રચનાવલી/૧૯૫


૧૯૫. ઈસ્સાના હાઇકુઓ


‘ઈકેબાના’ને નામે ફૂલ ગોઠવવાની કલા, ‘બોન્સાઈ’ને નામે લઘુવૃક્ષો ઉછેરવાની કલા, ‘કરાટે’ના નામે સ્વરક્ષણ માટે શરીરને સશક્ત કરવાની કલા, ‘હા૨ાકીરી’ને નામે કોઈ હેતુ માટે ખપી જવાની કલા - એમ જપાને જાતજાતની રીતે એની સંસ્કૃતિનો પરિચય આપ્યો છે. બરાબર એ જ રીતે જપાનથી ‘હાઇકુ’ને નામે કવિતાની કલા ગુજરાતીમાં ઊતરી છે. પાંચ, સાત, પાંચ અક્ષરોનું અનુક્રમે ત્રણ પંક્તિનું રચાતું હાઇકુ સ્નેહરશ્મિ જેવા કવિના હાથે આપણે ત્યાં ખૂબ પ્રચલિત થયું છે. સાત સદી સુધી વિકાસ પામી, સત્તરમી સદીમાં પૂરબહારમાં ખીલેલું આ સાહિત્યસ્વરૂપ લાગણીને વ્યક્ત કરવા અને લાગણીને ઉત્તેજવા માટેનું સ્વરૂપ છે. એમાં માનવકાર્યો કરતાં માનવલાગણી કેન્દ્રમાં છે. હાઈકુમાં બહુ થોડું મૂકેલું હોય છે એને વાચકે ઝાઝુ કરીને વાંચવું પડે છે. એમાંથી ભાતભાતના અર્થ જડતા રહે છે. કારણ એમાં અર્થને ઠાંસી ઠાંસીને ભરેલો હોય છે. જપાનના હાઈકુજગતમાં બાશોનું નામ મોટું છે એના પછી બુસોન અને ઇસ્સા બે મોટા કવિઓ છે એમાં ય ઈસ્સા હાઇકુ કવિઓમાં સૌથી વધુ લોકપ્રિય છે બાશોની જેમ એની પાસે પયગંબરી આવેશ નથી કે સોનની જેમ એની પાસે ચમકદમક નથી એટલે એની કવિતા સમજવી અઘરી કે ઓછી લાગણીવાળી બન્યા વગર એના હૃદયની વાતને સીધી મૂકે છે અને તેથી લોકો ઇસ્સાને વધુ ચાહે છે. ઇસ્સાનું જીવન એકંદરે દુ:ખી વીત્યું છે. બાળપણમાં જ એને માતા ગુમાવી દીધેલી અને સાવકીમાએ ખાસ્સો ત્રાસ આપેલો છે. કહેવાય છે કે ઈસ્સા નવ વર્ષનો હતો ત્યારે ગામના ઉત્સવમાં બધાં જ બાળકો નવાં કપડાં પહેરીને આવ્યાં ત્યારે ઇસ્સા ચીંથરેહાલ હતો. બાળકો એની સાથે રમ્યા નહીં અને એની આ એકલતાને રજૂ કરવા ઇસ્સાએ લખ્યું : ‘ચકલી આવ / આપણે બે રમીએ / મા વિના સાવ’ ઈસ્સા ચૌદ વર્ષનો થયો એટલે બાપે એને ઘરથી દૂર મોકલી આપ્યો. વીસ વર્ષ સુધી ઈસ્સા ઘર-બહાર ઈડોમાં રહ્યો. ક્યારેક ક્યારેક આવતો ખરો, પણ ઈસ્સા ગરીબનો ગરીબ જ રહેલો. ત્યારબાદ નસીબનું પાંદડું ફરતાં જ્યાં ઇસ્સાને સફળતા મળવા માંડી ત્યાં એનું પિતાનું અવસાન થયું. પિતાના અવસાન વખતે ઈસ્સા હાજર હતો અને પિતાએ એને બધી મિલ્કત સુપ્રત પણ કરેલી. તેમ છતાં એની સાવકી મા અને સાવકા ભાઈએ પિતાના વસિયતનામાને ગણકાર્યા વિના ઈસ્સાને કશું પરખાવ્યું નહીં. ઈસ્સા પાછો ઈડો પહોંચ્યો. ધીરે ધીરે એની પ્રતિભાનો સ્વીકાર થવા માંડ્યો પણ એનું હૃદય વતન માટે તલસતું હતું એને ઊંડે ઊડે મિલ્કત અંગે ઇચ્છા પણ હતી એને માટે એ વારંવાર જતો પણ ખરો. આ સંદર્ભમાં એનું એક હાઇકું મળે છે : ‘આવું વતન / અડકું તો ચોગમ / શૂળોનાં વન’ ઈસ્સાને છેવટે મિલ્કત મળી અને ઈસ્સાએ ત્યાં રહેવાનું પણ શરૂ કર્યું. આ દરમ્યાન એના હૃદયની બધી કડવાશ ધોવાઈ ગઈ હતી. એણે પોતે કહ્યું છે કે કોઈ નવો માણસ બની ગયો. પહેલા નવા વર્ષે એ લખે છે : ‘નરી નવાઈ / જન્મઘરે