રચનાવલી/૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૬. અભિમન્યુઆખ્યાન (પ્રેમાનંદ)


હતો તો એ ગાગરિયો ભટ્ટ. ગાગર જેવી પિત્તળની માણ પર, આંગળીઓના વેઢા પરની વીંટીઓથી તાલ આપતા, અભિનય કરતા અને ગાન-પઠન કરતા માણભટ્ટોની જમાતનો એક. પોતાને કહેવડાવતો ભટ્ટ પ્રેમાનંદ. પણ રાતની વેળાએ થાકેલા પાકેલા શ્રમિક કે કૃષિ લોકસમુદાય આગળ મહાભારત, રામાયણ, ભાગવતની કથાઓને કે ભક્ત ચરિત્રોને ગુજરાતી આખ્યાનોમાં ઢાળતો બની બેઠો એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો આખ્યાનકાર શિરોમણિ, મધ્યકાળનો એકમાત્ર મહાકવિ. મહાકવિ પ્રેમાનંદ દ્વારા ગુજરાતી સાહિત્યે પહેલીવાર પોતાના કૌવતને પારખ્યું. ગુજરાતી ભાષાએ પહેલીવાર પોતાના સામર્થ્યનો અનુભવ કર્યો. પ્રેમાનંદે પુરાણું હતું એને નવલું કર્યું, દૂરનું હતું એને નજીકનું કર્યું, જે કાંઈ હાથમાં લીધું એને ગુજરાતી કર્યું, બધું પોતીકું પોતીકું લાગે એવો ભાષા અને સાહિત્યનો જાદુ એણે લોકસમુદાય સામે પાથર્યો. ગુજરાતી સાહિત્યે એની તોલે આવે એવા કવિની હજી રાહ જોવાની છે. પ્રેમાનંદે પોતે કાંઈ આખ્યાનનું સ્વરૂપ જન્માવ્યું નહોતું. એની પહેલા અનેકોએ આખ્યાનને ખેડેલું. આખ્યાનમાં માંડીને કથા કહેવા માટે એને કડવાઓમાં વહેંચી નાંખવામાં આવે છે. દરેક કડવામાં શરૂમાં મોઢિયું કે મુખબંધ હોય છે, જેમાં વાતનો પ્રવેશ થાય છે વચ્ચે ઢાળમાં વાત ખીલે છે અને અંતે વલણ કે ઊથલામાં વાતને સમેટી લેવામાં આવે છે અથવા પછીના કડવાની વાતનો અણસાર આપવામાં આવે છે. દેશી રાગોમાં ગવાતા આખ્યાનની શરૂમાં મંગલાચરણ દ્વારા સ્તુતિ અને આખ્યાનને અંતે ફલશ્રુતિ દ્વારા આખ્યાન શ્રવણનો મહિમા આવે છે. પ્રેમાનંદે ગુજરાતીમાં વિકસાવેલા આવા આખ્યાનને માનવભાવોના રસરૂપાન્તર દ્વારા ચરમસીમા ૫૨ પહોંચાડયું. પ્રેમાનંદ પહેલાં કે પછી આખ્યાનની એવી ઊંચાઈએ કોઈ પહોંચી શક્યું નથી. એમાં ય પ્રેમાનંદના આખ્યાનોમાં ‘નળાખ્યાન’ જે ઊંચાઈએ પહોંચ્યું છે તેવું બીજું કોઈ આખ્યાન પહોંચ્યું નથી. પ્રેમાનંદનું ‘સુદામા ચરિત્ર’, ‘કુંવરબાઈનું મામેરું’ કે ‘રણયજ્ઞ’ પણ એટલાં જ જાજરમાન છે. પ્રેમાનંદની શરૂની કારકિર્દીનું ‘અભિમન્યુ આખ્યાન’ પણ એની ઊગતી પ્રતિભાને બરાબર પ્રગટાવે છે. ‘અભિમન્યુ આખ્યાન’ મહાભારતની કથા કરતાં લોકપરંપરામાં પ્રચલિત અભિમન્યુની કથાને વધુ અનુસરે છે. એટલું જ નહિ પણ જ્યાં પ્રસંગ પડ્યો છે ત્યાં ત્યાં લોકજીવનના પ્રસંગોનો તત્કાલીન ગુજરાતી સમાજની કેટલીક રૂઢિઓનો પ્રેમાનંદે આખ્યાનને બહેલાવવામાં ઉપયોગ કર્યો છે. પ્રેમાનંદના ‘અભિમન્યુ આખ્યાન’નું કથાનક આવું છે : પહેલાં હયદાનવ અને પછી એનો પુત્ર અહિલોચન કૃષ્ણને હાથે અવગત થાય છે. અકસ્માતે અહિલોચનનો જીવ કૃષ્ણની સગર્ભા બહેન સુભદ્રાના ગર્ભમાં પ્રવેશે છે. ન જન્મીને સુભદ્રાને પીડતા અહિલોચનના અવતાર અભિમન્યુને ચક્રવ્યૂહ યુદ્ધના છ કોઠા શીખવી કૃષ્ણ એને સાતમા કોઠાની લાલચમાં - બહાર આવવાની ફરજ પાડે છે. કૃષ્ણનું ભાણેજ સાથે વેર બંધાય છે. આ પછી પાંડવોના બધા પ્રયત્નો નિષ્ફળ જતાં કૌરવો સામે કુરુક્ષેત્રયુદ્ધ મંડાતા અર્જુનની ગેરહાજરીમાં યુવાન અભિમન્યુ ચક્રયુદ્ધની જવાબદારી