રવીન્દ્રપર્વ/૧૫૦. સૂરલોકે નૃત્યના ઉત્સવે

૧૫૦. સૂરલોકે નૃત્યના ઉત્સવે

સૂરલોકે નૃત્યના ઉત્સવે
ક્ષણભર
ક્લાન્ત ઉર્વશીનો
તાલભંગ થાય કદી
દેવરાજ નહીં કરે માફ.
પૂવાજિર્ત કીર્તિ એની
અભિસમ્પાતની તળે થાય નિર્વાસિત.
આકસ્મિક ત્રુટિ નહિ ચલાવી લે કદી સ્વર્ગ.
માનવની સભામહીં
સ્વર્ગતણો એ જ ન્યાય રહે છે જાગ્રત.
તેથી મારી કાવ્યકલા રહે છે કુણ્ઠિત
તાપતપ્ત દિનાન્તના અવસાદે;
રખે દોષ કરી બેસું શૈથિલ્યથી પદક્ષેપતાલે!
ખ્યાતિમુક્ત વાણી મમ
મહેન્દ્રના ચરણમાં કરી સમર્પણ
ચાલી જઈ શકું જો હું નિરાસક્ત મને
વૈરાગી એ સૂર્યાસ્તના ગેરુઆ પ્રકાશે
તો તો કેવું સારું!
નિર્મળ ભવિષ્ય, જાણું, અજાણતાં દસ્યુવૃત્તિ કરે
કીર્તિના સંચયે, —
આજે એને કાજે બનો પ્રથમ આ સૂચના.