સવારે / વસંત છાઈ’ એ જ વર્ષે ઈસ્સાના એનાથી અડધી ઉંમરની ગ્રામ કન્યા કિકુ સાથે લગ્ન થયા. દસ વર્ષ પછી કિકુનું અવસાન થયું. ઈસ્સા કિકુને ખૂબ ચાહતો હતો. અને તેની સાથેનું એનું સુખી દાંપત્યજીવન હતું. એને પાંચ બાળકો થયાં. પણ બધાં જ નાનપણમાં ગુજરી ગયાં. ઈસ્સાએ લખ્યું છે : ‘ઊડ્યાં ઝાકળ | મલિન વિશ્વ, નહીં | આપણું કામ’ અહીં બાળકોને ઝાકળ કલ્પ્યાં છે અને જાણે કે મલિન વિશ્વમાં પોતાનું કોઈ કામ નથી એમ વિચારીને ઝાકળની જેમ ઊડી ગયાં. ઈસ્સાની વેદના કેટલેક અંશે તાત્ત્વિક પણ હતી. એની પાસે બુસોન જેવી અનાસક્તિ નહોતી કે બાશોના જેવી સંપૂર્ણ સ્વીકારની ભૂમિકા નહોતી. એ વખતના પ્રણાલિગત બૌદ્ધધર્મથી એને પૂરો સંતોષ નહોતો. ખરેખર તો ઇસ્સા સતત પ્રણાલિઓ સાથે લડતો રહ્યો છે. અલબત્ત, એના સમયની સામાજિક પ્રણાલિઓ સામેનો એનો બળવો નિષ્ફળ જવા જ સર્જાયેલો હતો. એને ઊંચનીચનો, ગરીબ-તવંગરનો ભેદ ગમતો નહોતો પણ એ અંગે કશું જ કરી શકયો નહોતો. ઘણીવાર તો ગરીબાઈના કારણે એનાં કપડાં હોવા જોઈએ એથી પણ વધુ ચીંથરેહાલ રાખીને એ ફરતો હતો. એ વખતના અમીર ઉમરાવો તરફની એની ઉદ્દંડતા પણ જાણીતી છે. હાઈકુના જગતમાં ઈસ્સા ક્રાંતિકારી છે. એની પૂર્વે લખાયેલાં હાઈકુઓથી એનાં હાઈકુ એકદમ જુદાં પડે છે એની હાઇકુની બળવાખોરીને કારણે ઇસ્સાને હાઇકુ શિક્ષકના પદથી પણ અળગો કરવામાં આવેલો. આજે પણ ઘણા એના હાઇકુને હાઇકુ તરીકે સ્વીકારવા તૈયાર નથી પણ ઈસ્સા હંમેશાં એના હાઈકુને મઠારતો રહ્યો છે. ઈસ્સાના હાઈકુને સમજાવતા ચ્યુસાકો ત્સુસોદા બતાવે છે કે બાશોના હાઈકુને જો ત્રણ બાજુ છે અને ચિયોના હાઈકુને જો એક બાજુ છે, તો ઈસ્સાના હાઈકુને બે બાજુઓ છે, લાગણીની બાજુને પલટાવતો ઈસ્સાના હાઈકુનો દમામ જોવા જેવો છે : ‘પીગળે હીમ / ને ગામ ઉભરાતું / બાળક ટોળે’ આ હાઈકુની પહેલી બે પક્તિ જીવ ઊંચો કરી દે છે. હિમ પીગળતા અને ઉભરાતા ગામ તણાયુંની દુ:ખદ કલ્પના ઊભી થાય ન થાય ત્યાં ત્રીજી પંક્તિ બાળક ટોળાનો પ્રવેશ આપીને ચિત્રને ઉલ્લાસથી ભરી દે છે. ઈસ્સાએ એક હાઈકુમાં ઊડતાં પતંગિયાંઓને અને પિંજરના પંખીને સામસામે મૂક્યાં છે તો પણ એથી આગળ વધીને ઊડતા પતંગિયાઓને જોતા પિંજરના પંખીની આંખને કેન્દ્રમાં મૂકી છે અને એની ઇર્ષ્યાને ચૂપ રાખી છે : ‘પતંગિયાંઓ | જુએ પિંજર પંખી / આંખો જોઈ કે?' ભર ઉનાળાના તડકામાં પર્વતો એની રમણીયતા ગુમાવી બેસે છે અને બોજ જેવા બની જાય છે, એવો સ્નાયુગત અનુભવ કરાવતું એનું હાઇકુ પણ જોવા જેવું છે : ‘શિનાને રસ્તે / શી ગરમી! પર્વત / બનતા બોજ’ ક્યારેક કાગળનું છિદ્ર જેવું ક્ષુદ્ર છિદ્ર પણ કોઈ વિરાટ પટનો અનુભવ કરાવી શકે છે એનો રોમાંચ પણ જોઈ લઈએ : ‘સરસ દૃશ્ય / કાગળ છિદ્રમાંથી / આકાશગંગા’ સીધા હૃદય સાથે વાત કરતાં અને હૃદયમાં ઊતરી હૃદયમાં ઠરીઠામ રહેતાં ઇસ્સાનાં હાઈકુ જપાની કવિતાવારસામાં અગત્યનું સ્થાન ધરાવે છે.