લે છે. છઠ્ઠા કોઠાની આગળનું જ્ઞાન અભિમન્યુ પાસે ન હોવાથી સાતમો કોઠો તોડવા ભીમ તૈયાર છે. કુંતા અભિમન્યુને અમરત્વની રાખડી બાંધે છે. પણ કૃષ્ણ કપટથી રાખડી છોડાવી નાખે છે. યુદ્ધભૂમિ તરફ જતા અભિમન્યુ સાથે માતા સુભદ્રાએ આણે તેડાવેલી પત્ની ઉત્તરાનું મિલન થાય છે અને અભિમન્યુ એની સાથેના સહયોગ પછી યુદ્ધમાં પ્રયાણ કરે છે. યુદ્ધમાં એ એના શૌર્યથી દ્રોણ, કર્ણ, શલ્ય, જયદ્રથ, દુઃશાસન વગેરે પરાસ્ત કરતો કોઠા જીતતો આવે છે. પણ અંતે છ મહારથીઓ એકઠા થઈ નિઃસહાય અભિમન્યુને હણી નાંખે છે. અભિમન્યુને એકલો પાડવામાં જયદ્રથનું કપટ હોવાથી અભિમન્યુનો પિતા અર્જુન છેવટે જયદ્રથનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી, કૃષ્ણની સહાયથી જયદ્રથનો વધ કરે છે. ‘અભિમન્યુ આખ્યાન’માં ઘણાં કડવાં યુદ્ધ વર્ણનમાં રોકાયેલાં છે. પ્રેમાનંદે જોમભરી ભાષામાં એની કલ્પનાપૂર્ણ રજૂઆત કરી છે. : ‘ટોપ ટટાર ને સન્ન બન્નર, પાખર ત્યાં કપાતી । શ્યામ રુધિરની નદી ભયાનક ખળકે વહેતી જાતી / કુંજરનાં મસ્તક કાચબા સરખાં, મીન વીરલોચન / ભડની ભૂજા ભુજંગ સરખી, મગર માથા વિનાનાં તન / શેવાળ વાળ વીરશિરના, છોળ રુધિરના છાંટા / પડે પ્રાક્રમી અમળાઈ પાગે, ભરાય આંતરડાના આંટા’ અભિમન્યુને અસહાય કરતું છ મહારથીઓના કપટકૃત્યનું નિરૂપણ પણ સંક્ષિપ્ત છતાં સચોટ છે. અહિલોચનને પેટીમાં પૂર્યા પછીની એની ધમપછાડનું અતિશયોક્તિપૂર્ણ વર્ણન પણ નોંધપાત્ર છે : ‘પાદપ્રહારે પેટી ઊછળી, આકાશે જઈ આફળી | ચળ્યો ચન્દ્ર ને સૂર્ય નાઠો ઊડુગણ તે ઊંચા ગયા | અપર સર્વે સ્થાનક મૂક્યા, ભયભીત બ્રહ્માજી થયા, ધરા ઉપર પડી પેટી, ખળભળ્યું પાતાળ ‘ અહિલોચનને પેટીમાં પૂરી મારી નાખ્યા બાદ સુભદ્રાને સુપ્રત કરેલી પેટી અંગેના કૃષ્ણની રાણીઓના કૂતુહલને પણ પ્રેમાનંદે નાટ્યાત્મક રીતે ઉપસાવ્યું છે. કૃષ્ણ અહિલોચનના અવતાર જેવા અભિમન્યુને તેડે છે ત્યા૨ની અભિમન્યુની વ્યંગ ઉક્તિ પણ જોવા જેવી છે : ‘કુંવર કહે રે કૃષ્ણજી તમે ચલાવ્યો છે પંથ / કંસ મામો મારિયો, ભાણેજ થઈ ભગવંત / તમો કીધું તે અમો કરવું રખે મૂકો વીલો / અમો કંઈ લોપું નહિ મામા! તમારો ચીલો ‘- ઉત્તરાને વહેલામાં વહેલી તકે તેડી લાવનાર અસવારોની હોડને પ્રેમાનંદે ખાસ્સી નાટકી બનાવી છે. ઉત્તરાની યુદ્ધમાં ન જવાની વિનંતીનો વીર અભિમન્યુ જે શબ્દોમાં અસ્વીકાર કરે છે તે જુઓ : ‘મિથ્યા કરતી અભિલેખા, નહિ ટળે કરમની રેખા / ફરી પેસે કુંજરના દંત, તો યે રણ ન મૂકે બળવંત / શરીર થાય જો ચૂરાચૂર તો ય રણ ન મૂકે શૂર' યુદ્ધમાં ઘવાયેલા અભિમન્યુનું ચિત્ર પ્રેમાનંદે એક પંક્તિમાં આંક્યું છે : ‘પલાશ ફૂલ્યો ફાગણ માસે એવી દિસે દેહ’ તો ‘ભાંગ્યો ચંપાનો છોડ’ જેવી ઉક્તિમાં અભિમન્યુના વયની અને અંતની નાજુકતા બરાબર ઝિલાયેલી છે. ઉત્તરાને આવતાં ખરાબ સ્વપ્નાઓને, સીમન્ત વિધિને કે લગ્નવિધિને બહેલાવવાની તક પ્રેમાનંદે છોડી નથી. કૃષ્ણના કપટને, પ્રગટાવવાની તક પણ છોડી નથી. આખ્યાનમાં કૃષ્ણનું કપટ પ્રસંગોને આગળ ધકેલે છે અને લોકમાનસને જકડી રાખે છે. પ્રેમાનંદનો એક હાથ જો એની કલમ પર રહ્યો છે તો પ્રેમાનંદનો બીજો હાથ લોકસમુદાયની નાડ પર રહ્યો છે.