રવીન્દ્રપર્વ/૧૪૮. તપોવન

૧૪૮. તપોવન

મનશ્ચક્ષુ જુએ જ્યારે ભારત પ્રાચીન
પૂર્વ ને પશ્ચિમથી તે ઉત્તર દક્ષિણ
મહારણ્ય દેખા દેય મહાચ્છાયા સાથે
રાજા રાજ્યઅભિમાન મૂકી રાજપૂરે,
અશ્વ રથ દૂરે બાંધી જાય નતશિરે
ગુરુની મન્ત્રણા કાજે સ્રોતસ્વિનીતીરે
મહષિર્ બેઠા છે યોગાસને, શિષ્યગણ
બેસી તરુચ્છાયે કરે તત્ત્વ-અધ્યયન
પ્રશાન્ત પ્રભાતાનિલે, ઋષિકન્યા સર્વે
પેલવ યૌવન બાંધી પરુષ વલ્કલે
આલવાલેે કરે છે સલિલસિંચન.
પ્રવેશે છે વનદ્વારે ત્યજી સિંહાસન
મુકુટવિહીન રાજા પક્વકેશજાલે
ત્યાગનો મહિમાજ્યોતિ ધરી સૌમ્ય ભાલે.
(ચૈતાલિ)