રવીન્દ્રપર્વ/૨૦૩. રૂપકાર અને ચૂપકાર


૨૦૩. રૂપકાર અને ચૂપકાર

મારું મન સ્વભાવથી જ નદીની ધારાના જેવું છે, એનું ચાલવું અને બોલવું એક સાથે જ. મૂકની જેમ એ અવાક્ બનીને વહી શકે નહીં. એ કાંઈ સારી આદત નહીં કહેવાય, કારણ કે ભૂંસી નાખવા જેવી વાતનેય લખી કાઢવાથી એને સહેજ સ્થાયિત્વ આપવા જેવું થાય; જેને ટકી રહેવાનો અધિકાર નહિ તેય ટકી રહેવાને માટે લડવા તૈયાર થઈ જાય. પ્રકૃતિએ જેમને જીવવાનો પરવાનો આપીને મોકલ્યા નથી તેવા ઘણાય માણસો દાક્તરી વિદ્યાની ઉન્નતિના પ્રતાપે નકામા જીવ્યે જાય છે. એઓ જીવલોકના અન્નનો ધ્વંસ કરે છે. આપણા મનમાં ગમે ત્યારે જે કાંઈ ઊગી આવે તેને દાખલ થવાનો પરવાનો આપવો કે નહિ તેનો વિચાર સરખો મનમાં લાવ્યા વિના જો લેખનરાજ્યમાં એને દાખલ થઈ જવા દઈએ તો એ ભારે ગોટાળો ઊભો કરી શકે. જે વાત અલ્પજીવી હોય તેને લાંબું આયુષ્ય આપવાની શક્તિ સાહિત્યકારની કલમમાં છે, તેથી સાહિત્યને ખાસ નુકસાન નહીં થતું હોય, પણ લોકવ્યવહારમાં તો નુકસાન થાય છે જ. વિચાર ઉદ્ભવે કે તરત જ હું એને આકાર આપી દઉં છું. બધી જ વખતે એથી કશું અનુચિત થાય છે એમ તો નહીં કહેવાય, પણ જીવનયાત્રામાં ડગલે ડગલે રૂપ આપ્યે જતા રૂપકારનાં કરતાં ચૂપ રહેનાર ‘ચૂપકાર‘ વધારે સારો. હું પોતે પ્રગલ્ભ છું, પણ જેઓ ચૂપ રહી જાણે છે તેમને માટે મને માન છે. જે મન સહેજ સહેજમાં ઘાંટા પાડી પાડીને વાત કહેવા બેસી જાય છે તેને હું આજના અહીંના નિર્મળ આકાશ નીચે વૃક્ષની છાયામાં બેસીને ચૂપ રાખવાનો પ્રયત્ન કરી રહ્યો છું. એ મૌનમાંથી શાન્તિ પ્રાપ્ત થાય, સત્યને પણ પામી શકાય, પ્રત્યેક નૂતન અવસ્થાની સાથે જીવનનો મેળ બેસાડવા જતાં ઘણી જગ્યાએ આઘાત સહેવા પડે છે, તે સમય પૂરતા તે આઘાત પ્રચણ્ડ લાગે છે. બાળક નવું નવું ચાલતાં શીખે તે પડે આખડે તે જોઈને જો આપણે આહાઉહુ કરવા બેસીએ તો બાળકને રડાવી મૂકીએ, જેનામાં બુદ્ધિ હોય તે એવે વખતે ચૂપ રહે. કારણ બધું જ યાદ રાખવામાં મનની શ્રેષ્ઠ શક્તિનો પરિચય થાય છે એવું નથી, ભૂલી જવા જેવી વસ્તુને ભુલાવી દેવામાંય એની શક્તિનો જ પરિચય થાય છે.