રવીન્દ્રપર્વ/૧૧૮. કેન પાંથ, એ ચંચલતા

૧૧૮. કેન પાંથ, એ ચંચલતા

હે પથિક, આટલી ચંચળતા શાને? કયા શૂન્યમાંથી તને કોના ખબર મળ્યા છે? નયન કોની પ્રતીક્ષામાં રત છે? વિદાયના વિષાદથી ઉદાસ જેવા ઘન કુન્તલનો ભાર લલાટ પર ઝૂકેલો છે. થાકેલી વિદ્યુતવધૂ તન્દ્રામાં પડી છે. પુષ્પરેણુથી છવાયેલા કદમ્બવનમાં મર્મરથી મુખરિત મૃદુ પવનમાં વર્ષાના હર્ષથી ભરી ધરણીની વિરહથી શંકિત કરુણ કથા (બજી રહી છે). ધીરજ ધર, ધીરજ ધર, તારા કણ્ઠમાંની વરમાળા મ્લાન થઈ નથી — હજી મ્લાન થઈ નથી. પુષ્પની સુગન્ધ અર્પણ કરનારી વેદનસુન્દર માલતી તારે ચરણે નમેલી છે. (ગીત-પંચશતી)