રવીન્દ્રપર્વ/૧૧૩. કે એસે યાય ફિરે ફિરે

૧૧૩. કે એસે યાય ફિરે ફિરે

કોણ વ્યાકુળ આંસુ સારીને આવી આવીને પાછું જાય છે? કોણ મિથ્યા આશાથી મારા મુખને જોઈ રહ્યું છે? એ તો મારી જનની. કોની અમૃતમય વાણી અનાદરનું ભાન થતાં વિલાઈ જાય છે? કોની ભાષા બધાં ભૂલવા ઇચ્છે છે? એ તો મારી જનની. ક્ષણેક એનો સ્નેહભર્યો ખોળો છોડ્યા પછી હું એને ઓળખી શકતો નથી, કોનાં પોતાનાં જ સંતાન અપમાન કરે છે? એ તો મારી જનની. પુણ્ય કુટીરમાં વિષાદભરી કોણ થાળ પીરસીને બેઠી છે? એ સ્નેહનો ઉપહાર હવે મોઢામાં રુચતો નથી. એ કોણ? એ તો મારી જનની. (ગીત-પંચશતી)