રચનાવલી/૭: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૭. શુકદેવાખ્યાન (વસ્તો) |}} {{Poem2Open}} વસ્તો ડોડિયો. ગુજરાતી મધ્યકાલીન સાહિત્યનો કવિ. પ્રેમાનંદ કે નાકર જેવો પ્રખ્યાત નથી. નથી એટલી બધી એની રચનાઓ. કદાચ એકાદ રચનાથી જ જાણીતો. ખેડા જિ...")
 
No edit summary
Line 18: Line 18:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous =
|next =  
|next =
}}
}}

Revision as of 15:10, 27 April 2023


૭. શુકદેવાખ્યાન (વસ્તો)


વસ્તો ડોડિયો. ગુજરાતી મધ્યકાલીન સાહિત્યનો કવિ. પ્રેમાનંદ કે નાકર જેવો પ્રખ્યાત નથી. નથી એટલી બધી એની રચનાઓ. કદાચ એકાદ રચનાથી જ જાણીતો. ખેડા જિલ્લાના બોરસદ કે વીરસદ ગામના વતની આ કવિએ ‘શુકદેવ આખ્યાન’ આપ્યું છે. વસ્તા વિશે દંતકથાઓ ઘણી ચાલે છે કહેવાય છે કે બાળપણથી જ સંસાર પ્રત્યે વૈરાગ્ય હોવાથી એણે લગ્ન નહોતા કર્યા. ઘરના લોકો એને પરણાવવા ખૂબ મથ્યા પણ લગ્ન કરવાનું એણે કબૂલેલું નહીં. આથી સગાં-વહાલાઓએ નારાજ થઈને એને જુદું ઘર કરી આપેલું. યુવાન વયે છાનામાના ચાલી નીકળેલા એણે રામેશ્વરની જાત્રા કરેલી. દક્ષિણમાં બાલાજીની પણ મુલાકાત લીધેલી. ત્યાંથી એ ગોકર્ણેશ્વર ગયેલો અને પહાડ પરથી ગબડી પડતાં એને પગે ખોડ આવેલી. જાત્રામાં ને જાત્રામાં એ ઘણાં વર્ષો ઘરબહાર રહ્યો તેથી એ પાછો ફર્યો ત્યારે ભાઈઓએ એને માટે કોઈ વારસો રાખેલો નહીં. પણ વસ્તાને એથી દુ:ખ ન થયું. આથી ઊલટું એ ફરીને જાત્રાએ નીકળી ગયો. ગોકુળ, મથુરા ફર્યો, ને છેવટે બરાનપુરમાં આવીને રહ્યો. અહીં ઉપદેશ માટે આવેલી એક વિધવા એને પરણવા તૈયાર થઈ તો એના મનને એણે યોગ્ય માર્ગે વાળવાનું કામ કર્યું. એકવાર એવું બન્યું કે વસ્તો બરાનપુરમાં જે અખાડામાં રહેતો હતો એની નજીકની જમીન ખેડવા જતાં એને એક ધનથી ભરેલી તાંબડી મળી આવી. બીજાઓએ એને રાખી લેવા કહ્યું. પણ વસ્તાએ એ બધું અન્યોને જમાડવામાં વાપરી નાંખ્યું. ધન મળ્યાની જાણ ત્યાંના મુસલમાન હાકેમને થઈ. વસ્તાને બોલાવ્યો. વસ્તાને માર માર્યો પણ દંતકથા કહે છે કે એને કશું થયું નહીં. તેથી મુસલમાન હાકેમને આશ્ચર્ય થયેલું. આમ છતાં વસ્તાએ બાકીનું જીવન બરાનપુરમાં જ વીતાવેલું. વસ્તાના નામે ‘શુકદેવ આખ્યાન' ઉપરાંત ‘સુભદ્રાહરણ’ અને ‘સાધુચરિત’ બોલે છે ખરાં, પણ એનો ‘શુકદેવ આખ્યાન' નામનો એક જ ગ્રંથ અત્યારે તો મળે