રવીન્દ્રપર્વ/૨૧૩. નકામી વાત!


૨૧૩. નકામી વાત!

બીજા ખરચના કરતાં નકામા ખરચથી જ માણસને સાચી રીતે ઓળખી શકાય. કારણ કે માણસ વ્યય કરે નિયત નિયમ પ્રમાણે, અપવ્યય કરે સ્વેચ્છાએ. જેવું નકામા ખરચનું તેવું જ નકામી વાતનું. નકામી વાતમાં જ માણસ પોતાને પ્રકટ કરે. ઉપદેશની વાત જે રસ્તે થઈને ચાલે છે તે રસ્તો તો મનુના વખતથી પાકો બાંધેલો છે. કામની વાત જે રસ્તા પરથી પોતાની બળદગાડી હંકારી જાય છે તે રસ્તો કામગરા લોકોનાં પગલાં પડવાથી તૃણપુષ્પ વિનાનો થઈ ગયો છે. નકામી વાત તો પોતાની આગવી રીતે જ કહેવી પડે. આથી જ ચાણક્યના વ્યક્તિવિશેષને બિલકુલ ચૂપ રહેવાના કઠોર વિધાનમાં થોડો ફેરફાર કરી શકાય. મારા મતે ચાણક્યે વર્ણવેલા એ સજ્જન જ્યાં સુધી ઊંચી ઊંચી વાતો કરે, વહ્યે જતા કાળે પરીક્ષેલા સર્વજનવિદિત સત્યની ઘોષણામાં પ્રવૃત્ત રહે ત્યાં સુધી જ શોભે; પણ સાદીસીધી વાત પોતાની ભાષામાં જ્યાં એ કહેવા બેઠા ત્યાં આફત ઊભી થઈ જ જાણવી! જે લોકો કાંઈ ખાસ વાત કહેવાની ન હોય તો કશું બોલી જ ન શકે. જે લોકો બોલે તો વેદવાક્ય નહીં તો ચૂપ જ રહે. તેવાની કુટુમ્બિતા, તેવાનું સાહચર્ય, તેવાનો પડોશ હે ચતુરાનન, શિરસિ મા લિખ, મા લિખ, મા લિખ. પૃથ્વીમાં બધી જ વસ્તુઓ પ્રકાશધર્મી હોતી નથી. કોલસો દેવતા ન હોય તો સળગી ન શકે. સ્ફટિક કારણ વિનાય ઝગમગ્યા કરે. કોલસાથી મોટાં મોટાં કારખાનાં ચાલે, સ્ફટિકનો હાર ગૂંથીને પ્રિયજનના ક્ણ્ઠમાં પહેરાવીએ. કોલસો આવશ્યક, સ્ફટિક મૂલ્યવાન. દરેક દુર્લભ માણસ આ સ્ફટિકની જેમ કારણ વિના ઝગમગ્યા કરતો હોય છે. એ સહજ જ પોતાને પ્રગટ કરી શકે, એને કશા ખાસ ઉપલક્ષ્યની જરૂર નહીં રહે. એની પાસેથી કશું પ્રયોજન સિદ્ધ કરવાની ગરજ કોઈને હોય નહીં; એ અનાયાસે જ દેદીપ્યમાન બની રહે. એને જોવામાત્રથી જ આનન્દ થાય. માણસ પ્રકાશને એટલો તો ચાહે, આલોક એને એટલો તો પ્રિય, કે આવશ્યકનું પણ વિસર્જન કરી દઈને, પેટ માટેનાં અન્નને પણ હડસેલી દઈને એ ઉજ્જ્વળતાને માટે લાલાયિત થઈ ઊઠે. માણસનો આ ગુણ જોતાં એ પતંગિયાઓમાં શ્રેષ્ઠ છે એ વિશે કશો સન્દેહ રહેતો નથી. ઉજ્જ્વળ ચક્ષુ જોઈને જે જાતિ અકારણ પ્રાણ દઈ શકે તેનો પરિચય આથી વધારે વિસ્તારથી આપવાનું ભાગ્યે જ જરૂરી હોય. પણ બધા જ પતંગિયાની પાંખ લઈને જન્મતા નથી. જ્યોતિનો મોહ બધાને હોતો નથી. ઘણા શુદ્ધિમાન હોય છે. વિવેચક હોય છે. ગુફા જોઈને એઓ એના ઊંડાણને તાગવાનો