રચનાવલી/૧૯૦


૧૯૦. આઉત્સવિત્સામાંથી ઉગાર (પ્રિમો લેવી)


બીજા વિશ્વયુદ્ધની હારોહાર લાખો નિર્દોષ યહૂદીઓને મૃત્યુ છાવણીમાં ધકેલી હિટલરે ગેસચેમ્બરમાં હોમ્યા એ એવી માનવજાતની ઘોર યાતનાકથા છે કે એ મૃત્યુ છાવણીમાંથી રડ્યા ખડ્યા બચીને પાછા ફરેલાંઓને ત્યાંના નજરે જોયેલા રાક્ષસીકૃત્યોએ અવાક કરી દીધેલાં. વર્ષો સુધી તો આ વાત માનવા કોઈ તૈયાર નહોતું. ઈટાલીના પ્રિમો લેવી એવા એક લેખક છે જેણે ૧૯૪૫માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું કે તરત ૧૯૪૭માં ‘આઉશવિત્સમાંથી ઉગરેલા' (સર્વાયવલ ઇન આઉશવિત્સ) જેવું પુસ્તક લખ્યું. આઉશવિત્સ હિટલરે ઊભી કરેલી અનેક મૃત્યુ છાવણીઓમાંની એક છાવણી હતી અને એનાં વીતકની એમાં કથા હતી. પણ વાચકો મળ્યા નહીં. પુસ્તકની ૨૫૦૦ નકલમાંથી થોડીક ખપી અને બાકીની પૂરમાં તણાઈ ગઈ. ૧૯૫૮માં કોઈ પુસ્તક પ્રકાશકે એને ફરીને છાપ્યું. સફળતા મળી અને એનાથી પ્રોત્સાહિત થઈને પ્રિમોએ બાકીની વીતક એના બીજા પુસ્તક ‘વિલંબ’માં રજૂ કરી. આમ તો ઇટાલિયન પ્રિમો લેવીના કોઈ પણ લખાણ પર આઉશવિત્સની મૃત્યુછાવણીના ઘેરા પડછાયા પથરાયેલા છે. ઈટાલીના ત્યૂરિનમાં ૧૯૧૯માં જન્મેલા પ્રિમો લેવી જર્મનોનું આક્રમણ થતાં યહુદીઓએ પ્રતિકાર કરવા માટે રચેલી ટુકડીમાં સભ્ય બને છે અને લગભગ ત્રણ મહિના સુધી આલ્પસ પર્વતની તળેટીમાં સશસ્ત્ર ઝૂઝે છે પણ અંતે ફાસિસ્ટોએ દગો કરતા એમની ટુકડી પકડાઈ ગઈ. પ્રિમો લેવીને ૬૪૯માં યહુદીઓ સાથે આઉશવિત્સની મૃત્યુછાવણીમાં મોકલી આપવામાં આવે છે. ત્યાં પ્રિમો પર ૧૭૪૫૧૭ કેદી નંબર છપાય છે. ૧૯૪૫માં જર્મનીઓ મૃત્યુ છાવણી વિખેરી નાંખી ત્યાં સુધી પ્રિમો આઉશવિત્સમાં રહે છે. ૬૪૯માંથી માત્ર ૨૩ બચેલાઓ સાથે પ્રિમો યુક્રેન, રોમાનિયા, હંગેરી જર્મનીમાં રઝળતાં રઝળતાં અંતે ટ્યૂરિન પહોંચે છે. પ્રિમોના કહેવા પ્રમાણે વીસ મહિના ‘બહુ રંગી’ જીવન પછી એનું ‘એક રંગી’ જીવન શરૂ થાય છે. પ્રિમો મૂળે રસાયણના જાણકાર હતા અને પરણીને કોઈ સ્થાનિક રંગની કંપનીમાં સ્થિર થાય છે પણ વીસ મહિનાનો પાશવી અનુભવ પ્રિમોને અંદરથી ઠરવા દેતો નથી. યુદ્ધ અને હીટલરનાં કરપીણ કૃત્યોથી પ્રિમોનું યહુદીપણું સતેજ થાય છે : ‘આ બેવડો અનુભવ આ જાતિદ્વેષના નિયમો, અને મૃત્યુ છાવણી સ્ટીલની પ્લેટ પર કશુંક અંકાય એમ જડબેસલાખ અંકાઈ ગયાં છે. આ ક્ષણે હું યહુદી છું. ડેવિડનો તારક એમણે મારાં કપડા પર સીવ્યો નથી, મારા પર સીવ્યો છે.’ આ પછી આઉશવિત્સનો એક અનુભવ હંમેશાં આઉશવિત્સ એક સ્મરણ તરીકે પ્રિમોમાં ઘુમરાયા કરે છે. અલબત્ત જર્મનોને યહુદીઓના કરેલા નરસંહાર પછી કોઈ સાહિત્ય રચાવું શક્ય જ નથી – એવી એક તીવ્ર લાગણી છતાં ઘણાઓ દ્વારા ‘હોલોકોસ્ટ’ - નરસંહાર પર લખાતું રહ્યું છે. કોઈકે દારુણ વ્યથાથી લખ્યું છે, કોઈકે પ્રબળ ક્રોધથી લખ્યું છે, કોઈકે વક્રતાથી લખ્યું છે, કોઈકે રગ્ણતાથી લખ્યું છે. પરંતુ, આ બધામાં પ્રિમો લેવીનું લખાણ એની ટાઢી સંવેદનશીલતાના કારણે જુદું પડી જાય છે. પ્રિમો રસાયણશાસ્ત્રી છે અને તેથી એનો બહુ જૂદો સૂર એના પુસ્તક ‘આઉશવિત્સમાંથી ઉગાર’માં સંભળાય છે. બીજા જેમ સાક્ષી થયા છે, તેમ પ્રિમો પણ મૃત્યુ છાવણીનો સાક્ષી થયો છે. વીસ મહિના કેવી રીતે ગુજાર્યા એ જણાવતાં એણે અનેક પુસ્તકોનો સહારો લીધો છે. એણે શું કર્યું, એણે શું વિચાર્યું, એણે શું અનુભવ્યું એ જાણવું હોય તો પ્રિમોને જ વાંચવો પડે. ત્યાં શું બન્યું એનો તંતોતંત અહેવાલ આર્મી એમાંથી જાતને છોડાવવાનો એનો પ્રયત્ન છે. એની વ્યથા દારૂણ છે. કહે છે : ‘અમે બચી ગયેલાઓ સાચા સાક્ષીઓ છીએ જ નહીં અમે તો નગણ્ય લઘુમતી છીએ. અમે ભાગ્યની બલિહારીથી છેક તળિયે નથી પહોંચ્યા જેમણે રાક્ષસી કૃત્ય જોયું તો તેઓ તો એ બધું કહેવા પાછા ફર્યા નથી અથવા એમને હંમેશ માટે મૂંગા કરી દેવામાં આવ્યા છે.’ પ્રિમોના લખાણમાં સૌથી જુદો સૂર છે તે બચી ગયાના અપરાધનો સૂર છે. બચી ગયાની શરમ છે. એને થાય છે કે પોતે કઈ રીતે ઊગરી ગયો? બીજાઓએ જે સમાધાન ન સ્વીકાર્યુ એવું સમાધાન પોતે કર્યું છે?એની જગ્યાએ બીજાઓ મૃત્યુ પામ્યા છે? આવા વિચિત્ર સવાલો પ્રિમોને જંપવા નહોતા દેતા. મૃત્યુ નથી પામ્યો એની શરમ પ્રિમોના લખાણની કેન્દ્રવર્તી નિસ્બત રહી છે. અન્યત્ર પ્રિમોએ એક નાની કવિતામાં કહ્યું છે કે : ‘ઓ ગતાત્માઓ દૂર ઊભા રહો, મને એકલો છોડો. જતા રહો. મેં કોઈને લૂંટ્યા નથી. મેં કોઈનો કોળિયો છિનવ્યો નથી. કોઈ મારે બદલે મર્યું નથી. જતા રહો પાછા ધુમ્મસમાં. હું જો જીવું છું, શ્વાસ લઉં છું, ખાઉં છું, પીવું છું, અને ઓઢું છું તો એ મારો કોઈ દોષ નથી.’ પણ ‘આઉશવિત્સમાંથી ઉગાર’ પ્રિમોનું પહેલું પુસ્તક છે. એમાં એ દિલ ખોલીને અહેવાલ આપતો નથી. એમાં એ જાણી જોઈને તટસ્થ રહ્યો છે. એને દહેશત હતી કે લખાણ અતિ લાગણીસભર બની જશે તો લોકોને વિશ્વાસ નહીં બેસે અને તેથી એમાં એણે પોતે નિર્ણાયક બનવાને બદલે સાક્ષી રહેવાનું પસંદ કર્યું છે. એક રીતે જોઈએ તો પ્રિમોએ આ પુસ્તક ફેક્ટરીઓમાં દર અઠવાડિયે અપાતા ઉત્પાદનના અહેવાલની જેમ લખ્યું છે પણ તેથી એ સરલ છે એમ માનવાની ભૂલ કરવા જેવી નથી. એમાં કોઈ પણ ભૂલ વગરની ઝીણવટ છે. વિગતે વિગતમાં વજન છે. માણસો મૃત્યુ છાવણીમાં કઈ રીતે જાત તોડતા અને કઈ રીતે મરતા રહેતા એનું રજેરજ વર્ણન છે. આમ છતાં પ્રિમોની હતાશા પાર વગરની છે. અન્યત્ર પ્રિમો કહે છે કે ‘આજે હું જાણું છું કે આ રીતે માણસને શબ્દોના વાઘા પહેરાવી છાપેલા પાન ઉપર જીવિત કરવો એ વાહિયાત કામ છે.’ આ હતાશા જ છેવટે પ્રિમોને ૧૯૮૭ના એપ્રિલમાં આત્મહત્યા ભણી લઈ ગઈ. વીસ મહિનાના નર્કે પ્રિમોના અંદરની ઊભી કરેલી નારકી યાતનાનો કોઈ ઉપાય ન રહ્યો.