રચનાવલી/૪૦


૪૦. પીળું ગુલાબ અને હું (લાભશંકર ઠાકર)


લખાયેલાં નાટકો ભજવાય એ જાણીતું છે, પણ ભજવાયેલું નાટક લખાય એ બહુ જાણીતું નથી. લખાયા પહેલાં નાટક કઈ રીતે ભજવાય? દિગ્દર્શક પાત્રોની કલ્પના કરે, પરિસ્થિતિ કે પ્રસંગોની કલ્પના કરે, પછી પાત્રોને પોતાને જે સૂઝે તે બોલવા તરફ પ્રેરે, ઘણીવાર તો બોલવા પ્રેરે એટલું જ નહિ પણ ગમે તે રીતે અભિનય કરવા પણ પ્રેરે અને એમ નાટક બનતું આવે. આવા નાટકને ‘ઇમ્પ્રોનાઇઝેશન’ કે પછી બનન્તી (હેપનીંગ) પણ કહે છે. ગુજરાતમાં અને ખાસ તો અમદાવાદમાં મધુ રાયની નિગરાની હેઠળ આવા અનેક પ્રયોગો થયેલા. જાણીતા કવિઓ લાભશંકર ઠાકર, ચિનુ મોદી,ચંદ્રકાન્ત શેઠ, સુભાષ શાહ, ઇન્દુ પુવાર વગેરેએ એમાં ઉત્સાહપ્રેરક ભાગ લીધેલો. આ બધામાં લાભશંકર ઠાકરના પ્રયોગો એકદમ આગળ તરી આવ્યા. લાભશંકર ઠાકરનું ‘વૃક્ષ’ આ પ્રકારનું જાણીતું નાટક છે. લાભશંકરને અમદાવાદની ‘દર્પણ’ સંસ્થાએ થિયેટર વર્કશોપ અંગે નિમંત્રણ આપેલું ત્યારે બીજાં અનેક નાટકો સાથે એમણે પચાસેક મિનિટનું ‘પીળું ગુલાબ' નામના નાટકની લખ્યા વિના ભજવણી કરવાનો પ્રયોગ કર્યો હતો. પછી લાભશંકરે ‘પીળું ગુલાબ'માંથી અનેક ફેરફારો કરીને સળંગ નાટક લખ્યું. આ નાટક પછી જ્યારે ‘સાહિત્ય’ નામના સાહિત્યિક સામયિકમાં છપાવા ગયું ત્યારે ફરી લાભશંકરે એમાં ફેરફાર કર્યા અને ‘પીળું ગુલાબ અને હું’ એવા શીર્ષક સાથે છપાવ્યું. છેવટે આ નાટક જૂજ ફેરફાર સાથે પુસ્તકરૂપે પ્રગટ થયું એક નાટક અનેકવાર ફેરફાર પામતું છેવટનું રૂપ લે અને નાટયકાર એની હસ્તપ્રતને સતત મઠારતો આવે એવી ઘટના રસપ્રદ છે. આ બધી જ હસ્તપ્રતનો અભ્યાસ કરવામાં આવે તો બંધાતા, રચાતા અને વિકાસ પામતા નાટકનું ક્લેવર જાણવાની મઝા પડે. ‘પીળું ગુલાબ’ એ રીતે લાભશંકરનું અનોખું નાટક છે. અમદાવાદમાં અને મુંબઈમાં એના પ્રયોગો થયા છે. લાભશંકરની નાટક લખવાની રીત જોતાં એમની માન્યતા સાથે સંમત થવાનું મન થાય કે નાટક ‘દ્વિજ’ છે એટલે નાટક બે વાર જન્મે છે. જેમ પંખી ‘ઇંડુ અને પછી બચ્ચું’ એમ બે વાર જન્મ લે છે. તેથી દ્વિજ છે અને બ્રાહ્મણ જેમ શારીરિક જન્મ અને પછી જનોઈ સંસ્કાર’ એમ બે વાર જન્મ લઈ દ્વિજ બને છે, તેમ નાટક પણ લખાય છે અને પછી ભજવાય છે એમ બે વાર જન્મ લઈ દ્વિજ કક્ષાએ પહોંચે છે. લાભશંકર ઠાકર તો કહે છે કે નાટક ભજવાય છે ત્યારે એનો ખરો અથવા બીજો જન્મ થાય છે. નાટક રંગભૂમિ પર પ્રગટે છે ત્યારે જ એ પૂર્ણપણે પ્રત્યક્ષ થાય છે, ઇન્દ્રિયગોચર થાય