પ્રયત્ન કરે છે. પણ પ્રકાશ જોઈને ઉપર ઊડવાનો વ્યર્થ ઉદ્યમ સરખો કરતા નથી. કાવ્ય જોઈને એઓ પ્રશ્ન પૂછે: આમાં આપણને લાભ થાય એવી વસ્તુ શી છે? વાર્તા સાંભળીને એની અષ્ટાદશસંહિતા સાથે સરખામણી કરી, એ સમ્બન્ધમાં ઊંડી ગવેષણા કરી, વિશુદ્ધ ધર્મના મતાનુસાર એને વખોડી કાઢવા, અથવા તો વાહવા કરવા તૈયાર થઈ જાય છે. જે અકારણ, જે અનાવશ્યક તે, એમને મન, કશા લાભનું નહીં. જેઓ પ્રકાશના ઉપાસક છે તેઓ આ સમ્પ્રદાય પ્રત્યે અનુરાગ પ્રકટ કરતા નથી. તેઓ એમનાં જે નામો પાડે છે તેને હું અનુમોદન નહીં આપું. વરરુચિએ એમને અરસિક કહ્યા છે. મારે મતે એઓ છે રુચિગહિર્ત. હું એમને વિશે જે માનું છું તે મનમાં જ રાખું છું. પણ પ્રાચીન સમયના લોકો જરા સાચવી લઈને બોલતા નહોતા, તેનો એક દાખલો એક સંસ્કૃત શ્લોકમાં મળી આવે છે. એમાં કહ્યું છે: સિંહના નખથી પાડેલું એક ગજમોતી વનમાં પડ્યું હતું. કોઈ ભીલડીએ દૂરથી એને જોયું, અને દોડીને લઈ લીધું. એને હાથમાં ફેરવીફેરવીને જોતાં એ પાકું બોર હોય એવું લાગ્યું નહીં : એ તો માત્ર મોતી હતું. એટલે એણે એને ફગાવી દીધું. એટલું તો અહીં સ્પષ્ટ જ છે કે જે લોકો વસ્તુની ઉપયોગિતાની ચર્ચા કરીને એનું મૂલ્ય નક્કી કરે છે, માત્ર સૌન્દર્ય અને ઉજ્જ્વળતાનો વિકાસ જેમને લેશ પણ વિચલિત કરી શકતો નથી, તેવા લોકોની કવિએ ભીલડી સાથે તુલના કરી છે. મારે મતે કવિ એ વિશે જો ચૂપ જ રહ્યા હોત તો ઠીક થાત, કારણ કે એઓ ક્ષમતાશાળી લોકો છે, ને ખાસ કરીને તો ન્યાય કરવાનો ભાર ઘણુંખરું એમને જ માથે હોય છે. એઓ ગુરુમહાશયનું કામ કરતા હોય છે. જેઓ સરસ્વતીના કાવ્યકમલવનમાં વાસ કરે છે તેઓ તટ પરના વેત્રવનવાસીઓને ઉદ્વેજિત નહીં કરે એ જ મારી પ્રાર્થના છે. સાચા અર્થમાં જેને નકામી કહી શકાય એવી સાહિત્યિક રચનાઓ કોઈ ખાસ વાત કહેવાની ધૃષ્ટતા કરતી નથી. સંસ્કૃત સાહિત્યમાં મેઘદૂત એનું ઉજ્જ્વળ દૃષ્ટાન્ત છે. એ ધર્મની કથા નથી, કર્મની કથા નથી. પુરાણ નથી, ઇતિહાસ નથી. જે અવસ્થામાં મનુષ્યનો ચેતનઅચેતનનો વિવેક લુપ્ત થઈ જાય છે તે અવસ્થાનો એ પ્રલાપ છે. એને બદરીફળ માનીને પેટ ભરવાની આશાએ ઊંચકી લેનાર બીજી જ ઘડીએ એને ફેંકી દેશે. એમાં ઉપયોગિતાની વાત જ નથી, એ તો ઘાટીલું મોતી છે. જેના પર વિરહીના વિદીર્ણ હૃદયનાં રક્તચિહ્ન સહેજ લાગેલાં છે. પણ એ રક્તચિહ્નોને લૂછી નાખશો તોય એનું મૂલ્ય ઓછું થવાનું નથી. એનો બીજો કશો ઉદ્દેશ નથી એટલે જ એ કાવ્ય આટલું સ્વચ્છ, આટલું ઉજ્જ્વળ છે. એ માયાનૌકા કલ્પનાની હવા લાગતાં એના સજલમેઘના બનેલા સઢ ફૂલી ઊઠે છે ને એક વિરહી હૃદયની કામનાને વહી લઈને એ અવિરત વેગે એક નિરતિશય સુન્દર નિરુદ્દેશના ભણી ચાલી નીકળે છે. બીજો કશો બોજો એમાં લાદેલો હોતો નથી. મેઘદૂત ટેનિસને જે idle tears — અકારણ અશ્રુબિન્દુ — ની વાત કરી છે તેવા મિથ્યા અશ્રુજલનું જ કાવ્ય છે. આ સાંભળીને ઘણા મારી સાથે જીભાજોડી કરવા તૈયાર થઈ જશે. ઘણા કહેશે: યક્ષ તો પ્રભુના શાપથી એની પે્રયસીથી વિચ્છિન્ન થયો છે, તો પછી મેઘદૂતની અશ્રુધારાને અકારણ શા માટે કહો છો? દલીલ કરવાની મારી ઇચ્છા નથી, આવી બધી વાતોેનો મારે કશો ઉત્તર આપવો નથી. હું ભાર દઈને કહી શકું છું કે આ યક્ષનું નિર્વાસન વગેરે ઘટના બધી જ કાલિદાસની બનાવટ છે, કાવ્ય રચવાનું એ એક નિમિત્ત માત્ર છે. એની પાલખ બાંધીને કાલિદાસે એ ઇમારત ચણી છે; આજે આપણે એ પાલખને દૂર કરી દઈ શકીએ છીએ. મૂળ વાત તો એ છે કે ‘રમ્યાણિ વીક્ષ્ય મધુરાંશ્ચ નિશમ્ય શબ્દાન્્’ મન અકારણ વિરહે વ્યાકુળ થઈ ઊઠે છે, કાલિદાસે અન્યત્ર આ વાતને સ્વીકારી છે. આષાઢના પ્રથમ દિવસે એકાએક ઘનઘોર વાદળની ઘટા જોઈને આપણા મનમાં સૃષ્ટિની બહારનો વિરહ જાગી ઊઠે છે, મેઘદૂત એ અકારણ વિરહનો અમૂલક પ્રલાપ છે. એમ જો ન હોત તો વિરહીએ મેઘને છોડીને વિદ્યુતને દૂતી તરીકે મોકલી હોત તો પૂર્વમેઘ આમ ઠેકાણે ઠેકાણે બેસતો, ઊઠતો, ઘૂમતો, ફરતો, જૂઈના વનને પ્રફુલ્લ કરતો, જનપદવધૂની ઉત્ક્ષિપ્ત દૃષ્ટિના કૃષ્ણ કટાક્ષપાતને લૂંટતો જાત નહીં. કાવ્ય વાંચતી વેળાએ જો આવકજાવકનો ચોપડો ખુલ્લો રાખવો પડતો હોય, શું પામ્યા તેનો રોકડો હિસાબ ચૂકવી દેવાનો હોય, તોય હું એકરાર કરીશ કે મેઘદૂતમાંથી એક તથ્યને પામીને હું વિસ્મયથી પુલકિત થઈ ઊઠ્યો છું. એ તથ્ય તે આ, જે ત્યારેય માનવ હતો, ને ત્યારેય આષાઢનો પ્રથમ દિવસ નિયમાનુસાર આવતો હતો. પણ અસહિષ્ણુ વરરુચિએ જેમને માટે અશિષ્ટ વિશેષણોનો પ્રયોગ કર્યો છે તેઓ આ પ્રકારના લાભને લાભ ગણશે ખરા? એથી શું જ્ઞાનનો વિસ્તાર થાય છે? દેશની ઉન્નતિ થાય છે? ચારિત્ર્યની સંશુદ્વિ થાય છે? આથી જે અકારણ, જે અનાવશ્યક, તેનો રસ હે ચતુરાનન, કાવ્યના રસિકો માટે જ ભલે ઢંકાયેલો રહો, જે આવશ્યક, જે હિતકર, તેની ઘોષણા કદી ન થંભો, તેના ખરીદનારની કદી ખોટ ન પડો. (બંગદર્શન, માર્ચ ૧૯૦૨)
(રવીન્દ્ર નિબંધમાલા ૨)