રવીન્દ્રપર્વ/૧૧૧. કે આમારે યેન એનેછે ડાકિયા

૧૧૧. કે આમારે યેન એનેછે ડાકિયા

કોઈક મને જાણે બોલાવી લાવ્યું છે. હું અહીં ભૂલથી આવી ચડ્યો છું. તોય એક વાર આંખ માંડીને મારા મુખ ભણી જો. જોઉં તો ખરો કે એ આંખોમાં એક ક્ષણને માટે પણ એ દિવસની છાયા પડે છે કે નથી પડતી, સજળ આવેગે આંખની પલકો ઢળી જાય છે ખરી? ક્ષણને માટે જ મારી ભૂલ ભંગાવીશ નહીં, હું અહીં ભૂલથી આવ્યો છું. મને વ્યથા દઈને ક્યારે વાત કરી હતી તે યાદ આવતું નથી. દૂરથી જ ક્યારે પાછી ફરી ગઈ હતી તે પણ સ્મરણમાં નથી. માત્ર યાદ છે હસું હસું થઈ રહેલું મુખ. લજ્જાને કારણે ખંચકાતાં ખંચકાતાં બોલાયેલી એ પ્રેમભરી વાણી. મને યાદ આવે છે એ આંખોને કાંઠે છલકાતું હૃદય. તું આ બધું ભૂલી ગઈ છે એ તો હું જ ભૂલી ગયો છું. તેથી જ તો અહીં ભૂલથી આવી ચઢ્યો છું. આ વનનાં ફૂલ, એઓ તો ભૂલ્યાં નથી. આપણે જ ભૂલી જઈએ છીએ. આ જોને પાંદડે પાંદડે કામિની ખીલી ઊઠી છે. ચંપો કોણ જાણે ક્યાંથી અરુણના કિરણને કોમળ બનાવીને અહીં પકડી લાવ્યો છે. બકુલ કોઈકના વાળની લટમાં મરવાનું ઝંખે છે. કોઈ ભૂલે છે ને કોઈ ભૂલતું નથી તેથી અહીં ભૂલથી આવી ચઢ્યો છું. આમ તો આ માધવી રાત શી રીતે વીતશે? આ દક્ષિણનો પવન વાઈ રહ્યો છે, પાસે સાથી સંગાથી કોઈ નથી. ચારે તરફથી બંસી સંભળાય છે. જે લોકો સુખમાં છે તેઓ ગીત ગાય છે — વ્યાકુળ પવન, મદિર સુવાસ, ખીલેલાં ફૂલો ભૂલથી આવી ચઢ્યાં પછી પણ શું કોઈ આંસુભરી આંખે નહીં જુએ? (ગીત-પંચશતી)