રવીન્દ્રપર્વ/૧૬૭. શંખ

Revision as of 08:55, 5 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૬૭. શંખ| }} {{Poem2Open}} તમારો શંખ ધૂળમાં પડેલો છે એ કેમ કરી મારાથી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૬૭. શંખ

તમારો શંખ ધૂળમાં પડેલો છે એ કેમ કરી મારાથી સહ્યું જાય! પવનને પ્રકાશ મરી પરવાર્યાં, અરે આ તે કેવું દુર્દૈવ? કોને લડવું છે? ધ્વજ લઈને આવ! જેની પાસે ગીત હોય તે ગાઈ ઊઠે ને? જેને ચાલી નીકળવું હોય તે દોડી આવો, અરે નિ:શંક બનીને આવો ને! પણે અભયશંખ ધૂળમાં પડ્યો પડ્યો જોઈ રહ્યો છે. ફૂલનો અર્ઘ્ય સજાવીને પૂજાગૃહે જવા નીકળ્યો હતો. આખા દિવસને અન્તે શાન્તિસ્વર્ગ ક્યાં છે તે શોધી રહ્યો હતો. મને એમ હતું કે આ વખતે મારા હૃદયના ઘા જતા રહેશે, બધાં મલિન ચિહ્નોને ધોઈને હું નિષ્કલંક બનીશ. રસ્તે જોઉં છું તો તમારો મહાશંખ ધૂળમાં પડ્યો છે. આ શું આરતીનો દીપ પેટાવ્યો છે? શું આ જ મારી સન્ધ્યા? રાતા જાસૂદની માળા ગૂંથું? અરે, રજનીગન્ધા! મનમાં હતું જે ઝૂઝવા કરવાનું પતાવીને વિરામને શોધીને પામીશ. ઋણની પૂંજી ચૂકવી દઈને તમારા ખોળામાં આશ્રય લઈશ. એવે વખતે તમારા નીરવ શંખે હાકલ કરી. તો યૌવનના જ પારસમણિનો સ્પર્શ કરાવો. દીપકના સૂરથી દીપ્ત પ્રાણનો હર્ષ ધ્વનિત થઈ ઊઠો. રાત્રિના વક્ષને વિદારીને ઉદ્બોધનથી આકાશને ભરી દઈને અન્ધ દિગ્દિગન્તરમાં ભય જગાડો ને! આજે બંને હાથે તમારો જયશંખ ઉપાડી લઈશ. જાણું છું, જાણું છું જે હવે મારી આંખમાં તન્દ્રા રહેશે નહિ. જાણું છું જે શ્રાવણની ધારાના જેવાં બાણ છાતીમાં વાગશે. કોઈ દોડતું પાસે આવશે, કોઈ દીર્ઘ શ્વાસે રડશે. દુ:સ્વપ્નમાં સુપ્તિનો પલંગ ભયથી કંપી ઊઠશે. આજે મહોલ્લામાં તમારો મહાશંખ બજી ઊઠશે. તમારી પાસે આરામ ઇચ્છીને કેવળ લજ્જા પામ્યો. હવે આખા અંગને આવરીને રણવેશ પહેરાવો. ભલે નવા નવા આઘાત આવો — આઘાત ખાવા છતાં અચલ રહીશ. મારી છાતીમાં દુ:ખમાં તમારો જયડંકો બજી રહેશે. હું મારી બધી શક્તિ દઈશ, તમારો અભયશંખ લઈશ. (બલાકા)
(એકોત્તરશતી)