છે. મહાભારતના શાંતિપર્વમાંથી વિષયવસ્તુ લઈને વસ્તાએ ૪૫ કડવાનું ‘શુકદેવ આખ્યાન’ રચ્યું છે. મહાભારતમાં વર્ણવ્યા મુજબ ઘૃતાચી અપ્સરા માદા શુક તરીકે ધરતી પર ઊડતી હતી ત્યારે એને જોતાં વ્યાસને સ્ખલન થયું હતું, એમાંથી શુકનો જન્મ થયો. શુક જન્મજાત તત્વજ્ઞાની હતો અને પોતાને ચલિત કરવાના અપ્સરા રંભાના બધા પ્રયત્નોને શુકે ખાળેલા. શુકે અભિમન્યુના પુત્ર પરીક્ષિતને ‘ભાગવત પુરાણ’ સંભળાવેલું મહાભારતની આ કથા ઉપરથી વસ્તાએ ‘શુકદેવ આખ્યાન' રચ્યું છે એમાં ગૃહસ્થજીવન અને સંન્યાસ વચ્ચેનો ભેદ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. શુકદેવે ગૃહસ્થજીવનનો સ્વીકાર નથી કર્યો એવી કથાનો ભાગ ગૃહસ્થ જીવનનો સ્વીકાર ન કરનાર વસ્તાના મનમાં વસી જાય એ સ્વાભાવિક છે અને તેથી ‘શુકદેવ આખ્યાન’માં વસ્તાએ શુકદેવની કથા કરતાં કરતાં શુકદેવની કથાને બહાને ગૃહજીવન અને સંન્યાસ જીવન વચ્ચેનો વિરોધ સંવાદ મારફતે ઉપસાવવાનો પ્રયત્ન કર્યો છે. ‘શુકદેવ આખ્યાન'માં કથા ઓછી અને સંવાદ ઝાઝા છે. વસ્તો કવિને સંવાદની તક બે રીતે મળી છે. એક તો વ્યાસ પોતે પોતાના પુત્ર શુકદેવને સંન્યાસમાંથી મુક્ત કરવા દલીલ કરે છે એ તક અને અપ્સરાઓ પણ શુકદેવ સાથે સંવાદ કરે છે. અને સંસારજીવનમાં પાછા ફરવાના પ્રલોભનો બતાવે છે એ તક. આમ સંવાદોથી આગળ વધતા આ ‘શુકદેવ આખ્યાન’માં વસ્તાની લગ્નથી દૂર રહેવાની જે વૃત્તિ હતી એને સમર્થન મળ્યું છે એવું માનીએ તો ખોટું નથી. પરંતુ સંન્યાસને સમર્થન આપતાં આ આખ્યાનમાં વસ્તાએ વ્યાસને પિતૃહૃદયને પણ સારી રીતે વ્યક્ત કર્યું છે. કુલ ૪૫ કડવામાં વહેંચાયેલા આ ‘શુકદેવ આખ્યાન’માં પહેલા અને બીજા કડવામાં ગણેશ અને સરસ્વતીની સ્તુતિ કરવમાં આવી છે. આગળ થઈ ગયેલા જ્ઞાની કવિજનના મોટા મર્મ જેવા મંત્રોને પાચવવા માગે છે એથી વસ્તો બાંહેધરી આપે છે. ત્રીજા કડવામાં આખ્યાન ક્યારે રચાયું તેની માહિતી મૂકે છે જેમાં એ આખ્યાન રચ્યા વર્ષ સંવત ૧૬૨૪ જણાવે છે. મહાભારતની કથા પ્રમાણે અભિમન્યુનો પુત્ર પરીક્ષિત અને પરીક્ષિતનો પુત્ર જનમેજય વૈશંપાયનને શુકદેવ વિશે પ્રશ્ન કરે છે અને એ પ્રશ્નના ઉત્તર સ્વરૂપે આ ઉપકથા મળે છે. મહાભારતમાં આવતી શુકના જન્મની કથાને વસ્તાએ સમય પ્રમાણે ફેરવી છે વ્યાસને સંતાન નહોતું તેથી તપ કરીને વૈકુંઠનાથ પાસે પુત્રની ઇચ્છા પ્રગટ કરે છે અને પૂર્વજન્મના અધૂરા