છે. ‘પીળું ગુલાબ અને હું’ નાટકને લાભશંકરની નાટય સૂઝ, રંગમંચ સૂઝ ભાષા સૂઝ અને માનવસૂઝનો ચોગણો લાભ મળ્યો છે. નાટકનો વિષય થોડો અટપટો છે પણ એમાં વર્ષોથી રંગભૂમિ પર અભિનય કરતી અભિનેત્રી નાટક અને જીવનમાં ભેળસેળ કરી બેસે છે, અને પોતાનું અસલ રૂપ શોધવા માટે તરફડતી તરફડતી અંત અવાચક બની જાય છે એ ઘટનાને નાટયાત્મક બનાવવામાં આવી છે. બે અંકના આ નાટકમાં પહેલા અંકમાં ચાર અને બીજા અંકમાં એક એમ કુલ પાંચ દૃશ્યો છે. ‘પીળું ગુલાબ અને હું’ની નાયિકા સંધ્યા છે. સંધ્યા રંગભૂમિ પરની અભિનેત્રી છે. અહીં નાટકમાં નાટક બતાવવામાં આવ્યું છે અને એ ‘વેશ્યા’ નાટકમાં કામ કરતાં કરતાં છેલ્લા દશ્યમાં સંધ્યા રિસીવર પકડીને થીજી જાય છે, તેથી દિગ્દર્શક અને નાટકના સાથીઓના જીવ પડીકે બંધાય છે. પણ પછી ખબર પડે છે કે આગલી રાતે સંધ્યાને એક સ્વપ્ન આવેલું અને એમાં સંધ્યને કોઈ ટેલિફૉન બુથમાંથી માણસ પોતાની સાથે રાત ગાળવાનું નિમંત્રણ આપે છે અને તે માણસ બીજો કોઈ નથી પણ પોતાનો જ પતિ કેતન ત્રિવેદી છે. પરોઢિયે આવેલા આ સ્વપ્નનું સ્મરણ થતાં એક મિનિટ સંધ્યા પાત્રમાંથી બહાર નીકળી નાટકમાંથી જીવનમાં પહોંચી જાય છે. આ ઘટના મહત્ત્વની છે, કારણ કે આ નાટકમાં સંધ્યાના જીવનમાં જે ઊથલપાથલ મચે છે તે આ ક્રિયાને કારણે મચે છે. સંધ્યા નાટક કરતાં કરતાં જીવનમાં પહોંચી જાય છે અને જીવનમાં જીવતાં જીવતાં જાણે અભિનય કરે છે, એવું ભાન રહે છે. અને અભિનય અને ખરેખરા જીવન વચ્ચેનો સંબંધ સંધ્યા ચૂકી જાય છે. એને એવું લાગે છે કે એને જીવનનો સીધો અનુભવ થતો જ નથી. એ જે કાંઈ કરે છે એ બસ અભિનય જ છે. એકબાજુ સંધ્યાની આ સ્થિતિ છે તો, સંધ્યા પતિની સ્થિતિને પણ અભિનય ગણે છે. કારણ વાસ્તવિક રીતે પોતાનો પતિ બાળપણમાં પડોશમાં રહેતી પોસ્ટમાસ્ટરની દીકરી બકુલશ્રીને ચાહતો હતો અને સંધ્યામાં એ બકુલશ્રીને શોધતો હતો. આમ, પોતે અભિનય કરતી હતી અને પતિ પણ છેતરતો હતો. બંનેનો વ્યવહાર એકબીજાને પહોંચતો નહોતો. આવા બે ભયંકર અનુભવ વચ્ચે સંધ્યાનું મન રહેંસાઈ જાય છે અને અંતે આ દ્વિધામાંથી બહાર ન આવતા એની વાચા ચાલી જાય છે. રોજિંદા જીવનમાં ‘મહોરાં’ પહેરીને જીવનારો આધુનિક સમાજ એકબીજા સુધી પહોંચી શકતો નથી અને સદંતર પોતાનામાં એકલો રહી જાય છે, એ વાતને લાભશંકર ઠાકરે અભિનેત્રી સંધ્યાના પાત્ર દ્વારા અને એમાંથી ઊભી થતી પરિસ્થિતિઓ દ્વારા આબાદ રીતે વ્યક્ત કરી છે. અસાઇત સાહિત્ય સભા, ઊંઝા તરફથી આ નાટક ૧૯૮૫માં પ્રકાશિત થયું છે.