણમાં નમે છે પણ શિવના ચરણમાં અવનતિ કોને ઉન્નતિ નથી આપતી? અરે, સમુદ્રમંથનથી નીપજેલું વિષ પીને જે કાળું ચકામું થયું એ વિકાર પણ શિવની શોભા નથી વધારતો એવું નથી. આવા વિરોધો દ્વારા જો કવિએ કાવ્ય જન્માવ્યું છે, તો ક્યાંક અવાજનો, શબ્દોના ઘોષનો પણ ઉપયોગ કર્યો છે. શિવનું નટરાજ રૂપ વર્ણવતા કહેવાયું છે કે શિવના પાદાઘાતથી પૃથ્વી અચાનક સંશયમાં પડી જાય છે. આકાશમાં ઘૂમી રહેતી શિવની ભુજાઓના પ્રહારથી નક્ષત્રો તૂટવા લાગે છે અને વિખરાયેલી જટાઓની ઝાપટથી સ્વર્ગ અસ્તવ્યસ્ત થઈ જાય છે. શિવ ત્રિપુટ રાક્ષસનો ક્ષણમાં વધ કરી શકે તેમ છે છતાં જે સામગ્રી લઈને જાય છે તે ભવ્ય છે. ત્રિપુરના સંહાર માટે શિવ પૃથ્વીનો રથ કરે છે, બ્રહ્માને સારથી સ્થાપે છે, સૂર્યચન્દ્રનાં ચક્ર કરે છે, મેરુપર્વતનો ચાપ રચે છે અને ખુદ વિષ્ણુને બાણ બનાવે છે. શિવની સ્વાયત્ત લીલાનું આ રૂપ કવિએ સરસ રીતે પકડ્યું છે. એ જ રીતે સૃષ્ટિના અણુઅણુમાં શિવનું દર્શન કરાવતો શ્લોક પણ જોવા જેવો છે. ‘તમે સૂર્ય છો, તમે ચન્દ્ર છો, તમે પવન છો, તમે અગ્નિ છો, તમે પાણી છો, તમે પૃથ્વી છો, તમે આત્મા છો – આવું આવું તમને સીમિત કરી દેનારા પરિપક્વ બુદ્ધિવાળા ભલે બોલે પણ હું તો એવું કોઈ તત્ત્વ જાણતો નથી, જેમાં તમે નથી' – આવા શિવનું વર્ણન કે એની સ્તુતિ અશક્ય છે, એવું દર્શાવતો આ સ્તોત્રમાં જે એક શ્લોક રચાયો છે તે અત્યંત પ્રસિદ્ધ છે અસિતગિરિસમં સ્યાત્ કજ્જલં સિંધુપાત્રે' ‘સાગરના ખડિયામાં નીલગિરિ પર્વતની કાળી શાહી હોય, કલ્પવૃક્ષની ડાળી કલમ હોય, પૃથ્વીનો પત્ર હોય અને ખુદ સરસ્વતી લખનાર હોય અને તે સદાકાળ લખતી રહે તો પણ હે ઈશ, તારા ગુણોનો પાર ન આવે.’ આ શ્લોક એમાં રજૂ થયેલી કલ્પનાની ભવ્યતાને કારણે અને સરખાવેલી વસ્તુઓથી થતા ચમત્કારને કારણે સ્તોત્રનો સૌથી વધુ કાવ્યાત્મક શ્લોક બન્યો છે. આમ ‘શિવમહિમ્નસ્તોત્ર' એ સ્તોત્રકાવ્યનો નમૂનો છે. સ્તોત્ર કાવ્યપ્રકારમાં દેવ વગેરેની છંદોબદ્ધ સ્તુતિ થતી હોય છે. વળી દેવનું ગુણકથન એના કેન્દ્રમાં હોય છે. અહીં કુલ ૪૪ શ્લોકમાં વિસ્તરેલી શિવસ્તુતિમાં પહેલાં ૨૯ શ્લોક સુધી એકધારો શિખરિણી છંદનો પ્રવાહ ચાલ્યો છે. એનો ઘણો ભાગ રાવણ, બાણ, કામ, દક્ષ, ઇન્દ્ર, બ્રહ્મા, ગંગા વગેરે સાથેની શિવની વિવિધ કથાઓને પોતાની રીતે લઘુફલક પર અસરકારક રીતે રજૂ કરે છે અને એ રીતે શિવનો મહિમા જન્માવે છે. તે પછી કવિનો ૨૯મા શ્લોકમાં ‘નમો નેદિષ્ઠાય'થી એકદમ ભક્તિ આર્દ્ર સ્વર દાખલ થાય છે. આ પછી રચનાનો સંદર્ભ, કવિની આત્મકથાત્મક વિગત, સ્તોત્રની ફલશ્રુતિ વગેરે કાવ્યનો ભાગ રોકે છે. પુષ્પદંતે ૩૭મા શ્લોકમાં પોતાની વિગત આપી છે. શિવભક્ત પુષ્પદંત ગાંધર્વ હતો અને પોતાની અદૃશ્ય રહેવાની શક્તિને કારણે રાજા ચિત્રરથના બગીચામાંથી દરરોજ સવારે બે ફૂલો ચોરી જતો હતો. પરંતુ રાજાએ ચોરને પકડવા બિલીપત્રની આણ મૂકી અને પુષ્પદંત એ આણ ઓળંગી જતાં શક્તિહીન થયો. એની અદૃશ્ય રહેવાની શક્તિ નષ્ટ થઈ. શક્તિને ફરી પાછી મેળવવા અને શિવને પ્રસન્ન કરવા પુષ્પદંત ‘શિવમહિમ્નસ્તોત્ર'ની રચના કરે છે. આ વાતમાં આપણને વિશ્વાસ બેસે કે ન બેસે પણ પુષ્પદંતે શિવમહિમાને નિમિત્તે આ સ્તોત્રમાં સુગંધિત વાક્યપુષ્પોની ભેટ આપી છે. એની ભાષા થોડી કઠિન છે, એના સંદર્ભો થોડા જટિલ છે પણ એકવાર તમે એને ઉકેલો પછી એ તમારે માટે જરૂર મંજુલ બની જાય છે. આપણે આ સ્તોત્ર સાથે રુદ્રી કરીએ, લઘુરુદ્રી કરીએ કે મહારુદ્રી કરીએ પણ જો એનાં આકર્ષક કાવ્યસ્થાનો ધ્યાનથી નહીં પકડીએ તો ભારતીય પ્રજાના અમૂલ્ય વારસાથી વંચિત રહી જઈએ.