તપે ભક્તિની ઇચ્છાથી લીલા સંકેલી લેનાર સુરસુકંદને વ્યાસને ત્યાં વૈકુંઠનાથ શુકદેવનો અવતાર આપે છે. બાર બાર વર્ષ સુધી ગર્ભમાં રહી માતાની કૂખથી શુકદેવ જન્મતા નથી ત્યારે શુકદેવ માના ગર્ભમાં રહે રહે પિતાને જણાવે છે કે, ‘હું ધરી બેઠો ધ્યાન / સંસાર સુખ દેખું નહીં, અહીં ભજુ ભગવાન’ વ્યાસ ગર્ભમાં રહેલા શુકદેવને ભાગવત સંભળાવે છે ત્યારે ગર્ભમાંથી શુકદેવ કહે છે કે કૃષ્ણને તેડી લાવો, ‘ઉદર સ્થાનક તો તજું’ કૃષ્ણ આવીને શુકદેવને પોતાના કષ્ટ વિષે જણાવે છે અને શુકદેવને ખાતરી આપે છે કે, ‘હું હૃદયમાં રહીશ / તને લોભ, મોહ, માયા ન પીડે સત્ય વચન સાંભળ’ છેવટે શુકદેવ જન્મીને નગ્ન દિગંબર દેહે વનમાં ચાલવા માંડે છે. વસ્તાએ માનો કલ્પાંત સરસ રજૂ કર્યો છે, જો હું જાતો જાણતી મારા આત્મા તણો આધાર જો / તો મંદિર કરાવી લોહતણું ભોગળ ભીડત બાર જો’ છેવટે પિતા વ્યાસ પોતે શુકદેવને વનમાં જઈને વિનવે છે. પિતા વ્યાસ અને પુત્ર શુકદેવ વચ્ચે ગૃહજીવનનો મહિમા અને સંન્યાસજીવનનો મહિમા રજૂ થાય છે. શુકદેવ ‘કાયા કાચી મૃત્યુ સાચું’ની વાતને આગળ ધરે છે. ૧૮ કડવાંઓમાં વ્યાસ અને શુકદેવ વચ્ચે સામસામે સંવાદ થયા પછી વ્યાસ ઇન્દ્ર પાસે જાય છે. ઇન્દ્ર અપ્સરાઓને શુકદેવ પાસે મોકલે છે. શુકદેવ અને અપ્સરાઓ વચ્ચે ફરી સંવાદ થાય છે અપ્સરાઓના ઘરમહિમાની સામે વેળુ પરના લીંપણ જેવો તારુણીમહિમા છે એવું કહીને છેવટે શુકદેવને વિનવે છે : ‘શુકદેવ પ્રદક્ષિણા કરે કરજોડી લાગે પાય / પુત્ર મુજને લેખવજો તમો સર્વ મારી માય.' પિતાનું હૃદય એક કડવામાં વસ્તાએ સરસ રીતે રજૂ કર્યું છે : ‘વ્યાસજી બોલ્યા સુણ શુક નાનડીઆજી તમને વાંછુ ખોળે ચડીઆજી / તમને જડિંગ ઘુઘરડા જડીયાજી, બાજુબંધ બાંધુ બેહુ બાંહેડિયાજી! પછી કહે છે : ‘તમ માતની આંખે આંસુ પડિયાજી, તમ વિયોગે તે અતિશય રડિયાજી' સાથે સાથે વ્યાસ પણ પોતાની વીતકકથા કહે છે ‘તમ પૂંઠળ અમો ડુંગર ચડિયાજી ડુંગર ડગલે અમો આખડિયાજી / તડકો લાગે સુએ લથડિયાજી રાન વગડામાં ઘણાં રડવડિયાજી'. આખરે પિતા વ્યાસ ગુરુ વિના જ્ઞાન નકામું છે કહી શુકદેવને રાજા જનક પાસે મોકલે છે અને શુકદેવ ‘જાણે વછુટેલું બાણ'ની જેમ જનક પાસે પહોંચે છે. મોટે ભાગે સંવાદમાં પથરાયેલા આ આખ્યાનમાં વસ્તાએ પોતાની સંસાર ભાવના અને સંન્યાસ ભાવનાને કથારૂપે મૂર્ત કરી છે અને સંન્યાસજીવનનો મહિમા ઉપસાવ્યો છે.